બિલકીસબાનોના ગામ રણધીકપુરમાંથી કેટલાક મુસ્લિમો કેમ કરી રહ્યા છે પલાયન? - ગ્રાઉન્ડ રિપોર્ટ

રણધીકપુર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, રણધીકપુર
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • દોષિતોને છોડ્યા પછી રણધીકપુરમાંથી 500 જેટલાં મુસ્લિમ ગામ છોડીને જતા રહ્યા છે
  • બિલકીસબાનો કેસમાં દોષિતોને થયેલી સજામાફી વિશે રણધીકપુરમાં કોઈને પૂછીએ તો એ વિશે બોલવા તૈયાર નથી
  • બિલકીસબાનો ગૅંગરેપના 11 દોષિતમાંથી મોટા ભાગના સીંગવડ ગામમાં રહે છે. જે રણધીકપુરથી બિલકુલ અડીને આવેલું છે
  • બીબીસીની ટીમ તા.22 ઑગસ્ટે એ ફળિયા અને મહોલ્લામાં પહોંચી તો મોટાભાગના ઘરોના દરવાજા પર તાળાં લટકતાં હતાં
  • ગામમાં છૂટીછવાઈ બકરીઓના અવાજ અને ઘરની આસપાસ માલિક વગરનાં મરઘાં આંટા મારી રહ્યા હતા
  • 'હર ઘર તિરંગા'ની ઉજવણીના ભાગરૂપે તેમના ઘર ઉપર તિરંગો જે ફરકાવવામાં આવ્યો હતો તે હજી પણ જોવા મળતો હતો
  • 2002 પછી રણધીકપુર ગામમાં કોઈ મોટો અઘટિત બનાવ બન્યો નથી, પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે એક ભાવનાત્મક અંતર પડી ગયું છે
લાઇન

"બિલકીસબાનો કેસના 11 દોષિત નહોતા છૂટ્યા ત્યારે થોડો થોડો ડર લાગતો હતો, હવે છૂટી ગયા છે ત્યારે વધારે ડર લાગે છે. દોષિતોને છોડ્યા પછી રણધીકપુરમાંથી 500 જેટલા મુસ્લિમ ગામ છોડીને જતા રહ્યા છે.", આ શબ્દો રણધીકપુર ગામમાં રહેતા ઇમરાનના છે, તેઓ બિલકીસબાનોની પિતરાઈ ભાઈ છે.

દાહોદ જિલ્લાનું રણધીકપુર ગામ ગોધરાથી લગભગ 50 કિલોમિટર દૂર આવેલું છે. તા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં જ્યારે સાબરમતી ઍક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની અને રમખાણો ફાટી નીક્યાં, ત્યારે બિલકીસબાનો રણધીકપુરમાં જ હતાં.

રમખાણોથી બચવા તેમનો પરિવાર ગામ છોડીને લપાતો-છૂપાતો ભાગી નીકળ્યો, ત્યારે રણધીકપુરથી દસ કિલોમિટર દૂર છાપરવડ ગામના પાણીવેલા વિસ્તારમાં ટેકરીઓ પાસે તેમનાં પર ગૅંગરેપ થયો હતો અને તેમના પરિવારજનોની હત્યા કરી દેવામાં આવી હતી, ઘટના પછી રણધીકપુર રાજ્ય તથા રાષ્ટ્રીયસ્તરે ચર્ચામાં આવ્યું હતું.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

બિલકીસબાનો કેસમાં દોષિતોને થયેલી સજામાફી વિશે રણધીકપુરમાં કોઈને પૂછીએ તો એ વિશે બોલવા તૈયાર નથી. રણધીકપુરમાં કેટલાક મુસ્લિમો બોલે છે, પરંતુ એમાં પણ ન બોલનારો વર્ગ મોટો છે.

રણધીકપુરના ચૂંદડી રોડ પાસેના મુસ્લિમ મહોલ્લામાં બિલકીસના પિતાનું ઘર હતું. એજ મહોલ્લામાં અમારી સાથે વાત કરતાં ઇકબાલ મોહમ્મદે કહ્યું, "મોદીજી કહેતે હૈ કિ દેશ કી બેટી મેરી બેટી તો ક્યા બિલકીસ ઉનકી બેટી નહીં હૈ? તો બિલકીસ કો ન્યાય નહીં દે સકતે હૈ? જે 11 દોષિતને માફી આપવામાં આવી છે એ કોઈ નાનોમોટો અપરાધ તો છે નહીં, જઘન્ય અપરાધ છે. તો એમાં પણ માફી આપવામાં આવી, શું દેશનું સંવિધાન આવું કહે છે?"

બિલકીસબાનો ગૅંગરેપના 11 દોષિતમાંથી મોટા ભાગના સીંગવડ ગામમાં રહે છે. જે રણધીકપુરથી બિલકુલ અડીને આવેલું છે.

બિલકીસબાનો ગેંગરેપના 11 દોષિતમાંથી મોટા ભાગનાં સીંગવડ ગામમાં રહે છે

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, બિલકીસબાનો ગેંગરેપના 11 દોષિતમાંથી મોટા ભાગનાં સીંગવડ ગામમાં રહે છે

કેટલાક દોષિતોનાં ઘર તો બિલકીસબાનોના ઘરથી અડધા કિલોમિટર કરતાંય ઓછા અંતરે છે.

રણધીકપુરના ચૂંદડી રોડ ઉપરાંત બિલવાળ ફળિયામાં મુસ્લિમોની વસતી છે. 15 ઑગસ્ટે દોષિતોના છૂટ્યા પછી આ મહોલ્લામાંથી મુસ્લિમ પરિવારોનું પલાયન ચાલુ થયું એવું સ્થાનિકોનું કહેવું છે.

બીબીસીની ટીમ તા.22 ઑગસ્ટે એ ફળિયા અને મહોલ્લામાં પહોંચી તો મોટાભાગનાં ઘરોનાં દરવાજા પર તાળાં લટકતાં હતાં. જે બાકી હતાં તેઓ પણ સામાન પૅક કરી રહ્યા હતા. પોલીસ સ્ટેશનની પાછળ જ મહોલ્લો હોવા છતાં લોકો ઘર છોડીને જઈ રહ્યા હતા.

2002નાં રમખાણો પછી બીજી વખત મુસ્લિમો રણધીકપુર ખાલી કરી રહ્યા હતા.

23 ઑગસ્ટે તારીખે અમે ફરી પહોંચ્યા, ત્યારે ચૂંદડી રોડ પાછળના મુસ્લિમ મહોલ્લાનું કદાચ જ કોઈ ઘર જોવા મળ્યું કે જેના દરવાજે તાળું લટકતું ન હોય. ત્યાં છૂટીછવાઈ બકરીઓના અવાજ અને ઘરની આસપાસ માલિક વગરનાં મરઘાં આંટા મારી રહ્યાં હતાં.

મહોલ્લામાં કેટલાક યુવાનો હતા. બિલકીસના કાકા અય્યૂબભાઈ અને પિતરાઈ ભાઈ ઇમરાન પણ ત્યાં હતા. તેમણે જણાવ્યું કે તેઓ પણ એક-બે દિવસમાં જતા રહેશે.

line

તિરંગો ત્યાં જ હતો

'હર ઘર તિરંગા'ની ઉજવણીના ભાગરૂપે તેમના ઘર ઉપર તિરંગો જે ફરકાવવામાં આવ્યો હતો તે હજી પણ જોવા મળતો હતો
ઇમેજ કૅપ્શન, 'હર ઘર તિરંગા'ની ઉજવણીના ભાગરૂપે તેમના ઘર ઉપર તિરંગો જે ફરકાવવામાં આવ્યો હતો તે હજી પણ જોવા મળતો હતો

બિલાવલ ફળિયાનાં અમીનાબાનોના ઘરે અમે પહોંચ્યા, તો તેમણે મોટભાગનો સામાન બાંધી રાખ્યો હતો. 'હર ઘર તિરંગા'ની ઉજવણીના ભાગરૂપે તેમના ઘર ઉપર તિરંગો જે ફરકાવવામાં આવ્યો હતો તે હજી પણ જોવા મળતો હતો.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "આ 11 લોકોને છોડી દીધા એને લીધે અમારા મનમાં ડર પેસી ગયો છે. 2002 રમખાણમાં મારો દીકરો માર્યો ગયો હતો. અમે ભૂખ્યાં તરસ્યાં જંગલોમાં ભટક્યાં હતાં. અત્યારે અમને ફરી બીક લાગે છે. ફરી એવાં રમખાણો થઈ જાય તો અમારે જવું ક્યાં?"

અમીનાબાનો

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, અમીનાબાનો

અમીનાબાનોના ઘરની પાસે જ રહેતાં મદીનાબાનોએ પણ સામાન બાંધી રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે, "મહોલ્લો ખાલી થઈ રહ્યો હોય તો અમે કેવી રીતે રહીએ? મારા ઘરમાં જવાન દીકરીઓ છે. અમારો છ જણાનો પરિવાર પણ રણધીકપુર છોડીને દેવગઢબારિયા તરફ જઈ રહ્યો છે."

line

'ભરોસો કોના પર કરવો?'

અય્યુબભાઈએ જણાવ્યું હતું કે, "2002માં પોલીસ હતી છતાં પણ અમારા મકાનો સળગાવાયા હતા. તેથી ભરોસો કોના પર કરવો અમારે?"
ઇમેજ કૅપ્શન, અય્યુબભાઈએ જણાવ્યું હતું કે, "2002માં પોલીસ હતી છતાં પણ અમારા મકાનો સળગાવાયા હતા. તેથી ભરોસો કોના પર કરવો અમારે?"

રણધીકપુરના મુસ્લિમોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બીબીસી સાથે વાત કરતા દાહોદ જિલ્લાના કલેક્ટર હર્ષિત ગોસાવીએ કહ્યું, "હા તેમનું આવેદન મળ્યું છે. હું તેમને બાંહેધરી આપવા માગું છું કે ડરવાની કોઈ વાત નથી. મેં તેમને પૂછ્યું હતું કે 'શું તમને કોઈ ધમકી મળી છે?' કોઈ ધમકી મળી નથી, પણ ડરેલા છે, એવું તેમણે મને કહ્યું હતું. જો તેમને કઈ ધમકી વગેરે આપશે તો અમે ઍકશન લઈશું. એસપી સાહેબ સાથે પણ આ મુદ્દે અમારી ચર્ચા થઈ ચૂકી છે."

આ વિસ્તારોમાં રાત્રે પોલીસ પહેરો પણ ભરે છે. અય્યૂબભાઈએ જણાવ્યું હતું કે, "2002માં પોલીસ હતી છતાં પણ અમારાં મકાનો સળગાવાયાં હતાં. તેથી ભરોસો કોના પર કરવો અમારે?"

દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા એની સામે નારાજગી વ્યક્ત કરતાં ઇકબાલ મોહમ્મદ કહે છે કે, "દેશ જ્યારે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયાં એનો 'અમૃત મહોત્સવ' મનાવતો હતો, ત્યારે બળાત્કાર જેવા જઘન્ય અપરાધના કેદીઓને મુક્ત કરવામાં આવ્યા."

"એ જેલમાંથી છૂટીને આવ્યા, ત્યારે ગામમાં ફટાકડા ફૂટ્યા જશ્ન મનાવવામાં આવ્યો. આને લીધે અમે લોકો વધુ ડરી ગયા. દેશમાં વિવિધ સમુદાયના કેદીઓ 20-30 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે તેમને છોડવામાં નથી આવતા. તેમને માફી નથી મળતી તો આ 'રૅરેસ્ટ ઑફ રૅર' કેસમાં માફી કેવી રીતે આપી શકાય?"

રણધીકપુરમાં મેડિકલ સ્ટોર ચલાવતા દુકાનદારને પૂછ્યું કે, 'આ કેસ અને સજામાફી વિશે તેઓ શું માને છે?' તો તેમણે કહ્યું, "હું તો આ સ્ટોરમાં નોકર છું. તમે માલિકને પૂછો. મને કેસ વિશે ખબર નથી." મુખ્ય બજારમાં પાનની દુકાન ચલાવતા માણસને પૂછ્યું તો તેમણે કહ્યું, "હું તો 2002માં ખૂબ નાનો હતો. મને ખબર નથી."

લોકો પોતાના ઘર-પશુધન મુકીને ગામ છોડી ગયા છે

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA

ઇમેજ કૅપ્શન, લોકો પોતાના ઘર-પશુધન મુકીને ગામ છોડી ગયા છે

2002માં રણધીકપુર ગામમાં જે બન્યું ત્યાર બાદ હિન્દુ-મુસ્લિમો વચ્ચે એક ભાવનાત્મક અંતર પડી ગયું છે. બંને સમુદાયના લોકો પાસે-પાસે રહે છે.

તેમના કામધંધા એકબીજા સાથે જોડાયેલા છે. આ બધું હોવા છતાં તેમના વ્યવહારમાં ઉમળકો ઘટીને ઔપચારિકતા રહી ગઈ હોય તેવું વર્તાય છે.

કોર્ટે દોષિતોને સજા કરી હોવા છતાં રણધીકપુર અને સીંગવડમાં એક વર્ગ એવો પણ છે, જે માને છે કે દોષિતોમાંથી કેટલાક નિર્દોષ છે.

વીડિયો કૅપ્શન, Bilkis Banoના ગામ રણધીકપુરમાંથી કેટલાક મુસ્લિમો કેમ કરી રહ્યા છે પલાયન? COVER STORY

બળાત્કારના દોષિતો જેલમાંથી છૂટે તો તેમનું હારતોરા સાથે સ્વાગત થવું કેટલું વાજબી છે? કાપડની વિવિધ ધજાઓ બનાવતાં ટીનાબહેન દરજીએ જણાવ્યું, "સ્વાગત થાય એમાં ખોટું શું છે? નિર્દોષ હતા અને બહાર આવ્યા."

રણધીકપુરની ભાગોળે પેટ્રોલ પમ્પમાં કામ કરતાં યુવકે વાત કરતાં કહ્યું, "એમાંના કેટલાક નિર્દોષ હતા. તેમનું સ્વાગત થાય તો એમાં કશું ખોટું નથી." યુવકને પૂછવામાં આવ્યું કે નિર્દોષ કેવી રીતે? કોર્ટે તો તેમને ગુનેગાર ઠેરવ્યા હતા. આના જવાબમાં તેમણે કહ્યું, "કેટલાકનાં નામ ખોટી રીતે સંડોવાઈ ગયા હતા જે ખરેખર તો નિર્દોષ હતા."

રણધીકપુર ગામનાં મહિલા સરપંચનો સંપર્ક કર્યો તો તેઓ આ વિશે કશું બોલવા તૈયાર થયાં ન હતાં. 2011ની વસતીગણતરી પ્રમાણે, રણધીકપુરમાં 3177ની વસતી હતી. જે હવે તો વધી ગઈ હશે છતાં ગામ તો ખૂબ નાનું છે.

રણધીકપુર તથા સિંગવડમાં મુખ્યત્વે આદીવાસી, કોળી તેમજ મુસ્લિમ સમુદાયના લોકો વસે છે. ખેતી અને ખેતમજૂરી કરનારા તેમજ દુકાન કે નાનો મોટો વ્યવસાય સાથે લોકો સંકળાયેલા છે.

line

બિલકીસ બાનોનું ઘર

બિલકીસબાનોનું પૈતૃક ઘર જ્યાં હવે કાપડની દુકાન છે

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA

ઇમેજ કૅપ્શન, બિલકીસબાનોનું પૈતૃક ઘર જ્યાં હવે કાપડની દુકાન છે

ચૂંદડી રોડ પાસે જ બિલકીસબાનોનું પૈતૃક ઘર હતું. 2002નાં રમખાણોમાં એ ઘર નષ્ટ થઈ ગયું હતું. હાલ જે ઘર હતું ત્યાં તૈયાર કાપડનાં વેપારી સુભાષભાઈની દુકાન છે. તેઓ મૂળે રાજસ્થાનનાં છે. અમે તેમની દુકાને પહોંચ્યા તો તેમણે ચા-નાસ્તાનો આગ્રહ કર્યો.

સુભાષભાઈએ જણાવ્યું, "2003-04થી અમારી આ દુકાન છે. દુકાન અમે ભાડા પર લીધી છે. હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો અમારે ત્યાંથી કપડાં ખરીદવા આવે છે. સુભાષભાઈનો ધંધો સારી રીતે ગોઠવાઈ ગયો છે. સામે તેમણે બીજી દુકાન પણ રાખી છે."

line

દેવી-દેવતાને દર દોષિતો

જે દોષિતો જેલમાંથી છૂટ્યા તેમાંના કેટલાંકનો સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો હતો પણ તેઓ વાત કરવા તૈયાર ન થયા. બિલકીસ કેસના દોષિત રાધેશ્યામ શાહ સાથે વાત થઈ હતી. એક સ્થાનિક પત્રકારની મદદથી ફોન પર વાત કરતાં તેમણે કહ્યું, "હું હાલ આ કેસ મુદ્દે કશું કહેવા માગતો નથી. હાલ હું રાજસ્થાન છું, અને હવે રાજસ્થાન જ રહેવા માગું છું."

શાહે કહ્યું, "હું જીવનમાં ક્યારેય પાણીવેળા વિસ્તારની ટેકરીઓમાં (જ્યાં બિલકીસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું) ગયો જ નથી. હું એટલું કહીશ કે હું તો મારી જાતને નિર્દોષ જ માનું છું."

અન્ય એક દોષિત ગોવિંદ રાવળના ઘરે અમે પહોંચ્યા તો જવાબ મળ્યો કે 'તેઓ ઘરમાં નથી.' પરિવારના સભ્યે જણાવ્યું કે, "તેમની માનતા પૂરી થઈ એટલે વિવિધ મંદિરોમાં દર્શન કરવા ગયા છે." પરિવારનાં સભ્યે સજામાફી અને કેસ વિશે વાત કરવા ઇનકાર કરી દીધો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન