ગુજરાત વિધાનસભા ચૂંટણી : 2014 પહેલાં મનમોહનસિંહને ઘેરનાર નરેન્દ્ર મોદી હાલ મોંઘવારી મુદ્દે કેમ કશું બોલતા નથી?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 અગાઉ મોંઘવારી મુદ્દે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહની યુપીએ સરકારને ઘેરી હતી
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

પેટ્રોલની કિંમત હાલ 100 રૂપિયે પહોંચી ગઈ છે. રાંધણ ગૅસના સિલન્ડરનો ભાવ એક હજાર રૂપિયાથી વધુ થઈ ગયો છે. સામાન્ય લોકો માટે મોંઘવારી ચિંતા, ચર્ચા અને કકળાટનો મુદ્દો બની ગઈ જ છે.

ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 અગાઉ મોંઘવારી મુદ્દે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહની યુપીએ (ધ યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારને ઘેરી હતી.

મનમોહનસિંહ સરકાર "મોંઘવારીને કાબૂમાં રાખવામાં નિષ્ફળ ગઈ છે" એનો અનેક સભાઓમાં ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. અત્યારે વર્ષ 2022માં મોંઘવારીએ માઝા મૂકી છે પણ વડા પ્રધાન મોદી એ વિશે કશું બોલતા નથી એ લોકો અને અર્થશાસ્ત્રીઓ માટે આશ્ચર્યચકિત કરનારી વાત છે.

અલબત્ત, દેશમાં મોંઘવારી પાછળ કેટલાંક વૈશ્વિક કારણ જવાબદાર છે, પરંતુ એના વિશે પણ વડા પ્રધાને બોલવું જોઈએ એમ અર્થશાસ્ત્રીઓ માને છે.

સવાલ એ છે કે મોંઘવારી આ વખતની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મુદ્દો છે કે નહીં? આ અંગે વધુ ઊંડાણપૂર્વક જાણવા બીબીસી ગુજરાતીએ કેટલાક જાણકારો સાથે વાત કરી હતી.

આર્થિક બાબતોના જાણકાર તેમજ અર્થશાસ્ત્રના પ્રોફેસર આત્મન શાહ કહે છે કે, "છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં મોંઘવારી કે બેરોજગારી કોઈ મુદ્દો રહ્યા નથી. તેના પર અવાસ્તવિક મુદ્દા છવાયેલા રહે છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષની ચૂંટણીઓ જોઈએ તો એમાં આર્થિક કરતાં બિનઆર્થિક મુદ્દા વધુ મહત્ત્વના રહ્યા છે."

"કહી શકાય કે મહત્ત્વના બનાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાન તરીકે મોંઘવારીના મુદ્દાને તેમજ તેની સામેની સરકારની કલ્યાણકારી યોજના વિશે સભાઓમાં વાત કરવી જોઈએ, પરંતુ તેઓ કરતા નથી. તેમને ખબર છે કે આના કરતાં બિનઆર્થિક મુદ્દા વધારે વોટ ખેંચી લાવે છે, પછી ભલે તે મહત્ત્વના ન હોય."

આત્મન શાહ વધુમાં જણાવે છે કે, "બીજી બાબત એ છે કે શાસક પક્ષને એવું લાગે કે આર્થિક પરિબળોની ચર્ચા કરશું તો વોટમાં ઓટ આવી શકે એમ છે. તો પછી શા માટે એ એનો ઉલ્લેખ પણ કરે? જો મોંઘવારી ચૂંટણીમાં મુદ્દો જ ન બની શકતી હોય તો એનો ભાજપને સીધો ફાયદો થાય જ છે."

જોકે, ભાજપને લાગે છે કે મુદ્દો તો વિકાસ જ છે. લોકોને ભાજપ સરકારનાં વિકાસકાર્યો પસંદ પડ્યાં છે.

ભાજપના આર્થિક સેલના સંયોજક માધવ દવે કહે છે કે, "ભાજપે જે વિકાસકાર્યો કર્યાં છે તેની સામે આ વખતની ચૂંટણીમાં મોંઘવારી મહત્ત્વનો મુદ્દો નહીં રહે."

ઉલ્લેખનીય છે કે 2014 લોકસભા ચૂંટણી વખતે ભાજપનું સૂત્ર હતું, "બહોત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર."

તે વખતે રૂપિયો ડૉલરની સરખામણીએ 60 રૂપિયાની સપાટીએ હતો. આજે 82 રૂપિયાને ટપી ગયો છે. જે રીતે રાંધણ ગૅસ કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે એનું નુકસાન ચૂંટણીમાં ભાજપને ન થઈ શકે?

આના જવાબમાં માધવભાઈ કહે છે કે, "ના ન થઈ શકે. ગુજરાતમાં ભાજપના શાસનમાં જે વિકાસકાર્યો થયાં છે એના લોકો સાક્ષી છે. મતદાન વખતે લોકો એ કાર્યોને જ યાદ રાખશે."

વડા પ્રધાનના સભામાં મોંઘવારીના ઉલ્લખે મામલે માધવભાઈ કહે છે કે, "વિવિધ પગલાં વિશે અમે વાત કરીએ જ છીએ. જ્યાં પણ કાર્યક્રમો હોય ત્યાં અમારા આગેવાનો વિગતે વાત કરે જ છે. હું એટલું જ કહીશ કે લોકો વિકાસને યાદ રાખશે."

તો દિલ્હીસ્થિત આર્થિક વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહા ઠાકુર્તાએ બીબીસી ગુજરાતીને આ મુદ્દે જણાવ્યું હતું કે, "ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે એનાં ઘણાં કારણ છે અને એમાં ભારત સરકારનો હાથ નથી."

મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે યુપીએ સરકારને મોંઘવારીના મુદ્દે સતત અડફેટે લીધી હતી અને આજે મોંઘવારી મોં ફાડીને બેઠી છે ત્યારે તેઓ ચૂપ છે. તેઓ એવું પણ કહી શકે એમ છે કે ક્રૂડ ઑઇલની કિંમતને વિદેશી અસરોના લીધે મોંઘવારી વધી છે."

લાઇન

વડા પ્રધાન મોદી ચૂંટણીસભાઓમાં કેમ મોંઘવારી મુદ્દે વાત નથી કરતા?

  • ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, વડા પ્રધાન મોદીની રાજ્યની મુલાકાતો વધી હોવા છતાં પણ તેઓ મોંઘવારી મુદ્દે ચર્ચા નથી કરતા
  • યુપીએની સરકાર સમયે મોંઘવારીને લઈને સતત શાબ્દિક પ્રહાર કરનારા મોદી મોંઘવારી મુદ્દે સરકારે કરેલાં કામો અંગે ચૂપ છે
  • નિષ્ણાતોના મતે મોંઘવારીનો મુદ્દો ભાજપની મતબૅંકને અસર કરી શકે છે
  • નિષ્ણાતોના મત મુજબ કેન્દ્ર સરકારે મોંઘવારી ઘટાડવા માટે કેટલાક પ્રાથમિક સુધારા કરવાની જરૂર છે
  • જોકે, કેટલાક નિષ્ણાતો મોંઘવારી મુદ્દે ચર્ચા ન થતી હોવા બાબતે નારાજગી વ્યક્ત કરવા છતાં સરકારે આ દિશામાં લીધેલાં પગલાંની નોંધ લે છે
લાઇન

2014 પહેલાં નરેન્દ્ર મોદીએ મોંઘવારી મુદ્દે શું કહ્યું હતું?

2014ની લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ પર મોંઘવારી મુદ્દે સતત પ્રહાર કરતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2014ની લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ પર મોંઘવારી મુદ્દે સતત પ્રહાર કરતા હતા

મનમોહનસિંહની સરકાર વખતે રૂપિયો જ્યારે ડૉલરની સરખામણીમાં 60 રૂપિયાની સપાટી પર હતો ત્યારે ભાજપે તેની ટીકા કરી હતી. નરેન્દ્ર મોદીએ સભાઓમાં કહ્યું હતું કે, "અન્ય કોઈ દેશનું ચલણ ગગડતું નથી, કેમ ભારતનો જ રૂપિયો ગગડી રહ્યો છે?"

મે, 2013થી સપ્ટેમ્બર સુધી રૂપિયાના મૂલ્યમાં 17 ટકા ઘટાડો હતો ત્યારે જુલાઈ 2013માં મોદીએ કહ્યું હતું કે, "ગગડી રહેલો રૂપિયો મનમોહનસિંહની ઉંમર સાથે હોડ લગાવી રહ્યો છે."

વર્ષ 2012માં જ્યારે પેટ્રોલના દરમાં આઠ રૂપિયાનો વધારો થયો ત્યારે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "કૉંગ્રેસ સંચાલિત સરકારની અસફળતાનું આ પ્રાઇમ ઉદાહરણ છે."

19 જૂન, 2012ના રોજ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આ લોકોના જ કાર્યકાળમાં મોંઘવારી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? એક તરફ જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ) ઘટી રહી છે અને બીજી તરફ મોંઘવારીનું વધવું. વડા પ્રધાન દર ત્રણ-ચાર મહિને એવું કહેતા હતા કે ફલાણી તારીખ પછી મોંઘવારી ઘટશે. બજેટ પછી, દિવાળી પછી મોંઘવારી ઘટશે. દર ત્રણ મહિને તેઓ આવું કરતા હતા. હવે છેલ્લા એક વર્ષથી તેમણે મોંઘવારી વિશે બોલવાનું ઓછું કરી દીધું છે. તેમણે વાયદો કર્યો હતો કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરશું. તમે મોંધવારી ઓછી ન કરી શકો તો કાંઈ નહીં, કમસે કમ અટલ બિહારી વાજપેયી જ્યાં છોડીને ગયા હતા ત્યાં તો લાવીને મૂકી દો. તો પણ ગરીબના ઘરમાં ચૂલો સળગશે."

હવે મુદ્દો એ છે કે મનમોહનસિંહ જ્યાં છોડીને ગયા હતા ત્યાં પણ અર્થતંત્રની ગાડી મોદી પહોંચાડી શક્યા નથી.

line

મોંઘવારી કઈ રીતે નક્કી થાય છે અને તમને કઈ રીતે અસર કરે છે?

મોંઘવારી

1 જાન્યુ 2014ના રોજ સબસિડાઇઝ્ડ રાંધણ ગૅસના બાટલાનો ભાવ દિલ્હીમાં 414 રૂપિયા હતો.

હવે તેનો ભાવ હવે એક હજાર રૂપિયાને આંબી ગયો છે. કોરોનાને કારણે જુલાઈ 2021થી સબસિડીનો લાભ મળવાનો પણ બંધ થયો છે.

પરંજોય ગુહા ઠાકુર્તા કહે છે કે, "ભારત સરકારના આંકડા કહે છે કે આપણી જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એ 15 મહિનાથી સતત દસ ટકાથી ઉપર છે. આવું ભારતના ઇતિહાસમાં ક્યારેય નથી થયું અને સરકાર એના વિશે મૌન છે. આ સરકાર હિંદુ-મુસલમાન, મંદિર-મસ્જિદ અને ભારત-પાકિસ્તાન કરે છે. મોંઘવારી અને બેરોજગારી એ સૌથી પાયાનો મુદ્દો છે એના પર વાત કરતા જ નથી એ ખૂબ દુઃખની બાબત છે."

લાઇન

ભારતમાં મોંઘવારી નક્કી કરવાના બે માપદંડ છે

લાઇન
  • કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)
  • હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં જથ્થાબંધ કિંમતને આધારે ગણતરી થાય છે
  • મોંઘવારીની ગણતરી માત્ર ગૂડ્સ(વસ્તુ) પર જ ગણતરી થાય છે, સર્વિસ(સેવા) પર નહીં. મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના તાબાની ઑફિસ ઓફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરની દ્વારા તેની ગણતરી થાય છે
  • એમાં 697 વસ્તુની ગણતરી થાય છે. આ એવી વસ્તુઓ છે જે દેશમાં દરેક ઠેકાણે સામાન્ય રીતે જોવા મળે છે, જેમકે, ચોખા, ઘઉં, સ્માર્ટ ફોન, વગેરે
  • માંનું અંદાજે 75 ટકા ઉત્પાદન(મૅન્યુફૅક્ચરિંગ) ક્ષેત્રનું છે. તેથી ઉદ્યોગોમાં ફુગાવો જોવા માટે આ મહત્ત્વની ચીજ છે. આમાંની કોઈ વસ્તુના ભાવ ઉપરનીચે થાય તો ડબલ્યુપીઆઈના મોંઘવારીદરમાં ફેરફાર નોંધાય છે
  • આનો આધાર એટલે કે રેફરન્સ વર્ષ 2011-12 છે. આજના ભાવને એની સાપેક્ષે સરખાવાય છે.કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એ છૂટક કિંમતને આધારે નક્કી થાય છે
  • જેમાં ગૂડ્સ અને સર્વિસ બંનેના ભાવની ગણતરી થાય છે. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના તાબાની સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઑફિસ આ માપદંડ હેઠળ મોંઘવારીદર નોંધે છે
  • એમાં 200 વસ્તુની ગણતરી થાય છે. જેમાંની 45 ટકાથી વધારે વસ્તુઓ ખાધાખોરાકી સંબંધી છે. તેથી ફૂડ પ્રાઇસ વધે તો સીપીઆઈ પર અસર દેખાય છે. 2012 એનું રેફરન્સ વર્ષ છે. સીપીઆઈ-સી એટલે કે કમ્બાઇન્ડ કહે છે
  • જે ગામડાં અને શહેરમાં સંયુક્ત મોંઘવારીનું આકલન કરે છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જે રેપો રેટ જાહેર કરે છે તે આના આધારે જ કરે છે

સામાન્ય જનતાને આ મોંઘવારીદર સીધો અસર કરે છે. ફૉર્બ્સ ઍડ્વાઇઝર ઇન્ડિયાના એક લેખમાં દીપેન પ્રધાન નોંધે છે કે, "જૂન 2018માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ - 5.77% અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ - 5% હતો. જૂન 2022માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ - 15.18% અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ - 7.01% થયો હતો.

line

અગાઉની સરકારે મોંઘવારી ઘટાડવા પગલાં લીધાં હતાં તે હાલની સરકારે લેવાં જોઈએ કે નહીં?

ભારતમાં જે મોંઘવારી છે એના નિરાકરણ માટે સરકારની પણ કેટલીક મર્યાદા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં જે મોંઘવારી છે એના નિરાકરણ માટે સરકારની પણ કેટલીક મર્યાદા છે

ભારતમાં જે મોંઘવારી છે એના નિરાકરણ માટે સરકારની પણ કેટલીક મર્યાદા છે. દુનિયાના ઘણા દેશોમાં મંદીની સ્થિતિ છે.

ભારતમાં પણ બજારમાં એક તરફ મંદીના અણસાર છે અને બીજી તરફ ફુગાવો. મોંઘવારીની આ સ્થિતિ પણ મંદીના સંકેત આપે છે, એવું અમદાવાદના અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરાંગ યાજ્ઞિક કહે છે.

અર્થશાસ્ત્ર મુદ્દે લખનાર પત્રકાર દીપેન પ્રધાન ફૉર્બ્સ ઍડ્વાઇઝર ઇન્ડિયાના લેખમાં લખે છે કે, "અગાઉની સરકારોએ મોંઘવારીમાં રાહત માટે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. કાચા માલ અને ક્રૂડ, ખાદ્યતેલોમાં ઇમ્પૉર્ટ ડ્યૂટી ઘટાડી હતી. બીજી તરફ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ મોંઘવારીને ઘટાડવા માટે રેપોરેટ ઘટાડ્યો હતો."

જોકે, આની સામે અમદાવાદમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરાંગ યાજ્ઞિકનો તર્ક એવો છે કે, "હા એવું કરી શકાય, એ પણ જોવું પડે કે આવાં પગલાં ગ્રાહકો સુધી પહોંચ્યાં? સરકારે સબસિડી કે કન્સેશન આપ્યું તે કસ્ટમર સુધી ટ્રાન્સફર થયું? એ ન થાય ત્યાં સુધી પગલાંની અસર ખૂબ ધીમી ગતિએ થાય છે."

line

મોંઘવારી કઈ રીતે તમારા ઘરની જરૂરિયાતો પર અસર કરે છે એ સાદી ભાષામાં સમજીએ.

  • બે શબ્દો છે ખરીદશક્તિ અને ખરીદક્ષમતા
  • તમારી પાસે દસ રૂપિયા હોય તો એ તમારી ખરીદક્ષમતા થઈ કહેવાય
  • તમે એ દસ રૂપિયાથી કેટલું ખરીદી શકો છો એ ખરીદશક્તિ થઈ
  • કિંમત બે રૂપિયા હોય ત્યારે તમે દસ રૂપિયામાં પાંચ એકમ ખરીદી શકો
  • કિંમત જ્યારે પાંચ રૂપિયા હોય ત્યારે તમે બે જ એકમ ખરીદી શકો
  • તમારી ખરીદક્ષમતા તો દસ રૂપિયાની જ છે. પણ તમારી ખરીદશક્તિ ઘટી ગઈ
  • ખરીદશક્તિ ક્યારેય રૂપિયામાં રજૂ ન થાય, એ ગૂડ્સ કે સર્વિસમાં એટલે કે વસ્તુ કે સેવામાં જ રજૂ થાય

મોંઘવારી વધે ત્યારે ખરીદશક્તિ પણ ઘટે છે. આવા સંજોગોમાં વ્યક્તિ કઈ કઈ બાબતો પર કાપ મૂકતી હોય છે?

આ સવાલના જવાબમાં ગૌરાંગ યાજ્ઞિક કહે છે કે, "ત્રણ પ્રકારની જરૂરિયાત હોય છે. પ્રથમ - રોટી, કપડાં અને મકાન. બીજી જરૂરિયાત રિવાજી એટલે કે કસ્ટમરી જરૂરિયાત હોય છે. જેમ કે, મારા ઘરે સાંજે દૂધ પીવાય જ છે. ત્રીજી મોજશોખની જરૂરિયાત હોય છે. જ્યારે પણ આર્થિક ખેંચ પડે એટલે પહેલો કાપ મોજશોખ પર મુકાય છે. પછી રિવાજી જરૂરિયાત પર અને પછી પ્રાથમિક જરૂરિયાતો પર કાપ ખૂબ મોડેથી મુકાય છે."

હાલની મોંઘવારી રિવાજી જરૂરિયાતો પર કાપ સુધી પહોંચી ગઈ છે?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, "હા, થોડી ઘણી તો પહોંચી જ ગઈ છે. માગની ઘટ પડી રહી છે જે દર્શાવે છે કે મંદીજન્ય ફુગાવો છે. આની સામે લડવા માટે નાણાકીય નીતિ સંકોચવી પડે. મંદી હોય ત્યારે લોકોને ખરિદશક્તી આપવી પડે. જેથી માર્કેટ ઊંચું જાય. આ પ્રકારના ફુગાવા સામે લડવું કોઈ પણ સરકાર માટે કપરું છે."

પહેલાંથી જ ફુગાવો છે એવા સંજોગોમાં સરકારે છૂટક દૂધ, દહીં વગેરે ચીજો પર જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) ન લગાવવો જોઈએ એવો જનતાનો જ નહીં જાણકારોનો પણ મત છે.

ગૌરાંગ યાજ્ઞિક કહે છે કે, "સરકારે શક્ય હોય ત્યાં સુધી એવું ન કરવું જોઈએ. સરકારે બે બાજુથી કામ કરવું પડે. મંદીને ઘટાડવાના પ્રયત્ન કરવા જોઈએ અને લોકોની ખરીદશક્તિ વધે તેવા પ્રયત્ન કરવા જોઈએ. બીજી બાજુ ફુગાવાને અસર કરતાં પરિબળોને પણ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવો જોઈએ."

line

જ્યારે સુષમા સ્વરાજે સંસદમાં ઘઉંના લોટ અને ચોખાના ભાવ રજૂ કર્યા હતા

ભાજપનાં એક સમયનાં દિગ્ગજ નેતા દિવંગત સુષમા સ્વરાજે ધ્યાન ખેંચે તેવા મુદ્દા સાથે વર્ષ 2011માં સંસદમાં રજૂઆત કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપનાં એક સમયનાં દિગ્ગજ નેતા દિવંગત સુષમા સ્વરાજે ધ્યાન ખેંચે તેવા મુદ્દા સાથે વર્ષ 2011માં સંસદમાં રજૂઆત કરી હતી

2014 અગાઉ નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય ભાજપના નેતાઓએ પણ મનમોહનસિંહની યુપીએ સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી છે.

ભાજપનાં એક સમયનાં દિગ્ગજ નેતા દિવંગત સુષમા સ્વરાજે વર્ષ 2011માં સંસદમાં નાણામંત્રી પ્રણવ મુખરજીને કહ્યું હતું કે, "એક સમય હતો જ્યારે ગરીબ લોટમાં મીઠું નાખીને રોટલી બનાવીને એના પર ડુંગળી અને મરચું મૂકીને ખાઈ લેતો હતો. ભરપેટ જમતો હતો. બંને સમયે તેને આ ભોજન મળી રહેતું હતું. તમારા આ રાજમાં તો તેની રોટી, મરચું અને ડુંગળી પણ છિનવાઈ ગયાં છે."

એ વખતે સુષમા સ્વરાજે પોતાની સાથે મીઠું, લોટ અને ડુંગળીનું ભાવપત્રક લઈને આવ્યાં હતાં, જે ડિસેમ્બર 2011નું તેમનું બિલ હતું.

સુષ્મા સ્વરાજ ઉપરાંત, સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વિટર પર યુપીએ સરકારની ભારે ટીકા કરી હતી.

2011માં પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું હતું કે, "આમ આદમીની યુપીએ સરકાર ખાસ તેલ કંપનીઓ માટે કામ કરે છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

મોંઘવારી ડામવા સરકારે શું કર્યું અને શું કરી શકે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

મોંઘવારીનો માર મધ્યમવર્ગથી લઈને ગરીબવર્ગને સૌથી વધારે પડે છે. ખાસ કરીને જે લોકો રોજનું કમાઈને રોજ ખાનારા છે તેમના માટે મોંઘવારી એક નવો પડકાર થઈ પડે છે.

કોરોના મહામારીના લૉકડાઉન વખતથી જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવાની સરકારની જે યોજના છે તે સપ્ટેમ્બર 2022 સુધી ચાલવાની છે.

મોંઘવારીમાં જનતાને રાહત મળે એ માટે સરકારે માર્ચ મહિનાથી ઘઉંની નિકાસ અટકાવી દીધી હતી.

પરંજોય ગુહા ઠાકુર્તા કહે છે કે, "દેશમાં 140 કરોડ લોકો છે, જેમાંથી 80 કરોડ લોકોને તમે મફતમાં અનાજ આપ્યું એ જ દર્શાવે છે કે વાસ્તવિકતા શું છે અને વિકાસ કેટલો થયો છે. મોંઘવારી સામે સરકારે અનાજના જમાખોરો, વચેટિયા છે એના પર અંકુશ લગાવીને અનાજના ભાવ ઓછા કરાવવા જોઈએ જે કરાવી શકી નથી."

તો ગૌરાંગ યાજ્ઞિક કહે છે કે, "આ મંદીજન્ય ફુગાવા પાછળ કોરોનાને લીધે ધંધા-ઉદ્યોગને જે અસર પડી એ જવાબદાર છે. દરમિયાન કરોડો લોકોને સરકારે મફતમાં અનાજ આપ્યું અને આપી રહી છે એ નોંધપાત્ર પગલું છે.

