હિટલરના પ્રચારક ગોબેલ્સે જ્યારે છ બાળકોને ઊંઘમાં જ ઝેર આપી પોતે આત્મહત્યા કરી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

હિટલરના મૃત્યુના સમાચાર એમના દેશવાસીઓને એમના મૃત્યુના એક દિવસ પછી 1 મેની રાત્રે 10 વાગ્યા ને 26 મિનિટે આપવામાં આવ્યા હતા. સમાચારમાં જણાવાયું હતું કે હિટલર આજે બપોરે રાઇક ચાન્સલરીમાં સોવિયત સૈનિકો સામે લડતાં લડતાં મરાયા છે. એમણે પોતાના અંતિમ શ્વાસ સુધી સોવિયત સૈનિકો સામે મુકાબલો કર્યો.

ગોએબેલ્સ દંપતી પોતાનાં છ બાળકો સાથે

ઇમેજ સ્રોત, PICADOR

ઇમેજ કૅપ્શન, ગોબેલ્સ દંપતી પોતાનાં છ બાળકો સાથે

હજુ તો 30 એપ્રિલ, 1945ના રોજ ચાન્સલરીના બાગમાં હિટલરના મૃતદેહની રાખ પણ ઠંડી નહોતી પડી કે એમના સાથીઓએ બિલકુલ નજીક આવી ગયેલી સોવિયત સેના સાથે સંપર્ક કરવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા.

એમણે પોતાના એક પ્રતિનિધિ તરીકે જનરલ ક્રેબ્સને સોવિયત સેનાપતિ માર્શલ ઝુકૉવને મળવા મોકલ્યા. ઇયાન કરશૉએ હિટલરના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "જનરલ ક્રેબ્સને મોકલવાનો ફાયદો એ હતો કે તેઓ પહેલાં મૉસ્કોમાં જર્મનીના સૈનિક અટૈશ તરીકે કામ કરી ચૂક્યા હતા અને રશિયન ભાષા બોલી શકતા હતા. ક્રેબ્સ રાત્રે 10 વાગ્યે ગોબેલ્સ અને બોરમાનનો પત્ર અને સફેદ ઝંડો લઈને સોવિયત છાવણી તરફ રવાના થયા. સવારે 6 વાગ્યે પાછા આવીને એમણે સૂચના આપી કે સોવિયત સેના કોઈ પણ શરત વગરના આત્મસમર્પણ પર ભાર મૂકે છે અને તે એમ પણ ઇચ્છે છે કે આપણે 1 મેએ સાંજના ચાર વાગ્યા સુધીમાં એ બાબતે આપણી ઇચ્છા એમને જણાવી દઈએ."

આ સાંભળતાં જ ગોબેલ્સ અને એમના અન્ય સાથીઓના ચહેરા પડી ગયા અને દરેક પોતાનો જીવ બચાવવાના પ્રયત્નમાં લાગી ગયા.

line

ગોબેલ્સનાં પત્નીએ પોતાનાં છ બાળકોને ઝેર આપીને માર્યાં

હિટલર

ઇમેજ સ્રોત, PENGUIN

પરંતુ હિટલરના નિકટવર્તી ગોબેલ્સે પહેલેથી નક્કી કરી લીધું હતું કે તેઓ પણ હિટલરની જેમ પોતાનો જીવ આપશે.

30 એપ્રિલે હિટલરે આત્મહત્યા કર્યા પછી ગોબેલ્સનાં પત્ની માગદા ગોબેલ્સે પોતાનાં પહેલાં લગ્નથી જન્મેલા પુત્રને પત્ર લખી મોકલીને જણાવી દીધું કે તેઓ પોતાના પતિ અને ચાર બાળકોની સાથે આત્મહત્યા કરવાનાં છે.

1 મેની સાંજે ડૉક્ટર હેલમટ ગુસ્તાવ કુંઝે ગોબેલ્સનાં 4થી 12 વર્ષ વચ્ચેનાં છ બાળકો હેલ્ગા, હિલ્ડા, હેલમટ, હોલ્ડે, હેડા અને હીડેને મૉર્ફિનનું ઇન્જેક્શન આપ્યું જેથી એમને ઊંઘ આવી જાય.

જોરકિમ ફેસ્ટે પોતાના પુસ્તક 'ઇનસાઇટ હિટલર્સ બંકર'માં લખ્યું છે, "ત્યાર પછી હિટલરના અંગત ચિકિત્સક લુડવિન સ્ટંપફેગરની હાજરીમાં કોઈએ તે બાળકોનાં મોં ખોલ્યાં અને માગદાએ હાઇડ્રોજન સાઇનાઇડનાં થોડાં ટીપાં એમનાં મોંમાં નાખી દીધાં. માત્ર એમની સૌથી મોટી પુત્રી હેલ્ગાએ એનો વિરોધ કર્યો. આ 12 વર્ષીય છોકરીનાં શરીર પર થયેલા ઉઝરડાનાં નિશાન પરથી એવું અનુમાન કરી શકાય કે એણે આ રીતે ઝેર પિવડાવવાનો વિરોધ કર્યો હતો. એક જ ક્ષણમાં એ બધાંનાં મૃત્યુ થઈ ગયાં. ત્યાર બાદ માગદા ગોબેલ્સ પોતાના બંકરે પહોંચ્યાં ત્યારે એમના પતિ એમની રાહ જોઈ રહ્યા હતા. એમણે એમને માત્ર ત્રણ શબ્દ કહ્યા, 'કામ થઈ ગયું'. ત્યાર પછી તે રડવા લાગ્યાં."

line

ગોબેલ્સ અને એમનાં પત્નીએ પણ સાઇનાઇડ લીધું

ગોબેલ્સનાં પત્ની માગદા ગોબેલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોબેલ્સનાં પત્ની માગદા

રાત્રે સાડા આઠ વાગ્યે ગોબેલ્સ અચાનક જ કંઈ પણ કહ્યા વગર પોતાની ટોપી અને ગ્લવ્ઝ પહેર્યાં. તેઓ અને તેમનાં પત્ની બંકરની સીડીઓ ચઢવા લાગ્યાં. માગદાએ ત્રણ દિવસ પહેલાં એમને હિટલરે આપેલો પાર્ટીનો ગોલ્ડન બૅઝ પહેર્યો હતો.

સીડી ચઢતાં ગોબેલ્સે પોતાના ટેલિફોન ઑપરેટર રોહસ મિશને કહ્યું, "હવે તમારી જરૂર નથી."

રિચર્ડ જે ઇવાન્સે પાતાના પુસ્તક 'થર્ડ રાઇક એટ વૉર'માં લખ્યું છે કે, "બંકરમાંથી બહાર નીકળીને ગોબેલ્સ દંપતી સ્તબ્ધ બનીને થોડું અટક્યું અને પછી તેમણે સાઇનાઇડની કૅપ્સ્યૂલ ચાવી ખાધી. સેકન્ડોમાં જ એમનું મૃત્યુ થઈ ગયું. એસએસના એક સૈનિકે તેઓ મરી ગયા છે કે નહીં તે નક્કી કરવા એમના શરીર પર બે-બે ગોળી છોડી. ત્યાર બાદ એમના મૃતદેહોને આગ ચાંપી દેવાઈ."

હિટલર અને ઇવા બ્રાઉનને બાળ્યા બાદ ખૂબ ઓછું પેટ્રોલ બચ્યું હતું, તેથી ગોબેલ્સ અને માગદાના મૃતદેહોને સૈનિકો પૂરેપૂરા બાળી ના શક્યા અને બીજા દિવસે જ્યારે સોવિયત સૈનિક ચાન્સલરી પહોંચ્યા ત્યારે તરત જ તેમણે એમના મૃતદેહોને ઓળખી કાઢ્યા.

જ્યારે સોવિયત સૈનિક રાઇક ચાન્સલરીમાં ઘૂસ્યા ત્યારે એમણે જનરલ બર્ગડૉર્ફ અને જનરલ ક્રેબ્સને એક ટેબલ પર બેઠેલા જોયા. એમની સામે દારૂની અડધી ખાલી બૉટલો પડી હતી અને તેઓ જીવિત નહોતા. એ પહેલાં બંકરમાંની બધી મહત્ત્વપૂર્ણ ફાઇલોને સળગાવી દેવાઈ હતી.

એસએસના સૈનિકોએ ક્યાંકથી વધારાના પેટ્રોલનો જોગ કર્યો અને હિટલરના સ્ટડીરુમને આગ લગાડી દીધી. પરંતુ વેન્ટિલેશન સિસ્ટમ બંધ હોવાથી આગ વધારે ના ફેલાઈ અને માત્ર રૂમનું ફર્નિચર જ સળગી શક્યું.

line

ગોરિંગે પણ ઝેરી કૅપ્સ્યૂલ ખાધી

જર્મની

ઇમેજ સ્રોત, Getty Images

રાત્રે 11 વાગ્યાની આસપાસ બંકરમાં રહેતા બાકીના લોકો બહાર નીકળીને કોઈ રીતે ભૂગર્ભ રેલવે સ્ટેશન ફ્રીડરિચસ્ટ્રાસ સુધી પહોંચવામાં સફળ થયા. એમની ચારેબાજુ તબાહીનાં દૃશ્યો હતાં અને દરેક જગાએ સોવિયત બૉમ્બ પડતા હતા.

ઇસાન કરશૉએ હિટલરના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "હિટલરના બીજા બે સાથી બોરમાન અને સ્ટંપફેગર કોઈક રીતે ઇનવૅલિડ સ્ટ્રાસે સુધી પહોંચ્યા પરંતુ જ્યારે એમણે ત્યાં રેડ આર્મીને જોઈ તો એમણે પણ ધરપકડથી બચવા માટે ઝેર ખાધું. હિટલરની જેમ એમના ઘણા સાથીઓને પણ બીક હતી કે એમની સામે મુકદ્દમો ચલાવવામાં આવશે, એમની જાહેરમાં નિંદા કરવામાં આવશે અને એમના મૃતદેહોનું અપમાન કરવામાં આવશે."

જ્યારે હિટલરના અન્ય એક સાથી હરમાન ગોરિંગના બાવારિયાસ્થિત નિવાસમાં 9 મે, 1945ના રોજ અમેરિકાના સૈનિકો ઘૂસ્યા ત્યારે એમણે આત્મસમર્પણ કરી દીધું.

હિટલરની સાથે હિમલર

ઇમેજ સ્રોત, PENGUIN PRESS

ઇમેજ કૅપ્શન, હિટલરની સાથે હિમલર

રિચર્ડ જે ઇવાન્સે લખ્યું છે કે, "એમને ખુશી હતી કે અમેરિકન એમને એક હારેલા શાસનના એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ માનશે અને એમનો ઉપયોગ આત્મસમર્પણની શરતો અંગેની વાતચીત માટે કરાશે. અમેરિકન કમાન્ડરે એમની સાથે હસ્તધૂનન કર્યું અને એમને ભોજન આપ્યું. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ આઇઝનહૉવરને આ વિશે જાણવા મળ્યું ત્યારે એમણે તરત જ ગોરિંગને જેલમાં મોકલવાનો હુકમ કર્યો. નશીલી દવાઓની એમની લત પર પ્રતિબંધ મૂકી દીધો અને એમની પૂછપરછ કરવામાં આવી."

ગોરિંગને પોતાનાં કર્મો પર કશો પસ્તાવો નહોતો, તેથી એમને ફાંસીની સજા ફટકારવામાં આવી. ગોરિંગે વિનંતી કરી કે એમને ફાંસી આપવાના બદલે ફાયરિંગ સ્ક્વૉડથી મારવામાં આવે. જ્યારે એમની આ વિનંતી નકારી કઢાઈ ત્યારે એમણે એક ગાર્ડની મદદથી ઝેરી કૅપ્સ્યૂલ મેળવી લીધી અને 15 ઑક્ટોબર, 1946એ આત્મહત્યા કરી લીધી.

line

હિમલરે પણ આત્મહત્યા કરી

ગોબેલ્સ દંપતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોબેલ્સ દંપતી

હેનરિક હિમલરનો પણ આવો જ અંત આવ્યો. એમણે કોઈક રીતે એલબે નદી તો પાર કરી લીધી પરંતુ તેઓ બ્રિટિશ સૈનિકોના હાથમાં આવી ગયા. હિમલરે તે સમયે મેલાં કપડાં પહેર્યાં હતાં. જ્યારે એમને લાગ્યું કે એમનો ખેલ ખતમ થવાનો છે તો એમણે આંખ પર બાંધેલો પૅચ કાઢીને ચશ્માં પહેરી લીધાં. જ્યારે એમની ઝડતી લેવામાં આવી ત્યારે એમની પાસેથી ઝેરની એક નાની ડબ્બી મળી.

તેમ છતાં બ્રિટિશ અધિકારીએ એમના મેડિકલ ચેકઅપનો આદેશ આપ્યો. રિચર્ડ જે ઇવાન્સે લખ્યું છે કે, "જ્યારે ડૉક્ટરે હિમલરને પોતાનું મોં ખોલવાનો આદેશ આપ્યો ત્યારે એમને એમના દાંત વચ્ચે એક કાળી વસ્તુ જોવા મળી. જ્યારે એમણે પ્રકાશ તરફ એમનું મોં ફેરવ્યું તો હિમલર ઝડપથી પેલી કાળી વસ્તુને દાંતથી તોડી નાખી. એમણે ગ્લાસ સાઇનાઇડ કૅપ્સ્યૂલ તોડી ખાધી હતી. એમનું મૃત્યુ થવામાં થોડીક સેકન્ડોનો જ સમય લાગ્યો. તે સમયે એમની ઉંમર માત્ર 44 વર્ષ હતી."

line

બર્લિનમાં આત્મહત્યાઓની સંખ્યા અચાનક વધી

હિટલરના બંકરની અંદરનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિટલરના બંકરની અંદરનું દૃશ્ય

ત્યાર પછી એમનું અનુસરણ કરીને બીજા એસએસ અધિકારી ઓદિલો ગ્લોબૉકનિકે પણ ઝેર ખાધું અને અર્ન્સ્ટ ગ્રાવિટ્ઝે પોતાને પરિવાર સમેત હૅન્ડ ગ્રેનેડથી ઉડાવી દીધા. બીજા એક એસએસ અધિકારી અને માનસિક રીતે બીમાર અને શારીરિક રીતે અક્ષમ લોકો માટે ઇચ્છામૃત્યુની વ્યવસ્થા કરી આપનારા ફિલિપ બોહલરે પણ 19 મે, 1945એ પોતાનાં પત્ની સાથે આત્મહત્યા કરી લીધી.

રાઇક સુપ્રીમ કોર્ટના પ્રમુખ અર્વિન બુમકેને પણ આત્મહત્યા કરી હતી. હિટલરના ખાસ ગણાતા સેના અધિકારી ફીલ્ડ માર્શલ વાલ્ટર મૉડેલે આત્મસમર્પણની શરમથી બચવા ડઝલડૉર્ફની પાસે જંગલમાં પોતાને જ ગોળી મારી દીધી. રુડોલ્ફ હેસને આજીવન કારાવાસની સજા થઈ. એમણે પોતાના જીવનનાં અંતિમ વર્ષ એકાંત કોટડીમાં વિતાવ્યાં. વર્ષ 1987માં 93 વર્ષની ઉંમરે એમણે જેલમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

એડોલ્ફ આઇશમાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એડોલ્ફ આઇશમાન

ક્રિસ્ટિયન ગોએસચેલે પોતાના પુસ્તક 'સુસાઇડ એટ ધ ઍન્ડ ઑફ ધ થર્ડ રાઇક'માં લખ્યું છે કે, "સરકારી આંકડા અનુસાર બર્લિનમાં માર્ચમાં 238 આત્મહત્યાઓ થઈ હતી જે એપ્રિલમાં વધીને 3,881 થઈ ગઈ. મોટા ભાગની સુસાઇડ નોટ્સમાં વર્તમાન પરિસ્થિતિઓ અને સોવિયત હુમલાના ડરને એનાં કારણ ગણાવાયાં હતાં. મોટા ભાગનાં માતા-પિતાએ પહેલાં પોતાનાં બાળકોની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી."

line

આઇશમાનને ઇઝરાયલી જાસૂસોએ આર્જેન્ટિનામાં પકડ્યા

જર્મની

ઇમેજ સ્રોત, Getty Images

જર્મન લેબર ફ્રન્ટના પ્રમુખ રૉબર્ટ લેને અમેરિકન સૈનિકોએ તિરોલની પહાડીઓ પરથી પકડ્યા. એમણે પણ 24 ઑક્ટોબર, 1945એ નૂરેમ્બર્ગમાં એક જેલના શૌચાલયમાં પોતાના હાથે જ પોતાનું ગળું દબાવી દીધું. પૂર્વ વિદેશમંત્રી જોઆકિમ રિબેનટ્રાપ અને હિટલરના પ્રમુખ સૈનિક સલાહકાર અલ્ફ્રેડ જોડીને 16 ઑક્ટોબર, 1946એ ગોળી મારી દેવાઈ. ખૂબ ઓછા લાકોએ એમના મૃત્યુ અંગે શોક મનાવ્યો.

એક અન્ય યુદ્ધ અપરાધી અડોલ્ફ આઇશમાન ખોટાં ઓળખપત્રોની મદદથી ભૂગર્ભમાં જતા રહેવામાં સફળ થઈ ગયા. તેઓ આર્જેન્ટિના પહોંચી ગયા, જ્યાં જુઆન પેરોંની સરકાર ઘણા નાઝી અને એસએસ સૈનિકોને શરણ આપી રહી હતી.

એક જર્મન યહૂદી ફ્રિટ્ઝ બાએર દ્વારા તેઓ રહેતા હતા એ જગ્યા શોધી કઢાયા પછી ઇઝરાયલના જાસૂસોએ મે, 1960માં આઇશમાનનું આર્જેન્ટિનામાંથી અપહરણ કરી લીધું. એમને યેરુસલેમ લાવીને નરસંહારનો કેસ ચલાવાયો. એમને ફાંસીની સજા કરવામાં આવી અને 31 મે, 1962એ એમને ફાંસી આપી દીધી.

line

સોવિયત મહિલા સૈનિકોએ ઇવા બ્રાઉનનાં કપડાં ઉઠાવ્યાં

હરમાન ગોરિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરમાન ગોરિંગ

હિટલરના મૃત્યુ પછી યુદ્ધ બંધ કરવાના આદેશ અપાયા પછીયે બર્લિનના કેટલાક ભાગોમાં 2 મે અને એના આગળના દિવસે પણ લડાઈ ચાલુ હતી.

2 મેએ બંકરમાં રહી ગયેલા એન્જિનિયર જોહાનેસ હેંટશેલને બંકર સાથે જોડાયેલા ભોંયરામાંથી મહિલાઓના અવાજ સંભળાયા. થોડી વારમાં એમણે જોયું કે રશિયન યુનિફૉર્મમાં 12 મહિલા ભોંયરામાંથી બહાર આવ્યાં. તેઓ રેડ આર્મીની મેડિકલ કોર યુનિટનાં સભ્ય હતાં.

જોરકિમ ફેસ્ટે પોતાના પુસ્તક 'ઇનસાઇટ હિટલર્સ બંકર'માં લખ્યું છે કે, "એ મહિલાઓનાં આગેવાને હેંટશેલને કડકડાટ જર્મનમાં પૂછ્યું, હિટલર ક્યાં છે? એમનો બીજો સવાલ હિટલરનાં પત્ની વિશે હતો. એમણે હેંટશેલને કહ્યું કે તેઓ એમને ઇવા બ્રાઉનના રૂમ સુધી લઈ જાય. ત્યાં પહોંચીને એ મહિલાઓએ બ્રાઉનનો વોર્ડરોબ ખોલ્યો અને ત્યાં જે કંઈ પણ ઉપયોગ કરવા લાયક હતું તે પોતાની સાથે લાવેલા થેલામાં ભરી લીધું. જ્યારે તેઓ રૂમમાંથી બહાર આવ્યાં ત્યારે એમના હાથ પહોળા હતા અને એમના હાથમાં ઇવા બ્રાઉનનાં અંડરગાર્મેન્ટ્સ હતાં."

વીડિયો કૅપ્શન, આ ગામના લોકો ગધેડાની રેસનું આયોજન કેમ કરે છે?
line

હિટલરે શરૂ કરેલા યુદ્ધમાં 5 કરોડ લોકોના જીવ ગયા

સોવિયત સૈનિકના હાથમાં હિટલરની મૂર્તિનું તૂટેલું માથું

ઇમેજ સ્રોત, PENGUIN PRESS

ઇમેજ કૅપ્શન, સોવિયત સૈનિકના હાથમાં હિટલરની મૂર્તિનું તૂટેલું માથું

2 મે, 1945એ જ્યારે જર્મન કમાન્ડરોએ બર્લિનમાં પોતાના સૈનિકોને હથિયાર મૂકી દેવાનું કહ્યું તો એમણે એમને એમ કહીને યોગ્ય ગણાવ્યું કે હિટલરે પોતે પોતાને મારી નાખીને એમને ખુદના ભરોસે છોડી દીધા છે.

હેનરિક બ્રેલોએરે પોતાના પુસ્તક 'ગેહાઇમ ઉમવેટ'માં લખ્યું છે, "હિટલરના મૃત્યુ અંગે જર્મનીમાં શોક મનાવવાનાં દૃશ્યો જોવા ના મળ્યાં. આઠ વર્ષ પછી રશિયન જે રીતે સ્ટાલિનના મૃત્યુ માટે રોયા હતા, એ રીતે કોઈ પણ જર્મન રોતા નજરે ના પડ્યા. માત્ર કેટલીક શાળાઓમાં સવારની પ્રાર્થના સમયે હિટલરના મૃત્યુની જાહેરાત પછી કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં આંસુ જરૂર જોવા મળ્યાં."

હિટલરની પ્રેમિકા ઇવા બ્રાઉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિટલરની પ્રેમિકા ઇવા બ્રાઉન

માનવઇતિહાસમાં આ પહેલાં કોઈ પણ વિનાશને આ રીતે એક વ્યક્તિ સાથે જોડીને નથી જોવાયો. હિટલરે આ યુદ્ધની શરૂઆત કરી હતી જેણે 5 કરોડ લોકોના જીવ લીધા. એકલા બર્લિનને જીતવામાં જ સોવિયત સંઘે પોતાના 3 લાખ સૈનિકો ગુમાવ્યા. લગભગ 40,000 જર્મન સૈનિક પણ મરાયા અને 5 લાખ જર્મન સૈનિકોને યુદ્ધકેદી બનાવાયા.

2 મે, 1945ના 3 વાગ્યે સોવિયત સૈનિક રાઇક ચાન્સલરીમાં ઘૂસ્યા. એમને કોઈ પણ પ્રકારના પ્રતિરોધનો સામનો કરવો ના પડ્યો. હિટલરના બંકરમાં સૌથી પહેલા ઘૂસનારા સોવિયત સૈનિક હતા, લેફ્ટનન્ટ ઇવાન ક્લિમેન્કો. એમને એમની બહાદુરી માટે 'હીરો ઑફ ધ સોવિયત યુનિયન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો