જ્ઞાનવાપી અને બાબરી મસ્જિદ વચ્ચે સરખામણી કેટલી યોગ્ય?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસ જિલ્લા કોર્ટને ટ્રાન્સફર કરી દીધો છે. ઉત્તર પ્રદેશની ન્યાયિક સેવાના વરિષ્ઠ અને અનુભવી ન્યાયાધીશો આ કેસ સાંભળે એવો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે આ દીવાની કેસની ગંભીરતાને જોતાં તેને વારાણસી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA
એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે ગેરકાયદેસર છે અને તેને અયોધ્યામાં બાબરી મસ્જિદ જેવું જ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
ઔવેસીએ અગાઉ પણ આ અંગે એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટની સાથે તેમણે પોતાના 2019ના નિવેદનની ક્લિપ પણ જોડી છે. તેમણે આ નિવેદન અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આપ્યું હતું.
પોતાના નિવેદનમાં ઓવૈસીએ આશંકા વ્યક્ત કરી હતી કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર જ્ઞાનવાપી, મથુરા અને દેશની અન્ય મસ્જિદો પર પણ પડશે.
ઓવૈસીએ પોતાના નિવેદન દ્વારા લોકોને તેમની યાદ તાજી કરવા વિનંતી કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં બોલકા મુસ્લિમ અવાજો પૈકીનો એક અવાજ અસદુદ્દીન ઓવૈસીનો છે. તેઓ લોકસભાના સાંસદ પણ છે અને આ અર્થમાં બંધારણીય પદ ધરાવે છે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું જ્ઞાનવાપી મસ્જિદ કેસ પણ બાબરી મસ્જિદની તર્જ પર ચાલી રહ્યો છે. શું બંને કેસની સરખામણી યોગ્ય છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રશ્નનો જવાબ શોધવા માટે, બીબીસીએ 80 અને 90ના દાયકાના પત્રકારો સાથે વાત કરી જેમણે ઉત્તર પ્રદેશ અને કેન્દ્રની રાજનીતિને નજીકથી જોઈ છે અને આજે જ્ઞાનવાપી મસ્જિદના મામલાને પણ જોઈ રહ્યા છે.

કૉંગ્રેસ અને ભાજપ સરકાર વચ્ચેનો તફાવત

ઇમેજ સ્રોત, Getty Images
"અયોધ્યા વિવાદ: એક પત્રકારની ડાયરી"ના લેખક અરવિંદકુમાર સિંહ તેમાંના એક છે.
તેઓ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે બાબરી મસ્જિદ પ્રકરણ અને જ્ઞાનવાપી મસ્જિદ કેસ બંનેમાં કેટલીક સમાનતાઓ જોવા મળે છે, પરંતુ કેટલાક મુદ્દે તફાવત છે.
તેઓ પહેલા બંને વચ્ચેના તફાવત વિશે વાત કરે છે.
તેમના મતે સૌથી મોટો તફાવત એ છે કે 1991માં કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી અને ઉત્તર પ્રદેશમાં ભાજપની.
તે સમયે અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ પર મંદિર બનાવવા માટે દેશભરમાં ચાલી રહેલું આંદોલન ચરમસીમાએ હતું.
આખા દેશમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો હતો. આવા સમયે તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હા રાવે પહેલ કરી અને 18 સપ્ટેમ્બર 1991ના રોજ પ્લેસ ઑફ વર્શિપ ઍક્ટ બનાવ્યો, જેથી અયોધ્યા વિવાદનો પડછાયો અન્ય ધાર્મિક સ્થળો પર ન પડે.
પરંતુ આજે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકાર છે.
વર્ષ 1991માં બનેલા પ્લેસ ઑફ વર્શિપ ઍક્ટની માન્યતા પર સવાલો ઊભા થયા છે. આ મામલો બે વર્ષથી સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેનો જવાબ દાખલ કર્યો નથી.
આ દૃષ્ટિકોણથી જોઈએ તો બંને કિસ્સાઓમાં મોટો તફાવત છે.

વર્ષ 1991માં બનેલો પ્લેસ ઑફ વર્શિપ ઍક્ટ

ઇમેજ સ્રોત, HTTPS://LEGISLATIVE.GOV.IN/
અરવિંદકુમાર આગળ કહે છે કે, "જ્યારે અયોધ્યા કેસ કોર્ટમાં પહોંચ્યો ત્યારે 1991નો પ્લેસ ઑફ વર્શિપ ઍક્ટ અસ્તિત્વમાં નહોતો. 15મી ઓગસ્ટ 1947 સુધી જે ઉપાસનાસ્થળે જે લોકો પૂજા કરતા હતા તેમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તેવા હેતુથી 1991નો કાયદો લાવવામાં આવ્યો હતો."
"આ દૃષ્ટિકોણથી અત્યાર સુધી આ કાયદો જ્ઞાનવાપી કેસમાં ઢાલ તરીકે કામ કરી રહ્યો છે."
જ્યારે 1991ના પ્લેસ ઑફ વર્શિપ ઍક્ટમાં અયોધ્યા વિવાદને તેમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, કારણ કે આઝાદી પહેલાથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો.
1991માં કાયદો બન્યા બાદ જ્ઞાનવાપી કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. અગાઉ પણ એક વાર મસ્જિદના સર્વેની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ કાયદાના કારણે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
અયોધ્યા વિવાદ અને જ્ઞાનવાપી વિવાદની આ રીતે સરખામણી કરવી યોગ્ય નથી.

કાશીમાં મંદિરનું પહેલેથી અસ્તિત્વ

ઇમેજ સ્રોત, RAM DUTT TRIPATHI-BBC
ત્રીજા મુખ્ય તફાવતનો ઉલ્લેખ કરતાં અરવિંદકુમાર કહે છે, "કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં જ વિશ્વનાથ મંદિર છે, જ્યારે 1949માં બાબરી મસ્જિદમાં મૂર્તિઓ લઈ જઈને રાખવામાં આવી હતી. આ ઘટનાના ઘણા સાક્ષીઓ છે."
ડિસેમ્બર 1949માં બાબરી મસ્જિદમાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.
અનેક તજજ્ઞોનું માનવું છે કે મૂર્તિને સ્થાપિત કરવાના કારણે સમગ્ર મામલો વિવાદિત માળખામાં ફેરવાઈ ગયો અને તે દિવસે સાધુ-સંત સમાજે મંદિર બનાવવાનો સંકલ્પ લીધો અને તેની પૂર્તિ માટે આગળ રસ્તો બનાવતા ગયા.
વર્ષ 1949 - ભારતની આઝાદી અને બંધારણના અમલીકરણ વચ્ચેનો સમય હતો. કેન્દ્રમાં સત્તામાં હતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત હતા.
તે જ વર્ષે કૉંગ્રેસ અને સમાજવાદીઓ વચ્ચેના ભંગાણને કારણે અયોધ્યામાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં હિન્દુ સમાજના મોટા સંત બાબા રાઘવદાસનો વિજય થયો હતો. ધારાસભ્ય બનતાની સાથે જ હિન્દુ સમાજમાં જુસ્સો જાગ્યો હતો.
બાબરી મસ્જિદ કેસ તે પહેલાં કાનૂની લડાઈ સાથે લડાઈ રહ્યો હતો. ત્યાં સુધી આ બાબતનું રાજનીતિકરણ શરૂ થયું ન હતું.
બાબા રાઘવદાસે જુલાઈ 1949માં ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખીને મંદિર બનાવવાની પરવાનગી માગી હતી.
ઉત્તર પ્રદેશ સરકારના ડેપ્યુટી સેક્રેટરી કેહરસિંહે 20 જુલાઈ 1949ના રોજ ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનર કે.કે. નાયર પાસેથી જમીન નઝુલની છે કે નગરપાલિકાની છે તે અંગેનો તત્કાલ અહેવાલ માગ્યો હતો. સિટી મેજિસ્ટ્રેટે ભલામણ કરી હતી કે તે નઝુલની જમીન છે અને મંદિરના નિર્માણ માટે પરવાનગી આપવામાં કોઈ અવરોધ નથી.
22-23 ડિસેમ્બર 1949ની રાત્રે અભય રામદાસ અને તેના સાથીઓએ દીવાલ પર ચડીને રામ-જાનકી અને લક્ષ્મણની મૂર્તિઓ મસ્જિદની અંદર મૂકી અને જાહેર કર્યું કે ભગવાન રામ ત્યાં પ્રગટ થયા છે અને તેમના જન્મસ્થળનો કબજો પાછો મેળવી લેવાયો છે.

બંને મસ્જિદનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, UTPAL PATHAK
આ સિવાય બંને મસ્જિદોના ઇતિહાસમાં થોડો તફાવત છે.
બાબરી મસ્જિદનું નિર્માણ મુઘલ સમ્રાટ બાબરના આદેશ પર તેના ગવર્નર મીર બાકી દ્વારા કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરના શિલાલેખ અને સરકારી દસ્તાવેજો આ વાતને પ્રમાણિત કરે છે.
જ્યારે વિશ્વનાથ મંદિરના નિર્માણ વિશે એક સામાન્ય માન્યતા છે કે અકબરના નવરત્નો પૈકીના એક રાજા ટોડરમલે દક્ષિણ ભારતના વિદ્વાન નારાયણ ભટ્ટની મદદથી તેનું નિર્માણ કરાવ્યું હતું.
ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે જ્ઞાનવાપી મસ્જિદ મંદિરને તોડી પાડવામાં આવ્યા પછી જ બનાવવામાં આવી હતી અને ઔરંગઝેબે મંદિરને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
જોકે હવે ઇતિહાસનાં આ પાનાંઓ ફરી ફરીને ઊથલાવવામાં આવી રહ્યા છે.
બાબરી મસ્જિદ અને જ્ઞાનવાપી મંદિર વચ્ચેના આટલા તફાવતનો ઉલ્લેખ કરવા સાથે અરવિંદકુમાર બંને કેસમાં સમાનતાની પણ વાત કરે છે.

જ્ઞાનવાપી પર વીએચપી, આરએસએસ અને ભાજપનાં નિવેદનો

ઇમેજ સ્રોત, Getty Images
બાબરી વિવાદ શરૂઆતમાં કોર્ટમાં ચાલતો હતો. વીએચપી અને ભાજપ તેમાં પાછળથી જોડાયા હતા.
એ જ રીતે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ 1991થી કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલમાં આ મામલો વારાણસીની સિવિલ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
પરંતુ ધીમે ધીમે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ સાથે જોડાયેલા નેતાઓનાં નિવેદનો પણ આવવાં લાગ્યાં છે.
વીએચપીના રાષ્ટ્રીય મહાસચિવ મિલિંદ પરાંડેએ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અયોધ્યા અને જ્ઞાનવાપી કેસ વચ્ચેની સામ્યતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંને સ્થળોએ મુઘલ આક્રમણકારોએ હિન્દુ સ્થાનકોને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો, જેના માટે હિન્દુઓએ દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
સાથે જ તેમણે કહ્યું કે વીએચપી આ મામલે કોર્ટના આદેશની રાહ જોશે.
બે દિવસ પહેલા આરએસએસ નેતા ઈન્દ્રેશકુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "જ્ઞાનવાપી, તાજમહેલ, કૃષ્ણજન્મભૂમિ વિશે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે કે આ સ્થળોનું સત્ય બહાર આવવું જોઈએ. દરેક વ્યક્તિ આ સત્યો જાણવા માગે છે. કોઈ દ્વેષ, અથવા કોઈ હિંસા, કે કોઈ રાજકારણની ભાવનાથી નહીં. લોકો ઇચ્છે છે કે જેટલું સત્ય અને સાચું બહાર આવશે, તેટલો જ દેશ યોગ્ય માર્ગ પર આગળ વધશે."
ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. 16 મેના રોજ, તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર જ્ઞાનવાપીમાં બાબા મહાદેવના પ્રાગટ્યે દેશની સનાતન હિન્દુ પરંપરાને પૌરાણિક સંદેશ આપ્યો છે.
કેન્દ્રીયમંત્રી અને ભાજપ નેતા ગિરિરાજસિંહે આ મામલે નિવેદન આપતાં એક ટીવી ચેનલને કહ્યું હતું કે જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે નેહરુએ આક્રમણકારોની બધી નિશાનીઓને ભૂંસી નાખવી જોઈતી હતી, પરંતુ તુષ્ટીકરણની રાજનીતિને પગલે નેહરુએ કાશી, મથુરા અને અયોધ્યાને વિવાદિત રાખ્યું.
આ નિવેદનોના આધારે એવું માનવામાં આવે છે કે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ધીમે ધીમે રાજકીય રંગ લઈ રહ્યો છે.

જ્ઞાનવાપીમાં 'શિવલિંગ' અને અયોધ્યામાં 'રામલલા'

ઇમેજ સ્રોત, ANI
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે નીચલી કોર્ટના આદેશ પર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ સર્વેમાં મસ્જિદ પરિસરના સર્વેમાં કથિત શિવલિંગ મળવાનો મામલો સામે આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે તે વિસ્તારને સુરક્ષિત રાખવાનું પણ કહ્યું છે.
આ દાવો 1949માં અયોધ્યામાં રામલલાની પ્રતિમા મેળવવાના દાવા જેવો જ છે.
80ના દાયકાથી બાબરી મસ્જિદ વિધ્વંસ અને રામ જન્મભૂમિ આંદોલનને કવર કરનાર પત્રકાર નીરજા ચૌધરીનું માનવું છે કે સમગ્ર આંદોલનમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ હતો. બાદમાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જો આ મૂર્તિઓને તે જ સમયે તાત્કાલિક હટાવી દેવામાં આવી હોત તો વિવાદ આટલો લાંબો સમય ચાલ્યો ન હોત.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "1949 પછી 1964માં વિશ્વ હિંદુ પરિષદની રચના, ત્યારબાદ 1984માં વીએચપીનું વિસ્તરણ અને તેમના દ્વારા આયોજિત યાત્રાઓએ સમગ્ર દેશમાં વાતાવરણ ઊભું કર્યું. ત્યારબાદ 1989માં ભારતીય જનતા પાર્ટીએ પાલમપુર વર્કિંગ કમિટીમાં ઠરાવ પસાર કર્યો. તે પછી આ મુદ્દો ભાજપનો મુદ્દો બની ગયો."
નીરજા ચૌધરી કહે છે, "આ દૃષ્ટિકોણથી જોઈએ તો, ક્યાંકને ક્યાંક જ્ઞાનવાપીનો મામલો એ જ રસ્તે જઈ રહ્યો હોય એવું લાગે છે. હિન્દુ અને હિન્દુત્વની લડાઈ અનેક પ્રતીકો દ્વારા લડાઈ રહી છે. ભારતમાં ફરી આ ભાવનાઓનો ઊભરો આવ્યો છે. બે દિવસ બાદ કોર્ટમાં મામલો ઉકેલાઈ જાય તો ઠીક, પરંતુ જો ન ઉકેલાયો તો તે બાબરી મસ્જિદની જેમ લાંબો ખેંચાશે."
"તે 2024ની લોકસભા ચૂંટણી સુધી પણ જઈ શકે છે. બંને સ્થળે મસ્જિદો હતી અને તે પહેલાં મંદિર હોવાની હવા બતાવે છે કે બંને કિસ્સાઓમાં સમાનતા છે. બંને જગ્યાએ ચર્ચા છે કે ઇતિહાસ ખોટો છે, તેને સુધારવાની જરૂર છે, હવે હિન્દુઓમાં આ લાગણી જાગી રહી છે."
સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદની સુનાવણી કરી રહેલી બેન્ચમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.
આ બંને ન્યાયાધીશો અયોધ્યા ચુકાદાનો પણ ભાગ રહ્યા છે. તેવી જ રીતે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં અરજદાર પાંચ મહિલાઓના વકીલ હરિશંકર જૈન છે, જેઓ બાબરી મસ્જિદ કેસમાં હિન્દુ મહાસભાના વકીલ પણ રહી ચૂક્યા છે. મસ્જિદ પરિસરમાં 'શિવલિંગ' મળ્યા બાદ સીલ કરવાની અરજી પણ તેમના નામે જ છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












