ઠગ : એ લોકો જે 'હાઇવે પર જતા મુસાફરને મારી નાખતા અને પછી લૂંટી લેતા'

ઇમેજ સ્રોત, Bettmann
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ઠગ શબ્દ આપણા માટે નવો નથી. જોકે 'ઠગ' શબ્દનો એક રસપ્રદ ઇતિહાસ છે, જે છેક 18મી સદી સાથે સંકળાયેલો છે.
ઠગો વિશે અનેક ધારણાઓ છે. કેટલાક તેમને ગુનાખોરીને પોતાનો ધર્મ માનતા લોકોની એક ટોળકી માનતા તો કેટલાક લોકો બ્રિટિશ સરકારે કાઢી મૂકેલા સૈનિકોની એ પ્રવૃત્તિઓને જ ઠગી માનતા જે તેઓ બ્રિટિશરાજ વિરુદ્ધ ચલાવતા હતા.
'ઠગ' શબ્દ આમ તો સંસ્કૃત શબ્દ છે, પરંતુ જેમ અંગ્રેજી ભાષાએ હિન્દી, સંસ્કૃત કે ઉર્દૂમાંથી બીજા અનેક શબ્દો લીધા છે, આવી જ રીતે 'ઠગ' શબ્દ પણ અંગ્રેજીમાં સામેલ કરાયો હતો.
અંગ્રેજો આ શબ્દથી ક્યારે અને કેવી રીતે વાકેફ થયા તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કર્મશીલો, ઇતિહાસકારો અને એવા લોકો સાથે વાત કરી જેમને ક્યારેક 'ઠગ' તરીકે ઓળખવામાં આવતા હતા.
ઇતિહાસકારો અનુસાર આ શબ્દનો ઉપયોગ સામાન્ય ભાષામાં ગુનો કરતા એક ચોક્કસ પ્રકારના લોકો માટે બ્રિટિશ અમલદાર વિલિયમ સ્લીમને પ્રથમ વખત કર્યો હતો.
તેમણે પોતાના પુસ્તક ‘ડાયરી ઑફ અ ટૂર થ્રૂ આઉડ ઇન ડિસેમ્બર 1849 ઍન્ડ જાન્યુઆરી ઍન્ડ ફેબ્રુઆરી 1850’માં ઠગ ટોળકી અને તેમની ગુનો કરવાની રીત પર ભાર આપ્યો હતો.
તેમના પ્રમાણે ઠગ ટોળકીના લોકો ગુનો કરવાને પોતાનો ધર્મ માનતા હતા અને મહાકાલીની પૂજા કર્યા બાદ રસ્તાઓ પર વેપારીઓને લૂંટી લેતા હતા અને પોતાના રૂમાલ જેવાં કપડાંથી ગળું દબાવીને વેપારીઓને મારી નાખતા હતા.
તેમનો મૃતદેહ સંતાડવા માટે તેને જમીનમાં દાટી દેતા હતા. સ્લીમનના વિવિધ રિપોર્ટ પ્રમાણે આ ઠગ ટોળકીઓ મુખ્યત્વે હાઇવે પર કાર્યરત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''હાઇવે પર પ્રવાસ કરી રહેલા વેપારીઓને તેઓ વેપારી તરીકે જ મળતા અને તેમની સાથે ભળી જતા હતા. ત્યાર બાદ મોકો મળે તેમને મારી નાખતા હતા, અને તેમનો માલ-સામાન લઈ ભાગી જતા હતા.''

શું ઠગ ધાર્મિક જોડાણને કારણે એક થયા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
1840ના દાયકામાં સ્લીમનને ખાસ આ ટોળકીઓ પર અભ્યાસ કરવા માટે અને તેમને પકડવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.
સ્લીમને આ આરોપો મૂકતી વખતે ઠગ ટોળકીનો ભોગ બનેલા લોકો તેમજ ઠગ ટોળકીના એવા લોકો જે સાક્ષી બની ગયા હોય તેવા લોકોની જુબાનીને આધાર બનાવ્યો હતો.
સ્લીમનના વિવિધ લાખાણો પ્રમાણે ઠગ ટોળકી એક ધાર્મિક સંગઠન તરીકે કામ કરતી હતી. તેમણે નોંધ્યું છે કે તેઓ માનતા હતા કે લોકોને તેમના જીવનથી મુક્ત કરવાનું કામ કરીને ધર્મનો સાથ આપી રહ્યા છે.
ઠગ્સ ઑફ હિન્દોસ્તાન હોય કે પછી હૉલીવૂડની પ્રખ્યાત ફિલ્મોની સીરિઝ ઇન્ડિયાના જોન્સ હોય, ઠગની અનેક કહાણીઓથી પ્રેરિત થઈને અનેક લોકોએ તેમના પર રિસર્ચ કરીને ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
જોકે સ્લીમનના રિપોર્ટનાં લગભગ 90 વર્ષ બાદ અનેક ઇતિહાસકારોએ તેમના રિસર્ચ અને રિપોર્ટને પડકાર્યો હતો.
ઘણા લોકોએ એ રિપોર્ટને ઈસ્ટ ઇન્ડિયા પ્રેરિત ગણાવીને જે તે સમયની બ્રિટિશ સરકારને ફાયદો કરવા માટેની કહાણી ગણાવ્યો તો ઘણાએ ઠગ ટોળકીને ખરેખર બ્રિટિશ સરકાર સામે પડેલા હિન્દુસ્તાની સૈનિકોની ટોળકી ગણાવી.

ઇમેજ સ્રોત, OXFORD PRESS
ઑક્સફર્ડે છાપેલી અને કિમ વૅગનર દ્વારા સંપાદિત સ્ટ્રૅન્ગ્લર્સ ઍન્ડ બૅન્ડિટ્સ : અ હિસ્ટૉરિકલ ઍન્થૉલૉજી ઑફ ‘ઠગી’ નામના એક પુસ્તક પ્રમાણે 1930ના દાયકામાં હીરાલાલ ગુપ્તા નામના સંશોધકે સ્લીમનના રિપોર્ટને પડકાર્યો હતો.
હીરાલાલ ગુપ્તાએ કહ્યું હતું, "ઠગ હતા તેમાં કોઈ શંકા નથી, પરંતુ સ્લીમને કહ્યું છે તેમ તેઓ એક ધાર્મિક જોડાણ ધરાવતા લોકો ન હતા."
"આ લોકો ખરેખર તો એક એવી ટોળકી હતી, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વધતી જતી હદોને પડકારી રહી હતી અને ખરેખર દેશભક્તિના પ્રથમ પાઠ ભારત દેશમાં ભણાવી રહી હતી."
"તેમના પ્રમાણે કહેવાતી ઠગ ટોળકી એવા લોકોનું એક સંગઠન હતું જેમાં તમામ કોમો અને ધર્મોના હતા, બિન-સાંપ્રદાયિક હતા અને બ્રિટિશને તમામ રીતે પડકારી રહ્યા હતા."

ઠગો શું ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલા લોકો હતા?

ઇમેજ સ્રોત, Mike Dash
માઇક દાશના એક પુસ્તક 'ઠગ : ધ ટ્રૂ સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ મર્ડરસ કલ્ટ'માં તેમણે નોંધ્યું છે કે હીરાલાલ ગુપ્તા, સ્ટુવર્ટ જૉર્ડન, ક્રિસ્ટોફર બેઇલી અને રાધિકા સિંઘા જેવાં અનેક ઇતિહાસકારો અને સંશોધકોએ ઠગો પરના સ્લીમનના પુસ્તકો તેમજ ટિપ્પણીઓને પડકાર આપ્યો હતો.
"ગુપ્તા પ્રમાણે ઠગોનો ઉદ્ભવ બ્રિટિશરો સામેની લડાઈના પરિણામસ્વરૂપ થયો હતો. ઠગ જે મુખ્યત્વે તેવા લોકો હતા જેમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા."
માઇક દાશ લખે છે કે "જૉર્ડન પ્રમાણે એક રાજા બીજા રાજાના રાજ્યમાં અરાજકતા ફેલાવવા માટે અમુક લોકોને પૈસા આપતા હતા, તે લોકોને બ્રિટિશરોએ ઠગ તરીકે ઓળખ્યા હતા. જ્યારે બેઇલી અને સિંઘાએ તેમને એક સામાન્ય મોડસ ઑપરેન્ડી ધરાવતા પરંતુ બ્રિટિશરોને પરેશાન કરતા લોકોની ટોળકીઓ તરીકે ગણાવી હતી."
ઘણા લોકો સ્લીમનના આ રિપોર્ટને ભારતીય ઇતિહાસની એક મોટી ભૂલ માને છે. 1830-40ના દાયકાના ઠગ ટોળકી પરના સ્લીમનના રિપોર્ટને આધારે બ્રિટિશ શાસન દ્વારા ‘ધ ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ’ લાગુ કરાયો હતો.
સ્લીમનના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે ઠગ ટોળકીના લોકો ગુનો કરવાની આદતવાળા છે, માટે આવનારા દિવસોમાં એવા સમુદાયોને શોધવામાં આવ્યા જે બ્રિટિશરો પ્રમાણે તેમણે બનાવેલા કાયદાઓનો અમલ કરતા ન હતા અને તેમની સામે પડતા હતા.
કર્મશીલ દક્ષિણ બજરંગેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “સ્લીમનના રિપોર્ટના પગલે ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ અસ્તિત્વમાં આવ્યો. આ ઍક્ટના અમલમાં આવ્યા બાદ આશરે 200 જેટલા ભારતીય સમુદાયો હંમેશાં માટે ગુનેગાર તરીકે ઓળખાવા લાગ્યા હતા અને આજ સુધી આ લોકો તે કાયદાને કારણે પેદા થયેલા ભેદભાવનો સામનો કરી રહ્યા છે.”
તેમણે એ પણ કહ્યું હતું કે, “સ્લીમનના રિપોર્ટને સરકારે એક સાચો ઐતિહાસિક દસ્તાવેજ માની લીધો હતો, જેના આધારે 1871માં ધ ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ પસાર કરાયો હતો જેમાં આજની અનેક વિચરતી વિમુક્ત જનજાતિઓનો સમાવેશ થાય છે.”

આજે પણ ઠગ માનવામાં આવે છે આ સમુદાયો?

ઇમેજ સ્રોત, Getty Images
બિહારનો નટ સમુદાય આવો જ એક વિચરતો ભટકતો સમુદાય છે જેને ધ ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ હેઠળ ગુનેગાર જાતિ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ નટ સમુદાય સાથે નજીકથી કામ કરી રહેલા મહંમદ કલામે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ પોતે જ પણ આ જ સમુદાયના છે. તેમના પરિવારમાં અનેક લોકોને સરકારી અમલદારો હજી સુધી ઠગ કહીને જ બોલાવે છે.
તેમનું કહેવું છે કે, "તેમના સમુદાયમાં અમુક લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે એક કે બીજ રીતે કોઈ નાના-મોટા ગુના સાથે સંકળાયેલા છે, જેને કારણે તેમને હજી સુધી ઠગ તરીકે ઓળખવામાં આવે છે."
આ વિશે વિચરતી ભટકતી જનજાતિઓ માટે કામ કરી રહેલા કર્મશીલ અને લેખક ડૉ.ગણેશ દેવી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
તેમણે કહ્યું કે, “ડકૈત કે ડકૈતી શબ્દ બાદ જ્યારે સ્લીમનને ઠગ ટોળકી વિશે ખબર પડી હશે, ત્યારે તેમણે તેમના માટે આ શબ્દ બનાવ્યો હશે, ખરેખર તો ભાષાકીય રીત તેઓ સાચા હતા, પરંતુ ઐતિહાસિક રીતે તેઓ ખોટા હતા, કારણ કે તેમનો રિપોર્ટ ભવિષ્યમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટનો આધાર બન્યો હતો.”

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












