એનડીટીવી અદાણી ગ્રૂપ દ્વારા કબજાના પ્રયાસને કઈ રીતે રોકી શકે?

ઇમેજ સ્રોત, NDTV

- અદાણી જૂથે એનડીટીવીમાં પરોક્ષ રીતે લગભગ 30 ટકા હિસ્સો ખરીદી લીધો છે
- અદાણી જૂથ એનડીટીવીમાં 26 ટકા હિસ્સેદારી ખરીદવા માટે ઓપન ઑફર લાવશે
- કેસમાં આવેલા નવા વળાંક મુજબ, એનડીટીવીના સ્થાપકો પ્રણય રૉય અને રાધિકા રૉય પર વર્ષ 2020થી સિક્યૉરિટી માર્કેટમાં શેર ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ લાગેલો છે
- તેથી તેઓ જેના આધારે અદાણી એનડીટીવીની માલિકી મેળવવાનો પ્રયાસ કરી રહી છે તે શેર અદાણી જૂથને ટ્રાન્સફર કરી શકશે નહીં

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી દ્વારા નિયંત્રિત અદાણી જૂથે મીડિયા કંપની એનડીટીવીમાં પરોક્ષ રીતે લગભગ 30 ટકા હિસ્સો ખરીદી લીધો છે.
અદાણી જૂથે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને જણાવ્યું હતું કે તે એનડીટીવીમાં 26 ટકા ભાગીદારી ખરીદવા માટે ઓપન ઑફર પણ લાવશે.
આનો અર્થ એ થયો કે અદાણી જૂથ એનડીટીવીમાં માલિકી માટે હિસ્સો હસ્તગત કરવા માગે છે. જો અદાણીની ઓપન ઑફર સફળ થાય તો એનડીટીવીમાં તેનો કુલ હિસ્સો 55 ટકા કરતા વધી જશે.
એનડીટીવી મૅનેજમૅન્ટે અદાણી જૂથના આ પગલા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેને આ ડીલ વિશે કંઈ ખબર નહોતી.

કેસમાં નવો વળાંક

ઇમેજ સ્રોત, NDTV
હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ગુરુવારે એનડીટીવીએ અદાણી જૂથના પ્રયાસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એનડીટીવીએ આ સંદર્ભમાં નિયમનકારી નિયંત્રણોને ટાંકીને કહ્યું છે કે અદાણી જૂથની કાર્યવાહી આગળ વધી શકે તેમ નથી.
સ્ટૉક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી મુજબ, એનડીટીવીના સ્થાપકો પ્રણય રૉય અને રાધિકા રૉય પર વર્ષ 2020થી સિક્યૉરિટી માર્કેટમાં શેર ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ લાગેલો છે તેથી તેઓ જેના આધારે અદાણી એનડીટીવીની માલિકી મેળવવાનો પ્રયાસ કરી રહી છે તે શેર અદાણી જૂથને ટ્રાન્સફર કરી શકશે નહીં.
અદાણી જૂથે મંગળવારે કહ્યું હતું કે તે એનડીટીવીમાં નિયંત્રિત કરી શકાય તેવો હિસ્સો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, એનડીટીવીએ આના પર કહ્યું કે આ એક "સંપૂર્ણપણે અનપેક્ષિત" પગલું છે અને આ અંગે કંપની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી અને તેની સંમતિ લેવામાં આવી નથી.
એનડીટીવી એ જૂજ મીડિયા જૂથ પૈકીનું એક છે જે ઘણીવાર કેન્દ્ર સરકારની નીતિઓ પર ટીકાત્મક વલણ અપનાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીટીવી દ્વારા ટાંકવામાં આવેલા 2020ના સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) આદેશ અનુસાર, સેબીએ પ્રણય અને રાધિકા રૉયને 26 નવેમ્બર, 2022 સુધી ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
રૉય દંપતી શંકાસ્પદ ઇનસાઇડર ટ્રેડિંગ દ્વારા એનડીટીવીના શેરમાં ખોટી રીતે નફો કમાયા હતા એવું તપાસમાં બહાર આવ્યા બાદ સેબીએ આ કાર્યવાહી કરી હતી.
ભારતીય કાયદા સંસ્થા પાયોનિયર લીગલના ભાગીદાર પ્રીથા ઝાએ રૉયટર્સને જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે એનડીટીવી આખી પ્રક્રિયાને રોકવા અથવા ધીમી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ એવું લાગતું નથી કે કંપની સંપાદનની આગળ વધી રહેલી કાર્યવાહીને રોકી શકશે, ભલે તે થોડો સમય એમ કરે."
દરમિયાન ગુરુવારે એનડીટીવીના શેરમાં પાંચ ટકાનો વધારો થતાં અપર સર્કિટ લાગી હતી.

વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડની ગૂંચવણ

ઇમેજ સ્રોત, Reuters
આ સમગ્ર પ્રકરણના કેન્દ્રમાં રહેલી અને ઓછી જાણીતી કંપની વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (વીસીપીએલ)ની રચના 2008માં થઈ હતી.
પ્રણય અને રાધિકા રૉયે 2008-09માં વીસીપીએલ પાસેથી આરઆરપીઆર (રાધિકા રૉય પ્રણય રૉય) હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4 અબજ રૂપિયાની લોન લીધી હતી.
આ લૉનના બદલામાં વીસીપીએલને 29.18 ટકા શેર મોર્ગેજ તરીકે આપવામાં આવ્યા હતા. આ સાથે, એક વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો કે લૉનની ચુકવણી ન થાય તો તેઓ આ વાઉચરમાંથી 99.5 ટકાને ઇક્વિટીમાં કન્વર્ટ કરી શકે છે.
આ લૉન 10 વર્ષ માટે લેવામાં આવી હતી અને તેનો સમયગાળો 2019માં પૂરો થયો હતો. પરંતુ આરઆરપીઆરે લીધેલી લૉન ભરપાઈ કરી ન હતી.

કોની પાસે કેટલો હિસ્સો છે

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવી પ્રમોટર્સ પ્રણય રૉય કંપનીમાં 15.94 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે તેમના પત્ની રાધિકા રૉય કંપનીમાં 16.32 ટકા હિસ્સો ધરાવે છે. પ્રણય અને રાધિકા આરઆરપીઆરના પ્રમોટર્સ હતા, આ કંપની પાસે એનડીટીવીના 29.18 ટકા શેર હતા.
રિટેલ રોકાણકારો કંપનીમાં 12.57 ટકા શેર ધરાવે છે, કૉર્પોરેટ સંસ્થાઓ એનડીટીવીમાં 9.61 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ અર્થાત કે એફપીઆઈ પાસે 14.7 ટકા શેર છે. અન્ય પાસે કંપનીની 1.67 ટકા ભાગીદારી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













