મંગલ પાંડે : 1857ના બળવામાં છેલ્લી ગોળી કોને મારી હતી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
બ્રિટિશકાળમાં ભારતમાં 1857ના સૈનિક બળવાના નાયક મંગલ પાંડેને આજની તારીખ 8 એપ્રિલના દિવસે 1857માં ફાંસી આપી દેવાઈ હતી. તેમને ભારતના એ પ્રથમ ક્રાંતિ સંગ્રામના પ્રથમ શહિદ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંગલ પાંડેએ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે શરૂ કરેલા વિદ્રોહનો પડઘો જનમાનસ પર એવો છવાયો હતો કે તેમને બ્રિટિશરોએ આપેલી ફાંસીની સજાના અમલ કરવામાં મુશ્કેલી પડી હતી.
સ્થાનિક જલ્લાદોએ મંગલ પાંડેને ફાંસી આપવાનો ઇનકાર કર્યો હતો અને એ પછી કોલકાતાથી ચાર જલ્લાદોને બોલાવી મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી.
જોકે, એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે 19 જુલાઈ 1827ના રોજ જન્મેલા મંગલ પાંડેએ ફાંસીના કેટલાય દિવસો અગાઉ પોતાનો જ જીવ લેવાની કોશિશ કરી હતી અને એમાં તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.

કહાણી 29 માર્ચ 1857ની

ઇમેજ સ્રોત, NATIONAL ARCHIVES
વર્ષ 1857ના માર્ચ મહિનાની 29 તારીખ હતી. મંગલ પાંડે 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટરી બટાલિયન સાથે બૈરકપુરમાં તહેનાત હતા. એ વખતે સિપાહીઓમાં જબરદસ્તી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા હોવા સહિતની અનેક અફવાઓ ફેલાઈ રહી હતી.
આમાં એક અફવા એ પણ હતી કે ખૂબ મોટી સંખ્યામાં યુરોપિયન સૈનિકો હિંદુસ્તાની સૈનિકોને મારવા માટે આવી રહ્યા છે.
ઇતિહાસકાર કિમ એ વૅગનરે એમના પુસ્તક 'ધ ગ્રૅટ ફિયર ઑફ 1857 - રુમર્સ, કૉન્સ્પિરસી ઍન્ડ મેકિંગ ઑફ ધ ઇન્ડિયન અપરાઇઝિંગ'માં માર્ચ 29ના ઘટનાક્રમનું વિગતવાર વર્ણન કર્યું છે.
વૅગનર લખે છે, "સિપાહીઓનાં મનમાં બેસી ગયેલા ડરને જાણીને મેજર જનરલ જેબી હિઅરસીએ યુરોપિયન સૈનિકો હિંદુસ્તાની સૈનિકો પર હુમલો કરશે, એ વાતને અફવા ગણાવી દીધી, પણ એ સંભવ છે કે હિઅરસીએ સિપાહીઓ સુધી પહોંચેલી આ અફવાની પુષ્ટિ કરીને સ્થિતિને બગાડી દીધી. મેજર જનરલના આ ભાષણથી આતંકિત થનારાઓમાં 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટરીના મંગલ પાંડે પણ હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

29 માર્ચની એ રક્તરંજિત સાંજ

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
મંગલ પાંડે 29 માર્ચની સાંજે ચાર વાગ્યે પોતાના તંબૂમાં બંદૂક સાફ કરી રહ્યા હતા.
વૅગનર લખે છે કે "સાંજના ચાર વાગ્યા હતા. મંગલ પાંડે તંબૂમાં બંદૂક સાફ કરી રહ્યા હતા. થોડી વાર પછી એમને યુરોપિયન સૈનિકો વિશે ખબર પડી. સિપાહીઓ વચ્ચેની બેચેની અને ભાંગના નશાથી પ્રભાવિત મંગલ પાંડેને ગભરામણે જકડી લીધા. પોતાની અધિકૃત જૅકેટ, ટોપી અને ધોતી પહેરેલા મંગલ પાંડે તલવાર અને બંદૂક લઈને ક્વાર્ટર ગાર્ડ બિલ્ડિંગના નજીક પરેડ ગ્રાઉન્ડ તરફ ભાગ્યા."
બ્રિટનના ઇતિહાસકાર રોઝી લિલવેલન જોન્સે પોતાના પુસ્તક "ધ ગ્રૅટ અપરાઇઝિંગ ઇન ઇન્ડિયા, 1857-58 અનટોલ્ડ સ્ટોરીઝ, ઇન્ડિયન ઍન્ડ બ્રિટિશમાં મંગલ પાંડેના બે બ્રિટિશ સૈન્ય અધિકારીઓ પરના હુમલાની ઘટનાનું વર્ણન કરે છે.
જોન્સ લખે છે, "તલવાર અને પોતાની બંદૂક સાથે મંગલ પાંડેએ ક્વાર્ટર ગાર્ડ(બિલ્ડિંગ)ની સામે ફરતી પોતાની રેજિમૅન્ટને ભડકાવવાનું શરૂ કર્યું. તે રેજિમૅન્ટના સૈનિકોને યુરોપીય સૈનિકોને ખતમ કરવાની વાત કહીને ભડકાવી રહ્યા હતા. સાર્જન્ટ મેજર જેમ્સ હ્વીસન આ બધા વિશે જાણવા માટે જ ચાલતા બહાર નીકળ્યા અને આ આખી ઘટનાના ગવાહ હવલદાર શેખ પલ્ટૂના કહેવા પ્રમાણે પાંડેએ હ્વીસન પર ગોળી ચલાવી, પરંતુ આ ગોળી હ્વીસનને ન વાગી."