તેઓ વધુમાં કહે છે કે, "સરકાર કરમાં રાહત આપી શકે. પ્રત્યક્ષ કે પરોક્ષ, ઇન્કમ ટૅક્સ, જીએસટીથી લઈને એક્સાઇઝ સુધીના કોઈ પણ ટૅક્સમાં રાહત આપી શકે. મોંઘવારી ભથ્થાં જાહેર કરી શકે. બહુ મંદી લાગે તો ઉદ્યોગો માટે સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરી શકે. સરકારે અસંગઠિત ક્ષેત્રોને મદદ કરવી પડે. લઘુ તેમજ મધ્યમ એટે કે એમએસએમઈ(માઇક્રો, સ્મૉલ ઍન્ડ મિડિયમ ઍન્ટરપ્રાઇઝિસ) ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાં પડે. ફુગાવાની અસર તેમને બહુ થાય છે."

ગરીબ અત્યારે ચારે તરફથી પીસાઈ રહ્યો છો ત્યારે સરકારે પૈસાદાર લોકો અને કંપનીઓ પાસેથી નાણાં ટૅક્સરૂપે મેળવવાં જોઈએ એવો પણ એક મત છે.

અર્થશાસ્ત્રી, પ્રોફેસર તેમજ 'મેઇનસ્ટ્રીમિંગ અનપેઇડ વર્ક', 'અનપેઇડ વર્ક ઍન્ડ ધ ઇકૉનૉમી - જેન્ડર', 'ટાઇમ યૂઝ ઍન્ડ પોવર્ટી ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ' જેવાં પુસ્તકોનાં લેખક ઇંદિરા હીરવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

તેઓ કહે છે, "સરકાર અનાજના ભાવ નિયંત્રણમાં લાવવા માટે પુષ્કળ પુરવઠો બજારમાં લાવી શકે. જીએસટી વધારવાને બદલે પૈસાદાર લોકો કે કૉર્પોરેટ કંપનીઓ પર વેલ્થ ટૅક્સ કે કૉર્પોરેટ ટૅક્સ વધારી શકે. દેશમાં મોંઘવારીનું પાણી ગળા સુધી આવી ગયું હોય તો સમાજના આ વર્ગ પાસેથી પૈસા સરકારે વધારે લેવા જોઈએ. સરકારે ખેતીમાં રોકાણ કરવું જોઈએ. સરકાર રોજગાર ગૅરંટીના કાર્યક્રમ કરી શકે. આ કાર્યક્રમો ખર્ચાળ છે, પણ સરકારે કરવા જોઈએ."

ઉલ્લેખનીય છે કે લોકસભામાં મોંઘવારી વિશેની ચર્ચાનો જવાબ આપતાં એક ઑગસ્ટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "તમામ મુસીબતો વચ્ચે દેશમાં મોંઘવારીદર સાત ટકાથી નીચે રાખવામાં સરકાર સફળ રહી છે. આયાત સસ્તી કરવા માટે પગલાં લેવાયાં છે. જનતાને સસ્તું ખાદ્યતેલ મળે તે માટે ક્રૂડ પામ તેલ, સૂર્યમુખી અને સોયાબીન તેલની આયાત કિંમતોમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

માર્ચ 2020માં જ્યારે કોરોના મહામારીએ માથું ઊંચક્યું ત્યારે એ જ વર્ષે 29 માર્ચના રોજ વડા પ્રધાને પીએમ કૅર ફંડની સ્થાપનાની જાહેરાત કરી હતી.

ફેબ્રુઆરી 2022માં પીએમ કૅર ફંડની અધિકૃત વેબસાઇટમાં જણાવેલી વિગત અનુસાર બે વર્ષમાં કુલ 10,990 કરોડ રૂપિયા જમા થયા હતા, જેમાંથી માર્ચ 2021 સુધી 3,976 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

જો ભંડોળ હજી ઉપલબ્ધ હોય તો શું મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે ભંડોળનો ઉપયોગ કરી શકાય?

ઇંદિરા હીરવે કહે છે કે, "ચોક્કસ એ ફંડનો ઉપયોગ કરી શકાય. લોકોએ પૈસા આપ્યા હોય, પબ્લિક સૅક્ટરના નોકરિયાતોએ પૈસા આપ્યા હોય ત્યારે તેમનો અધિકાર છે કે આ પૈસાનું શું થઈ રહ્યું છે એની તેમને ખબર પડે. પરંતુ એ નાણાં વિશે કોઈ ખુલાસો જ નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન