1965 યુદ્ધ : 'સીઓ સાહેબનો આદેશ છે, જીવતા કે મરેલા ડોગરઈમાં મળવાનું છે'

ઇમેજ સ્રોત, USI
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
છઠ્ઠી સપ્ટેમ્બર 1965ની સવારે નવ વાગ્યે સેનાની 3-જાટ ટુકડી ઇચ્છોગિલ નહેર તરફ આગળ વધવા લાગી.
નહેરના કિનારે લડાયેલી લડાઈમાં પાકિસ્તાની વાયુસેનાએ બટાલિયનનાં હથિયારોને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આમ છતાં ટુકડીએ 11 વાગ્યા સુધીમાં નહેરના પશ્ચિમ કિનારે પહેલાં બાટાનગર પર અને પછી ડોગરઈ પર કબજો કરી લીધો હતો.
જોકે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓને આ કામગીરી વિશે હજી સુધી માહિતી મળી નહોતી. ડિવિઝનની મુખ્ય કચેરીમાં કશીક ખોટી માહિતી મળી હતી. તેના કારણે તેમને કહેવામાં આવ્યું કે ડોગરઈથી નવ કિલોમીટર દૂર પાછા હટીને સંતપુરામાં પૉઝિશન લેવી.
ટુકડીએ ત્યાં ખોદીને ટ્રૅન્ચ તૈયાર કર્યા અને પાકિસ્તાની સૈનિકોનું ભારે દબાણ હતું, છતાં ત્યાંથી હટી નહીં.
સપ્ટેમ્બર મહિનામાં લખાયેલી આ ગાથાનાં મૂળિયાં એપ્રિલ મહિનામાં કચ્છની સરહદે પાકિસ્તાનની સેનાએ કરેલી કાર્યવાહી તથા પાકિસ્તાની સેનાએ હાથ ધરેલા 'ઑપરેશન જિબ્રાલ્ટર'ની નિષ્ફળતામાં હતા.

ડોગરઈ પર ફરી હુમલો

21 સપ્ટેમ્બરની રાત્રે 3 જાટે ડોગરઈ પર ફરી હુમલો કરીને બીજી વાર કબજો કરી લીધો. જોકે આ લડાઈમાં બંને બાજુના સૈનિકોની મોટી જાનહાનિ થઈ હતી.
આ લડાઈને દુનિયાની શ્રેષ્ઠ લડાઈઓમાં ગણવામાં આવે છે અને ઘણી બધી સૈનિક સ્કૂલોના અભ્યાસક્રમમાં તેના વિશે ભણાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પર હરિયાણામાં લોકગીતો પણ બન્યા છે :
કહે સુને કી બાત ન બોલી, આંખો દેખી ભાઈ
તીન જાટ કી કથા સુનાઉ, સુન લે મેરે ભાઈ
ઈક્કિસ સિતંબર રાત ઘનેરી, હમલા જાટ ને મારી
દુશ્મન મેં મચ ગઈ ખલબલી, કાંપ ઉઠી ડોગરઈ

ગોળીબાર વચ્ચે હરફર

મેજર જનરલ બી. આર. શર્મા યાદ કરતાં કહે છે, "21 અને 22ની રાત્રે અમે બધા અમારા ટ્રૅન્ચમાં (છૂપાવા માટેની સાંકળી કેનાલ જેવી વ્યવસ્થા) બેઠા હતા. સી.ઓ. (કમાન્ડિંગ ઓફિસર) લેફ્ટનન્ટ કર્નલ ડી. એફ. હેડ ટ્રૅન્ચની દિવાલ પર પોતાના પગ ટકાવીને બેઠા હતા."
"પાકિસ્તાનીઓએ ગોળીબાર શરૂ કર્યો એટલે તેઓ હેલ્મેટ પહેરી અને ટ્રૅન્ચની બહાર નીકળ્યા. તેઓ ગોળીઓની વચ્ચે હરફર કરવા લાગ્યા."
"કોઈનાથી ડરવાની જરૂર નથી એવું દેખાડવા માટેની આ તેમની રીત હતી. તેઓ કહેતા કે જે ગોળી મારા માટે બની છે તે જ મને વાગશે. બીજી ગોળીઓથી મારે ડરવાની જરૂર નથી."
1965ના યુદ્ધ વિશે પુસ્તક લખનારાં રચના બિષ્ટ રાવત કહે છે, "21 સપ્ટેમ્બરની રાત્રે તેમણે પોતાના સૈનિકોને સંબોધન કર્યું ત્યારે બે વાત કરી હતી. એક પણ જવાન પાછળ નહીં હટે. જીવતા કે મરેલા ડોગરઈમાં મળવાનું છે."
"તેમણે કહ્યું કે તમે લોકો ભાગી જશો તો પણ હું મેદાનમાં એકલો લડતો રહીશ. તમે તમારા ગામમાં જશો ત્યારે ગામના લોકો સીઓનો સાથ છોડી દેવા બદલ તમારા પર થૂંકશે."
'સી.ઓ. સાહેબ માર્યા ગયા તો શું કરશો?'

આ પછી બધા સૈનિકોએ ભોજન કરી લીધું. ત્યારબાદ તેઓ પોતાના સહયોગી મેજર શેખાવત સાથે દરેક ટ્રૅન્ચમાં ગયા. તેમણે સૈનિકોને કહ્યું, "આજે આપણે મૃત્યુ પામીશું તો તે મૃત્યુ બહુ સારું હશે."
"બટાલિયન તમારા પરિવારની સંભાળ લેશે. તેથી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી."
કર્નલ શેખાવત યાદ કરતાં કહે છે, "હેડની વાત સાંભળીને સૌ જોશમાં આવી ગયા. તેમણે એક સિપાહીને પૂછ્યું પણ ખરું કે 'કાલે ક્યાં મળવાનું છે?' તો તેણે કહ્યું, 'ડોગરઈમાં.'
હેડને જાટની થોડી ભાષા આવડતી હતી. "તેમણે પોતાનું હાસ્ય છુપાવીને પૂછેલું, 'સસુરે... સી.ઓ. અગર જખમી હો ગયા તો ક્યા કરોગે?'
સૈનિકે જવાબ આપ્યો, "સી.ઓ. સાહેબને ઉઠાવીને ડોગરઈ લઈ જઈશું, કેમ કે સી.ઓ. સાહેબનો હુકમ છે... જીવતા કે મરેલા, ડોગરઈમાં મળવાનું છે."
હુમલો શરૂ થઈ ગયો

54 ઇન્ફન્ટ્રી બ્રિગેડે બે તબક્કે હુમલો કરવાની યોજના બનાવી હતી. પ્રથમ 13 પંજાબે 13મા માઇલસ્ટોન પર પાકિસ્તાની સુરક્ષાને તોડી નાખવાની હતી અને તે પછી 3 જાટે હુમલો કરીને ડોગરઈ પર કબજો કરી લેવાનો હતો.
જોકે હેડ દ્વારા પહેલેથી જ બ્રિગેડ કમાન્ડરને કહી દેવાયું હતું કે 13 પંજાબનો હુમલો સફળ થાય કે ના થાય, 3 જાટ બીજા તબક્કામાં હુમલો કરી જ દેશે.
તેથી 13 પંજાબનો હુમલો નિષ્ફળ ગયો ત્યારે બ્રિગેડ કમાન્ડરે વાયરલેસથી હેડ સાથે વાત કરીને કહ્યું કે રાત્રે હુમલો રોકી દેજો.
પરંતુ કમાન્ડરની સલાહ હેડ સ્વીકારવા તૈયાર નહોતા. તેમણે કહ્યું અમે હુમલો કરીશું જ. હકીકતમાં ત્યાં સુધીમાં હુમલો શરૂ થઈ ગયો હતો.
27 જ જીવિત બચ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બરાબર એકને ચાલીસ મિનિટે હુમલો કરી દેવાયો હતો. ડોગરઈની બહાર બનાવાયેલા સિમેન્ટના પીલ બૉક્સમાંથી પાકિસ્તાનીઓએ મશીનગનમાંથી જોરદાર મારો ચલાવ્યો હતો.
સૂબેદાર પાલે રામે જોરથી બૂમ પાડીને કહ્યું, "બધા જવાનો ડાબી બાજુથી મારી સાથે આક્રમણ કરશે."
કૅપ્ટન કપિલ સિંહ થાપાની પ્લાટૂને પણ લગભગ એ જ વખતે હુમલો કરી દીધો હતો.
જેમને ગોળી વાગી તેમને ત્યાં જ પડી રહેવા દેવાયા. પાલે રામની છાતી અને પેટમાં છ ગોળીઓ લાગી હતી, તેમ છતાં તેઓ પોતાના જવાનોને કમાન્ડ આપતા રહ્યા હતા.
આક્રમણ કરનારા 108 જવાનોમાંથી માત્ર 27 જીવિત બચ્યા હતા. બાદમાં કર્નલ હેડે પોતાના પુસ્તક બેટલ ઑફ ડોગરઈમાં લખ્યું હતું, "કલ્પનામાં ના આવે તે રીતે આક્રમણ થયું હતું. હું તેનો આટલો નિકટથી સાક્ષી બન્યો હતો, તે મારા માટે ગૌરવની વાત હતી."
આસારામ ત્યાગીની બહાદુરી

કૅપ્ટન બી. આર. વર્મા તેમના સી.ઓ.ની 18 ગજ પાછળ ચાલી રહ્યા હતા. અચાનક તેમની ડાબી જાંઘમાં ગોળી વાગી અને તેઓ પડી ગયા.
કંપની કમાન્ડર મેજર આસારામ ત્યાગીને પણ બે ગોળીઓ વાગી હતી, તેમ છતાં તેઓ લડતા રહ્યા હતા. તેમણે એક પાકિસ્તાની મેજર પર ગોળી ચલાવી અને તે પછી તેમના પર સંગીનથી હુમલો કરી દીધો.
રચના બિષ્ટ કહે છે કે આ દરમિયાન તદ્દન પૉઈન્ટ બ્લૅન્ક રેન્જથી તેમને બે ગોળીઓ વાગી. એક પાકિસ્તાની સૈનિકે તેમના પેટમાં સંગીન મારી દીધી.
તેમનું પેટ ફાટી ગયું હતું અને તેઓ ઢળી પડ્યા હતા. તે જ વખતે હવાલદાર રામ સિંહે એક મોટો પથ્થર ઉપાડીને પેલા પાકિસ્તાની સિપાહીના માથા માર મારી દીધો.
મેજર વર્મા કહે છે, "ત્યાગી બેહોશ થઈ ગયા હતા, પણ વચ્ચે વચ્ચે થોડીવાર ભાનમાં આવતા હતા. હું પણ ઘાયલ હતો. મને એક ઝૂંપડીમાં લઈ જવાયો જ્યાં બધા ઘાયલ સૈનિકો પડ્યા હતા."
"ઘાયલોને ત્યાંથી લઈ જવાનો વારો આવ્યો, ત્યારે ત્યાગીએ પીડાતાં અવાજે કહ્યું કે આપ સિનિયર છો, પહેલાં આપ જાવ. મેં તેમને ચૂપ રહેવા કહ્યું અને સૌ પહેલાં તેમને જ ત્યાંથી રવાના કર્યા, કેમ કે તેમનું લોહી બહુ વહી ગયું હતું."
મેજર શેખાવત કહે છે, "ત્યાગીને બહુ પીડા થઈ રહી હતી. તેમણે કહ્યું સર હું બચીશ એમ લાગતું નથી. મને એક ગોળી મારી દો. તમારા હાથે હું મરવા માગું છું. જોકે અમે બધા ઇચ્છતા હતા કે ત્યાગી બચી જાય."
બચાવવાના તમામ પ્રયાસો છતાં 25 સપ્ટેમ્બરે ત્યાગીએ પ્રાણ ત્યજી દીધા.
પાકિસ્તાની કમાન્ડિંગ ઑફિસર પકડાયા

સવારે ત્રણ વાગ્યા સુધીમાં ડોગરઈ પર ભારતીય સૈનિકોનો કબજો થઈ ગયો. સવા છ વાગ્યે ભારતીય ટૅન્ક પણ ત્યાં પહોંચી ગઈ હતી.
ઇચ્છોગિલ નહેરના સામાં કાંઠા પર ટૅન્કોમાંથી તોપમારો ચાલુ કરી દેવાયો. તે બાજુથી ભારતીય સૈનિકો પર ભારે ગોળીબાર થઈ રહ્યો હતો.
3 જાટના સૈનિકોએ ઝૂંપડીઓમાં છુપાઈ ગયેલા પાકિસ્તાની સૈનિકોને પકડવાનું શરૂ કર્યું. પકડાઈ ગયેલામાં એક લેફ્ટનન્ટ કર્નલ જે. એફ. ગોલવાલા પણ હતા, જેઓ 16 પંજાબ (પઠાણ)ના કમાન્ડિંગ ઑફિસર હતા.
ઇચ્છોગિલ નહેર પર લાન્સ નાયક ઓમપ્રકાશે ભારતીય ધ્વજ ફરકાવ્યો. તે વખતે ઉપસ્થિત જવાનો માટે તે બહુ ગૌરવની ક્ષણ હતી.
સાથોસાથ ડોગરઈ પર કબજો કરવા માટે પોતાના પ્રાણની આહુતી આપી દેનારા સાથીઓની યાદથી તેમની આંખો ભીની પણ થઈ ગઈ હતી.
આ લડાઈ માટે લેફ્ટનન્ટ કર્નલ ડી. એફ. હેડ, મેજર આસારામ ત્યાગી અને કૅપ્ટન કે. એસ. થાપાને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા.
હુસૈને બનાવ્યું ચિત્ર

કર્નલ હેડ 2013 સુધી જીવ્યા હતા. ત્વચાના કૅન્સરની સારવાર માટે તેઓ દિલ્હીની સૈનિક હૉસ્પિટલમાં આવ્યા હતા ત્યારે રચના બિષ્ટ તેમને મળ્યા હતા.
રચના યાદ કરતાં કહે છે, "તેઓ હંમેશા જૉન ગ્રીશમની નૉવેલ વાંચ્યા કરતા હતા. તેઓ પશુપ્રેમી હતા અને 45 જેટલા શ્વાનને એકલા હાથે પાળતા હતા."
"કોટદ્વાર પાસે આવેલા તેમના ગામના લોકો યાદ કરે છે કે ઘણીવાર તેઓ પોતાનાં શ્વાનોના વસ્ત્રો ધોવા માટે નહેર પર આવતા હતા. તેમણે પોતાના જીવનમાં છેલ્લે સુધી કમ્પ્યૂટર કે મોબાઇલનો ઉપયોગ કર્યો નહોતો"
તેઓ વધુમાં કહે છે, "કદાચ તેઓ એકમાત્ર એવા સૈન્ય અફસર હતા, જેમનું ચિત્ર મકબૂલ ફિદા (એમ. એફ.) હુસૈને યુદ્ધના સ્થળ પર જ બનાવ્યું હતું. તે ચિત્ર આજે પણ બરેલીમાં રેજિમૅન્ટલ સેન્ટર મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















