બેટ દ્વારકામાં મુસલમાનોનાં ગેરકાયદે દબાણ હટાવ્યાં, શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, Dinesh Vithlani
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાજકીય પક્ષોએ પ્રચાર આરંભી દીધો છે, વિપક્ષ વર્તમાન સરકારે વખોડે છે, તો ભાજપ વિકાસકાર્યોની વાત કરે છે, આ દરમિયાન હિંદુત્વનો મુદ્દો પણ કેન્દ્રમાં આવી ગયો છે.
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની મંદિરની મુલાકાત હોય કે ભાજપની ગુજરાત ગૌરવયાત્રા- ધાર્મિક સ્થળો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારનું કેન્દ્ર બની રહ્યાં છે. બુધવાર, 12 ઑક્ટોબરથી ભાજપે મંદિરોમાંથી શરૂ કરેલી ગુજરાત ગૌરવયાત્રા તેનું તાજું ઉદાહરણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબરે પૂર્ણ થયેલા રાજ્યના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન જામનગરની સભામાં ઉપસ્થિત હજારોની જનમેદની સમક્ષ પોતાના ભાષણમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સરકારી કામગીરી માટે ખાસ બિરદાવ્યા.
આ કામગીરી હતી પોરબંદર અને બેટ દ્વારકામાં સરકારના રેકૉર્ડમાં ન હોય તેવાં બાંધકામોને દૂર કરીને એ જમીનને ખાલી કરાવવાની. આ બન્ને સ્થળોએ જે બાંધકામ દૂર કરવામાં આવ્યાં છે, ત્યાં મોટા ભાગે મુસ્લિમ સમુદાયની દરગાહ અને મુસ્લિમો દ્વારા તેની આસપાસ ઊભી કરવામાં આવેલી દુકાનો હતી.
ગુજરાતમાં જુદાં-જુદાં ઠેકાણે સમયાંતરે સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી નિયમિત થતી રહે છે.
જોકે, અન્ય કામગીરીને બદલે વડા પ્રધાને બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરી અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યાં હતાં.
તેમણે પોતાના ભાષણમાં કહ્યું, "સમુદ્રની પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામો કરીને જે લોકોએ જમઘટ કરી'તી...ચૂપચાપ... સફાચટ... એટલી બધી જમીન અને બેટ દ્વારકાનું માન-સન્માન ફરી (પુનઃસ્થાપિત કર્યું)."
તેમણે કહ્યું કે "કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને આ ગમ્યું હશે, બધાં સંતોનાં નિવેદન મેં જોયાં. આ કામને જે રીતે વધાવ્યું એ જોઈને મને આનંદ થયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ભાજપની ગૌરવયાત્રા દરમિયાન બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી.

શું થયું હતું બેટ દ્વારકામાં?

ઇમેજ સ્રોત, Dinesh Vithlani
ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકામાં દૂર કરવામાં આવેલાં ગેરકાયદેસર દબાણોમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઊભાં કરાયેલાં વ્યાપારિક અને રહેણાક મકાનો હતાં.
આ કામગીરી વિશે માહિતી આપતા સ્થાનિક પત્રકાર દિનેશ વિઠલાણી કહે છે, "ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું કામ એક ઑક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા ત્રણ દિવસ બેટ દ્વારકામાં કલમ 144 લગાવીને તેનો અમલ કરાવવામાં આવ્યો હતો."
તેમણે દબાણ હટાવવાની કામગીરી બાબતે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું, "બેટ દ્વારકા એક ટાપુ છે અને ઓખાથી ત્યાં માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે."
નોંધપાત્ર બાબત એ છે કે જે સ્થળોએ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે ત્યારે ત્યાં વિરોધ, ઘર્ષણ અને હિંસા થાય છે, પરંતુ બેટ દ્વારકામાં હિંસાનો કોઈ બનાવ બન્યો નથી.
દિનેશ વિઠલાણીએ આપેલી વિગતો અનુસાર બેટ દ્વારકા ટાપુનો વિસ્તાર લગભગ 25-30 કિલોમિટરમાં ફેલાયેલો છે અને ત્યાં ત્રણ ગામ આવેલાં છે. હાલ બેટ દ્વારકામાં લગભગ 7,600 મુસ્લિમ અને 1350 જેટલાં હિંદુઓ રહે છે.

ઇમેજ સ્રોત, Dinesh Vithlani
આ બાંધકામ તોડી પાડવા વિશે દેવભૂમિ દ્વારકાના ડી.વાય.એસ.પી. સમીર સારડાએ બીબીસીને જણાવ્યું કે, "રેવન્યૂ વિભાગ અને પોલીસ વિભાગે સાથે મળીને સરવે કર્યો હતો અને તેના આધારે વ્યાપારિક અને રહેણાક, વણઓળખાયેલાં અને ગેરકાયદેસર બાંધકામો હતાં, તેમને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે."
"આ ઉપરાંત કેટલાંક ધાર્મિક દબાણો, જેને કૉમર્શિયલ ગણી શકાય અને જે સૂમસામ (એબન્ડેડ) જગ્યામાં હતાં તથા આપણી આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જોખમી હતાં તેને તોડી પાડવાની કાર્યવાહી કરી."
"આ કામગીરીમાં કોઈ હિંસા નહોતી થઈ, કારણ કે બાંધકામ તોડી પાડતી વખતે તેમને પોતાની વસ્તુઓ અને સામાન લઈ લેવાની પૂરતી તક આપવામાં આવી હતી. બાકી એમને પહેલાંથી જ નોટિસ આપી દેવામાં આવી હોવાથી તેમને જાણ હતી કે તેમનું બાંધકામ એ ગેરકાયદેસર દબાણ છે."

બેટ દ્વારકા કેમ ખાસ છે?
બેટ દ્વારકામાં ત્રણ ધર્મો માટેનાં ધાર્મિકસ્થળો છે. હિંદુઓની આસ્થાનું સ્થાન એવું શ્રીકૃષ્ણનું મંદિર દ્વારકામાં આવેલું છે, શીખ ધર્મમાં પંજ પ્યારેમાંથી એક એવા મોકમચંદ જે ગુરુનાનક સાથે મળીને મોકમસિંહ બન્યા તેમનું ગુરુદ્વારા છે અને મુસ્લિમ સંત હાજી કિરમાણીની દરગાહ અહીં આવેલી છે.
દિનેશ વિઠલાણી કહે છે ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધમાં બેટ દ્વારકાના રહીશો રૉકેટ અને બૉમ્બર વિમાનોથી બચવા આ દરગાહમાં છુપાયા હતા.

વિકાસની સાથે-સાથે હિન્દુત્વને પણ હવા?

ઇમેજ સ્રોત, @purneshmodi
બેટ દ્વારકામાં મુસ્લિમ સમાજના ગેરકાયદેસર દબાણો દૂર કરવાના સમાચાર ફેલાયા તેની સાથે જ સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારથી ચૂંટાયેલા ભાજપના નેતા અને ગુજરાત સરકારના પ્રવાસન અને દેવસ્થાન યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ આ ઘટના વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યાં હતાં. જોકે બાદમાં તેમણે આ ટ્વીટ ડિલીટ કર્યાં હતાં.
આ ટ્વીટમાં પૂર્ણેશ મોદી લખ્યું હતું કે, "બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લિમ પરિવારોના સંબંધ પાકિસ્તાન સાથે છે. મોટા ભાગના પરિવારોની દીકરીઓ પાકિસ્તાનમાં સાસરે છે. તથા પાકિસ્તાનના મુસ્લિમોની અનેક દીકરીઓનું સાસરું બેટ દ્વારકામાં છે."
બીજા ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, "2005ના સેટેલાઇટ મૅપમાં બેટ દ્વારિકાની અંદર માત્ર 6 દરગાહ દેખાય છે. જ્યારે વર્ષ 2022ના સેટેલાઇટ મૅપમાં અને સ્થળ ઉપર અંદાજે 78 દરગાહ, મજારો અને મસ્જિદો બની ગયેલી છે જે દરિયાકાંઠે ઊભી થઈ હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. આ ઍન્ટી નેશનલ ઍક્ટિવિટીનો મુખ્ય ભાગ છે."
તેમણે હિંદીમાં લખેલા ત્રીજા ટ્વીટમાં જણાવ્યું હતું કે, "બેટ દ્વારકા ઓખામંડળનું એક મોટું ધાર્મિક સ્થાન હતું, જેના મુખ્ય મંદિરનું સંચાલન વડોદરા સ્ટેટની દેખરેખમાં થતું હતું. બેટ દ્વારકાના સંચાલન અને રક્ષણ ગાયકવાડ સ્ટેટના વાઢેર ક્ષત્રિયોને સોંપવામાં આવ્યું હતું."
ચોથા ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, "ઓખાથી દ્વારકા બેટ જવા માટે ઉપયોગમાં લેવાતી 90 ટકા બોટ મુસ્લિમ સમુદાયની છે. જે લોકો હિંદુ તહેવારોના સમયે ચાર ગણું ભાડું વસૂલે છે, જેથી હિંદુ લોકો પૌરાણિકકાળથી સ્થિત મંદિરોના દર્શને ન જઈ શકે."
આ બધાં ટ્વીટ તેમણે પછી ડિલીટ કરી દીધાં હતાં.

ઇમેજ સ્રોત, Dinesh Vithlani
આ સરકારી કામગીરીને દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પણ બિરદાવી હતી.
તેમણે પત્રકારોને કહ્યું હતું કે, "બેટ દ્વારકામાં ખૂબ સારું કામ થયું છે. અમે તેનું સમર્થન કરીએ છીએ અને બેટ દ્વારકાની વાત નહીં પૂરા દેશમાં જ્યાં-જ્યાં જેણે પણ અતિક્રમણ કર્યું છે તે દૂર થવું જોઈએ."
આ ઘટના વિશે વાત કરતા વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે, "શબ્દો ચોર્યા વિના કહેવું હોય તો કહી શકાય કે ભાજપ આ પ્રકારની ઘટનાઓથી સૌરાષ્ટ્રમાં હિંદુ મતોના ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં હિંદુઓની મુસ્લિમવિરોધી માનસિકતા જોવા મળે છે, તે રીતે સૌરાષ્ટ્રમાં હિંદુઓનું મુસ્લિમવિરોધી વલણ ક્યારેય નથી રહ્યું, પહેલાં પણ નહોતું, આજે પણ નથી. એને કારણે હિંદુત્વ પણ મજબૂત નહોતું. એટલે ભાજપ આ વખતે કોઈ ચાન્સ લેવા નથી માગતો."
તેમણે વધુમાં કહ્યું, "વડા પ્રધાન દ્વારા બેટ દ્વારકાના ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે મુખ્ય મંત્રીનાં વખાણ કરવાં અને પોરબંદર, દીવમાં પણ દરગાહ દૂર કરવાની કામગીરી. એટલે કે સૌરાષ્ટ્રના સામાજિક પોતમાં જે હિંદુ-મુસ્લિમનો ભેદભાવ નથી, તેને આ વખતે હિંદુત્વના મુદ્દાથી વધુ તીવ્ર બનાવવાના પ્રયાસો છે. જેની અસર સૌરાષ્ટ્રમાં એ પડશે, અત્યાર સુધી સારું રહેલું સૌરાષ્ટ્રનું સામાજિક વાતાવરણ બગડશે."

બેટ દ્વારકામાં હવે શું થશે?

ઇમેજ સ્રોત, Dinesh Vithlani
સ્થાનિક પત્રકાર દિનેશ વિઠલાણીના જણાવ્યા અનુસાર, હાલ ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું બાંધકામ પૂર્ણ થવાને આરે છે. આ પુલ બંધાઈ ગયા બાદ ઓખાથી બોટને બદલે કોઈ વાહનથી બેટ દ્વારકાની અવરજવર કરી શકાશે. આથી સ્થાનિક બોટ ફેરી પરની નિર્ભરતામાં ઘટાડો થશે.
તેમણે કહ્યું, "આ બ્રિજનો શિલાન્યાસ થયા બાદ બેટ દ્વારકામાં જમીનના ભાવમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા જે એક એકર જમીનનો ભાવ 4 લાખ રૂપિયા હતો તે હવે એક કરોડ થઈ ગયો છે. હાલમાં પ્રવાસીઓ માટે બેટ દ્વારકામાં રાત્રે રોકાવાની માત્ર ઓછી જગ્યા છે. જેમાં સમાજની વાડી, ગેસ્ટ હાઉસ અને દરિયાકિનારા પરે એક ખાનગી કંપનીએ બનાવેલી ટેન્ટ સાઇટ વિકસાવી છે."
"આ સિવાય અન્ય કોઈ સુવિધા નથી. બ્રિજ બની ગયા પછી લોકો પોતાનાં વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે. બેટ દ્વારકાને એક પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવા માટે હવે ત્યાં પ્લોટિંગ પણ થશે અને ત્યાં હોટલ તથા અન્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













