ખેડામાં જ્યાં આરોપીઓને થાંભલે બાંધીને પોલીસે માર્યા તે ગામમાં હાલ કેવો માહોલ છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"એ દિવસે મારો દીકરો ગામમાં પણ ન હતો. તેમ છતાં પોલીસ તેને પકડી ગઈ અને થાંભલા પર બાંધીને માર્યો."
આ શબ્દો છે નસીમબાનુના, જેમના દીકરાને પોલીસે થાંભલા પર બાંધીને માર્યો હતો.
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ત્રીજી ઑક્ટોબરે ગરબા દરમિયાન મુસ્લિમોએ કથિતપણે પથ્થરમારો કર્યો હોવાનો બનાવ બન્યો હતો.
આ ઘટના બાદ પોલીસ ગામમાં કેટલાક આરોપી યુવાનોને થાંભલે બાંધીને મારતી હોવાના વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયોમાં એક તરફ પોલીસ યુવાનોને મારી રહી હતી. ત્યારે બીજી બાજુ કથિત રીતે ગામલોકો તાળીઓ પાડી રહ્યા હતા.
આ ઘટના બાદ ગામમાં તણાવની સ્થિતિ છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

તહેવારો છતાં પણ ગામમાં વિચિત્ર શાંતિ

ઇમેજ સ્રોત, ANI
બીબીસીની ટીમ પાંચમી ઑક્ટોબરે ઉંઢેલા ગામ પહોંચી હતી. ગામમાં પ્રવેશતાની સાથે જ એક વિચિત્ર શાંતિનો માહોલ જોવા મળ્યો. ગામના પ્રવેશથી લઈને મુખ્ય ચૉક સુધી ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત હતો.
3800 લોકોની વસતી ધરાવતા આ ગામમાં હિંદુ અને મુસ્લિમોની વસતી લગભગ એકસરખી છે.
ગામના મુખ્ય ચૉકમાં મંદિર અને મસ્જિદ બંને આવેલાં છે. ગામના હિંદુ વિસ્તારોમાં નવરાત્રીની તો મુસ્લિમ વિસ્તારોમાં આવનારી ઈદની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તહેવાર દરમિયાન જે ઉત્સાહ હોય તે જોવા મળી રહ્યો ન હતો. ગામની મોટાભાગની દુકાનો બંધ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામના રહેવાસીઓ સાથે વાત કરતાં-કરતાં અમે ગામના સરપંચ ઇન્દ્રવદન મણીભાઈનો સંપર્ક મેળવ્યો.
તેમની સાથે ટૅલિફોનિક અને રૂબરૂમાં વાત કરી હોવા છતાં તેઓ કંઈ કહેવા તૈયાર ન હતા.
ગામની કમિટીમાંથી અન્ય એક સભ્ય શૈલેષભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "ગત વર્ષે ગ્રામપંચાયતની ચૂંટણી દરમિયાન ગામના સરપંચ ઇન્દ્રવદનભાઈએ જો તેઓ ચૂંટણી જીતશે તો ગામના મુખ્ય ચૉકમાં આવેલા મંદિરમાં ગરબા યોજવાની બાધા રાખી હતી. જેને લઈને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું."
તેમણે આગળ કહ્યું, "અમે ગરબા રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ મુસ્લિમ યુવાનોએ ડીજે વગાડવાની ના પાડી હતી અને બાદમાં પથ્થરમારો શરૂ કર્યો હતો. જેથી અમે પોલીસને જાણ કરી હતી અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી."
ગામમાં વર્ષોથી હિંદુ-મુસ્લિમ સમુદાયના લોકો એકસાથે રહેતા હોવા છતાં શાંતિનો માહોલ કેમ નથી?
આ પ્રશ્નના જવાબમાં શૈલેષભાઈએ જણાવ્યું, "આ ગામનો પંચાયતી ચૉક છે. અહીં બધા જ સમુદાયના લોકો પોતપોતાના તહેવાર ઊજવી શકે છે. અમે શાંતિસમિતિની બેઠકો પણ કરી પરંતુ તેઓ સમજવા તૈયાર નથી."
વાઇરલ થયેલા વીડિયોમાં જ્યારે યુવાનોને માર પડી રહ્યો હતો ત્યારે લોકો તાળી પાડતા જોવા મળતા હતા. જ્યારે આ વિશે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પોલીસ પોતાનું કામ કરી રહી હતી. તેમણે જે કર્યું એ યોગ્ય છે.

'અમને મારી તો લીધા, હવે શું વાત કરીએ?'

લોકો સાથે વાત કરતાં કરતાં સાંજનો સમય થયો. એક તરફ ગામના મંદિરની ઝાલર સંભળાઈ અને બીજી તરફથી મસ્જિદમાંથી અજાન. હિંદુ સમુદાયના લોકોનો પક્ષ જાણ્યા બાદ અમે મુસ્લિમ ફળિયા તરફ આગળ વધ્યા.
મુસ્લિમ વિસ્તારમાં ઘર બહાર બાંધેલા પશુઓ સાથે ફક્ત મહિલાઓ અને બાળકો જ જોવાં મળ્યાં હતાં. અમે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે શું થયું હતું તો કોઈએ જવાબ આપ્યો ન હતો.
આગળ જતાં એક ઘરના ચૉકમાં મહિલાઓ એકઠી થયેલી જોવા મળી. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું, "અમને મારી તો લીધાં, હવે શું વાત કરીએ?"

એટલામાં શાહિદરઝા મલેક, જેમને થાંભલે બાંધીને મારવામાં આવ્યા હતા, તેમનાં માતા નસીમબાનુ રડતાંરડતાં સામે આવ્યાં અને કહ્યું, "મારા દીકરાને થાંભલે બાંધીને માર્યો. એ અહીં હાજર પણ ન હતો. પોતાના દોસ્તો સાથે અમદાવાદ ગયો હતો અને મોડેથી આવીને ઘરે ઊંઘી ગયો હતો."
તેમણે આગળ કહ્યું, "મોડીરાત્રે પોલીસ આવી અને ઘરના દરવાજે લાકડીઓ મારી, ગાળો બોલ્યા અને મારા દીકરાને ઉઠાવીને લઈ ગયા. બીજા દિવસે પોલીસસ્ટેશનથી લાવીને તેને ગામ વચ્ચે થાંભલા પર બાંધ્યો, બે લોકોએ પકડ્યો અને બહુ માર્યો."
અન્ય એક મહિલા પરવીનાબાનુ જણાવે છે, "અમારા લોકોને પકડી ગયા અને પાછા ગામમાં લાવીને દંડા માર્યા. તમે જ કહો આ કેટલું વ્યાજબી છે? સરપંચે તટસ્થ રહેવું પડે."
"અમે નથી કહેતા કે તમે તમારા લોકોને અન્યાય કરો પણ અમને પણ ન્યાય મળવો જોઈએ. એ લોકોને બધી આઝાદી છે, અમને કોઈ આઝાદી નથી. આટલા દિવસથી પુરુષો ઘરમાં નથી. અમે કેવી રીતે ગુજરાન ચલાવીશું?"

'એક ચોક્કસ વર્ગને રાજી કરવા પોલીસ આમ કરે તે અયોગ્ય'

આ મામલે બીબીસી ગુજરાતીએ ખેડા જિલ્લા પોલીસ અધીક્ષક રાજેશ ગઢીયા સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, "પોલીસે જાહેરમાં માર માર્યો છે, તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. રૅન્જ આઈજીએ કપડવંજના નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપી છે. ટૂંક સમયમાં રિપોર્ટ આવશે ત્યારબાદ યોગ્ય પગલાં લેવાશે."
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ કહે છે, "ચારે તરફ હિંદુઓ હોય અને પોલીસ વચ્ચે મુસ્લિમોને મારે આ ઘટના નિંદનીય એટલા માટે છે કે પોલીસે કોઈ ટોળા સામે પોતાની બહાદુરી આ રીતે બતાવવાની જરૂર નથી. સવાલ એટલો છે કે એક પક્ષને રાજી કરવા જો પોલીસ આમ કરતી હોય તો તે ચોક્કસ અયોગ્ય છે."
ત્યારે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલનું કહેવું છે કે, "પોલીસનું કામ તપાસ કરવાનું છે ન્યાય કરવાનું નથી."
લઘુમતી કમિટી ગુજરાતના કન્વિનર મુઝાહીદ નફિઝે સમગ્ર મામલે પોલીસને કન્ટેમ્પટ નોટિસ પાઠવી છે. જે અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "પોલીસે બિલ્કુલ કાયદા વિરુદ્ધ કામ કર્યું. કોઈને જાહેરમાં મુસ્લિમોને માર્યા નીચું દેખાડવા માટે આ કામ કર્યું છે. બીજા વર્ગને જમા કરીને બે ધર્મો વચ્ચેનું અંતર વધારવાનું ગેરકાયદેસર કામ પોલીસે કર્યું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














