ભારત જોડો યાત્રાનો એક મહિનો : રાહુલ ગાંધી તેમની ઇમેજને કેટલી બદલી શક્યા?

ઇમેજ સ્રોત, @BHARATJODO
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
"તમે રસ્તા પર ચાલી રહ્યા હો ત્યારે બહેતર સંવાદ થાય છે. હું લોકો સાથે વાત કરીને તેમની પીડા સમજવા ઇચ્છું છું."
આ નિવેદન રાહુલ ગાંધીનું છે. ભારત જોડો યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધીએ યાત્રાનો એક મહિનો પૂર્ણ થયો ત્યારે કર્ણાટકના થુરુવેકેરેમાં પત્રકારો સાથે વાત કરતાં આ વાત કહી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "મારી છબિ ખોટી રીતે રજૂ કરવાના પ્રયાસમાં મીડિયામાં હજારો કરોડ રૂપિયા અને ઘણી બધી ઊર્જા ખર્ચવામાં આવી છે."
"આ મશીન તેની રીતે કામ કરતું રહેશે. તે બહુ જ વ્યવસ્થિત અને નાણાકીય રીતે મજબૂત મશીન છે, પરંતુ મારું સત્ય અલગ છે. એ સત્ય હંમેશાં અલગ હતું અને જે લોકોને તેની દરકાર છે તેઓ સમજી શકશે કે મારું સત્ય શું છે અને હું ક્યાં મૂલ્યોની તરફેણ કરી રહ્યો છું."
રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી તેમની મહત્ત્વકાંક્ષી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી અને 3,750 કિલોમિટર પગપાળા પ્રવાસ કર્યાના 150 દિવસ પછી તેઓ કાશ્મીર પહોંચશે.
ભારત જોડો યાત્રાનો હેતુ આમ તો "ભારતમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના વિભાજક રાજકારણને પડકારવાનો છે."
અલબત્ત, વિશ્લેષકો માને છે કે આ યાત્રા વડે રાહુલ ગાંધીની ઇમેજ, જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની ઘડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીની આ યાત્રાના પ્રારંભ થયો તેને એક મહિનો થઈ ગયો છે અને હવે તેઓ કેરળથી આવીને કર્ણાટકમાં દસ દિવસ પસાર કરી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. સામાન્ય લોકો સાથે સમય પસાર કરી રહ્યા છે. તેઓ લોકોનાં ઘરે પણ જાય છે અને ઘણી વાર પત્રકારોના સવાલોના જવાબ પણ આપે છે.
વરસાદમાં ભાષણ આપી રહેલા, પોતાનાં માતા સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધી રહેલા અને હિજાબ પહેરેલી બાળકીને ભેટતા રાહુલ ગાંધીની અનેક ભાવુક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.
કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય ઇમરાન પ્રતાપગઢી કહે છે કે "છેલ્લા એક મહિનાથી ભારત જોડો યાત્રા સતત ચાલી રહી છે અને આ યાત્રાએ સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનું રાજકીય તથા સામાજિક વાતાવરણ સર્જ્યું છે."
પ્રતાપગઢી ઉમેરે છે કે "આ યાત્રામાંથી બહાર આવી રહેલાં દૃશ્યોએ હાલ દક્ષિણ ભારતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે અને તેનો સંદેશ ઉત્તર ભારત તથા દેશના અલગ-અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહ્યો છે. કૉંગ્રેસ તથા રાહુલ ગાંધી વિશેની ભ્રમણાઓને આ યાત્રાએ તોડી નાખી છે."

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કૉંગ્રેસ અને તેમની છબિ બદલાશે કે કેમ?

- રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી અને 3,750 કિલોમિટર પગપાળા પ્રવાસ કર્યાના 150 દિવસ પછી તેઓ કાશ્મીર પહોંચશે
- રાહુલ ગાંધીની આ યાત્રાના પ્રારંભ થયો તેને એક મહિનો થઈ ગયો છે અને હવે તેઓ કેરળથી આવીને કર્ણાટકમાં દસ દિવસ પસાર કરી ચૂક્યા છે
- રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે, સામાન્ય લોકો સાથે સમય પસાર કરી રહ્યા છે
- રાહુલ ગાંધીની કેરળની યાત્રા દરમિયાન કૉંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો
- અલબત્ત, વિશ્લેષકો એવું માને છે કે રાહુલ ગાંધીની અસલી પરીક્ષા યાત્રાના આગામી ચરણોમાં, જ્યારે તેઓ કૉંગ્રેસની સ્થિતિ નબળી છે તેવા પ્રદેશોમાંથી પસાર થશે ત્યારે થશે

રાહુલ ગાંધીની ઇમેજ બદલાઈ રહી છે?

ઇમેજ સ્રોત, @BHARATJODO
2019ની સંસદીય ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હારની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. પક્ષના નેતાઓના વારંવારના આગ્રહ છતાં તેઓ અધ્યક્ષપદ ફરી સંભાળવાનો ઇનકાર કરતા રહ્યા છે.
જાણકારોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને એક અપરિપકવ નેતા તરીકે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સવાલ એ છે કે ભારત જોડો યાત્રા મારફતે રાહુલ ગાંધી તેમની એ ઇમેજ દૂર કરીને નવી છબિ બનાવી રહ્યા છે કે કેમ?
વિશ્લેષકો માને છે કે રાહુલ ગાંધીએ ખુદની એક ગંભીર નેતા તરીકેની ઇમેજ બનાવવામાં ઘણા અંશે સફળ થયા છે. સત્તાધારી ભાજપે રાહુલ ગાંધીને એક નબળા નેતા તરીકે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ તે ઇમેજ બદલી નાખી હોવાનું વિશ્લેષકો કહી રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી કહે છે કે "રાહુલ ગાંધીના ચરિત્રને નિર્બળ દર્શાવવાની કરવાની યોજના હશે. તેમને સોશિયલ મીડિયા પર ગંભીર ન હોય તેવા નેતા તરીકે પ્રસ્તુત કરવામાં આવતા રહ્યા છે. તેમના માટે અપશબ્દો પણ વાપરવામાં આવતા હતા, પરંતુ આ યાત્રાને હવે એક મહિનો થઈ ગયો છે અને એમના માટે હવે ખરાબ શબ્દો સાંભળવા મળતા નથી. મહત્ત્વની એક વાત એ પણ છે કે રાહુલ ગાંધીની આ યાત્રાને રાજકીય નાટક સ્વરૂપે જોવામાં આવી નથી. જોકે, ઘણા લોકો કહી રહ્યા છે કે રાહુલ જે હવે કરી રહ્યા છે, એ તેમણે લાંબા સમય પહેલાં જ કરવું જોઈતું હતું."
વિજય ત્રિવેદી ઉમેરે છે કે "સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની જે છાપ ઉપસાવવાના પ્રયાસ ચાલી રહ્યા હતા તેમની જે ઇમેજ બનાવવામાં આવી હતી તેમાંથી તેઓ બહાર નીકળી ગયા છે. તેનો પુરાવો એ છે કે તેમના માટે જે વાંધાજનક વિશેષણોનો ઉપયોગ કરવામાં આવતો હતો એ હવે કરવામાં આવતો નથી."
રાજકીય વિશ્લેષક રાધિકા રામશેષન કહે છે કે "રાહુલ ગાંધીને ગંભીર ન હોય તેવી વ્યક્તિ અને રાજકારણમાં એક જોકર તરીકે રજૂ કરવાના પ્રયાસ ભાજપ કરતી રહી છે. તેમાં ભાજપ ઘણી હદે સફળ પણ થઈ છે, પરંતુ આ યાત્રા રાહુલ ગાંધીની ઇમેજ બદલી રહી છે. રાહુલ હવે ગંભીર નિવેદનો આપી રહ્યા છે."
રાધિકા રામશેષન ઉમેરે છે કે, "રાહુલ ગાંધીની આ યાત્રાનો હેતુ રાજકીય હોય તેવું અત્યાર સુધી તો દેખાતું નથી, પણ મીડિયા તેમને જે સવાલો કરે છે તે બધાના જવાબ રાહુલ ગાંધી આપે છે. તેઓ સવાલોથી ભાગતા નથી. તેઓ સમજી-વિચારીને જવાબ આપી રહ્યા છે અને આ યાત્રાથી રાહુલ ગાંધીની ઇમેજમાં ઘણું પરિવર્તન દેખાઈ રહ્યું છે, ખાસ કરીને ભાજપે બનાવેલી તેમની ઇમેજમાં."
વરિષ્ઠ પત્રકાર સઈદ નકવીના કહેવા મુજબ, "રાહુલ ગાંધી ખુદને ગંભીર રાજનેતા તરીકે સ્થાપિત કરી શકે છે કે કેમ તેના કરતાં મોટો સવાલ એ છે કે તેઓ લોકોને તેમના તરફ કેટલા પ્રમાણમાં આકર્ષી શકે છે. રાહુલ ગાંધીની રાજકીય ગંભીરતા તેમની પગપાળા યાત્રા કરવાથી પ્રદર્શિત થતી નથી. અત્યાર સુધીની યાત્રાને જોતાં લાગે છે કે રાહુલ ગાંધી લોકોનું ધ્યાન આકર્ષવામાં સફળ થયા છે. કૉંગ્રેસ માટે આ સારો સંકેત છે."

અત્યાર સુધીનો પ્રતિસાદ કેવો છે?

ઇમેજ સ્રોત, INC
રાહુલ ગાંધીની કેરળની યાત્રા દરમિયાન કૉંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે કર્ણાટકમાં પણ લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈ રહ્યા છે.
બૅંગલુરુસ્થિત બીબીસીના અમારા સહયોગી પત્રકાર ઇમરાન કુરેશી કહે છે કે "કેરળમાં રાહુલ ગાંધીની યાત્રાને જોરદાર પ્રતિસાદ મળ્યો તેથી એવું ધારી લેવામાં આવ્યું કે કેરળમાં તો કૉંગ્રેસ પહેલાંથી જ મજબૂત છે અને તેનો વિરોધ પક્ષ સીપીએમ છે. તેથી હવે બધાની નજર ભાજપશાસિત કર્ણાટક પર છે."
ઇમરાન કુરેશી ઉમેરે છે કે "કર્ણાટકમાં રાહુલ ગાંધીની યાત્રાને દસ દિવસ થઈ ગયા છે. તેમની યાત્રા દરમિયાન કેરળમાં જેવો ઉત્સાહ જોવા મળ્યો હતો, તેવો જ ઉત્સાહ કર્ણાટકમાં પણ મળી રહ્યો હોય એવું લાગે છે."
ઇમરાન કુરેશી માને છે કે રાહુલ ગાંધી લોકો સાથે કેટલી હદે જોડાઈ રહ્યા છે તેની ખબર તો તેઓ ઉત્તર કર્ણાટક અને પછી તેલુગુભાષી પ્રદેશો તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાંથી પસાર થશે ત્યારે જ પડશે.
રાધિકા રામશેષન પણ માને છે કે રાહુલ ગાંધીની યાત્રાને અત્યાર સુધી જબરો પ્રતિસાદ મળ્યો છે.
રાધિકા કહે છે કે "કેરળમાં કૉંગ્રેસનો જનાધાર ઘણો મજબૂત છે. કેરળમાં તેમની યાત્રાને આવો પ્રતિસાદ મળવો સ્વાભાવિક છે. કર્ણાટકમાં પણ કૉંગ્રેસનો જનાધાર હતો, પરંતુ તાજેતરનાં વર્ષોમાં ત્યાં ભાજપ ઘણી મજબૂત થઈ છે. તેમ છતાં રાહુલ ગાંધીને ત્યાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે."
રાહુલ ગાંધી આ યાત્રા મારફત કૉંગ્રેસને ફરી ચેતનવંતી કરવાના અને પક્ષમાંના આંતરિક મતભેદોને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
રાધિકા રામશેષન કહે છે કે "કર્ણાટકમાં કૉંગ્રેસ સિદ્ધારમૈયા કૅમ્પ અને ડીકે શિવકુમાર કૅમ્પમાં વિભાજિત છે, પરંતુ તેમણે આ જૂથોના નેતાઓને પણ એક કર્યા છે. બન્ને નેતાઓ રાહુલની સાથે છે. તેમની એકતા ચૂંટણી સુધી ટકી રહેશે કે કેમ એ તો અત્યારે કહી શકાય નહીં, પરંતુ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બન્ને લોકોને આ યાત્રા સાથે જોડી રહ્યા છે."
રાધિકા ઉમેરે છે કે, "કર્ણાટક કૉંગ્રેસ માટે મુશ્કેલ પ્રદેશ છે છતાં ત્યાં રાહુલને જબરો પ્રતિસાદ મળતો દેખાય છે. એવું લાગે છે કે રાહુલ કૉંગ્રેસને ફરી ચેતનવંતી કરવાની પોતાની ફરજ બજાવી રહ્યા છે."
અલબત્ત, વિશ્લેષકો એવું માને છે કે રાહુલ ગાંધીની અસલી પરીક્ષા યાત્રાના આગામી ચરણોમાં, જ્યારે તેઓ કૉંગ્રેસની સ્થિતિ નબળી છે તેવા પ્રદેશોમાંથી પસાર થશે ત્યારે થશે.
રાધિકાના જણાવ્યા મુજબ, "રાહુલ ગાંધીની ખરી પરીક્ષા મહારાષ્ટ્રમાં થશે, જ્યાં કૉંગ્રેસ તેનો જનાધાર મહદ્અંશે ગુમાવી ચૂકી છે. આ સંજોગોમાં કહી શકાય કે આ યાત્રામાં રાહુલની ખરી પરીક્ષાનો સમય હવે આવી રહ્યો છે."

ભાજપ સામે પડકાર ફેંકી શકશે રાહુલ ગાંધી?

ઇમેજ સ્રોત, @BHARATJODO
હાલ કૉંગ્રેસ તેના રાજકીય ઇતિહાસમાંના સૌથી નબળા તબક્કામાંથી પસાર થઈ રહી છે, જ્યારે ભાજપની સ્થિતિ અત્યંત મજબૂત છે. ગત બે સંસદીય ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો અને હાલ દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં ભાજપનું શાસન છે.
આ સંદર્ભમાં એ સવાલ થાય કે રાહુલ ગાંધી તેમની આ યાત્રા મારફત ભાજપ સામે રાજકીય પડકાર ફેંકી શકશે? વિશ્લેષકોના મતાનુસાર, અત્યારે તો આવું કશું દેખાતું નથી.
વિજય ત્રિવેદી કહે છે કે "રાહુલ ગાંધીની આ યાત્રા ભાજપ સામે પડકાર ફેંકવાને બદલે કૉંગ્રેસને ચેતનવંતી કરવા માટેની વધારે છે. ગત કેટલાંક વર્ષોથી કૉંગ્રેસ લગભગ નિષ્ક્રિય છે. આ યાત્રા પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ ફૂંકવા માટેની છે."
જોકે, રાહુલની આ યાત્રાથી ભાજપ પરેશાન જરૂર થઈ ગયો હોવાનું વિજય ત્રિવેદી ભારપૂર્વક માને છે.
તેઓ કહે છે કે, "ચૂંટણીના સંદર્ભમાં આ યાત્રા ભાજપ માટે મોટો પડકાર ન બને એ શક્ય છે, પરંતુ આ યાત્રા ભાજપને પરેશાન કરનારી જરૂર છે, કારણ કે ભાજપ હવે કૉંગ્રેસને ગણકારતો જ નથી."
રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં જવાનું ટાળી રહ્યા છે. આ બાબતે પણ વિશ્લેષકો સવાલ કરી રહ્યા છે.
વિજય ત્રિવેદીના જણાવ્યા મુજબ, "રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ જેવું મોટું રાજ્ય લગભગ છોડી દીધું છે અને તેઓ ભાજપ માટે કોઈ સીધો પડકાર સર્જી ન રહ્યા હોય તેવું લાગે છે."

કૉંગ્રેસ માટે શું છે સંકેત?

ઇમેજ સ્રોત, @BHARATJODO
રાહુલ ગાંધી તેમની આ યાત્રા મારફતે કૉંગ્રેસમાં નવું જોમ ભરવાના પ્રયાસ કરી રહ્યા છે. વિશ્લેષકો માને છે કે આ યાત્રા કૉંગ્રેસના રાજકીય ભાવિ માટે મહત્ત્વની સાબિત થઈ શકે છે.
સઈદ નકવી કહે છે કે, "અત્યારે કૉંગ્રેસમાં ત્રણ ઘટના બની રહી છે. પહેલી રાજસ્થાનમાં રાજકીય ધમાચકડી, બીજી પક્ષના અધ્યક્ષપદની ચૂંટણી અને ત્રીજી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા. આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે એ સમજવું પડશે. આ યાત્રા શરૂઆતમાં સફળ થતી દેખાઈ રહી છે. તે મોટા પાયે સફળ થશે તો બાકીની બન્ને ઘટના પર પ્રભાવ પડશે. પછી સવાલ થશે કે કૉંગ્રેસ શું ઇચ્છે છે?"
પક્ષનું નેતૃત્વ હાલ તો ગાંધી પરિવારના હાથમાં જ રહેશે એવો સંકેત પણ આ યાત્રા મારફત મળી રહ્યો હોવાનું વિશ્લેષકો માને છે.

મીડિયાનો પ્રતિસાદ કેવો રહ્યો?

ઇમેજ સ્રોત, @BHARATJODO
ઇમરાન કુરેશીના જણાવ્યા મુજબ, કર્ણાટકમાં મીડિયા હાલ રાહુલ ગાંધીને મહત્ત્વ આપી રહ્યું છે અને કન્નડ મીડિયામાં તેમને વ્યાપક કવરેજ મળી રહ્યું છે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય મીડિયા પણ રાહુલ ગાંધીની યાત્રાને કવરેજમાં સ્થાન આપ્યું છે.
સઈદ નકવી કહે છે કે, "યાત્રાને હજુ એક મહિનો જ થયો છે અને તે લોકપ્રિય થઈ રહી છે. મીડિયા તેના પર ધ્યાન આપતું હશે. રાહુલનો સંદેશો લોકો સુધી પહોંચી રહ્યો છે."
તેમના કહેવા મુજબ, "મીડિયા મોદી સિવાય કોઈને કવરેજમાં સ્થાન ન આપતું હોવાની ફરિયાદ કૉંગ્રેસ અત્યાર સુધી કરતી રહી છે, પરંતુ હવે કૉંગ્રેસ પણ મીડિયામાં જોવા મળી રહી છે. આ તબક્કે સવાલ થાય કે મીડિયા બદલાયું છે કે કૉંગ્રેસ બદલાઈ રહી છે?"

ઇમેજ સ્રોત, @BHARATJODO
સઈદ નકવી ઉમેરે છે કે "રાહુલ ગાંધીને પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ કોઈ ચમત્કાર કરતા નથી. તેઓ ચાલતા રહે છે અને લોકો સાથે વાત કરતા રહે છે. સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયાની નજર તેના પર છે. રાહુલ આ મિજાજ યાત્રામાં આગળ જાળવી શકશે તો તે કૉંગ્રેસ માટે એક મોટા પરિવર્તનનો સંકેત હશે."
રાધિકા રામશેષન માને છે કે "રાહુલ ગાંધીની મીડિયાએ દરકાર કરી નથી એવું કહી ન શકાય. રાહુલે યાત્રા શરૂ કરી ત્યારથી દરેક મીડિયાએ તેનું કવરેજ કર્યું છે. જેને સરકાર સમર્થક મીડિયા કહેવામાં આવે છે તેણે પણ રાહુલની યાત્રા કવર કરી છે, પરંતુ આ બહુ મોટી યાત્રા છે અને તેમાં મીડિયાનો રસ સતત જાળવી રાખવો એ પણ પડકાર છે."
અલબત્ત, કૉંગ્રેસ એવું માને છે કે રાહુલ ગાંધીને દેશમાં મુખ્ય પ્રવાહનું મીડિયા, તેઓ જેના હકદાર છે તેટલું, કવરેજ હજુ પણ આપતું નથી.
ઇમરાન પ્રતાપગઢી કહે છે કે "અમે લોકો વચ્ચે શા માટે જઈ રહ્યા છીએ તે રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆતના તબક્કામાં જ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહેલું કે અમને મીડિયા પાસેથી બહુ ઓછી આશા છે એટલે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. અમે હજુ પણ માનીએ છીએ કે મીડિયા અમિત શાહ કે નરેન્દ્ર મોદીની યાત્રાને જેટલું મહત્ત્વ આપે છે તેટલું આ યાત્રાને આપતું નથી."
કૉંગ્રેસના આ આરોપને ફગાવતાં વિજય ત્રિવેદી કહે છે કે "મીડિયામાં કવરેજ ન મળતું હોવાની ફરિયાદ કૉંગ્રેસ વારંવાર કરે છે, પરંતુ અત્યાર સુધી જેટલી યાત્રા થઈ છે તેની સોશિયલ મીડિયા તથા મીડિયામાં ચર્ચા થઈ રહી છે."
વિજય ત્રિવેદી માને છે કે રાહુલ ગાંધીએ વધુ યોજનાબદ્ધ રીતે મીડિયા સાથે વાત કરવી જોઈએ અને પોતાનો એજન્ડા દેશ સમક્ષ રજૂ કરવો જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













