ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહે અપાવેલી ગાયોએ કઈ રીતે બ્રાઝિલની ‘સૂરત બદલી નાખી’?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કથાકાર મોરારિબાપુએ ભાવનગરની સ્થાપનાનાં 300 વર્ષ નિમિત્તે કૃષ્ણકુમારસિંહને મરણોપરાંત ભારતરત્ન આપવાની માગ કરી છે.

મદ્રાસના રાજ્યપાલ કૃષ્ણકુમારસિંહ (ડાબેથી બીજા) તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તથા નાયબવડા પ્રધાન સરદાર પટેલ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મદ્રાસના રાજ્યપાલ કૃષ્ણકુમારસિંહ (ડાબેથી બીજા) તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તથા નાયબ વડા પ્રધાન સરદાર પટેલ સાથે
  • 'રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત આપવાનું ઠરાવવામાં આવે છે.'
  • 'હાલ ખાતેદારના સીધી લીટીના પુરુષવંશના વારસોનો તથા અમુક સંજોગોમાં તેની દીકરીનો વારસાહક્ક ગણવા ઠરાવ છે. હવે પછી આ હક્ક ચાલતા કાયદા મુજબ તેના તમામ વારસોને આપવાનું ઠેરવવામાં આવે છે.'
  • 'ગામડાંમાં બાળઉછેરનો પ્રચાર થાય અને કેળવણીનો ઉત્સાહ થાય તેવા શિક્ષકો તથા વૈદકીય જ્ઞાનવાળા ભાષણવાળાઓનો પ્રબંધ કરવો. સાથે-સાથે અજ્ઞાનવર્ગમાંથી વહેમો દૂર થાય તો સામાજિક પ્રવૃત્તિઓ આગળ વધી શકે તેવો પ્રબંધ પણ એ જ માણસો દ્વારા કરવો.'
  • 'સંસ્કૃતની પાઠશાળાઓ અને મુસલમાનોના મદરેસાઓ તથા બીજી જે લોકથી ચાલતી હોય તેવી સંસ્થાઓની વચ્ચે રૂપિયા પાંચ હજારની રકમ મદદ તરીકે આપવાનું ઠેરવવામાં આવે છે.'

કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગરના મહારાજા બન્યા ત્યારે સૌપ્રથમ જે જાહેરાતો કરવામાં આવી, તેમાં ઉપરોક્ત જાહેરાતોનો સમાવેશ થાય છે. જે તેમની શિક્ષણ, સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા, રૈયતને એક આંખથી જોવાની નીતિને સ્પષ્ટ કરે છે.

કૃષ્ણકુમારસિંહે માત્ર ભારત જ નહીં, પરંતુ દૂર દેશ બ્રાઝિલમાં પણ પોતાની અસર ઊભી કરી હતી અને આજપર્યંત તેની અસર જોવા મળે છે.

ભાવનગરની સ્થાપનાનાં 300 વર્ષના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં બોલતી વખતે કથાકાર મોરારિબાપુએ પૂર્વ રજવાડાના છેલ્લા શાસકને મરણોપરાંત ભારતરત્ન આપવાની વાત કરી હતી.

ભારતરત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને તે મરણોપરાન્ત ન આપી શકાય, એવી કોઈ જોગવાઈ નથી, પરંતુ કેટલાક નિયમ ચોક્કસ છે, જેના હેઠળ આ પુરસ્કાર આપવામાં આવે છે.

line

દગાને કારણે ગોહિલોનું ગુજરાતગમન

ભાવસિંહ તખ્તસિંહજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાવસિંહ તખ્તસિંહજી

ગોહિલોનું ગુજરાત (અલબત્ત, વર્તમાન પરિભાષા પ્રમાણે) આગમન થયું તે પહેલાં તેઓ મેવાડની મરુભૂમિમાં ખેરગઢમાં શાસન કરતા હતા, પરંતુ એક દગો તથા અન્ય રાજપૂત શાસકો સાથેની લડાઈને કારણે તેઓ ગુજરાત આવી ગયા.

તત્કાલીન ભાવનગર સ્ટેટની આર્થિક સહાયથી 'વાર્તારૂપે ઇતિહાસ વૃત્તાંત' પુસ્તક 'સોરઠી શૂરાઓ' વર્ષ 1940માં પ્રકાશિત કર્યું, જેમાં (પૃષ્ઠ ક્રમાંક 1-26) પર સેજકજીનો ઉલ્લેખ જોવા મળે છે, જેઓ ગોહિલોને ગુજરાત લાવ્યા હતા.

હરિસિંહ દેવીસિંહ રાણા લખે છે:

ખેરગઢના શાસક સેજકજીનું લગ્ન મેવાડનાં ડાબી ઠાકોર મૂળદેવનાં પુત્રી મૂળદેવ કુમારી સાથે થયું હતું. મદૌરના રાઠોડો સાથે ગોહિલોનું વેર ચાલતું હતું, કારણ કે રાઠોડોએ ખેરગઢ પર ચઢાઈ કરી હતી અને ગોહિલોએ આ હુમલો નિષ્ફળ બનાવીને પોતાનું શાસન ટકાવી રાખ્યું હતું. જોકે, રાઠોડો આ અપમાન ભૂલ્યા ન હતા.

અસ્તાનજી રાઠોડે મૂળદેવને સાધ્યા અને જમાઈ સેજકજી સાથે દગો કરવા મનાવી લીધા હતા. ખેરગઢના કિલ્લાની સાટે મૂળદેવ રાઠોડોનું આધિપત્ય સ્વીકારવા તૈયાર થયા. મૂળદેવના જન્મદિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે.

સેજકજી તેમના સરદારો અને સામંતો સાથે ત્યાં આવે અને નિઃશસ્ત્ર જમતા હોય, ત્યારે તેમની પર હુમલો કરવો, એવું કાવતરું ઘડાયું. જોકે, સેજકજીને આ કાવતરાની ગંધ આવી ગઈ.

આથી, જ્યારે ઉતારેથી જમવા જવાનું થયું ત્યારે તેઓ તથા સાથીઓ કપડાંમાં હથિયાર છુપાવીને સાથે લઈ ગયા હતા. ગોહિલોને હથિયારહીન જાણીને તક જોઈને ડાબીઓએ તેમની ઉપર હુમલો કરી દીધો. ગોહિલો આવા કોઈ દગા માટે તૈયાર જ હતા, એટલે તેમણે જોરદાર પ્રતિકાર કર્યો. આને માટે ડાબીઓ તૈયાર ન હતા અને તેઓ નાસી છૂટ્યા. આ બાજુ ગોહિલો સલામત રીતે તેમના કિલ્લા ખેરગઢ સુધી પહોંચી ગયા.

સેજકજીને બાતમી આપનાર બીજું કોઈ નહીં, પરંતુ મૂળદેવનાં પુત્રી અને સેજકજીનાં પત્ની હતાં. જેઓ એ સમયે પિયરવાસમાં હતાં અને એક દાસીએ તેમને આ માહિતી આપી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ બાજુ મૂળદેવને જીવનું જોખમ જણાતા તેમણે રાઠોડો પાસે મદદ માગી. ડાબીઓ અને રાઠોડો સાથે મળીને ખેરગઢના કિલ્લા ઉપર આક્રમણ કરે, એવું નક્કી થયું. દુશ્મનોના કટકના આગમન વિશે જાણીને સેજકજીએ તેમનો સામનો કરવા માટે સરદાર-સામંતોને સજ્જ થવાનો આદેશ કર્યો.

આ સંજોગોમાં એવું સૂચન થયું કે ખેરગઢના કિલ્લાને બંધ કરી દેવામાં આવે, જેથી કરીને બિનજરૂરી લોહિયાળ સંઘર્ષને ટાળી શકાય અને કોઈ વચલો રસ્તો નીકળે. આ વાત સેજકજીને વાજબી લાગી.

ડાબી તથા રાઠોડોએ ઘેરગઢનો ઘેરો ઘાલ્યો. આ દરમિયાનમાં એક ઘટના ઘટી. સેજકજી ઊંઘતા હતા, ત્યારે તેમને સપનામાં વંશના ઇષ્ટદેવ મુરલીધર આવ્યા. રાઠોડો સાથે લડાઈ કરીને લોહી વહાવવાના બદલે મરુભૂમિનું રાજ સોંપીને સોરઠની રસાળ ધરતી તરફ પ્રયાણ કરવા જણાવ્યું.

સવારે સેજકજીએ પોતાના સપના વિશે ગોહિલોને વાત કરી. માત્ર સરદાર-સામંતો અને પરિવારજનો જ નહીં, નગરજનો પણ મુરલીધર જ્યાં લઈ જાય ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા. મુરલીધરની પ્રતિમાની રથમાં સ્થાપના કરવામાં આવી અને સેજકજી તથા અન્ય ગોહિલો તેની પાછળ-પાછળ ઘોડા ઉપર નીકળ્યા. પ્રજાનાં ગાડાંનું રક્ષણ ખુલ્લી તલવારો સાથે ભીલ રાજપૂતોએ હાથમાં લીધું, જેઓ વંશપરંપરાગત રીતે ગોહિલોની સેવા કરતા હતા.

ખેરગઢના દરવાજા ખૂલ્યા અને 'જય મુરલીધર' તથા 'જય ચામુંડા' જેવા ઘોષ કરતાં આગળ રથ તથા પાછળ ગોહિલ ઘોડેશ્વારો અને ઊંટો તથા લોકો ગતિભેર નીકળ્યા. ડાબી અને રાઠોડો પાછા ખસી ગયા અને તેમનો ઘેરો તૂટી ગયો, ગોહિલો કિલ્લો ખાલી છોડી નીકળી ગયા હતા. ડાબી તથા રાઠોડોએ જાણ્યું કે ગોહિલો તેમનો ખેરગઢનો કિલ્લો ખાલી ગયા છે, એટલે તેમનું પગેરું દાબવાના બદલે તેમને તેમના હાલ પર છોડી દીધા.

રસ્તામાં અને ગામના લોકો પણ ગોહિલોની ટુકડી સાથે જોડાઈ ગયા. મુરલીધરનો રથ વર્તમાન સમયના બોટાદથી સાત કોશ (એક કોશ એટલે બે માઇલ) દૂર ઊભો રહ્યો. જુનાણાએ પ્રદેશ પર રા'કવાટનું રાજ હતું. સવાર પડતા સેજકજીએ ભાઈઓ તથા અન્યોને રાવટીની સુરક્ષા સોંપી પોતે રા'કવાટને મળવા નીકળી ગયા.

જુનાણાની સભામાં સેજકજી ગયા અને પોતાની સાથે બનેલી બીના વર્ણવી તથા આશ્રય માગ્યો. રા'કવાટે સેવાના બદલામાં સેજકજીને બાર ગામનો પટ્ટો લખી આપ્યો. જ્યાં ગોહિલો સ્થિર થયા. સેજકીજીએ તેમનાં પુત્રી વાલમકુંવરબાનો હાથ રા'કવાટના પુત્ર રા'ખેંગારને સોંપ્યો.

સેજકજીએ જે સ્થળે મુરલીધરનો રથ અટક્યો હતો, ત્યાં સેજકપુર વસાવ્યું અને તેને રાજધાની બનાવી. ભીલ, કોળી અને ખાંટોને હરાવીને તલવારની તાકતથી બીજા અનેક ગામ ઉમેર્યા. સૌરાષ્ટ્રમાં ગોહિલરાજની સ્થાપના કર્યા બાદ વધુ 40 વર્ષ સેજકજી જીવ્યા.

સેજકજીના પુત્રો રાણોજીએ (હાલના) ભાવનગરમાં, શાહજીના વંશજોએ હાલના પાલિતાણામાં તથા સારંગજીના વંશનાઓએ (હાલ) લાઠીમાં પોતપોતાનાં અલગ-અલગ રાજ્યો સ્થાપ્યાં.

ગોહિલોને ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો મળેલા છે. આ સિવાય મારવાડમાં ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે.

line

ભાવસિંહનું 'ભાવ'નગર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ગોહિલોએ સેજકપુર (હાલનું રાણપુર), ઉમારાળા અને સિહોરને પોતાની રાજધાની બનાવી. આસપાસ કંથાજી કડાણી તથા પિલ્લાજી ગાયકવાડે ગોહિલોની રાજધાની સિહોર ઉપર હુમલા કર્યા. એ સમયે ભાવસિંહ શાસન કરી રહ્યા હતા, તેમણે ચઢાઈઓને ટાળી તો દીધી, પરંતુ યુદ્ધ પછી કારણ સમજાયું.

ભૌગોલિક સ્થિતિને કારણે પેશ્વાઓના હુમલા થતા હતા. તેને ટાળવા 1723માં સિહોરથી 20 કિલોમીટર દૂર વડવા ગામ ખાતે નવી રાજધાની સ્થાપી અને તેને પોતાનું નામ પરથી ભાવનગર નામ આપ્યું. દરિયાઈમાર્ગે વેપાર થઈ શકે, દરિયાના કારણે રક્ષણ થાય તેવો વિચાર હતો. આ સિવાય વધારાની સુરક્ષા માટે શહેરની ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો.

લગભગ બે સદી સુધી દરિયાઈમાર્ગે ભાવનગરથી આફ્રિકાના મૉઝામ્બિક, ઝાંઝીબાર, સિંગાપોર અને અરબ સાગરના દેશો સાથે વેપાર ચાલતો રહ્યો. અત્યાર સુધી સુરત અને ખંભાતના દરિયાઈમાર્ગે વેપાર થતો, હવે ભાવનગરરૂપે નવો વિકલ્પ મળ્યો હતો.

એ સમયે સુરતના કિલ્લા ઉપર ઝંઝીરાના સિદ્દીઓનું શાસન હતું. ભાવનગર બંદરની આવકનો સવા ટકા હિસ્સો આપવાની શરતે ભાવસિંહ ગોહિલે સીદીઓ સાથે સંધિ કરી.

1807માં ભાવનગરે બ્રિટિશરોનું સંરક્ષણ સ્વીકાર્યું. 1856માં જ્યારે બ્રિટિશરોએ સુરતના કિલ્લા ઉપર કબજો કર્યો, ત્યારે સીદીઓ સાથેની સંધિ મુજબ મહેસૂલનો હિસ્સો આપવાની વ્યવસ્થા નક્કી થઈ.

દરિયાઈ વેપારને કારણે પુષ્કળ આવક થઈ, જેનો લાભ જનતાને પણ થયો અને રેલવેલાઇન, દવાખાનાં તથા શાળાઓ સ્થપાઈ. આવક વધતા રાજ્યનો વિસ્તાર પણ વધ્યો. ભાવસિંહજીના પૌત્ર વખતસિંહે કોળી અને કાઠીઓના કબજા હેઠળની જમીનો પર કબજો મેળવ્યો, નવાબ અહેમદ ખાન પાસેથી રાજુલા મેળવ્યા તથા ઘોઘા તાલુકાને ભાવનગર સ્ટેટ સાથે ભેળવી દીધું.

આ સિવાય ચિત્તલ, તળાજા, મહુવા, કુંડલા, તરપજ, ઉમરાળા તથા બોટાદને પણ પોતાને અધીન કર્યા.

આજનું ભાવનગર, ભાઉનગર કે ભવેણા તરીકે પણ ઓળખાય છે, જ્યારે ગોહિલ શાસકોને આધીન રહેલો વિસ્તાર 'ગોહિલવાડ' તરીકે ઓળખાય છે.

હાલમાં ભાવનગરમાં આવેલી યુનિવર્સિટીનું નામ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

line

મુરલીધરથી શરૂઆત, કૃષ્ણકુમારથી અંત

ચારિકા ટેકરી પરથી ભાવનગર 1886-1889 આસપાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચારિકા ટેકરી પરથી ભાવનગર 1886-1889 આસપાસ

મુરલીધર ગોહિલોને મરુભૂમિ મારવાડથી ગુજરાતની ધરતી સુધી લાવ્યા અને ગોહિલોનું શાસન સ્થપાયું. યોગાનુયોગ આ વંશના અંતિમ શાસક કૃષ્ણકુમારસિંહ હતા.

ભાવનગર સ્ટેટ દ્વારા 1932માં પ્રકાશિત પુસ્તક 'કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક અને લગ્ન'માં (પૃષ્ઠ ક્રમાંક 31-32) જયંતીલાલ મહેતા લખે છે કે :

ભાવનગરના શાસક ભાવસિંહ દ્વિતીયનું બીજું લગ્ન ખીરસરાનાં નંદકુંવરબા સાથે થયું હતું. 1911ના દિલ્હી દરબાર સમયે તેમને સીઆઈનો ઇલકાબ અપાયો હતો. એ સમયે અંગ્રેજ સરકાર દ્વારા કોઈ પણ ભારતીય મહિલાને આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન હતું.

1918માં ઇન્ફ્લુઍન્ઝાને કારણે નંદકુંવરબાનું નિધન થયું અને તેને આઠ મહિના પછી મધુમેહને કારણે ભાવસિંહ દ્વિતીયનું અવસાન થયું. ભાવનગરની જનતામાં શોક છવાઈ ગયો, કારણ કે એ સમયે સૌથી મોટા પુત્ર કૃષ્ણકુમારસિંહની ઉંમર માત્ર સાડા સાત વર્ષની હતી. બ્રિટિશ સરકારે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહ લાયક ન બને ત્યાર સુધી રાજનો વહીવટ ચલાવવા માટે ઍડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલની નિમણૂક કરી અને પ્રભાશંકર પટ્ટણીને તેના વડા બનાવવામાં આવ્યા.

ભાવનગરના ભવિષ્ય માટે આ એક નિર્ણાયક ઘડી હતી. એક તરફ પટ્ટણી પર રાજનો કારભાર સંભાળવાની જવાબદારી હતી, તો બીજી તરફ બાળ કૃષ્ણકુમારને ઉત્તમ તાલીમ મળે તે પણ જોવાનું હતું.

line

પાવરફુલ પ્રભાશંકર પટ્ટણી

બીજી ગોળમેજી પરિષદમાં જતી વેળાએ ગાંધીજી તથા પ્રભાશંકર પટ્ટણી (ડાબે દાઢીવાળા)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજી ગોળમેજી પરિષદમાં જતી વેળાએ ગાંધીજી તથા પ્રભાશંકર પટ્ટણી (ડાબે દાઢીવાળા)

પોરબંદરના દીવાન કરમચંદ ગાંધીના પુત્ર મોહનદાસ, પ્રભાશંકર પટ્ટણી રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં આગળ-પાછળ ભણતા હતા, જ્યારે ભાવનગરના ભાવસિંહ દ્વિતીય રાજકોટમાં સૌરાષ્ટ્રના રજવાડાંનાં સંતાનો માટે સ્થાપવામાં આવેલી રાજકુમાર કૉલેજમાં ભણતા હતા.

તેમની વચ્ચે ખાસ્સી એવી મિત્રતા હતી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકા ગયા, એ પછી પણ આ મિત્રતા રહેવા પામી હતી. છતાં રાજની વાત આવે એટલે પટ્ટણી એકદમ અલગ જ બની જતા.

વર્ષો પહેલાં સાહિત્યિક સામયિક 'નવનીત સમર્પણ'માં વાંચેલો કિસ્સો યાદ છે. 1925માં ભાવનગરમાં 'કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું અધિવેશન મળશે, એવું નક્કી થયું. ભાવનગર રાજ્યે શરત મૂકી હતી કે ગાંધીજીએ અધિવેશનની અધ્યક્ષતા કરે અને રાજ્ય વિરુદ્ધ કોઈ ઠરાવ કરવામાં ન આવે. ગાંધીજીએ આ શરતોનો સ્વીકાર કરેલો. છતાં જૂના વડીલમિત્ર પટ્ટણીની મજાક કરવાનું સૂઝ્યું, એટલે ગાંધીજીએ પૂછ્યું, 'અને જો આવા ઠરાવો થાય તો?'

ત્યારે પટ્ટણીએ વિનમ્ર પણ મક્કમ સ્વરે કહ્યું હતું, 'પહેલાં ભાવનગરની જેલને દૂધે ધોવરાવું, પછી એમાં તમને પધરાવું અને પછી તમારી સામે બેસું.'

પિતાના અવસાન પછી ભાવસિંહ દ્વિતીયે પટ્ટણીને દીવાન તરીકે બોલાવ્યા હતા. એટલે તેમની વચ્ચે વિશેષ નાતો હતો. અને યુવાનરેશ પ્રત્યે વિશેષ જવાબદારી સમજતા હતા.

શરૂઆતના દોઢેક વર્ષ ભાવનગરમાં અને પછી બે-અઢી વર્ષ રાજકોટમાં કૃષ્ણકુમારનો અભ્યાસ થયો. તેમના અંગ્રેજીના અભ્યાસ માટે એક કર્નલને તથા હિંદીના અભ્યાસ માટે અનંતરાય પટ્ટણીને રાખવામાં આવ્યા. કૃષ્ણકુમાર રજાઓમાં નીલગિરિ, આબુ કે અન્યત્ર ફરવા જાય, ત્યારે શિક્ષકો પણ તેમની સાથે રહે તેવી વ્યવસ્થા પ્રભાશંકર પટ્ટણીએ ગોઠવી હતી.

13 વર્ષની ઉંમરે તત્કાલીન અંગ્રેજ સરકારની ગોઠવણ મુજબ, પહેલાં રેવરંડ બ્રાયર્સની સ્કૂલમાં અને પછી દોઢેક વર્ષ હેરોની સ્કૂલમાં બેસાડવામાં આવ્યા. આ દરમિયાન પણ તેમના વ્યક્તિગત ટ્યૂટર્સ સાથે જ હતા. 16 વર્ષની ઉંમરે તેઓ ભારત પરત આવ્યા.

અહીં ચારસભ્યોની ઍડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલ સાથે રહીને તેઓ રાજકાજ શીખી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી, જે ત્રણ વર્ષ સુધી ચાલી. આ દરમિયાન તેમણે બે વખત ભારતભ્રમણ કર્યું અને શામળદાસ કૉલેજમાંથી પૂરક જ્ઞાન પણ લીધું.

19 વર્ષની ઉંમરે તેઓ રાજ સંભાળવા માટે તૈયાર છે એવું અંગ્રેજોના પોલિટિકલ એજન્ટને લાગ્યું, એટલે તેમના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ.

મહેતા તેમના પુસ્તકમાં નોંધે છે કે તા. 18મી એપ્રિલ 1931ના પદભાર સંભાળ્યો, ત્યારે (65-70) 28 જેટલા જાવક ઠરાવ કરવામાં આવ્યા હતા. ઉપર જણાવેલા ઠરાવો ઉપરાંતના એકનો પાયો ત્રણ વર્ષ પહેલાંની મુંબઈ યાત્રા દરમિયાન નખાયો હતો.

line

નેત્રહીનો માટે દૂરદૃષ્ટિ

ભાવનગરની શ્રીકૃષ્ણકુમાર અંધ ઉદ્યોગશાળાના જનરલ સૅક્રેટરી લાભુભાઈ સોનાણીએ કહ્યું, "1928માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી દીવાન સર પટ્ટણીની સાથે વિક્ટોરિયો મેમોરિયલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડની મુલાકાતે ગયા હતા. ત્યાં નેતરની ખુરશી ગૂંથવાની સ્પર્ધા ચાલી રહી હતી. સંસ્થાના પદાધિકારીઓએ જાણ્યું કે ભાવનગરનરેશ છે. જો શિડ્યુલ ડિસ્ટર્બ ન થતી હોય તો સ્પર્ધાના વિજેતાઓને તેમના હસ્તક ઇનામ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. કૃષ્ણકુમારસિંહ એના માટે તૈયાર થયા."

"સ્પર્ધામાં નટુ દોલત ઓઝા વિજેતા થયા. વાતચીતમાં કૃષ્ણકુમારસિંહે પૂછ્યું કે 'તમે ક્યાંના છો?' ત્યારે વિજેતાએ જણાવ્યું કે તેઓ ઉમરાળાના છે."

વાતચીતમાં ભાવનગરનું ઉમરાળા હોવાનું જાણવા મળ્યું. તો મુંબઈ કેમ આવવું પડ્યું ? તેના જવાબમાં ઓઝાએ જણાવ્યું કે રાજમાં કે આસપાસમાં અંધજનની કોઈ તાલીમશાળા નથી. એટલે કૃષ્ણકુમારસિંહે રાજમાં અંધજનો માટે તાલીમશાળા સ્થાપવાનો નિર્ધાર કર્યો.

1932માં તેનો અમલ થયો. સ્થાનિક શ્રેષ્ઠીઓમાંથી એકે પોતાનો બંગલો આપવાનું જાહેર કર્યું. વ્યવસ્થાપન તથા પ્રચાર માટે કમિટી સ્થાપવાનું નક્કી કર્યું. કૃષ્ણકુમારે અડધો ખર્ચ રાજે ઉપાડવાનું જાહેર કર્યું, જ્યારે અરધો ખર્ચ નગરશ્રેષ્ઠીઓ ઉપાડે તેવો આગ્રહ કર્યો.

સોનાણીના કહેવ પ્રમાણે, રાજના ખર્ચે ચાલતા કાર્યક્રમો નિષ્ફળ રહે અને જો જનભાગીદારી હોય તો તે સારી રીતે ચાલે એવી કૃષ્ણકુમારસિંહની ભાવના હતી.

કૃષ્ણકુમારસિંહના લગ્ન માટે બાંધવામાં આવેલો પાક્કી બાંધણીનો મંડપ ભાવનગરની પ્રજાને 'ટાઉન હૉલ' તરીકે ભેટ આપ્યો. ખેડૂતો માટે ગ્રામસુધારણા ફંડ શરૂ કર્યું અને ખેડૂતો ઉપરનું રાજ તથા શાહુકારોનું દેવું માફ કર્યું. શામળદાસ કૉલેજ માટે વાઘવાડી રોડ ઉપર મોટી ઇમારત બંધાવી આપી. નવા બંદર ખાતે નવી જેટી બંધાવી, ગોદામો સાથે તેને જોડતી રેલવેલાઇન નખાવી, આ સિવાય ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામવે સેવા શરૂ કરી. તખ્તસિંહ હૉસ્પિટલમાં (આજના સમયની સર ટી હૉસ્પિટલ) નંવા સાધનો તથા નવી ઇમારતો બંધાવી.

કૃષ્ણનગરના નામે નવો વિસ્તાર વસાવ્યો, જેમાં ડામરના રસ્તા અને વીજળીની વ્યવસ્થા હતી. શહેરના ગૌરીશંકર તળાવનો વિસ્તાર કરાવ્યો, જ્યારે સિહોર પાસે નવું તળાવ બંધાવ્યું. આવા અનેક પ્રકલ્પો અને યોજનાઓને કારણે તેઓ 'પ્રજાવત્સલ' રાજવી તરીકે ખ્યાતિ પામ્યા.

line

'આઝાદી પછી ખેડૂતનો બળદ ચોરાઈ ગયો પણ...'

સીડે ક્રિષ્નાના પાર્થિવદેહને મમ્મીફાઇડ કરીને સાચવ્યો
ઇમેજ કૅપ્શન, સીડે ક્રિષ્નાના પાર્થિવદેહને મમ્મીફાઇડ કરીને સાચવ્યો

'પ્રજાવત્સલ રાજવી'ના નામથી કૃષ્ણકુમારસિંહનું જીવનચરિત્ર લખનારા તથા ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. ગંભીરસિંહ ગોહિલ એ ઘટનાને વર્ણવતા કહે છે, "ભાવનગરના ટાણા ગામના વતની ઝવેર પટેલની બળદની જોડ ચોરાઈ ગઈ. ત્યારે તેણે નીલમબાગ ખાતે ભરાતા કૃષ્ણકુમારસિંહના દરબારમાં ફરિયાદ કરવાની હઠ પકડી. લોકોએ તેને સમજાવ્યું કે પોલીસને ફરિયાદ કરો હવે આઝાદી આવી ગઈ છે અને તેમનું રાજ નથી રહ્યું. તેઓ તો મદ્રાસના ગવર્નર બની ગયા છે."

"લોકો પાસેથી મદ્રાસ કેવી રીતે જવાય તેના વિશે માહિતી મેળવીને આજુબાજુમાંથી નાણાં એકઠા કરીને જેમ-તેમ કરીને મદ્રાસમાં રાજ્યપાલના નિવાસસ્થાને પહોંચ્યા. ત્યાં ગાર્ડ લોકોએ તેમને રાજ્યપાલને મળતા અટકાવી દીધા."

"ઝવેર પટેલ હિંમત હાર્યા નહીં અને રાજભવનના દરવાજે વાટ જોવા લાગ્યા. કોઈક કામસર બહાર નીકળતી વખતે કૃષ્ણકુમારસિંહજી પહેરવેશ તથા જૂની ઓળખાણને કારણે ઝવેરભાઈને ઓળખી ગયા. તેમણે કાફલો અટકાવ્યો. ઝવેરભાઈએ તેમને ફરિયાદ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું. કૃષ્ણકુમારસિંહે તેમના સ્ટાફને ઝવેરભાઈને જમાડવાની તથા રહેવાની વ્યવસ્થા કરી આપવાની સૂચના આપી અને સાંજે મળવાનું કહીને નીકળી ગયા."

"સાંજે આવીને તેમણે ઝવેરભાઈની સાથે વાત આરંભી ત્યારે કૃષ્ણકુમારસિંહે પૂછ્યું, 'બળદની ચોરી કેવી રીતે થઈ?' ત્યારે ઝવેરભાઈએ જવાબ આપ્યો, 'હું સૂતો હતો.' ત્યારે મજાકમાં કહ્યું, "પટેલ, હું તો જાગતો હતો અને 900 ગામનું રાજ જતું રહ્યું."

કૃષ્ણકુમારે ભાવનગરના આંગતુકને ત્રણ દિવસ મદ્રાસ રોક્યા અને ડ્રાઇવર મારફત મદ્રાસ ફેરવ્યા. વળતા જવાના તથા બળદના પૈસા પણ આપ્યા. આજે પણ ડાયરામાં લોકસાહિત્યકારો અને કલાકારો 'પ્રજાવત્સલતા'નો આ કિસ્સો વખાણે છે.

ડૉ. ગોહિલે 'મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્મૃતિવંદના' તથા 'પ્રજાવત્સલ મહારાજા' નામના બે પુસ્તકોનું પણ સંપાદન કર્યું છે, જેમાં ભાવનગરના પૂર્વ રાજવીના જીવન વિશે લેખો અને કાવ્યોનું સંપાદન કર્યું છે. આ સિવાય તેમણે સાતથી વધુ પુસ્તક લખ્યાં કે સંપાદિત કર્યાં છે.

