ભારતીય સૈન્યમાં હજારો જગ્યા ખાલી પણ મોદી સરકાર ભરતી કેમ નથી કરતી?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
હરિયાણાના ભિવાની જિલ્લાના 23 વર્ષીય યુવક પવને ભારતીય સૈન્યમાં નોકરી મેળવવામાં સફળતા ના મળતાં 26 એપ્રિલે આત્મહત્યા કરી લીધી.
આ કેસની તપાસ કરનારા એએસઆઇ વીરેન્દરસિંહે બીબીસીને જણાવ્યું કે, પવને એ જ સ્કૂલના મેદાનમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી છે જ્યાં તેઓ સૈન્યમાં ભરતી થવા માટે દોડની પ્રેક્ટિસ કરતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
વીરેન્દરસિંહે જણાવ્યું કે, "તાલુ ગામના રહેવાસી પવન છેલ્લાં કેટલાંક વર્ષોથી સૈન્યમાં ભરતી થવા માટે તૈયારી કરતા હતા. એમણે પહેલાં મેડિકલથી લઈને ફિટનેસ સુધીની બધી પરીક્ષાઓ પાસ કરી લીધી હતી. પરંતુ કોવિડના કારણે નવી ભરતીઓ ખૂલી નહીં. દરમિયાનમાં ભરતી થવા માટેની મહત્તમ વયમર્યાદાને વટાવી ગયા હોવાના કારણે નિરાશ થઈને એમણે આત્મહત્યા કરી લીધી. પવનનો મૃતદેહ જ્યાંથી મળ્યો ત્યાં જમીન પરથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું હતું - પાપાજી, આ જન્મમાં તો 'ફૌજી' ના બની શક્યો, ફરી જન્મ લઈશ તો 'ફૌજી' જરૂર બનીશ."
આ આત્મહત્યાના સમાચાર પ્રકાશિત થયા પછી આમ આદમી પાર્ટીથી લઈને કૉંગ્રેસ સમેત તમામ વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર સામે સવાલ કરવાનું શરૂ કરી દીધું છે.
પરંતુ વિપક્ષી નેતાઓની ટીકાઓ વચ્ચે ભારતીય જનતા પક્ષના સાંસદ વરુણ ગાંધીએ પણ આ મુદ્દે ટ્વિટ કર્યું છે.
એમણે લખ્યું છે, "જે મેદાનમાં કર્યો હતો 'રાષ્ટ્રસેવાનો સંકલ્પ' ત્યાં જ લખ્યા અંતિમ શબ્દ - 'બાપુ આ જન્મે તો ના બની શક્યો, ફરી જન્મ લઈશ તો સૈનિક જરૂર બનીશ.'
છેલ્લાં ત્રણ વર્ષોથી અટકી ગયેલા આર્મી મેળાના કારણે વયમર્યાદામાંથી બહાર નીકળી ગયેલા યુવાઓને હતાશા તોડી રહી છે. આ મહેનતુ યુવાઓનો પોકાર, સરકાર આખરે ક્યારે સાંભળશે?"
બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતાં ટ્વિટ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે લખ્યું છે કે, "કાશ માદીજી બેરોજગારીની લાચારી જાણતા હોત! માર્ચ 2020થી સૈન્યમાં ભરતી બંધ! પહેલાં દર વર્ષે 80,000 ભરતીઓ થતી હતી, હવે બધી બંધ પડી છે. સેનામાં 1,22,555 જગ્યા ખાલી છે. શું સાંભળી શકશો આ નવયુવકનો છેલ્લો પોકાર!"
પરંતુ આ પહેલો જ પ્રસંગ નથી કે જેમાં સરકાર ભારતીય સૈન્યની ભરતીઓ સ્થગિત થવાના કારણે ટીકાનો સામનો કરી રહી છે.

સૈન્યમાં ભરતીઓ માટે વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Hindustan Times
આ સમાચાર આવ્યાનાં લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં 5 એપ્રિલે દિલ્હીના જંતરમંતર ખાતે સંકડો યુવાઓએ સૈન્યમાં ભરતીમેળો આયોજિત કરવાની માંગણી સાથે દેખાવો કર્યો હતો.
તે દરમિયાન સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં એક પ્રદર્શનકારીએ કહેલું કે છેલ્લાં બે વર્ષથી ભરતી નથી થતી.
આ જ વિરોધપ્રદર્શનમાં ભાગ લેનારા અન્ય એક પ્રદર્શનકારી સંદીપ ફૌજીએ કહેલું કે, "અમે અહીંયાં ભરતીમેળો આયોજિત કરવાની માંગ કરવા આવ્યા છીએ અને બે વર્ષની છૂટ પણ ઇચ્છીએ છીએ. સૈન્યમાં ભરતી થવા ઇચ્છુક યુવકોએ જુદી જુદી જગ્યાએ ફિટનેસ ટેસ્ટ આપી પરંતુ લેખિત પરીક્ષા ટળતી રહી."
જણાવી દઈએ કે ભારતીય સેના દેશભરમાં જુદી જુદી જગ્યાએ સેનામાં પ્રારંભિક લેવલની ભરતીઓ માટે મેળાનું આયોજન કરે છે.
આ મેળાઓમાં ગામડાંમાંથી આવનારા યુવકો ભાગ લે છે.
હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવાં તમામ રાજ્યોનાં ગ્રામીણ ક્ષેત્રોમાંના નવયુવકોનો એક વર્ગ સૈન્યમાં ભરતી થવા માંગે છે અને તે માટે લાંબા સમયથી તૈયારી કરે છે.
એવી સ્થિતિમાં ભરતીઓ અટકી જવાના કારણે આ વિસ્તારોમાં રહેતા યુવકો વિરોધપ્રદર્શનોમાં ભાગ લેતા જોવા મળ્યા.

રાજ્યસભામાં પણ ઊઠ્યા સવાલો

ઇમેજ સ્રોત, Hindustan Times
વિપક્ષી દળો તરફથી આ મુદ્દે માર્ગો પરનાં પ્રદર્શનની સાથોસાથ સંસદમાં પણ સરકારને સવાલ પૂછવામાં આવ્યા.
એવા જ એક સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય સુરક્ષામંત્રી રાજનાથ સિંહે 21 માર્ચે રાજ્યસભામાં જણાવેલું કે કોરોનાના કારણે ભરતીપ્રક્રિયા અટકી ગઈ હતી.
કેન્દ્રીય સુરક્ષામંત્રી (રાજ્ય કક્ષા) અજય ભટ્ટે રાજ્યસભામાં કોવિડકાળ દરમિયાનની ભરતીઓ સાથે સંકળાયેલી માહિતી આપી છે.
એમણે 21 માર્ચ, 2022એ જણાવ્યું છે કે વર્ષ 2020-21માં 97 ભરતીમેળા આયોજિત કરવાના હતા, જેમાંથી 47 ભરતીમેળાનું આયોજન થઈ શક્યું અને 47 ભરતીમેળામાંથી માત્ર 4 મેળા માટે કૉમન એન્ટ્રન્સ એક્ઝામ આયોજિત કરી શકાઈ.
તેની સાથે જ 2021-22માં 87 ભરતીમેળાની યોજના બનાવાઈ હતી, જેમાંથી માત્ર 4 ભરતીમેળાનું આયોજન થઈ શક્યું અને એમાંથી એક પણ મેળાની ભરતી માટે કૉમન એન્ટ્રન્સ એક્ઝામ આયોજિત નથી કરી શકાઈ.
રાજનાથ સિંહે આ પહેલાં બે વર્ષના આંકડા આપતાં જણાવ્યું કે 2018-19માં 53,431 અમે 2019-20માં 80,572 સૈનિકોની ભરતી કરવામાં આવી છે.
એ જ રીતે 2018થી માંડીને 2022 સુધીનાં ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ભારતીય સૈન્યમાં કુલ 1,34,003 ભરતી કરવામાં આવી છે.
ભારતીય સૈન્યમાં હજુ પણ 97 હજારથી વધારે પદ ખાલી પડ્યાં છે અને 2022-23 વિશેની કશી માહિતી ઉપલબ્ધ નથી.

ભારતીય સૈન્યમાં 97 હજારથી વધુ જગ્યા ખાલી

ઇમેજ સ્રોત, Hindustan Times
ભારતીય સૈન્યમાં કુલ પદની સંખ્યા 12,29,559 છે, જેમાંનાં 97,177 પદ ખાલી પડ્યાં છે.
અને આ એ સમયના આંકડા છે જ્યારે ભારતીય સૈન્ય અરુણાચલ પ્રદેશથી લઈને પાકિસ્તાન સાથે જોડાતી સરહદ અને લદ્દાખ પર ગંભીર પડકારોનો સામનો કરી રહી હતી.
એ જોતાં એવો સવાલ થાય કે સુરક્ષામંત્રાલય તરફથી આ જગ્યાઓ ઝડપથી ભરી દેવાની દિશામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલી ભરતીઓ કરવામાં આવી?
બીબીસીએ ભારતીય સુરક્ષામંત્રાલયના આંકડાનું વિશ્લેષણ કર્યું તો જાણવા મળ્યું કે ભારતીય સૈન્ય દર વર્ષે જુદાં જુદાં કેન્દ્રો પર ભરતીમેળાઓનું આયોજન કરીને જવાનોની ભરતી કરે છે.

છેલ્લાં સાત વર્ષમાં કેટલી ભરતી થઈ?

ભારતીય સુરક્ષામંત્રાલય પાસેથી મળેલા આંકડા અનુસાર, ભારત સરકારે છેલ્લાં 7 વર્ષમાં પ્રતિ વર્ષ અંદાજે 60 હજાર જવાનોની ભરતી કરી છે.
એ જોતાં, વર્ષ 2013-14માં 54,186, 2014-15માં 31,911, 2015-16માં 67,954, 2016-17માં 71,804, 2017-18માં 52,447 અને 2018-19માં 50,026 જવાનોની ભરતી કરવામાં આવી.
સવાલ એ થાય કે ભારતીય સૈન્યમાં જવાનોના સ્તરે આટલી જગ્યાઓ જ્યારે ખાલી છે ત્યારે શું સરકાર ઘણાં વર્ષોથી તૈયારી કરી રહેલા યુવાનોને એક વધારાની તક આપવા અંગે વિચારે છે?
શું સરકાર વધુ એક તક આપશે?
અજય ભટ્ટે આ સવાલના જવાબમાં કહ્યું કે ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ એવા કોઈ પ્રસ્તાવ અંગે વિચાર નથી કર્યો.
જોકે, એમણે જણાવ્યું કે ભારતીય નૌસેનામાં નોકરી કરવા ઇચ્છુક લોકોને છ મહિનાની મુદ્દત આપવામાં આવી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












