ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં આમ આદમી પાર્ટી 'સોફ્ટ હિંદુત્વ'ના આધારે ચૂંટણી 'જીતવા' માગે છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.
ગુજરાત રાજ્યના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના વિરોધમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને દાહોદ અને અન્ય શહેરોમાં પોસ્ટર લાગ્યાં હતાં.
મૂળે આ પોસ્ટર લાગવાનું મૂળ કારણ દિલ્હીમાં યોજાયેલો એક કાર્યક્રમ હતો, જેમાં આપના મંત્રીએ હાજરી આપી હતી.
દિલ્હી સરકારના સમાજકલ્યાણમંત્રી અને સીમાપુરીથી આપના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્મ પરિવર્તન સંબંધિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાજેન્દ્ર પાલ ગૌતમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ એક કાર્યક્રમમાં સામેલ રહ્યા, જેમાં અંદાજે 10 હજાર લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ કાર્યક્રમ બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 'હિન્દુવિરોધી' ગણાવીને પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં.
પોસ્ટરમાં કેજરીવાલના ફોટોગ્રાફની સાથે 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહીં. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર' લખવામાં આવ્યું છે.
આપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ માટે ભાજપને જવાબદાર ઠેરવે છે, તો ભાજપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સને આપની 'હિન્દુવિરોધી માનસિકતા' ગણાવે છે અને તેની વિરુદ્ધ હિન્દુ સમાજનો આક્રોશ યોગ્ય હોવાનું કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન વડોદરા આવેલા અરવિંદ કેજરીવાલે આ પોસ્ટર મામલે નિવેદન આપ્યું હતું અને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
કેજરીવાલે કહ્યું કે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધાં. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર પર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું છે.
"હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી શક્તિઓ મારી વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે."
"હું આમને જણાવવા માગું છું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. મને ભગવાને આ કંસનાં સંતાનોનું નાશ કરવા માટે મોકલ્યો છે."
અગાઉ આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે રાજકોટમાં પ્રાણપ્રતિષ્ઠા અને મહાઆરતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલાં તેમણે સોમનાથમાં જ્યોર્તિલિંગની મુલાકાત લીધી, ત્યારે તેમણે લલાટ પર ત્રિંપુડ તથા ગળામાં રૂદ્રાક્ષની માળા ધારણ કર્યાં હતાં.
પાર્ટી દ્વારા દિલ્હી અને પંજાબની જેમ 300 યુનિટ મફત વીજળી, યુવાનોને કામ તથા એ ન મળે તો બેકારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે વડીલોને એસી ટ્રેનમાં અને રોકાવાની એસી સગવડ સાથે તીર્થયાત્રા ઉપર મોકલવાની જાહેરાત કરી છે.
જેના આધારે એવા કયાસ કાઢવામાં આવી રહ્યાં છે કે કેજરીવાલ 'સૉફ્ટ હિંદુત્વ'ના સહારે ચૂંટણી જીતવા માગે છે. આપ આ વાતનો ઇન્કાર કરે છે.

ગુજરાત, આપ અને હિંદુત્વ

ઇમેજ સ્રોત, Getty Images
કેજરીવાલે પાર્ટી ગુજરાતમાં સત્તા ઉપર આવે એટલે 'દિલ્હી મોડલ'ની તર્જ ઉપર વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવાની જાહેરાત કરી છે.
દિલ્હીમાં અલગ-અલગ ધર્મના તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવે છે. જેમાં અજમેર, શિરડી, કરતારપુર સાહેબ તથા અમૃતસર જેવા તીર્થધામોનો પણ સમાવેશ થાય છે, છતાં ભાષણોમાં ભારપૂર્વક 'અયોધ્યાજી'નો ઉલ્લેખ કરવામાં આવે છે.
એપ્રિલ મહિનામાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે અમદાવાદના શાહીબાગ ખાતે સ્વામીનારાયણ મંદિરના દર્શન કર્યા હતા, જ્યારે ગુજરાતમાં સાર્વજનિક રીતે તેમણે કોઈ મુસ્લિમ કે અન્ય ધર્મના પવિત્રસ્થળની મુલાકાત નથી લીધી, જેના કારણે તેમના ઉપર 'સૉફ્ટ હિંદુત્વ' અપનાવવાના આરોપ લાગે છે.
ગુજરાતમાં આપના મુખ્ય પ્રવક્તા યોગેશ જાદવાણી આ આરોપોને નકારે છે.
તેમના કહેવા પ્રમાણે, "આપ ઇમાનદારી, માનવતાવાદ તથા કામની રાજનીતિમાં વિશ્વાસ કરે છે. પાર્ટી હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને પારસી સહિત તમામ ધર્મને સન્માન આપે છે અને આદર કરે છે. વ્યક્તિ જે ધર્મની હોય તેના ધાર્મિકસ્થળોએ મુલાકાત લે. તેને માત્ર મતોના રાજકારણ સાથે જોડીને ન જોવી જોઈએ."
જાદવાણી ઉમેરે છે કે કેજરીવાલ પંજાબ ગયા હતા, ત્યારે ગુરુદ્વારામાં પણ જતાં જ હતા, એટલે તેઓ માત્ર મંદિરોમાં જ જાય છે એવું નથી. આપ દ્વારા ગુજરાતના પશુઓમાં પ્રવર્તમાન લમ્પી વાઇરસની ચર્ચામાં આવે છે, ત્યારે ભારપૂર્વક ગાયોનાં મૃત્યુના આંકડા દર્શાવવામાં આવે છે અને તેની ચર્ચા કરવામાં આવે છે, જેને પણ હિંદુત્વ સાથે જોડીને જોવામાં આવે છે.
આના વિશે જાદવાણીનું કહેવું છે કે, "ભાજપે હિંદુત્વના નામે લોકોને ઉશ્કેર્યાં છે અને મત મેળવ્યા છે. તેઓ ગાયને માતા ગણાવીને તેમાં 33 કરોડ દેવી-દેવતાનો વાસ હોવાની વાત કરે છે. છતાં ગાયોને નિઃશુલ્ક વૅક્સિન આપવાની સૂધ નથી લેતા. એટલું જ નહીં, ગાયોનાં મૃત્યુ બાદ તેમના મૃતદેહો રઝળી રહ્યાં છે, જે તેમના 'ઠગ હિંદુત્વ'ના ચહેરાને ખુલ્લો પાડે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આપ દ્વારા દિલ્હીમાં દર શનિવારે સાર્વજનિક 'સુંદરકાંડ'ની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં દિલ્હી સરકારની દિવાળીસંબંધિત જાહેરાતો તથા કેટલાક આયોજનોને પગલે પાર્ટી ઉપર હિંદુત્વ તરફ સરકવાનો આરોપ લાગ્યા હતા.
એક મીડિયા ચેનલના કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું હતું કે, 'લોકોની વચ્ચે ભાગલા પાડવા, હુલ્લડ કરવા કે દલિતો વિરુદ્ધ અત્યાચાર કરવા એ હિંદુત્વ નથી, પરંતુ લોકોને લોકોની સાથે જોડવા તથા ભગવાન રામના આચરણને અનુસરવું એ હિંદુત્વ છે.'

હિંદુત્વ અને સૉફ્ટ હિંદુત્વ

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP/GETTY IMAGES
છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. 2002માં ગોધરાકાંડ અને એ પછી ફાટી નીકળેલા હુલ્લડોને કારણે ગુજરાતના રાજકારણ સાથે હિંદુત્વની ચર્ચા થાય છે. વિપક્ષ તથા કેટલાક વિશ્લેષકો દ્વારા ગુજરાતને સંઘ અને ભાજપની 'હિંદુત્વની પ્રયોગશાળા' ગણાવવામાં આવે છે. અહીં જે ફૉર્મ્યુલા સફળ રહે તેને અન્યત્ર અજમાવવામાં આવે.
1992માં રામ મંદિરના નિર્માણ માટે કારસેવાનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ગુજરાતમાંથી ભારે સહયોગ મળ્યો હતો. એ પહેલાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી જ 'રામ રથયાત્રા'ની શરૂઆત કરી હતી.
ગત વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેક મંદિરોની મુલાકાત લીધી હતી. પાર્ટીએ તાજેતરના ઇતિહાસનું સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. પાર્ટીની સફળતા માટેના અન્ય કારણો ઉપરાંત 'સૉફ્ટ હિંદુત્વ'ને પણ જવાબદાર માનવામાં આવ્યું હતું.
એ સિવાય યુપી ચૂંટણી વખતે પણ રાહુલ ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ તથા અન્ય રાજનેતાઓએ મંદિરોની મુલાકાત લીધી હતી અને સાર્વજનિક રીતે મુસ્લિમ ધાર્મિકસ્થળોએ જવાનું કે તેની સાથે જાડેયલા ધાર્મિકચિહ્નો પહેરવાનું ટાળ્યું હતું.

આપ, હિંદુત્વ અને સવાલ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કેજરીવાલે ભૂતકાળમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની જરૂરિયાત ઉપર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તાજેતરમાં તેમણે અયોધ્યામાં રામ જન્મસ્થળના દર્શન કર્યા હતા અને પોતે હિંદુ હોઈ, તેમની મંદિરની મુલાકાત ઉપર સવાલ ન ઉઠવા જોઈએ, એવા મતલબનું નિવેદન પણ કર્યું હતું.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલે એક છાયાચિત્ર ટ્વીટ કર્યું હતું, જેમાં આપના ચૂંટણીચિહ્ન ઝાડુધારક દ્વારા સ્વસ્તિકને મારી-મારીને ભગાડતા જણાય છે. જેમાં સ્વસ્તિકને ભાજપના 'રૂપક' તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. છતાં તે હિંદુઓનું ધાર્મિકચિહ્ન હોઈ આ મુદ્દે વિવાદ થયો હતો.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અલકેશ પટેલના કહેવા પ્રમાણે, "ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ કરતી વેળાએ કયા-કયા મુદ્દા મતદારોને આકર્ષી શકે છે, એ માટેના ફિડબૅક મેળવવામાં આવ્યા હોય. જેના આધારે તેઓ ધાર્મિકસ્થળોની મુલાકાતો લેતા હોય તથા વડીલોને તીર્થયાત્રાની યોજનાની જાહેરાત કરી હોય."
"2014ની લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસ સહિતના રાજકીયપક્ષોએ જોયું છે કે હિંદુ મતો દ્વારા રાજ્યો તથા કેન્દ્રની ચૂંટણી જીતી શકાય છે. 2019ની સામાન્ય ચૂંટણી પછી રાજકીયપક્ષોમાં આ માન્યતા માન્યતા પ્રબળ બની જ છે, એટલે જ તેઓ 'સેક્યુલરિઝમ'ને બદલે 'સૉફ્ટ હિંદુત્વ' કે 'પ્રતીકાત્મક હિંદુત્વ' તરફ વળતા જણાય છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને મમતા બેનરજી એટલે સુધી કે ધર્મને અફીણ માનતા ડાબેરીઓના નેતા સીતારામ યેચુરી પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેતા જણાય છે."
યેચુરીએ તેલંગણાના 'બોનાલુ' નામના ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હતો, જેમાં મહાકાળીની આરાધના કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દૂધ અને ગોળમાં રાંધેલો મીઠો ભાત માટી કે ત્રાંબાના ઘડામાં માથે લઈને મંદિરે જાય છે.
'શું હિંદુત્વ તથા સૉફ્ટ હિંદુત્વની ચર્ચા વચ્ચે ક્યાંકને ક્યાંક આપ દ્વારા મુસ્લિમ મતદારોને 'ટૅકન ફૉર ગ્રાન્ટેડ' લેવામાં આવી રહ્યાં છે? ' તેના જવાબમાં પટેલે જણાવ્યું કે આપ દ્વારા હજુ પહેલી યાદી બહાર પાડવામાં આવી છે અને ભવિષ્યમાં બહાર પડનારી યાદીઓમાં મુસ્લિમ ઉમેદવારોના નામો હોઈ શકે છે. આ સિવાય પાર્ટીના સંગઠન તથા માળખામાં મુસ્લિમોને પ્રતિનિધિત્વ મળેલું જ છે, એટલે પાર્ટી દ્વારા મુસ્લિમોની અવગણના કે ઉપેક્ષા કરવામાં આવી છે, એમ ન કહી શકાય.
પટેલ ઉમેરે છે, "ગુજરાતનો મતદાતા પાકટ છે, તે બધું જુએ અને સમજે છે એટલે મંદિરદર્શન વગેરે જેવા પગલાંથી કોઈ મોટો રાજકીય લાભ થાય તેમ લાગતું નથી."

આપનો 'મધ્યમ' વર્ગ-માર્ગ

ઇમેજ સ્રોત, @AAPGujarat
દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો જન્મ અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી થયો હતો. જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપનું સમર્થન હાંસલ હતું. આપની પ્રારંભિક સફળતામાં દિલ્હીના રીક્ષાવાળા અને ગરીબવર્ગનો મોટો ફાળો હતો. જોકે, ગુજરાતમાં તે મધ્યમ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક મનીષી જાનીના કહેવા પ્રમાણે, "આમ આદમી પાર્ટીએ મધ્યમવર્ગમાંથી ઉદ્દભવેલી પાર્ટી છે. જો તેણે ગુજરાતમાં પેઠ વધરાવી હોય અને પાયો મજબૂત કરવો હોય તો તેમને ગમતી વાત કરવી પડે. મધ્યમવર્ગનો મોટો ભાગ હિંદુ છે. આપને લાગે છે કે મંદિરદર્શન અને યોજનાઓની જાહેરાત દ્વારા આ વર્ગને આકર્ષી શકાય તેમ છે એટલે તેઓ આ પ્રયાસ કરી રહ્યાં છે."
તેઓ ઉમેરે છે, "ગુજરાતમાં આપએ કૉંગ્રેસની ખાલી જગ્યા પૂરવા માટે પ્રયાસ કરી રહી છે. કૉંગ્રેસ હિંદુતરફી પાર્ટી નથી અને સોનિયા ગાંધી ઇટાલિયન છે એવી છાપ ઊભી કરવામાં આવી છે. એટલે અમે ભારતીય છીએ તથા ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજોમાં માનીએ છીએ એવો સંદેશ આપવાની તક પણ આપને મળે છે. આપ દ્વારા ભાજપને તેની જ ભાષામાં જવાબ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
આ સિવાય મોંઘવારી અને ગરીબી જેવા મુદ્દા મધ્યમવર્ગને અસર કરતા હોય છે, આપ દ્વારા મફત વીજળી, સારું સરકારી શિક્ષણ અને આરોગ્યસેવા જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવી રહ્યાં છે. જેના દ્વારા ગરીબવર્ગને પણ સાધવા માગે છે.
જાની ઉમેરે છે, "કેજરીવાલ પોતાના ભાષણોમાં ભાજપની ઉપર આંતરિક વિખવાદ ઊભા કરાવવાના આરોપ મૂકે છે અને માનવતાવાદની વાત કરે છે. આ સિવાય તેઓ સાર્વજનિક સેવાઓને સુદૃઢ કરવાની વાત કરીને મુસ્લિમ સમુદાયમાં ઊભી થનારી સંભવિત છાપને 'ન્યૂટ્રલાઇઝ' કરવાનો પણ પ્રયાસ કરતા જણાય છે."


સંક્ષિપ્તમાં: ગુજરાતમાં 'આપ' હિંદુત્વ તરફ ઢળી રહી છે?

- 'દિલ્હી મોડલ'ની તર્જ ઉપર વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવાની જાહેરાત કરી
- તેમણે અમદાવાદના શાહીબાગ ખાતે સ્વામીનારાયણ મંદિરના દર્શન કર્યા હતા
- સોમવારે કેજરીવાલે રાજકોટમાં પ્રાણપ્રતિષ્ઠા અને મહાઆરતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો
- આ પહેલાં તેમણે સોમનાથમાં જ્યોર્તિલિંગની મુલાકાત લીધી
- ત્યારે તેમણે લલાટ પર ત્રિંપુડ તથા ગળામાં રૂદ્રાક્ષની માળા ધારણ કર્યા હતા
- તેમણે કોઈ મુસ્લિમ કે અન્ય ધર્મના પવિત્રસ્થળની મુલાકાત નથી લીધી
- લાગે છે કે કેજરીવાલ 'સૉફ્ટ હિંદુત્વ'ના સહારે ચૂંટણી લડવા માગે છે

'આપ'ની વાત

ઇમેજ સ્રોત, @AAMAADMIPARTY
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. પાર્ટીના 'ચાણક્ય' મનાતા ડૉ. સંદીપ પાઠકને રાજ્યમાં પાર્ટીના પ્રભારી નીમવામાં આવ્યા છે.
પાઠકને વર્ષ 2020માં નવી દિલ્હીમાં તથા 2022 પંજાબમાં પાર્ટીની જીતની વ્યૂહરચના ઘડવાનું શ્રેય આપવામાં આવે છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટેરટ કરનારા પાઠક આઈઆઈટી દિલ્હીમાં સહાયક પ્રાધ્યાપક પણ છે. ડૉ. પાઠકને પંજાબના રસ્તે રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકામાં આપ વિપક્ષમાં છે, જ્યારે કૉંગ્રેસનું સદંતર ધોવાણ થયું છે. જોકે, અહીં તે પોતાનું ઘર સાબૂત રાખવામાં નિષ્ફળ રહી હતી અને પાર્ટીના કેટલાક કૉર્પોરેટર ચૂંટણીપરિણામોના અમુક મહિના બાદ પાર્ટી છોડી ગયા હતા.
જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન તેને વીસ ટકા જેટલા મત મળ્યા હતા. અમુક શહેરી વિસ્તારોમાં તેની કચેરીઓ સંગઠનાત્મક હાજરી જોવા મળે છે, પરંતુ ગ્રામ્યસ્તર સુધી તેણે પહોંચવાનું બાકી છે.
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ 29 બેઠક પર ચૂંટણી લડી હતી અને તમામ પર તેના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. પાર્ટીને 29 હજાર 509 મત મળ્યા હતા. જે કુલ લડેલી બેઠકો પરના માન્ય મતના 0.62 ટકા જેટલા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