હૈદરાબાદ, કાશ્મીર, જોધપુર અને જૂનાગઢના રજવાડાં ભારતમાં ભળવું કે નહીં, તે અંગે વિચાર કરી રહ્યાં હતા, ત્યારે કૃષ્ણકુમારસિંહે પોતાનું રાજ્ય ગાંધીજીને મળીને સોંપી દેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને શું મળે તથા સાલિયાણું કેટલું હોય એ બધું નક્કી કરવાનું તેમની ઉપર છોડ્યું. ગાંધીજીએ તેમને સરદાર પટેલને મળવા કહ્યું.

line

કૃષ્ણકુમારનો ગૌપ્રેમ અને બ્રાઝિલ

ગીર ગાયોને હોડીઓ મારફત પરાના પહોંચાડવામાં આવી હતી
ઇમેજ કૅપ્શન, ગીર ગાયોને હોડીઓ મારફત પરાના પહોંચાડવામાં આવી હતી

માસિક માત્ર રૂપિયા એકના પગારથી રાજ્યપાલ તરીકે કામ કર્યા બાદ કૃષ્ણકુમારસિંહ ભાવનગર પરત આવી ગયા અને કૃષિ તથા પશુપાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યો. આવા સમયમાં બ્રાઝિલથી સેલ્સો ગ્રૅસિયા સીડ નામનો વેપારી ભારત આવ્યો હતો.

ડૉ. ગોહિલના કહેવા પ્રમાણે, "સીડ બ્રાઝિલમાં બસસેવા ચલાવતા તથા તેની પાસે 900 જેટલી બસો હતી. તેણે કંઈક નવું કરવું હતું એટલે તેણે ગાયોનો ઉછેર કરવાનું વિચાર્યું. વિશ્વના અલગ-અલગ દેશોમાંથી ઊંચી નસ્લની ગાયો બ્રાઝિલ લાવીને ઉછેરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બ્રાઝિલનું હવામાન તેમને માફક ન આવ્યું અને તે જીવી ન શકી."

"આ બધાની વચ્ચે તેનું ભારતમાં આગમન થયું. કોઈકે તેને ગીર ગાય વિશે જણાવ્યું અને ભાવનગરના પૂર્વ રાજવી કૃષ્ણકુમારસિંહને મળવા માટે કહ્યું. મહારાજાની વ્યક્તિગત ગૌશાળાએ સીડ પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે દરેક ગાયનું નામ, જન્મ તથા અન્ય વિવરણ નોંધાયેલાં હતાં. આ બધું જાણીને તેને ખૂબ ખુશી થઈ."

સીડે ગૌશાળાના સંચાલક સમક્ષ ક્રિષ્ના નામના ધણખૂંટ તથા અન્ય ગાયોને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સંચાલકને લાગ્યું કે આ વિદેશીઓ ગૌમાંસ ખાનારા છે અને ગાયો અમારે માટે માતા સમાન અને પૂજનીય હોવાથી તેને સાચવી નહીં શકે. સીડે તેમને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંચાલકને વિશ્વાસ ન બેઠો. સીડની કૃષ્ણકુમારસિંહ સાથે મુલાકાત બાદ સોદ્દો નક્કી થયો.

મદ્રાસના દરિયા અને રાતા સમુદ્રના માર્ગે ધણખૂંટ ક્રિષ્ના તથા અન્ય ગાયોને બ્રાઝિલ મોકલવામાં આવી. જ્યાં ગીર ગાયને દેશમાં લાવવા માટે સીડે પોતાના જ દેશની સરકાર સાથે કાયદાકીય લડાઈ લડવી પડી અને મહામહેનતે તેમને મંજૂરી મળી. ત્યાં ગીર ગાયો અને ક્રિષ્નાનું અન્ય ગાયો સાથે ક્રૉસ બ્રિડિંગ થયું અને 'ઝેબુ' નામની જાત અસ્તિત્વમાં આવી. બ્રાઝિલમાં શ્વેતક્રાંતિ આવી. આજે બ્રાઝિલના કુલ ઉત્પાદનનું 80 ટકા આ ગાયોમાંથી થાય છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. ગોહિલ કહે છે, "અમુક વર્ષો બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહ યુરોપના પ્રવાસે ગયાનું જાણીને સીડે તેમનો સંપર્ક સાધીને તેમને બ્રાઝિલ આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેઓ પહોંચ્યા અને ફાર્મની મુલાકાત લીધી."

"ગાયોની સાચવણ વિશે સંતોષ વ્યક્ત કર્યો. રાજ્યપાલે તેમને જમીન તથા અન્ય વ્યવસ્થા કરીને માર્ગદર્શન માટે રોકાવા માટે આમંત્રણ આપ્યું. આજે બ્રાઝિલ ઉપરાંત ઉરુગ્વે તથા અન્ય નવ દેશોમાં ગીર ગાયે ક્રાંતિ લાવી છે."

કૃતજ્ઞી થયેલા બ્રાઝિલિયનો દ્વારા દેશની સંસદની પાસે મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમા મૂકવામાં આવી છે. એક તબક્કે ગુજરાતમાં ગીર ગાયની ઘટતી સંખ્યાને ફરીથી વધારવા માટે બ્રાઝિલથી વીર્ય તથા અંડ મંગાવવાની ચર્ચા થઈ હતી.

બ્રાઝિલમાં ધણખૂંટના નામના સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા હતા.

line

શું સુશાસન હતું?

બ્રાઝિલના સેરટાનોપોલિસમાં સીડની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહ
ઇમેજ કૅપ્શન, બ્રાઝિલના સેરટાનોપોલિસમાં સીડની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહ

લોકશાહી આવી તે પહેલાં જૂન-1940માં તત્કાલીન મહારાજાએ ભાવનગરમાં પ્રજાપરિષદ સ્થાપવાની જાહેરાત કરી હતી સ્થાપવાની જાહેરાત કરી હતી અને ડિસેમ્બર-1941માં તેનું અધિવેશન પણ મળ્યું. કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે સ્થાનિકોએ તેનો બહિષ્કાર કર્યો હોવાથી રાજના સભ્યોને બેસાડવામાં આવ્યા હતા.

5મી મે 1946ના દિવસે ભાવનગર પ્રજાપરિષદનું વિશેષ અધિવેશન મળ્યું હતું. જેમાં બોલતી વખતે કૉંગ્રેસી નેતા બળવંતરાય મહેતાએ તંત્રમાં ભ્રષ્ટાચાર પ્રવર્તમાન હોવાના આરોપ મૂક્યા હતા. (અહેવાલ પૃષ્ઠ ક્રમાંક 24-25) મહેતાએ કહ્યું: "વહીવટ નીલમબાગથી ચાલે, અનંતવાડીથી ચાલે કે મોતીબાગથી ચાલે એ મહત્ત્વનો પ્રશ્ન નથી. એમાં પ્રજામતને કેટલું સ્થાન છે, એ મહત્ત્વનું છે. રાજ્યની કચેરીઓ મોતીબાગમાં છે, રાજનીતિ અનંતવાડીમાં ઘડાય છે અને રાજમુદ્રા નીલમબાગમાં મુકાય છે, તેમાં લોકમતને ક્યાંય સ્થાન નથી."

આ સંબોધન દરમિયાન બળવંતરાય મહેતાએ સર પ્રભાશંકર પટ્ટણી તથા તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીની ઉપર સત્તાના તમામ દોર પોતાના હાથમાં રાખવાનો આરોપ મૂક્યો હતો અને ધારાસભાના ધારામાં પણ એ જ દોર ચાલુ રાખવાનો આરોપ મૂક્યો.

મહેતા આગળ જતા ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા. તેમને ભારતમાં પંચાયતી રાજના ઘડવૈયા માનવામાં આવે છે.

line

કોને મળે છે ભારત'રત્ન'?

ભારતરત્ન

ઇમેજ સ્રોત, INDIAN GOVERNMENT

1954થી ભારત સરકાર દ્વારા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન આપવામાં આવે છે. આ નામો માટે વડા પ્રધાન દેશના રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે છે, આ માટે તેમને કોઈ ભલામણની જરૂર નથી રહેતી. નસ્લ, વ્યવસાય, પદ કે લિંગને ધ્યાને લીધા વગર આ પુરસ્કાર આપવામાં આવે છે. દર વર્ષે મહત્તમ ત્રણ વ્યક્તિને આ પુરસ્કાર આપી શકાય છે.

સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહીવાળું પ્રશસ્તિપત્રક અને પદક આપવામાં આવે છે. તેની સાથે કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી. આ પુરસ્કાર મરણોપરાન્ત પણ આપી શકાય છે, મતલબ કે જેમને આપવામાં આવે તે જીવિત હોય તે જરૂરી નથી.

જવાહરલાલ નહેરુ તથા ઇંદિરા ગાંધીને તેમના વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન જ આ પુરસ્કાર મળ્યા હતા, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, બીઆર આંબેડકર, નાનાજી દેશમુખ, વગેરેને મૃત્યુના અનેક વર્ષો બાદ આ પુરસ્કાર મળ્યા હતા.

અત્યાર સુધી સરદાવલ્લભભાઈ પટેલ તથા મોરારજી દેસાઈને ભારરત્નથી નવાજવામાં આવ્યા છે.

રાજકીય જરૂરિયાત તથા મજબૂરીને ધ્યાને લઈને ભારતરત્ન પુરસ્કાર આપવામાં આવતો હોવાના સમયાંતરે આરોપ લાગતા રહે છે.

2011થી ખેલ તથા તમામ માનવયત્ન ક્ષેત્રે આ પુરસ્કાર આપવામાં આવે છે. અગાઉ રાજનીતિ, સંગીત, કળા, નાગરિકસેવા, વિજ્ઞાન જેવા ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રદાન આપનારાઓને જ આ પુરસ્કાર આપવામાં આવતો.

ભારતે નેલ્સન મંડેલા (દક્ષિણ આફ્રિકા), ખાન અબ્દુલ ગફારખાન (પાકિસ્તાન) તથા મધર ટેરેસાને (મૂળ અલ્બેનિયા) ભારતરત્ન એનાયત કર્યા છે.

વ્યક્તિ નામની સાથે તેને આગળ કે પાછળ ઇકલાબ તરીકે વાપરી નથી શકતી. છતાં પોતાના વિઝિટિંગ કાર્ડ, લેટરહેડ કે અન્ય સામગ્રીમાં ભારતરત્ન વિજેતાનો ઉલ્લેખ કરી શકે છે. રાષ્ટ્રપતિ ઇચ્છે તો કોઈને અપાયેલો ભારતરત્ન પુરસ્કાર પાછો પણ ખેંચી શકે છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો