જ્યારે 71ના યુદ્ધમાં પાકિસ્તાન વિરુદ્ધ ઇઝરાયલે ભારતની મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના પૂર્વ વડાં પ્રધાન ગૉલ્ડા મૅયર વિશે કહેવાતું કે તેઓ ઇઝરાયલ આખાના દાદી છે. જૂના સમયનું સ્કર્ટ અને કોટ એ જ એમનો પોશાક હતો.
આજે ઇઝરાયલના એ મહિલા વડાં પ્રધાનની વાત જેમણે 71નાં યુદ્ધમાં ભારતને છૂપી રીતે પાકિસ્તાન વિરુદ્ધ મદદ કરી હતી.
તેઓ હંમેશાં બ્લૅક જૂતાં જ પહેરતાં અને હાથમાં એ જ જૂની હૅન્ડબૅગ લટકતી રહેતી. ગૉલ્ડા 'ચેન સ્મૉકર' હતાં અને સિગારેટમાં ક્યારેય 'ફિલ્ટર' નહોતાં લગાવતાં.
રસોડામાં જાતે જ બનાવેલી ચા પીતાં એમને કેટલાય લોકોએ જોયાં હતાં.
કેટલાય લોકોએ તેમના હાથ પર પુરુષોની ઘડિયાળ પણ જોઈ હતી. તેઓ હંમેશાં પુરુષ ઘડિયાળ જ પહેરતાં.
જાતે જ સફરજન કાપી મહેમાનોને ખવડાવતા ગૉલ્ડાથી સૌ કોઈ વાકેફ હતા અને છતાં ઇઝરાયલના પ્રથમ વડા પ્રધાન ડૅવિડ બેન ગુરોયોને કહ્યું હતું કે 'ગૉલ્ડા મારા મંત્રીમંડળ'માં એકલી પુરુષ હતી.'
જો કોઈ અન્ય સંદર્ભ હોત તો કોઈ પણ મહિલાને આ વાત ગમી જાત પણ ગૉલ્ડા મૅયરનું માનવું હતું કે કોઈ પણ કામને વ્યક્તિની જાતિ સાથે ના જોડવું જોઈએ.

નિક્સન પણ હતા 'કાયલ'

ઇમેજ સ્રોત, Getty Images
ગૉલ્ડાનો મૅયરનો જન્મ 3જી મે 1898માં યુક્રેનની રાજધાની કિવમાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ એ લોકોમાં સામેલ હતાં, જેમણે 1948માં ઇઝરાયલની સ્વતંત્રતાની જાહેરાત અંગેના પત્ર પર સહી કરી હતી. 1956નું વર્ષ એ હતું જ્યારે તેઓ ઇઝરાયલના વિદેશ મંત્રી બન્યાં હતાં.
કેટલાંય મહત્ત્વપૂર્ણ પદો પર કામ કર્યા બાદ 1965માં તેમણે સક્રીય રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
પણ, 1969માં જ્યારે ઇઝરાયલના ત્રીજા વડા પ્રધાન લેવાઈ ઍશકૉલનું મત્યુ થયું તો એમને સન્યાસમાંથી પરત બોલાવાયાં. ઇઝરાયેલના વડાં પ્રધાન બનાવાયાં.
1971માં વડાં પ્રધાન તરીકે તેઓ પ્રથમ વખત અમેરિકા ગયાં. જ્યાં રાષ્ટ્રપતિ નિકસન તેમના અંદાજથી ભારે પ્રભાવિત થયા હતા.
પોતાની આત્મકથામાં 'આર.એન. : ધ મૅમરીઝ ઑફ રિચર્ડ નિક્સન'માં તેમણે લખ્યું હતું,
''મને યાદ છે કે જ્યારે અમે બન્ને ઑવેલ ઓફિસની ખુરશીઓ પર બેઠાં હતાં અને ફોટોગ્રાફર અમારી તસવીરો ખેંચી રહ્યા હતા, ત્યારે ગૉલ્ડા હસી રહ્યાં હતાં અને મૈત્રીપૂર્ણ વાતો કરી રહ્યાં હતાં.''
''જેવા જ ફોટોગ્રાફર ગયા કે તેમણે પોતાના ડાબા પગ પર જમણો પગ ચડાવ્યો, સિગારેટ સળગાવી અને બોલ્યાં, 'મિસ્ટર પ્રૅસિડન્ટ, હવે બોલો કે જે વિમાનોનો અમને ભારે ખપ છે એનું તમે શું કરવાના છો?''
નિક્સન ઉમેરે છે, ''ગૉલ્ડાનું વર્તન એક પુરુષને છાજે એવું હતું અને તેઓ એવું જ ઇચ્છતાં કે તેમનાં સાથે પણ એક પુરુષ જેવો જ વ્યવહાર કરવામાં આવે.''

71નાં યુદ્ધમાં ભારતને મદદ

ઇમેજ સ્રોત, Getty Images
1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગૉલ્ડા મૅયરે ગુપ્ત રીતે ભારતને સૈનિક સહાયતા મોકલી હતી અને એ પણ એવા સમયે જ્યારે બન્ને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારના રાજકીય સંબંધો નહોતા.
એ વખતે ઇઝરાયલનું સૌથી નજીકનું મિત્ર અમેરિકા પણ પાકિસ્તાનના પડખે ઊભું હતું.
અમેરિકન પત્રકાર ગૅરી જે બાસે નહેરુ લાઇબ્રેરીમાં રખાયેલા 'હક્સર પેપર્સ'ને ટાંકીને પોતાના પુસ્તક 'બ્લડ ટેલિગ્રામ'માં લખે છે,
''ઇઝરાયલના વડાં પ્રધાન ગૉલ્ડા મૅયરે ઇઝરાયલના શસ્ત્ર સોદાગર શ્લોમો જબલુદોવિક્ઝ મારફતે ભારતને કેટલાંક 'મૉર્ટાર્સ અને હથિયાર' મોકલાવ્યાં હતાં.''
''એ હથિયારો સાથે કેટલાક ઇઝરાયલી ટ્રૅઇનર્સ પણ ભારત આવ્યા હતા. જ્યારે ઇંદિરા ગાંઘીના પ્રધાન સચિવ પી.એન. હક્સરે વધુ હથિયારો માટે વિનંતી કરી તો ગૉલ્ડા મૅયરે તેમને આશ્વાસન આપ્યું હતું કે તમારી મદદ ચાલુ રહેશે.''
તેઓ ઉમેરે છે, ''ભારતે કૂટનીતિક સંબંધો સ્થાપવા જોઈએ એવો ઇઝરાયલે સંકેત પણ આપ્યો હતો. જોકે, ભારતે એવું કહીને વિનમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો કે સોવિયત સંઘને એ ગમશે નહીં.''
જોકે, 20 વર્ષ બાદ નરસિંહા રાવના નેતૃત્વવાળી ભારત સરકારે ઇઝરાયલ સાથે રાજકીય સંબંધો સ્થાપિત કર્યા હતા.

' હુમલામાં સામેલ દરેક વ્યક્તિને મારી નાખો'

ઇમેજ સ્રોત, Getty Images
1972માં મ્યુનિકમાં ઑલિમ્પિકમાં આરબ ઉગ્રવાદીઓએ ઑલિમ્પિક વિલેજમાં ઘૂસીને 11 ઇઝરાયલી ખેલાડીઓની હત્યા કરી નાખી હતી.
એ વખતે ગૉલ્ડા મૅયરે મોસાદના જાસૂસોને આદેશ આપ્યા હતા કે એ કૃત્યમાં સામેલ હરેક વ્યક્તિને ગણીગણીને મારી નાખવામાં આવે, પછી તે દુનિયામાં કોઈ પણ ખૂણામાં જે કેમ ના હોય?
મોસાદના આ મિશનને 'રૅથ ઑફ ગૉડ' નામ અપાયું હતું.
એ ઘટના પર 'વન ડૅ ઇન સપ્ટેમ્બર' નામનું પુસ્તક લખનારા સાઇમન રિવ્સ જણાવે છે, ''ગૉલ્ડા મૅયરે જનરલ અહારોન યારીવ અને ઝ્વી ઝમીરને ઘરે બોલાવ્યા.''
''એમને પહેલાં યહુદી લોકો પર થયેલાં અત્યાચારોની વાત કરી. એમાં એમણે મ્યુનિકમાં 11 ઇઝરાયલી ખેલાડીઓની કરાયેલી હત્યાની પણ વાત કરી.''
''અચાનક જ તેમણે નિસાસો નાખ્યો અને પછી યારીવ અને ઝમીરની આંખોમાં જોઈને કહ્યું 'સૅન્ડ ફૉર ધ બૉયઝ્.''

જૉર્ડનના શાહ હુસૈન સાથે ગુપ્ત મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
1973માં ઇજિપ્ત અને સીરિયાને ઇઝરાયલના સૌથી પવિત્ર યોમ કિપ્પુરના દિવસે ઇઝરાયલ પર હુમલો કર્યો. આવા કોઈ હુમલાનો ગૉલ્ડા મૅયરને અંદાજ તો હતો જ.
25 સપ્ટેમ્બર 1973ની સવારે તેલ અવીવના ઉત્તરમા હર્જલિયામાં મોસાદે એક સેફ હાઉસ પર એક બેલ 206 હેલિકૉપ્ટર ઊતર્યું.
એની સાથે જ ઇઝરાયલના ટોચના નેતૃત્વમાં ગભરાટ ફેલાઈ ગયો ને એ સહજ પણ હતો.
રોજરોજ કંઈ જૉર્ડનના શાહ હુસૈન સરહદ પર ઇઝરાયલી વડાં પ્રધાનને મળવા થોડા જ આવતા હતા!
શાહ એવા સમાચાર લઈને આવ્યા હતા કે સીરિયા ઇઝરાયલ પર હુમલો કરવાની વેતરણમાં છે.
ગૉલ્ડા મૅયરનું જીવનચરિત્ર લખનારાં ઍલિનોર બર્કેટ જણાવે છે, ''ગૉલ્ડા મૅયરે શાહ હુસૈનને પૂછેલો પહેલા સવાલ હતો, 'શું સીરિયા ઇજિપ્તના સાથ વગર જ આવું કરશે?''
''હુસૈનનો જવાબ હતો કે ઇજિપ્ત સીરિયાનો સહયોગ કરશે જ. જ્યારે સંરક્ષણમંત્રી મોશે દાયાનને આ અંગે જણાવાયું તો એમણે કંઈ ખાસ ભાવ ના આપ્યો.''
''તેમનું માનવું હતું કે જૉર્ડન અને ઇજિપ્ત વચ્ચે એવા કોઈ સંબંધ નથી કે તેમને આ અંગે જાણકારી હોઈ શકે. તેમણે કહ્યું કે આપણે સીરિયા પર નજર રાખીશું. ચિંતાનું કોઈ કારણ નથી.''

ગૉલ્ડા મૅયરની નિષ્ફળતા

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદને પણ જાણ થઈ ગઈ કે ઇજિપ્તના સૈન્યની ડિવિઝન સુએઝ નહેરની તરફ આગળ વધી રહી છે અને ઇજિપ્તે પોતાના એક લાખ 20 હજાર રિઝર્વ સૈનિકોને બોલાવી લીધા છે.
આ સાંભળીને મોશેનનું કહેવું હતું કે ઇજિપ્ત પોતાનો 'રુટિન' સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. એ બાદ કેટલાય લોકોએ એવું પણ કહ્યું કે એ હુમલો અટકાવી ના શકાયો એ ગૉલ્ડા મૅયરની સૌથી મોટી નિષ્ફળતા હતી.
લંડનની કિંગ્સ કોલેજના યુદ્ધ અભ્યાસ વિભાગના દિગ્દર્શક ઍરિક બ્રૅગમૅન જણાવે છે, ''ગૉલ્ડા મૅયરને વિશ્વાસ હતો કે ઇઝરાયલનો સમય ચાલી રહ્યો છે.''
''જો, ઇઝરાયલ થોડી ધીરજ રાખે તો થોડા દિવસોમાં જ આરબ જગતને એ વાત સ્વીકારવી પડશે કે સાઇનાઈ, ગૉલાન હાઇટ્સ તેમજ વૅસ્ટ બૅન્ક ઇઝરાયલના જ ભાગ છે.''
તેઓ ઉમેરે છે, ''મારું માનવું છે કે ગૉલ્ડા ત્યારે ખોટાં હતાં. એક નેતા પાસેથી હું અપેક્ષા સેવું છું કે તેમની નજર એ વસ્તુઓ પર જાય, જેના પર આપણા જેવા સામાન્ય માણસોની નજર નથી પડતી.''
''જો તેમણે 1971માં આરબોએ મુકેલા પ્રસ્તાવને સ્વીકારી લીધો હોત તો યોમ કિપ્પુરનું યુદ્ધ ના થાત."
"એ યુદ્ધમાં ઇઝરાયલના 3000 સૈનિક માર્યા ગયા હતા. અમારા માટે ભયાનક ઘટના હતી.'' બ્રૅગમૅન ઇઝરાયલી સૈન્યમાં પણ કામ કરી ચૂક્યા છે.

ઇજિપ્ત પર હુમલો અટકાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધ શરૂ થવાના છ કલાક પહેલાં જ ઇઝરાયલને પોતાના એક ઉચ્ચ સુત્રે જાણ કરી હતી કે ઇજિપ્ત ઇઝરાયલ પર હુમલો કરવા જઈ રહ્યું છે. જોકે, આનો જવાબ કઈ રીતે આપવો એ અંગે કોઈ એકમત નહોતો.
ગૉલ્ડા મૅયર પોતાની આત્મકથા 'માઈ લાઇફ'માં લખે છે, ''ઇઝરાયલના સૈન્ય અધ્યક્ષ ડાડો પહેલાં ઇજિપ્ત પર હવાઈ હુમલો કરવાના પક્ષમાં હતા. કારણ કે લડાઈ થશે જ એ તો સ્પષ્ટ થઈ ચૂક્યું હતું.''
''તેમણે કહ્યું કે અમારી વાયુ સેના બપોર સુધી હુમલો કરી દેશે. પણ શરત માત્ર એટલી જ કે આ જ વખતે હુમલો કરવાનો આદેશ અપાય.''
''જોકે, મેં પહેલાંથી જ મારું મન બનાવી લીધું હતું. મેં કહ્યું ડાડોને કહ્યું કે હું આવું કરવા નથી ઇચ્છતી. આપણને ભવિષ્ય અંગે કંઈ જ ખબર નથી.''
''કદાચ આપણને વિદેશી મદદની જરૂર પડે. જો આપણે પહેલો હુમલો કરીશું તો તો આપને કોઈ જ મદદ નહીં મળે. આ પ્રસ્તાવને હા કહેવાનું મારું મન છે પણ મારે તમને ના પાડવી જ પડશે. ''

વંશવાદનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
યોમ કિપ્પુરનું યુદ્ધ ભલે ઇઝરાયલે જીતી લીધું પણ તેના 3000 સૈનિકો માર્યા ગયા.
એ વખતે ગૉલ્ડા મૅયરને રાજીનામું આપી દેવું પડ્યું. ઇઝરાયલમાં રહેતા ભારતીય પત્રકાર હરેન્દ્ર મિશ્રાને મેં પૂછ્યું કે ગૉલ્ડા મૅયરનાં મૃત્યુ ચાર દાયકા બાદ આજે ઇઝરાયલ તેને કઈ રીતે યાદ કરે છે?
હરેન્દ્ર જણાવે છે, ''ગૉલ્ડાને લઈને ઇઝરાયલમાં બે ભાગમાં વહેચાયેલું છે. એક તબક્કો માને છે તેઓ ભારે શક્તિશાળી નેતા છે. ''
"તેમણે ઇઝરાયલને બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, બીજો તબક્કો એવું માને છે કે તેમના દિલમાં એશિયન અને આફ્રિકનો માટે કોઈ ખાસ જગ્યા નહોતી.''
''તેઓ તેમનાં પર વંશવાદના આરોપ પણ લગાવે છે. જોકે, એમ છતાં પણ ગૉલ્ડા મૅયર ઇઝરાયલના બહુ મોટાં નેતા હતાં એમાં કોઈ બે મત નથી.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















