કચ્છ : બુલડોઝર જખૌ બંદરે પણ પહોંચ્યું, 'અમે તડકે બેસી, ભૂખ્યાં તરસ્યાં રહી મકાન બનાવ્યાં હતાં, હવે અમે ક્યાં જઈએ?'

ઇમેજ સ્રોત, Prashant Gupta

- કચ્છમાં જખૌ ખાતે ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી
- કચ્છ પ્રશાસનનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામ અંગે પહેલાં નોટિસ આપવામાં આવી હતી.

ગુજરાતના દરિયા કિનારા પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સરકારની કામગીરી હવે કચ્છના જખૌ બંદરે પહોંચી છે. રાજ્ય સરકારે કચ્છના અબડાસા તાલુકાના જખૌ બંદરે આવેલા 300થી વધુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની 13 ઑક્ટોબરના રોજ શરૂ કરી હતી.
આ પહેલાં પોરબંદર અને બેટ દ્વારકામાં પણ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જખૌમાં કામગીરીના પહેલા દિવસે 160થી વધુ બાંધકામોને તોડી નાખવામાં આવ્યાં હતાં. માછીમારી સાથે સંકળાયેલા લોકો આ ગેરકાયદેસર બાંધકામોમાં રહેતા હોવાથી આ કામગીરી બાદ સેંકડો મહિલાઓ અને બાળકો રસ્તા પર આવી ગયાં છે. તેઓ વૈકલ્પિક આશરાની માગણી કરી રહ્યાં છે.

શું કહે છે સ્થાનિક વહીવટીતંત્ર?

ઇમેજ સ્રોત, Prashant Gupta
પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકીએ જણાવ્યું હતું કે, "જખૌ બંદરની આસપાસ દરિયાઈ વિસ્તારમાં જેમણે ગેરકાયદેસર દબાણ કર્યાં હતાં, તેમને દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે ત્યાં રહેતા 304 વ્યક્તિઓને છેલ્લાં એક વર્ષથી નોટિસ આપવામાં આવી હતી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "નોટિસ આપ્યા બાદ પણ તેમના દ્વારા દબાણ ખાલી નહીં કરાતા, દબાણ ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તાલુકા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, મત્સ્યોદ્યોગ વિભાગ અને રેવન્યૂ વિભાગે સંયુક્તપણે કામગીરી હાથ ધરી અને દબાણ દૂર કરવાનું ચાલુ કર્યું છે."
સોલંકીના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે 304માંથી લગભગ 40 ટકા એટલે કે 140 જેટલાં દબાણોને દૂર કરવામાં આવ્યાં છે અને આગામી દિવસોમાં "100 ટકા દબાણો દૂર કરી દેવામાં આવશે."

મહિલાઓેએ રસ્તા પર આશરો લીધો

ઇમેજ સ્રોત, Prashant Gupta
પોતાના વતન વલસાડથી સ્થળાંતર કરીને જખૌમાં માછીમારીનો વ્યવસાય કરતાં વૈશાલી માંગેલાનું મકાન દબાણમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "અમે ગઈકાલથી કંઈ ખાધું પણ નથી. અમે બધા રોડ પર આવી ગયા છીએ. સરકારએ અમને કંઈ પૂછ્યું પણ નથી. ખાવાનું કે પાણીનું પણ નથી પૂછ્યું. જખૌ ગામના સરપંચ આવીને અમને ખાવા-પીવાનું પૂછ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું કે, "નિલોફર વાવાઝોડું આવ્યું ત્યારે સરકારે અમને યોગ્ય જગ્યાએ પહોંચી જવાની રહેવા ખાવાની વ્યવસ્થા કરી હતી. એ વાવાઝોડા કરતાં આ સ્થિતિ ખરાબ છે, તો સરકારે અમારા માટે કંઈક કરવું જોઈએ. અમે ત્રણથી ચાર હજાર બહેનો અમારાં બાળકો સાથે રસ્તા પર આવી ગયાં છીએ. અમે ક્યાં જઈશું. દરિયો છે એ અમારો બાપ છે. આજે બધાની રોજીરોટી છીનવાઈ ગઈ છે, જેના પર બધાનું ઘર ચાલે છે."

ઇમેજ સ્રોત, Prashant Gupta
અન્ય એક મહિલાએ જણાવ્યું કે, "અમે આખો દિવસ પચાસ-સો રૂપિયાની દાડી કરીને, તડકે બેસીને, ભૂખ્યાં, તરસ્યાં રહીને મહેનત કરીને આ મકાન બનાવ્યાં હતાં. હવે અમારાં મકાનો પાડી નાખ્યાં, અમે ક્યાં જઈએ?"
તેમણે કહ્યું, "અમને કોઈ ઝૂંપડાં (આશરા માટે) કરી આપવાનું પણ નથી પૂછ્યું. કેટલાક લોકોને નોટિસો આવી હતી, કેટલાકને નહોતી આવી. અમને એમ હતું કે થોડાં ઘરોને દૂર કરીને બીજાં ઘરોને રાખશે, તો અમે એમા રહીશું. અમે અહીં ત્રીસ-ચાલીસ વર્ષથી રહીએ છીએ."
જોકે વહીવટીતંત્રનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામ અંગે અગાઉ જ
અગાઉ પોરબંદર અને બેટ દ્વારકામાં પણ ગેરકાયદેસરક દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદરના અણિયારી ગામે ગેરકાયદેસર દબાણની સાથે-સાથે દરગાહ તોડી પાડવામાં આવતા પોરબંદર શહેરમાં ત્રણ ઑક્ટોબરે મુસ્લિમ સમુદાયના એક ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પોલીસે 125 લોકોની સામે નામજોગ અને એક હજાર લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. વહીવટીતંત્રનું કહેવું હતું કે ગેરકાયદેસર દબાણ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી.
આ જ કામગીરી એક ઑક્ટોબરથી બેટ દ્વારકામાં શરૂ કરવામાં આવી હતી. બેટ દ્વારકામાં પણ દબાણ હટાવવાનું કામ કરવામાં આવ્યું હતું. બેટ દ્વારકામાં દબાણ હટાવવા સામે હિંસાનો કોઈ બનાવ બન્યો નહોતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