પછી લહેરાઈ મંગલ પાંડેની તલવાર

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
જોન્સ લખે છે, "જ્યારે અડડ્યૂટન્ટ લેફ્ટનન્ટ બેંપદે બાગને આ વિશે ખ્યાલ આવ્યો તો તેઓ ઘોડા પર બેસીને ત્યાં પહોંચ્યા અને પાંડેને પોતાની બંદૂક લોડ કરતા જોયો. મંગલ પાંડેએ પછી એક ગોળી ફરી ચલાવી અને પછી એક વખત નિશાન ચૂકી ગયા, બાગે પણ પોતાની પિસ્તોલ વડે મંગલ પાંડે પર નિશાન તાક્યું. પરંતુ ગોળી નિશાના પર ન વાગી."
સૈનિક વિદ્રોહ 1857

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
મંગલ પાંડે પછી એક બીજા સૈનિક ઇશ્વરી પ્રસાદને ફાંસી આપવામાં આવી હતી.
ઇતિહાસકાર કિમ એ વૅગનર આ સિપાહી વિશે લખે છે, "જ્યારે સાર્જન્ટ મેજર હ્વીસને ઇશ્વરી પાંડેને મંગલ પાંડેને પકડવાનું કહ્યું તો ઇશ્વરી પાંડેએ જવાબ આપ્યો - "હું શું કરી શકું છું, મારા નાયક એડ્જ્યુએન્ટની પાસે ગયા છે, હવલદાર ફિલ્ડ ઑફિસરની પાસે ગયા છે, શું હું એકલો આની પર કાબૂ મેળવું?"
જોન્સ આ સંઘર્ષ વિશે લખે છે, "મંગલ પાંડેએ પોતાની તલવારથી સાર્જન્ટ મેજર અને એડ્જ્યુટેન્ટ પર હુમલો કર્યો અને બંનેને ગંભીર રીતે ઘાયલ કર્યા. આ દરમિયાન એક ભારતીય અધિકારી શેખ પલ્ટુએ આવીને બ્રિટિશ સૈન્ય અધિકારીઓનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો અને મંગલ પાંડેને હુમલો ન કરવા કહ્યું, પરંતુ પાંડેએ પલ્ટુ પર પણ હુમલો કર્યો."
જોન્સના પ્રમાણે પલ્ટુએ કહ્યું, "આ પછી મંગલ પાંડેને મેં કમરેથી પકડી લીધો."
જોન્સ લખે છે, "પરંતુ આ પછી જ્યારે પલ્ટુએ જમાદાર ઇશ્વરી પાંડેને મંગલ પાંડેને પકડવા માટે ચાર સૈનિકોને મોકલવા માટે કહ્યું તો ઇશ્વરી પ્રસાદે પલ્ટુને બંદૂક દેખાડીને કહ્યું કે જો તે મંગલ પાંડેને ભાગવા નહીં દે તો તે ગોળી ચલાવી દેશે. પલ્ટૂએ કહ્યું, "ઘાયલ હોવાના કારણે મેં તેને છોડી દીધો."

પછી મંગલ પાંડેએ ચલાવી પોતાની છેલ્લી ગોળી
જોન્સ લખે છે, "આ પછી મંગલ પાંડેએ પોતાના સાથીઓને ગાળો આપતાં કહ્યું કે 'તમે લોકોએ મને ભડકાવી નાખ્યો અને તમે ********* મારી સાથે નથી.'"
જોન્સ આગળ લખે છે, "ઘોડેસવાર અને અનેક રસ્તે ચાલતા સૈનિકોએ મંગલ પાંડેની તરફ વધવાનું શરૂ કર્યું અને આ જોઈને મંગલ પાંડેએ પોતાની બંદૂકની નળીને પોતાની છાતી પર મૂકી, પગના અંગૂઠાથી ટ્રિગર દબાવ્યું. ગોળીથી તેમના જૅકેટ અને કપડાં સળગવા લાગ્યાં અને તે ઘાયલ થઈને જમીન પર પડી ગયા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













