ગુજરાત : નવરાત્રીના ગરબામાં મુસ્લિમો પર હુમલા, પ્રવેશબંધીની જાહેરાતો શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદના સિંધુભવન ખાતે આવેલ એક પાર્ટી પ્લૉટમાં નવરાત્રીના અવસરે ગરબા રમવા આવેલ મુસ્લિમ યુવાન પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા.
આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં આ અંગે અમદાવાદની સરખેજ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી.
હુમલાનો વીડિયો સામે આવ્યા બાદ ઘટના માટે બજરંગદળના કાર્યકર્તાઓ પર આરોપ લગાવાયો છે.
સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઓ ભરત પટેલે આ કેસ સંવેદનશીલ હોવાને કારણે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે સિંધુ ભવન રોડ પર આવેલા રંગોળી પાર્ટીપ્લૉટ પાસે લઘુમતી સમાજના યુવાનને અજાણ્યા શખ્સો દ્વારા માર મારવાની ઘટના અંગે આઈપીસીની કલમ 323 (કોઈને ઈજા પહોંચાડવી) કલમ 143 (ગેરકાયદે મંડળી રચવી) કલમ 147 (રાયોટિંગ) અને કલમ 294 બી (બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવું ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સિવાય ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરબામાં મુસ્લિમ યુવકોના પ્રવેશ પર અમુક સંગઠનોએ પ્રતિબંધ મૂક્યો છે.
આ સંગઠનોનું કહેવું છે કે ગરબામાં થતી 'લવજેહાદ'ની પ્રવૃત્તિને અટકાવવા માટે આવું કરાયું છે.
ગુજરાતના પોલીસવડા ડીજીપી આશિષ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રીમાં મુસ્લિમ યુવકોના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યા નથી.
આશિષ ભાટિયાએ કહ્યું કે, "નવરાત્રિમાં મુસ્લિમ પરના પ્રતિબંધની કોઈ વાત નથી. અમદાવાદમાં મુસ્લિમ યુવાન પર થયેલા હુમલા અંગે પોલીસે પોતે આગળ આવી ફરિયાદ નોંધી છે. ગુજરાતમાં આવા બનાવ ના બને એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. ગુજરાત પોલિસની 'શી ટીમ'ને પણ તહેનાત કરવામાં આવી છે. જેથી કોઈ અપ્રિય ઘટના ના ઘટે. આ મામલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે પોતે અમદાવાદના બનાવમાં ફરિયાદી બનીને કાર્યવાહી કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, રાજકીય નિષ્ણાતો આવી ઘટનાઓને હિંદુ-મુસ્લિમોનો મામલો નથી ગણતા પણ તેમના મતે વિધાનસભાની ચૂંટણી નજીક હોઈ 'આઇડેન્ડિટી પૉલિટિક્સ'ની આ શરૂઆત છે.

'વોટ બૅન્ક મજબૂત કરવાનો પ્રયાસ'

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા સમાજશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ મામલે જણાવ્યું હતું કે આ મામલો માત્ર હિંદુ-મુસ્લિમની વાત પૂરતો સીમિત નથી, આવી ઘટનાઓની પાછળ 'આઇડેન્ડિટી પૉલિટિક્સ' જવાબદાર છે.
તેઓ કહે છે કે, " ગુજરાતમાં 1990ના દાયકામાં 'આઇડેન્ટિટી પૉલિટિક્સ'ની શરૂઆત થઈ હતી. જે અંતર્ગત ધર્મ અને જ્ઞાતિના નામે બીજા સમુદાયને નીચો બતાવી પોતાનું મહત્ત્વ વધારવાનો પ્રયાસ હાલ થઈ રહ્યો છે."
જોશી આ રાજકારણ અંગે ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે, "આ રાજકારણ ખતરા સમાન છે. 'આઇડેન્ડિટી પૉલિટિક્સ' પોતાની વોટ બૅન્કને મજબૂત કરવા પ્રતિસ્પર્ધીને નિમ્ન ચીતરીને લોકોને પોતાની તરફ લાવવાનો એક પ્રયાસ છે."
તેઓ ગુજરાતની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અંગે વાત કરતાં કહે છે કે, "ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રીના દાંડિયા મુસ્લિમ બનાવે છે. માતાજીના શણગારનો સમાન પણ મુસ્લિમ બનાવે છે. 1990ના દાયકા પહેલાં ગરબામાં મુસ્લિમોનો પ્રવેશ એ કોઈ મુદ્દો નહોતો પણ સમય પસાર થતાં 'આઇડેન્ડિટી પૉલિટિક્સ' વધુ મજબૂત થવા લાગી છે. હવે આ મામલો હિંદુ અને મુસ્લિમ વચ્ચે નથી રહ્યો, હવે સમાજના નામે પોતાનો સિક્કો મજબૂત કરવા માટે ધર્મ અને જ્ઞાતિના આધારે પક્ષો પોતાનું નવું રાજકારણ ઊભું કરે છે."
વિદ્યુત જોશી 'આઇડેન્ટિટી પૉલિટિક્સ'ના બદલાતા સ્વરૂપ અંગે વાત કરતાં કહે છે કે, "હવે દલિત, આદિવાસી, ઓબીસીને અન્યાયના નામે જ્ઞાતિઆધારિત આંદોલન કરી 'આઇડેન્ડિટી પૉલિટિક્સ' રમાય છે. પાછલા કેટલાક સમયથી ચોક્કસ જ્ઞાતિની સમસ્યાને લઈને સંગઠન બનાવી આંદોલન કરનારા ઝડપથી રાજકારણમાં આવી આ પ્રકારનું રાજકારણ રમે છે."
તેઓ આગળ કહે છે કે, "'આઇડેન્ડિટી પૉલિટિક્સ'થી કોઈ સમાજના લોકોને ફાયદો નથી થયો, પણ એમણે પોતાનું સ્થાન રાજકારણમાં મજબૂત કર્યું છે. એક જ્ઞાતિના નામે પ્રતિસ્પર્ધીના વિરોધમાં વાતાવરણ ઊભું કરી રાજકારણમાં ઉપર જવા માટે આ થઈ રહ્યું છે."

મુસ્લિમ યુવાનોના ગરબાસ્થળે પ્રવેશ પર પ્રતિબંધ અને હુમલાના કિસ્સા ગુજરાતના સામાજિક માહોલ અંગે શું સૂચવે છે?

- અમદાવાદમાં સિંધુભવન ખાતે આવેલ એક પાર્ટી પ્લૉટમાં નવરાત્રીના અવસરે ગરબા રમવા આવેલ કથિત મુસ્લિમ યુવાન પર હુમલો થયો હોવાની ઘટના ઘટી
- હુમલાનો વીડિયો બહાર આવ્યા બાદ ઘટના માટે બજરંગદળના કાર્યકર્તાઓ પર આરોપ મુકાયો
- હિંદુ સંગઠનોનું કહેવું છે કે ગરબામાં થતી 'લવજેહાદ'ની પ્રવૃત્તિને અટકાવવા માટે આવું કરાયું છે.
- પણ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ હિંદુ-મુસ્લિમનો મામલો નથી, વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં 'આઇડેન્ડિટી પૉલિટિક્સ'ની શરૂઆત થઈ છે
- મુસ્લિમ આગેવાનોનો આરોપ છે કે માત્ર મુસ્લિમ યુવાનોને ગરબામાં સામેલ થતાં રોકાય છે, પરંતુ યુવતીઓને છૂટથી સામેલ થવા દેવાય છે

'વર્ષોથી ચાલતું આવે છે આવું રાજકારણ'
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશયામ શાહે આ મુદ્દે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, 'આઇડેન્ડિટી પૉલિટિક્સ' વર્ષોથી સપાટી નીચે ચાલી જ રહ્યું હતું. હવે એ બહાર આવી રહ્યું છે. નવરાત્રીના ગરબામાં મુસ્લિમોની હાજરી પર પ્રતિબંધ મૂકવાના અને ઘર્ષણ થવાના બનાવો દર વર્ષે બને છે. એ વાત સાચી છે કે સામાન્ય દિવસો કરતાં ચૂંટણીનું વર્ષ હોય એ સમયે આવા બનાવો વધુ બને છે."
તેઓ ગરબામાં સામેલ થવા અંગેના પ્રતિબંધ અંગેનાં કારણો આપતાં જણાવે છે કે, "આનું મુખ્ય કારણ એ છે કે ચૂંટણી સમયે પોતાની વિચારધારા અનુરૂપ પ્રવૃત્તિઓ ના થાય ત્યારે આવા બનાવો વધુ બને છે. માત્ર મુસ્લિમ જ નહીં નવરાત્રીમાં ઘણી જગ્યાએ દલિતોનો પણ બહિષ્કાર થાય છે. આ 'આઇડેન્ડિટી પૉલિટિક્સ' પહેલાંથી ચાલતું હતું, પણ હવે એ વધુ મજબૂત બન્યું છે. ઇન્ડિવિજ્યુઅલ કૉમ્યુનિટીથી રાજકારણમાં ઝડપથી આગળ આવી શકાય એવી માન્યતાને આધારે અગાઉ સપાટી નીચે રહેલ 'આઇડેન્ડિટી પૉલિટિક્સ' હવે સપાટી પર આવી રહ્યું છે."

'લવજેહાદને રોકવા માટે પ્રતિબંધ'

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા દક્ષેશ મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે કોઈ રાજકારણ માટે આવી પ્રવૃત્તિ કરતા નથી. કેટલાક મુસ્લિમ લોકો વર્ષોથી નવરાત્રી જેવા તહેવારને 'લવ જેહાદ' માટેનું માધ્યમ બનાવે છે, આને રોકવાનો અમે પ્રયાસ કરીએ છીએ. પરંતુ મુસ્લિમો પર ગરબાપ્રવેશ અંગેના પ્રતિબંધને જુદી રીતે લોકો મૂલવે છે. અમે 1985થી આ અભિયાન ચલાવીએ છીએ."
તેઓ ગરબામાં ભાગ લેવા બદલ તાજેતરમાં મુસ્લિમ યુવાન પર થયેલ કથિત હુમલાના આરોપ સંદર્ભે પોતાની વાત મૂકતાં આગળ જણાવે છે કે, "અમદાવાદમાં નવરાત્રીના ગરબામાં પ્રવેશ સમયે થયેલા ઘર્ષણનું એક માત્ર કારણ એ છે કે બજરંગદળના કાર્યકર્તા લોકોને તિલક કરીને નવરાત્રીના ગરબામાં જવા દેતા હતા, પણ કેટલાક લોકો એ સમયે છુપાઈને ગરબા રમવા આવેલી છોકરીઓના ફોટા પાડતા હતા, જેમને રોકવાનો પ્રયાસ કર્યો તો એ લોકો એ વ્યવસ્થિત પ્રત્યુત્તર નહીં આપતાં આ ઘર્ષણ થયું હતું, એમના ફોનમાંથી ગરબે રમવા આવેલી બહેનોના ફોટા ડિલીટ કર્યા અને એમને ફરી આવું ન કરવાની ખાતરી આપતાં એમને જવા દેવામાં આવ્યા હતા. એમાં કોઈ રાજકારણ નથી. માત્ર લવ જેહાદને રોકવાનો પ્રયાસ છે."
બજરંગદળના અન્ય પ્રવક્તા જવલિત મહેતાએ ગરબામાં મુસ્લિમપ્રવેશના પ્રતિબંધ અને વાઇરલ વીડિયો અંગે સંગઠન પર થયેલા આરોપો આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "અમે કોઈ રાજકારણમાં નથી, પરંતુ આવાં આયોજનો વખતે લવજેહાદ માટેના કાવતરાને રોકવા માટે અમે સરપ્રાઇઝ ચેકિંગ કરીએ છીએ. બે વર્ષ પછી ગરબા થઈ રહ્યા છે ત્યારે અમને ખબર હતી કે લવજેહાદની પ્રવૃત્તિના કિસ્સા નોંધાવાની સંભાવના હતી. એટલે નવરાત્રી પહેલાં અમે ચેતવણી આપી હતી કે 'વિધર્મીઓ'એ ગરબામાં પ્રવેશ ન કરવો અને અમે ગરબા ગાવા જનાર બહેનોને પણ આ બાબતોથી દૂર રહેવા ચેતવણી આપી હતી."
તેમણે આગળ જણાવ્યું હતું કે, "અમે જયારે અમદાવાદમાં સિંધુભવનના પાર્ટી પ્લૉટ પર ગયા ત્યારે લોકોને તિલક કરીને આવકારતા હતા, એ સમયે કેટલાક લોકો ગરબા ગાવા આવેલી છોકરીઓના ફોટા પાડતા હતા, જેને જોઈ કેટલાક કાર્યકર્તાઓએ એમની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો તો એ નાસી જવાનો પ્રયાસ કરતા હતા, જેમાં ઘર્ષણ થયું હતું."
અહીં એ પણ નોંધનીય છે કે 'ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021'ને કથિત રીતે 'લવજેહાદ સામેનો કાયદો' ગણવામાં આવે છે.
જોકે તેની કલમ 3 સહિતની અમુક સુધારેલી કલમોને પડકારતી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કાયદાની જે કલમ 3 સુધારવામાં આવી હતી તેમાં 'બળજબરીથી થતા ધર્માંતરણના નિષેધ'ને ફરીથી વ્યાખ્યાયિત કરાયો હતો.
હાઈકોર્ટમાં સરકાર પક્ષે ઍડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, "આંતરધાર્મીય લગ્નો પર રોક નથી. કાયદામાં જે બાબત અને કારણો સામે રોક રાખવામાં આવી છે, તે બળજબરીથી ધર્માંતરણ ન થાય તેના માટે વ્યાખ્યાયિત કરી લખવામાં આવી છે. તેમાં જે 'લગ્ન' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તેને તેની સાથેના શબ્દો અને વાક્યો સાથે રંગ આપવામાં આવી રહ્યો છે."

'માત્ર મુસ્લિમ યુવકોને જ રોકાય છે યુવતીઓને નહીં'

ઇમેજ સ્રોત, Getty Images
વાઇરલ વીડિયો અને કથિતપણે મુસ્લિમ યુવાન પર થયેલ હુમલા અંગે જમાત-એ- ઉલેમાના પ્રવક્તા અસલમ કુરેશીએ કહ્યું હતું કે, "આપણે સર્વ ધર્મ સમભાવમાં માનીએ છીએ ત્યારે ગરબાના શોખીન મુસ્લિમ યુવાનો પર આ પ્રકારે હુમલા થાય એ વાજબી નથી. આવા બનાવોને કારણે ગુજરાતનું વાતાવરણ વધુ ડહોળાય તેવી સંભાવના છે. માટે આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. ઘણી મુસ્લિમ યુવતીઓ ગરબા ગાવા માટે જાય છે એમને કોઈ રોકતું નથી માત્ર યુવકોને રોકવામાં આવે તે વાજબી નથી."
આ દરમિયાન હિંદુ સાથે લગ્ન કરનાર અમદાવાદમાં રહેતાં શબાના મંસૂરી પોતાના અનુભવ અંગે વાત કરતાં કહે છે, "મેં મારાં લગ્ન પછી પણ મારી અટક બદલી નથી. હું અને મારા પતિ ઘણી વખત ગરબામાં જઈએ છીએ. અમે કૉલેજમાં ભણતાં હતાં ત્યારે કૉલેજની રાસગરબાની સ્પર્ધામાં સાથે ભાગ લેતાં. એ દરમિયાન જ અમારો પરિચય થયો હતો અને પછી પ્રેમ થયો અને લગ્ન થયાં. આજે લગ્નને 21 વર્ષ થયાં."
તેઓ કથિત 'લવજેહાદ' અંગે વાત કરતાં કહે છે કે, આવી બાબતો બે સમાજ વચ્ચેનું અંતર વધારવાનું કામ કરે છે.
નોંધનીય છે કે હુમલાનો ભોગ બનનાર જુહાપુરા પાસે રહેતા સલમાન શેખે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
બીબીસી ગુજરાતીએ જયારે એમનો સંપર્ક સાધ્યો તો એમને આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
બીજી તરફ સરખેજ પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવક અને બજરંગદળના યુવકો વચ્ચે થયેલા ઘર્ષણ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી. એ. રબારીનો બીબીસી ગુજરાતીએ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આ અંગે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ મામલે કંઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













