ગુજરાત વિધાનસભા ચૂંટણી : નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાતપ્રવાસનાં ભાષણોમાં વિકાસ ઉપરાંત કયા મુદ્દે વાત કરી?

મહેસાણામાં મોઢેશ્વરી માતાના મંદિરે વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Ani

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
લાઇન
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિવિધ જગ્યાએ સભા સંબોધી હતી અને વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું
  • નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ભાજપ સરકારે કરેલી કામગીરી અને ભૂતકાળની સરકારોની કામગીરીની તુલના કરી હતી
  • આમોદની સભામાં કહ્યું કે નર્મદા ડૅમનો વિરોધ કરતા અર્બન નક્સલો રૂપ બદલીને આવી ગયા છે
લાઇન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બપોરે મોઢેરાથી શરૂ કરેલા ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસનું સમાપન અમદાવાદમાં કિડની હૉસ્પિટલની નવી સુવિધાઓના લોકાર્પણથી થયું.

આ દરમિયાન વડા પ્રધાને મોઢેરા, આમોદ, આણંદ, જામનગર, જામકંડોરણા અને અમદાવાદની મેડીસિટીમાં જે પણ સભાઓમાં સંબોધન કર્યું તેમાં નોંધપાત્ર રીતે તેમના મુખ્ય મંત્રી કાર્યકાળ અને તેમના પછીની ભારતીય જનતા પક્ષની સરકારો દ્વારા ગુજરાતના દરેક વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે છેલ્લાં 20 વર્ષમાં થયેલાં વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

જોકે, આ દરેક સભામાં તેમણે આગામી ચૂંટણીમાં વિકાસકાર્યોની સાથે સાથે ભાજપને મત મેળવવામાં મદદરૂપ બને એવાં સૂચક નિવેદનો પણ કર્યાં.

આ નિવેદનોમાં વડા પ્રધાન મોદીએ ગુજરાતના રાજકારણમાં વિકાસના મુદ્દા સિવાય પણ જ્ઞાતિવાદ, કોઈ પાર્ટીનું નામ લીધા વિના અર્બન નક્સલ, બેટ દ્વારકાથી પોરબંદરની દરિયાઈ પટ્ટી પર તોડી પાડવામાં આવેલી દરગાહ અને ગેરકાયદેસર દબાણો અને કૉંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં થતા પ્રચારકાર્યને પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પોતાનાં ભાષણોમાં આવરી લીધા હતા.

ભૂતકાળમાં પાણીની સમસ્યા અને વીજળીની અછતના દિવસો યાદ કરીને વિકાસની વાત કરી.

તેમણે એમ પણ કહ્યું કે, અત્યારે 20-25 વર્ષની ઉંમરના યુવાનો જ્યારે ઘોડિયામાં હશે ત્યારે તેમનાં માતા-પિતાએ વેઠેલી પાણી અને વીજળીની પરિસ્થિતિનો તેમને ખ્યાલ પણ નહીં હોય. વડીલોને એમ જ હશે કે આ રાજ્યમાં વિકાસ નહીં થાય, પરંતુ તેમની નજર સામે જ વિકાસ થયો.

line

મોઢેરાની સભામાં કહ્યું કે લોકોએ તેમની જ્ઞાતિ જોયા વિના આશીર્વાદ આપ્યા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

નવમી ઑક્ટોબરે મોઢેરાને સૌર ગ્રામ જાહેર કરવાના કાર્યક્રમની જાહેરસભામાં વડા પ્રધાન મોદીએ મોઢેરા, બહુચરાજી, અંબાજી, વડનગર, હાંસલપુર સહિત ઉત્તર ગુજરાતમાં પ્રવાસન, ડેરી, ઑટોમોબાઈલ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હોવાનું જણાવ્યું.

આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતના લોકો બે દાયકાથી તેમની જ્ઞાતિને ધ્યાનમાં લીધા વિના તેમને ભરપૂર પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે.

આમોદની સભામાં કહ્યું કે નર્મદા ડૅમનો વિરોધ કરતા અર્બન નક્સલો રૂપ બદલીને આવી ગયા છે

દસમી ઑક્ટોબરે ભરૂચ જિલ્લાના આમોદમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદની જાહેર સભામાં વડા પ્રધાન મોદીએ કહ્યું, "મને એ દિવસો યાદ છે, જ્યારે કેટલાક લોકો ભરૂચમાં ઔદ્યોગિકીકરણના વિકાસનો વિરોધ કરતા હતા. આ લોકો... જે નક્સલ માનસિકતા ધરાવે છે."

"તેમણે ભરૂચને પીવાનું ચોખ્ખું પાણી અને સિંચાઈ માટે પાણી મળે તે માટે બની રહેલા નર્મદા ડૅમના બાંધકામમાં પણ વિરોધ કર્યો હતો. હવે અર્બન નક્સલો રૂપ બદલીને આવી ગયા છે."

line

વિદ્યાનગરમાં ભાજપ કાર્યકર્તાઓને કહ્યું કે કૉંગ્રેસથી સાવધાન રહેજો

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન મોદીએ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં ભાજપના કાર્યકર્તાઓના જનવિશ્વાસ સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે તમે એવું ન સમજતા કે "કૉંગ્રેસ ચૂપ થઈ ગઈ છે અને કંઈ જ નથી કરી રહી", એમ માનીને સંતોષથી ચૂંટણીમાં બેસી ના રહેશો.

તેમણે કહ્યું "કૉંગ્રેસ ખૂબ જ ચૂપ છે, પરંતુ એમ માની લેતા તે ખતમ થઈ ગઈ છે. તેઓ ચૂપચાપ ગામડાંઓમાં જઈ રહ્યા છે અને તેમનો પાયો મજબૂત કરી રહ્યા છે. એવા ભ્રમમાં ન રહેતા કે તેઓ (ચૂંટણી માટે) કંઈ જ નથી કરી રહ્યા."

"તેઓ પ્રેસ-કૉન્ફરન્સ નથી કરી રહ્યા કે કોઈ પડકારજનક નિવેદનો નથી કરી રહ્યા પણ મેં શોધી કાઢ્યું છે કે તેઓ શું કરી રહ્યા છે. આપણે સજાગ રહેવું પડશે."

જામનગરની સભામાં કહ્યું ભૂપેન્દ્રભાઈએ સમુદ્ર પટ્ટી પરના ગેરકાયદેસર બાંધકામોને ચૂપચાપ સફાચટ કરી નાખ્યાં.

જામનગરમાં લગભગ 1448 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદની સભામાં વડા પ્રધાને રાજ્ય સરકારે બેટ દ્વારકામાં સરકાર દ્વારા તોડી પડાયેલાં ગેરકાયદેસર બાંધકામો માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને બિરદાવ્યા હતા.

તેમણે કહ્યું, "ભાઈઓ-બહેનો, ભૂપેન્દ્રભાઈ મારા મૃદુ અને મક્ક્મ કહું છું એનો અનુભવ હમણાં ગુજરાતને બરાબર થયો. સમુદ્રની પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામો કરીને જે લોકોએ જમઘટ કરી'તી... ચૂપચાપ... સફાચટ... એટલી બધી જમીન અને બેટ દ્વારકાનું માન-સન્માન ફરી (પુનઃસ્થાપિત કર્યું), કોઈ પણ સંસ્કૃતિપ્રેમી- બધાં સંતોનાં નિવેદન જોયાં. મને આનંદ થયો આ કામને જે રીતે વધ્યાવ્યું."

ઉલ્લેખનીય છે કે, બેટ દ્વારકામાં દૂર કરવામાં આવેલાં ગેરકાયદેસર દબાણોમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઊભાં કરાયેલાં વ્યાપારિક અને રહેણાક મકાનો હતાં.

line

જામકંડોરણાની સભામાં કહ્યું કે કૉંગ્રેસે મને ગાળો આપવાનો કૉન્ટ્રાકટ આઉટ સોર્સ કર્યો છે

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

11 ઑક્ટોબરે જામકંડોરણામાં જાહેર સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસકાર્યો ઉપરાંત આમ આદમી પાર્ટીનો સીધો ઉલ્લેખ કરવાને બદલે સૂચક રીતે તેની સામે નિશાન સાધ્યું હતું. તેમણે કૉંગ્રેસને પણ પોતાને ગાળો આપવાનો કૉન્ટ્રાક્ટ આપી દીધો હોવાનું નિવેદન કર્યું હતું.

એક તરફ અરવિંદ કેજરીવાલ મફત શિક્ષણ અને આરોગ્ય સેવાઓની સુવિધાઓ ઊભી કરવાની ગૅરન્ટી આપી રહ્યા છે, ત્યારે જામકંડોરણાની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં વિવિધ એન્જિનિયરિંગ, મેડિકલ, કમ્પ્યુટર જેવા પ્રૉફેશનલ કોર્સિસમાં વધેલી કૉલેજોની સંખ્યાની માહિતી આપી હતી.

તેમણે કહ્યું, "છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતનો વિરોધ કરતા લોકોએ રાજ્યને બદનામ કરવાનો એક પણ મોકો છોડ્યો નથી. તેઓ મને 'મોતનો સૌદાગર' કહેવાની સાથે સાથે અનેક ગાળો આપતા રહ્યા છે."

તેમણે કહ્યું કે, "કૉંગ્રેસ અચાનક ચૂપ થઈ ગઈ છે. તેમણે મને ગાળો દેવાનો, હોબાળો કરવાનો અને ધમાલ મચાવવાનો કૉન્ટ્રાક્ટ આઉટ સોર્સ કરી દીધો છે. તેઓ ચૂપચાપ ગામડાંમાં જઈ રહ્યા છે અને લોકો પાસેથી મત માગી રહ્યા છે."

તેમણે ઉમેર્યું હતું કે, "કોઈ કૉંગ્રેસના કાર્યકરને પૂછજો કે તમે હજી સુધી સ્ટેચ્યૂ ઑફ યુનિટી જઈ આવ્યા કે નહીં. જો ગયા હશે તો પણ મોઢું છુપાવીને ગયા હશે. ગુજરાતના સપૂતનું સન્માન કરવાનું સામર્થ્ય ના હોય તેવા લોકોની સ્વીકૃતિ ગુજરાતની ધરતી પર ન હોઈ શકે."

તેમણે કહ્યું, "આજે ગુજરાત એટલે વિકાસ દેખાય અને વિકાસ એટલે ગુજરાત દેખાય. ગુજરાત એ વિકાસનું જનઆંદોલન બની ગયું છે. કોઈ પણ ક્ષેત્રમાં આંકડાથી સિદ્ધ થઈ શકે છે કે આપણા ગુજરાતની વિકાસની વાત કેટલી મજબૂત છે. કેટલી દીર્ઘદૃષ્ટિવાળી છે, કેટલી સર્વવ્યાપી છે, કેટલી સર્વ સમાવેશક છે એ આપણા આંકડા સાબિત કરી શકે છે."

મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે વડા પ્રધાન મોદીએ મોઢેરા, જામનગર, અને જામખંભાળિયામાં યોજાયેલી તેમની આ ત્રણેય જાહેર રેલીમાંથી કૉંગ્રેસનો સીધો ઉલ્લેખ કર્યો, પરંતુ એક પણ વખત આમ આદમી પાર્ટીનું નામ નહોતું લીધું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન