ઋષિ સુનક : ભારતીય મૂળની વ્યક્તિ કેવી રીતે પહોંચી બ્રિટનના પીએમ પદ સુધી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, લંડન

- ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના અશ્વેત મૂળના પ્રથમ વડા પ્રધાન
- એક સમયના સામાન્ય પરિવારમાંથી આવતા ઋષિ કેવી રીતે આ પદ સુધી પહોંચવામાં સફળ રહ્યા?
- 35 વર્ષની વયે સાંસદ તરીકેની ચૂંટણી જીત્યા બાદ માત્ર સાત વર્ષમાં વડા પ્રધાનપદ સુધી કેવી રીતે પહોંચી શક્યા સુનક?
- બ્રિટનના સૌથી વધુ ધનિક પરિવારોમાંથી એકમાં તેમના પરિવારની ગણના થાય છે

મૉરિશિયસ હોય, ગુયાના, આયર્લૅન્ડ, પોર્ટુગલ કે ફિજી હોય, ભારતીય મૂળના નેતાઓની એક લાંબી યાદી છે જે આના જેવા ઘણા દેશોના કાં તો રાષ્ટ્રપતિ કાં તો વડા પ્રધાન રહી ચૂક્યા છે.
વિશ્વમાં ભારત સિવાય કોઈ એવો દેશ નથી જેના મૂળના લોકો 30 કરતાં વધુ દેશો પર કાં તો રાજ કરે છે કાં તો કરી ચૂક્યા છે.
42 વર્ષીય સુનકનું નામ પણ હવે આ યાદીમાં જોડાઈ ચૂક્યું છે. કન્ઝર્વેટિવ નેતા પેની મૉરડંટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. સુનક આ પહેલાં સપ્ટેમ્બર માસમાં તેમનાં પ્રતિદ્વંદ્વી લિઝ ટ્રસથી પાછળ રહી ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મૂળના ઋષિ સુનકનો બ્રિટનના રાજકારણમાં ખૂબ ઝડપથી ઉદય થયો. તેમણે વર્ષ 2015માં, 35 વર્ષની ઉંમરે, પ્રથમ વખત સાંસદની ચૂંટણી જીતી. માત્ર સાત વર્ષોમાં તેઓ હવે વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને અશ્વેત વડા પ્રધાન હશે.
વિપક્ષ લેબર પાર્ટીના 75 વર્ષના સાંસદ વીરેન્દ્ર શર્મા, ઋષિ સુનકને સારી રીતે ઓળખે છે.
બંને ભારતીય મૂળના સાંસદ પણ છે અને બંનેનાં મૂળ પંજાબ સાથે જોડાયેલાં છે. ઋષિ વિશે તેઓ કહે છે કે, "આજે અમે એ સ્તર પર પહોંચી ગયા છીએ કે અહીંની જે કૉમ્યુનિટી છે, અહીંની રાજકીય પરિસ્થિતિ છે, સમાજ છે, તેનો ભાગ બની ગયા છીએ. આજે આર્થિક રીતે પણ ભારતીય મૂળના લોકોની શક્તિ બની છે, હવે રાજકારણમાં આપણા લગભગ 40 જેટલા એશિયન અને અશ્વેત મૂળના સાંસદ છે."

રચાયો ઇતિહાસ

ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે ઋષિનું વડા પ્રધાન બનવું એ ઐતિહાસિક ક્ષણ હશે, બરાબર એવી જ ક્ષણ જે અમેરિકામાં વર્ષ 2008માં બરાક ઓબામાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર નોંધાઈ હતી. ઋષિ સુનક પહેલાં પણ દક્ષિણ એશિયા મૂળના નેતા મોટાં પદો પર આવી ચૂક્યા છે. તેઓ મંત્રી બન્યા છે અને મેયર પણ, જેમ કે પ્રીતિ પટેલ આ દેશનાં ગૃહમંત્રી છે અને સાદિક ખાન લંડનના મેયર છે.
પરંતુ વડા પ્રધાનપદના દાવેદાર હજુ સુધી કોઈ નહોતા બની શક્યા. રાજકીય વિશ્લેષકો અનુસાર ઋષિનો ઉદય એશિયન સમુદાયો માટેની સફળતા સાથે જોડાયેલો છે. તેમનું કહેવું છે કે બ્રિટનના સમાજમાં વિવિધતા પણ ઋષિ જેવા નેતાઓનો ઉદય જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર નીલમ રૈના મિડલસેક્સ યુનિવર્સિટીમાં ભણાવે છે. તેઓ કહે છે કે, "આ ઐતિહાસિક તો હશે કારણ કે ભારતની તુલનામાં અહીં સંસદમાં ધાર્મિક અને જાતીય લઘુમતી સમુદાયોનું પ્રતિનિધિત્વ ઘણું વધુ છે. પરંતુ ઐતિહાસિક એટલા માટે હશે કારણ કે તેમનાં મૂળ અલગ છે."
ઋષિ સુનક ભારતીય મૂળની ત્રીજી પેઢીની વ્યક્તિ છે. તેમનાં દાદા-દાદીએ ભારતના વિભાજન પહેલાં જ પાકિસ્તાની પંજાબના ગુજરાંવાલા શહેરથી ઈસ્ટ આફ્રિકા માટે પલાયન કર્યું હતું. તેઓ ઘણાં વર્ષો બાદ ઇંગ્લૅન્ડના સાઉથૈંપ્ટન શહેર આવીને વસ્યાં હતાં જ્યાં 1980માં ઋષિ સુનકનો જન્મ થયો. આ શહેમાં જ તેઓ ઊછરીને મોટા થયા.

બ્રિટનના સૌથી વધુ ધનિકોમાં ગણના

ઇમેજ સ્રોત, AVINASH PATEL
બ્રિટનમાં સામાન્ય ધારણા એવી છે કે ઋષિ સુનક અત્યંત ધનિક વ્યક્તિ છે, જે સામાન્ય વ્યક્તિઓ સાથે તેમના અંતરનું મુખ્ય કારણ બન્યું છે. હાલના એક સર્વે અનુસાર બ્રિટનના 250 સૌથી ધનિક પરિવારમાં તેમની ગણના થાય છે. પરંતુ તેઓ જન્મજાત ધનવાન હતા કે કેમ?
આ વાતની જાણકારી તો સાઉથૈંપ્ટનમાં જ મળી શકતી હતી જ્યાં તેઓ પેદા થયા અને તેમનું બાળપણ પસાર થયું. અમે ત્યાં એવા કેટલાક લોકોને મળ્યા જે તેમને બાળપણથી ઓળખતા હતા અને આજે પણ તેમના સંપર્કમાં છે.
વૈદિક સોસાયટી ટૅમ્પલમાં હિંદુ સમુદાયનું એક વિશાળ મંદિર છે જેના સંસ્થાપકોમાં ઋષિ સુનકના પરિવારના લોકો પણ સામેલ છે. તેમનું બાળપણ આ મંદિરની આસપાસ જ પસાર થયું જ્યાં તેમણે હિંદુ ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. 75 વર્ષીય નરેશ સોનચાટલા, ઋષિ સુનકને બાળપણથી ઓળખે છે. તેઓ કહે છે કે, "ઋષિ સુનક જ્યારે બાળક હતા ત્યારથી મંદિર આવતા, તેમનાં માતાપિતા અને દાદા-દાદી સાથે."
સંજય ચંદરાણા કૉર્પોરેટ જગતના એક મહત્ત્વપૂર્ણ પદ પર છે. સાથે જ તેઓ વૈદિક સોસાયટી હિંદુ મંદરિના અધ્યક્ષ પણ છે. તેઓ ઋષિને હાલમાં જ મળેલા જ્યારે તેઓ ગત મહિને મંદિર આવ્યા હતા. મંદિરમાં તેઓ સમુદાયના તમામ લોકોને મળ્યા.
એ મુલાકાતને યાદ કરતાં સંજય કહે છે કે, "તેઓ રોટલી બનાવી રહ્યા હતા. તે ગોળ બની રહી હતી, તો મેં પૂછ્યું કે શું તમને ઘરે ભોજન રાંધો છો? તો આના જવાબમાં તેમણે કહ્યું કે હા, મને સારું લાગે છે ભોજન રાંધવું. તેમને અમે પૂછ્યું કે તમે બાળવિકાસના વિદ્યાર્થી (આ મંદિરમાં) છો તો અહીંનાં બાળકોને મળવા માગશો, તો તેમણે કહ્યું કે હા હું મળવા માગીશ અને તેઓ ત્યાં ગયા."
તેમના પિતા યશવીર સુનક ડૉક્ટર છે અને માતા ઉષા સુનક હાલ સુધી એક કૅમિસ્ટની દુકાન ચલાવતાં હતાં. તેઓ હજુ પણ શહેરમાં જ રહે છે, ઋષિ આ જ પ્રકારના સાધારણ, ધાર્મિક હિંદુ ધર્મનું પાલન કરનારા લોકોમાંથી એક છે. પરિવારમાં ભણતર અને કરિયર પર ભાર વધુ અપાય છે. તેથી તેમના પિતાએ તેમને એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવ્યા.

નાણામંત્રી તરીકે કેવું હતું કામ?

ઇમેજ સ્રોત, SANJAY CHANDARANA
પોતાની વેબસાઇટમાં તેઓ લખે છે, "મારાં માતાપિતાએ ઘણા ત્યાગ કર્યા છે જેથી હું સારી સ્કૂલમાં જઈ શકું. હું ભાગ્યશાળી હતો કે મને વિનચેસ્ટર કૉલેજ, ઑક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણવાની તક મળી."
ઋષિએ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિનાં દીકરી અક્ષતા મૂર્તિ સાથે વર્ષ 2009માં બૅંગ્લુરુમાં લગ્ન કર્યાં હતાં. હવે તેમનાં બે બાળકો છે. કેહવાય છે કે તેમની ઘોષિત સંપત્તિ 730 મિલિયન પાઉન્ડના એક મોટા ભાગનાં માલકણ તેમનાં પત્ની છે. ઋષિ સેલ્ફ-મેડ છે, તેઓ પોતાની વેબસાઇટમાં આગળ લખે છે :
"હું એક સફળ વ્યવસાયિક કરિયરનો આનંદ માણવા જેટલો સૌભાગ્યવાન રહ્યો છું. મેં એક મોટી ઇન્વેસ્ટમેન્ટ પેઢીની સહ-સ્થાપના કરી, જે સિલિકૉન વૅલીથી લઈને બૅંગ્લુરુ સુધીની કંપનીઓ સાથે કામ કરી રહી છે."

ઋષિ સુનક, કોરોના મહામારીથી ઠીક પહેલાં દેશના નાણામંત્રી બન્યા. આ તેમના માટે એક મોટી ઉપલબ્ધિ હતી કારણ કે વડા પ્રધાનપદ બાદ નાણામંત્રીનું પદ બીજું સૌથી મોટું પદ મનાય છે. આ પદ પર તેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું જેના કારણે આજે લોકો તેમને વડા પ્રધાન તરીકે જોવા માગે છે.
તેઓ નાણામંત્રી તરીકે દેશના બીજા સૌથી મોટા પદ પર રહી ચૂક્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













