બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રસે રાજીનામું કેમ આપ્યું?

લિઝ ટ્રસ

ઇમેજ સ્રોત, Reuters

બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડાઉનિંગ સ્ટ્રીટની બહાર બ્રિટિશ પીએમ લિઝ ટ્રસે કિંગ ચાર્લ્સને કહ્યું હતું કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી રહ્યાં છે.

લિઝ ટ્રસે કહ્યું હતું કે નેતૃત્વની પસંદગીની પ્રક્રિયા આગામી સપ્તાહમાં યોજાશે. લિઝ ટ્રસે કહ્યું છે કે તેઓ આજે 1922 સમિતિના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીને મળ્યાં હતાં.

તેઓ સંમત થયા હતા કે આગામી સપ્તાહમાં નેતૃત્વની ચૂંટણી થશે અને ઉમેર્યું કે અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી તે વડાં પ્રધાન તરીકે રહેશે.

ટ્રસે કહ્યું કે તેઓ અપેક્ષા પ્રમાણેનું પરિણામ આપી શકતા નથી. લિઝ ટ્રસ નંબર 10ની બહાર પોતાનું નિવેદન આપી રહ્યાં હતાં.

ડઝન જેટલા પત્રકારોની સામે તેઓ કહી રહ્યાં હતાં કે તેમણે "ભારે આર્થિક અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતા"ના સમયે પદભાર સંભાળ્યો હતો.

તેઓએ ઉમેર્યું કે, "હું જાણું છું... પરિસ્થિતિને જોતા હું કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટાઈને જે પરિણામ આપવું જોઈએ તે હું આપી શકીશ નહીં."

ચાન્સેલર જેરેમી હંટે પુષ્ટિ કરી છે કે તેઓ આગામી કન્ઝર્વેટિવ નેતા અને યુકેના વડા પ્રધાન તરીકે ઊભા રહેશે નહીં.

લિઝ ટ્રસ 5 સપ્ટેમ્બર, 2022એ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતાની ચૂંટણી જીતીને વડાં પ્રધાન બન્યાં હતાં, તેમણે ભારતીય મૂળનાં ઋષિ સુનકને હરાવ્યા હતા.

line

જ્યારે રાજાશાહીને ખતમ કરવાના પક્ષમાં ભાષણ આપ્યું

લિઝ ટ્રસ

ઇમેજ સ્રોત, Reuters

લિઝ ટ્રસે ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા હતા. લિઝ ટ્રસ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનાં લીડરની ચૂંટણી જીત્યાં હતાં.

સાત વર્ષની ઉંમરે લિઝ ટ્રસે પોતાની સ્કૂલમાં એક મૉક ઇલેક્શન દરમિયાન બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન મારગ્રેટ થેચરની ભૂમિકા ભજવી હતી.

થેચરે 1983માં મોટી બહુમત સાથે જીત હાંસલ કરી હતી પરંતુ ટ્રસ એમ કરી શક્યાં નહોતાં.

આ વિશે ઘણાં વર્ષો બાદ વાત કરતાં ટ્રસે કહ્યું, "મેં તકનો લાભ ઉઠાવીને એક ભાવનાત્મક ભાષણ આપ્યું પરંતુ મને એક પણ મત મળ્યો નહોતો. મેં પણ ખુદને મત આપ્યો ન હતો."

મૅરી એલિઝાબેથ ટ્રસનો જન્મ 1975માં ઑક્સફર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતશાસ્ત્રી અને માતા નર્સ હતાં. ટ્રસ પ્રમાણે તેઓ 'ડાબેરી' હતાં.

બીબીસી રેડિયો ફૉર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના ભાઈ અને પરિવારને બોર્ડ ગેમ્સ રમવી પસંદ હતી પરંતુ કિશોરાવસ્થામાં ટ્રસને હારવું બિલકુલ પસંદ ન હતું અને તેઓ હારવા કરતાં ભાગી જવું પસંદ કરતાં હતાં.

ટ્રસે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ફિલૉસૉફી, રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન પણ રાજકારણમાં ઘણાં સક્રિય હતાં. શરૂઆતમાં તેઓ લિબરલ ડેમૉક્રેટ હતાં.

1994માં પાર્ટીની કૉન્ફરન્સમાં બોલતી વખતે તેમણે રાજાશાહીને ખતમ કરવાના પક્ષમાં ભાષણ આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "અમે લિબરલ ડેમૉક્રેટ માટે સમાન તકના પક્ષમાં છીએ. અમે નથી માનતા કે કેટલાક લોકોનો જન્મ જ રાજ કરવા માટે થયો છે."

line

રાજકીય કારકિર્દી

લિઝ ટ્રસ

ઇમેજ સ્રોત, Getty Images

થેરેસા મેના કાર્યકાળમાં તેઓ કાયદામંત્રી રહ્યાં અને બાદમાં ટ્રેઝરીનાં મંત્રી પણ રહ્યાં. જ્યારે બોરિસ જોનસન 2019માં વડા પ્રધાન બન્યા તો ટ્રસને આંતરરાષ્ટ્રીય વેપારનાં મંત્રી બનાવવામાં આવ્યાં હતાં.

વર્ષ 2021માં 46 વર્ષની ઉંમરે તેઓ સરકારનાં સૌથી વરિષ્ઠ પદોમાંથી એક પદ સુધી પહોંચ્યાં. ડૉમિનિક રાબ બાદ તેમણે વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું.

આ પદ પર રહીને તેમણે નૉર્ધન આઇલૅન્ડ પ્રોટોકોલની જટિલ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તે માટે ટ્રસે પોસ્ટ બ્રેક્ઝિટ ડીલની ઘણી જોગવાઈઓ રદ કરી. આ પગલાની યુરોપિયન યુનિયને ઘણી ટીકા કરી હતી.

આ સિવાય તેમણે બે બ્રિટન-ઈરાનિયન નાગરિકોને છોડાવ્યા હતા જેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે વ્લાદિમીર પુતિનની સમગ્ર સેનાને દેશમાંથી કાઢી મૂકવી જોઈએ.

જોકે, યુકેના એ લોકોનું સમર્થન કરવા માટે તેમની ટીકા થઈ હતી, જે યુક્રેનમાં લડવા માગતા હતા.

ટ્રસનું કૅમ્પેન પણ વિવાદોથી દૂર રહ્યું નહોતું. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કૉસ્ટ ઑફ લિવિંગની સમસ્યાને કેવી રીતે દૂર કરશો તો તેમણે કહ્યું કે તેઓ ટૅક્સનો ભાર ઘટાડવા પર ધ્યાન આપશે પરંતુ હૅન્ડઆઉટ (મફત સામાન, પૈસા વગેરે) નહીં આપે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન