"અમે ગરીબ છીએ પણ ભારતીય છીએ," દબાણ હટાવ્યાં બાદ જખૌના માછીમારોની વ્યથા- ગ્રાઉન્ડ રિપોર્ટ

જખૌ બંદરે વિસ્થાપિત થયેલાં મહિલા
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, જખૌ, કચ્છ
લાઇન
  • જખૌ અને બેટ દ્વારકાના વિસ્તારમાં જે લોકોનાં મકાનો કે મિલકત તૂટી છે, તેમાંથી મોટા ભાગના લોકો મુસ્લિમ સમુદાયના હતા
  • ઘણા મુસ્લિમ આગેવાનો અનુસાર, "આ પગલું લીધા પછી સરકાર ધ્રુવીકરણની રાજનીતિને વધુ મજબૂત કરે છે
  • ઘણા લોકો તેમનાં તૂટેલાં ઘરો માટે ગુજરાતમાં મતોના ધ્રુવીકરણની રાજનીતિને જવાબદાર માને છે. જોકે, આ પાછળ સરકારનું બીજું જ વલણ છે
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અનુસાર પાકિસ્તાનનું કરાચી ગુજરાતથી માત્ર 57 નોટીકલ માઇલ્સ દૂર છે અને દરિયાઈ સુરક્ષા પણ એક મહત્ત્વનો મુદ્દો છે
લાઇન

"ભૂપેન્દ્રભાઈનો અનુભવ હમણાં જ ગુજરાતને બરાબર થયો છે. સમુદ્રની પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામો કરી કરીને જે લોકોએ જમઘટ કરી હતી, ચૂપચાપ...સફાચટ. ભૂપેન્દ્રભાઈને અભિનંદન."

10મી ઑક્ટોબરના રોજ જામનગર ખાતેની પોતાની આશરે 30 મિનિટની સ્પીચમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો કહ્યા હતા.

ગુજરાતના બેટ દ્વારકા ટાપુ પરનાં કથિત ગેરકાયદેસર બાંધકામો દૂર કરી, અનેક ઘરો, દુકાનો, ગોડાઉન વગેરે તોડી પાડ્યાં બાદ વડા પ્રધાન મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે આ સમુદ્ર પટ્ટીને હવે રાજ્યમાં ઇકૉ ટૂરિઝમના મોટા ક્ષેત્ર તરીકે વિકાસ થવાનું છે.

line

"અમે ગરીબ છીએ પણ ભારતીય છીએ"

જખૌના માછીમાર યુવાન કાદર અમન
ઇમેજ કૅપ્શન, જખૌના માછીમાર યુવાન કાદર અમન

છેલ્લાં 40 વર્ષથી આ વિસ્તારમાં રહી માછીમારીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા કાદર અમને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે પણ આ દેશના નાગરિક છીએ, અમારાં ઘરો તોડીને સરકાર શું સાબિત કરવા માગે છે? અમે ગરીબ છીએ પણ ભારતીય છીએ."

જખૌ અને બેટ દ્વારકાના વિસ્તારમાં જે લોકોનાં મકાનો કે મિલકત તૂટી છે, તેમાંથી મોટા ભાગના લોકો મુસ્લિમ સમુદાયના હતા.

ઘણા લોકો તેમનાં તૂટેલાં ઘરો માટે ગુજરાતમાં મતોના ધ્રુવીકરણની રાજનીતિને જવાબદાર માને છે. જોકે, આ કામગીરી પાછળ સરકારનું બીજું જ વલણ છે.

line

'દરિયાઈ સુરક્ષા પણ એક મહત્ત્વનો મુદ્દો'

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, Twitter / @sanghaviharsh

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, "પાકિસ્તાનનું કરાચી ગુજરાતની દરિયાઈ સરહદથી માત્ર 57 નોટિકલ માઇલ્સ દૂર છે અને દરિયાઈ સુરક્ષા પણ એક મહત્ત્વનો મુદ્દો છે. સલાયા જેવા વિસ્તારોમાં ડ્રગ્સનું રૅકેટ પોલીસે પકડ્યું છે, તેથી અહીં સુરક્ષાના ઘણા મુદ્દા છે."

જખૌમાં થયેલી દબાણ હઠાવવાની કામગીરી વિશે કચ્છના પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકીએ કહ્યું હતું કે, "દરિયાઈ વિસ્તારની સુરક્ષાના કારણે જે વિસ્તારોમાંથી દબાણો હઠાવવામાં આવ્યાં છે, એ વિસ્તારના રહીશોને એક વર્ષ અગાઉથી નોટિસ આપ્યા છતાં તેમણે જગ્યા ખાલી ન કરતા, સરકારનાં વિવિધ ખાતાંઓએ મળીને આ જગ્યા ખાલી કરાવી છે."

જખૌ અને બેટ દ્વારકા ઉપરાંત પોરબંદરમાં પણ અમુક સ્થળે દબાણ હઠાવવાની કામગીરી ચાલી રહી છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "ભૂપેન્દ્રભાઈના લીડરશિપની વાત નીચે સુધી પહોંચી ગઈ હતી, માટે કોઇ પણ પ્રકારનો વિરોધ ન થયો અને બધાએ પોટલું બાંધીને કહી દીધું કે, 'કંઈ વાંધો નહીં તમારું છે, લઈ લો."

જોકે, નરેન્દ્ર મોદી જે કહી રહ્યા હતા તેનાથી જુદી જ પરિસ્થિતિ જખૌમાં જોવા મળી હતી. સરકારના આ નિર્ણયને લોકો એકતરફી અને તેમના પર અત્યાચાર કરનારો માની રહ્યા હતા, તેમજ ઘણા લોકો સરકારના આ નિર્ણયથી નારાજ જોવા મળ્યા હતા.

line

જખૌ બંદર પર રહેતા લોકોએ શું કહ્યું?

જખૌ બંદરે થઈ રહેલી દબાણ હટાવવાની કામગીરી

છેલ્લાં 40 વર્ષથી જખૌ બંદર પર રહેતા નુર ઘનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "અમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી. એક જ ઝાટકે અમારું સર્વસ્વ બરબાદ કરી દેવાયું છે."

નૂર ઘનીના ઘરની જગ્યાએ હાલ કાટમાળ પડેલો હતો અને તેઓ આ કાટમાળની પાસે બેસીને ઇબાદત કરતા જોવા મળ્યા હતા. તેમનું બે રૂમ-રસોડાનું મકાન હતું, જ્યાં તેઓ માછલીઓ લાવીને મૂકતા હતા.

જખૌ બંદરમાં રહેતા લગભગ બધા જ લોકો માછીમારીના વેપાર સાથે સંકળાયેલા છે. કોઈ દરિયામાં જઈ માછલી પકડી લાવે છે, તો બંદરમાં આવી ગયા બાદ કોઈ બરફ વેચે છે. કોઈ તેને પેકિંગ કરવાનું કામ કરે છે, તો કોઈ પોતાની ગાડીમાં તેને ટ્રાન્સપોર્ટ માટે લઈ જાય છે.

જખૌ બંદર સિવાયના અન્ય લોકો પણ સરકારના આ પગલાથી બેરોજગાર થયા છે.

મુસ્લિમ આગેવાન અને માઇનોરિટી કો-ઑર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહીદ નફીસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "એક સમય હતો, જ્યારે મુસ્લિમો અને ગરીબ હિન્દુઓની મિલકત તોફાનોમાં નાશ પામતી હતી. હવે આવા લોકોની મિલકતો તોડી પાડવા તોફાનોની જરૂર નથી, સરકારની નીતિઓ જ આ કામ કરી રહી છે."

ઘણા મુસ્લિમ આગેવાનો અનુસાર, "આ પગલું લીધા પછી સરકાર ધ્રુવીકરણની રાજનીતિને વધુ મજબૂત કરે છે.

line

જખૌ બંદરમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના લોકો રહે છે

જખૌ બંદરે થઈ રહેલી દબાણ હટાવવાની કામગીરીમાં માછીમારોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા

નેશનલ ફિશ વર્કસ ફોરમના સેક્રેટરી ઉસ્માન ગનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે, "આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના એવા લોકો રહે છે, જેઓ વર્ષોથી અહીં વેપાર કરીને ગુજરાન ચલાવે છે. તેઓ તેમના મૂળ વતનમાં પાછા જઈ શકતા નથી, કારણ કે ત્યાં તેમના માટે કોઈ રોજગારી નથી. સરકારે લીધેલા આ પગલાથી બેરોજગારી વધી છે અને મુસ્લિમ સમુદાયના લોકો બેઘર થયા છે."

નલિયાથી જખૌ બંદર તરફ જતા રસ્તા વચ્ચે અનેક મીઠાના ફાર્મથી (સોલ્ટ પેન) પસાર થયા બાદ જખૌ બંદરની વસાહત આવે છે.

દરિયાકિનારે વસેલી આ વસાહતની એક તરફ દરિયો અને બીજી બાજુ કોસ્ટ ગાર્ડનો મોટો કૅમ્પ છે. જખૌ બંદરમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના લોકો રહે છે.

45 વર્ષ પહેલાં વલસાડથી અહીં ધંધો કરવા માટે આવેલાં લક્ષ્મીબહેન ટંડેલે કહ્યું કે, "માછીમારીની સિઝન સપ્ટેમ્બર મહિના બાદ આવે છે, જે માર્ચ-એપ્રિલ સુધી ચાલુ હોય છે."

"અમારી સરકારને એ જ અરજ હતી કે, અમારાં મકાનો 4 મહિના બાદ તોડ્યાં હોત તો અમે આ સિઝનમાં થોડી કમાણી કરી શકતાં, પરંતુ સરકારે અમારા મકાનો તોડવા માટે આ જ સમય પસંદ કર્યો, જેનું અમને ઘણું દુ:ખ છે."

લક્ષ્મીબહેને જણાવ્યા અનુસાર, જખૌ વસાહતમાં આવીને વેપાર કરનારા લોકોમાં તેમનો પરિવાર પણ હતો અને તેમની સાથે હિન્દુ-મુસ્લિમ સમુદાયના બીજા અનેક લોકો અહીં આવીને ધંધો કરવા લાગ્યા હતા.

line

શું કહ્યું માછીમાર યુવાને?

માછીમાર યુવાન

દબાણો હઠાવવા માટે જખૌ જ કેમ? તે અંગે સાહીલ મુસા નામના એક માછીમાર યુવાને બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "અમે અહીંથી દરિયામાં જઈએ અને માછલી પકડી લાવીએ છે, કારણ કે આ વિસ્તારમાં માછલીઓનું પ્રમાણ વધુ સારું છે, માટે ધંધો અહીં જ થઈ શકે બીજે ક્યાંય નહીં. જો અમને જખૌ ન મળે તો અમારે માછીમારીનો વેપાર જ બંધ કરી દેવો પડશે."

આ તમામ ઘટનાક્રમ વિશે બીબીસી ગુજરાતીએ સૌરાષ્ટ્ર પ્રાંતના અમુક સિનિયર પત્રકારો સાથે વાત કરી હતી. તેમનું કહેવું હતું કે, "સરકારની આ ઍન્ટિ ઍન્ક્રોચમૅન્ટ ડ્રાઇવ ચૂંટણી સાથે જોડાયેલી છે."

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય આ અંગે કહે છે કે, "આ કામ આસપાસના હિન્દુ સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું હોય તેમ લાગે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, એ પહેલાંથી જ અહીં આ પ્રકારનાં દબાણો થઈ રહ્યાં છે, તો 2022ની ચૂંટણી પહેલાં જ આ કામ કેમ કરવામાં આવ્યું. તેનો સીધો સંબંધ આવનારી ચૂંટણી છે."

જામનગરના વરિષ્ઠ પત્રકાર પરેશ સારડા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "સરકારે લીધેલા આ પગલાં બાદ જે લોકો બેઘર અને બેરોજગાર થયા હતા, તેમાં 95 ટકા જેટલી વસ્તી મુસ્લિમ સમુદાયની છે. જો દરિયાઈ પટ્ટીની વાત કરીએ તો, હજુ એવા અનેક વિસ્તારો છે, જ્યાં હિન્દુ સમુદાયના લોકોએ દબાણ કર્યું હોય, પરંતુ તેમના પર હાલ કોઈ જ પગલાં લેવાયા નથી."

કૉંગ્રેસના ઉના વિધાનસભાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "ભાજપ દરેક કામ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરે છે. કેશુભાઈના સમયથી અહીં દબાણ હતું."

હું એવી વાત નથી કરી રહ્યો કે, દબાણ હટાવવાં ના જોઈએ. હું એટલું જ કહી રહ્યો છું કે, આ કામ ચૂંટણીને ધ્યાને રાખીને કરાઈ રહ્યું છે, જેથી આસપાસના હિન્દુ સમુદાયના વોટ તરફ ભાજપ નજર કરી શકે, કારણ કે તેમની પાસે હાલ હિન્દુત્વ સિવાય બીજો કોઈ મુદ્દો નથી."

વીડિયો કૅપ્શન, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન બાબતે છોટુ વસાવાએ શું સ્પષ્ટતા કરી?
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન