ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ભાજપ અને આપ વચ્ચેની લડાઈમાં કૉંગ્રેસ ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
"કૉંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે, તેમના પ્રશ્નો લેવાનું બંધ કરી દો હવે, જનતા સ્પષ્ટ છે, જનતાના મનમાં કોઈ પ્રશ્ન નથી."
આ શબ્દો છે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના.
કેજરીવાલ જ્યારે ગુજરાત આવ્યા હતા એ સમયે તેમણે એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.
નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે. પી. નડ્ડા ભાજપના આ ત્રણ નેતા સતત ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ભગવંત માન સતત ગુજરાત આવી રહ્યા છે.
એપ્રિલ મહિનાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
બીજી તરફ કૉંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને નવા અધ્યક્ષની ચૂંટણીમાં અટવાયેલું પડ્યું છે.
અત્યાર સુધીમાં રાહુલ ગાંધી માત્ર બે વખત ગુજરાત આવ્યા છે અને તેમણે બે સભાઓ કરી છે. જેના આધાર પર કૉંગ્રેસ હાલ પ્રચાર કરી રહી છે.

2017ની ચૂંટણીમાં જ્યારે કૉંગ્રેસે ભાજપને ચિંતામાં મૂકી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
2017ની વિધાનસભા ચૂંટણી બાદ જેટલી ચર્ચા ભાજપની થઈ હતી એના કરતાં વધારે ચર્ચા કૉંગ્રેસની ગુજરાતમાં થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા 3 દાયકામાં કૉંગ્રેસે ગુજરાતમાં સૌથી સારું પ્રદર્શન કર્યું હતું અને 77 બેઠકો જીતી લાવી હતી. સામે ભાજપને તેમણે ત્રણ આંકડા સુધી જતા રોકી દીધી હતી.
2017માં ભાજપનું અત્યાર સુધીનું સૌથી નબળું પ્રદર્શન રહ્યું હતું, જેમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં માત્ર 99 બેઠકો આવી હતી.

ગુજરાતમાં કૉંગ્રેસ

વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 99, કૉંગ્રેસને 77, બીટીપીને બે અને એનસીપી તેમજ અપક્ષને એક-એક બેઠક મળી હતી.ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 બેઠકો પર જીત જરૂરી છે.
વર્ષ 1995 બાદથી કૉંગ્રેસ સરેરાશ 50થી 60 બેઠકો મેળવતી રહે છે. જોકે, 2017માં 77 બેઠકો જીતવી તે કૉંગ્રેસનું છેલ્લા ત્રણ દાયકામાં સૌથી સારું પ્રદર્શન માનવામાં આવ્યું હતું.
જોકે, એ વખતે કૉંગ્રેસને જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનો પણ ફાયદો મળ્યો હતો. એ પરિણામમાં પાટીદાર અનામત આંદોલન, ઊનાકાંડ, અલ્પેશ ઠાકોરનો પ્રભાવ પણ કારણભૂત બન્યાં હતાં.
વળી એ વખતે ભાજપની સરકાર સામે લોકોમાં રોષ પણ હતો એની સીધી અસર પરિણામ પર પડી હતી. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય ધારાસભ્યોએ કૉંગ્રેસનો સાથ છોડતાં હાલ કૉંગ્રેસ પાસે માત્ર 66 બેઠકો રહી છે.
ત્યારે હાલ, ગુજરાતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કૉંગ્રેસ એટલી સક્રિય કેમ દેખાઈ રહી નથી?

આ જીતનો કૉંગ્રેસે પ્રચાર તો કર્યો પરંતુ તે બાદનાં પાંચ વર્ષોમાં તેમના ઘણા કદાવર નેતાઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા. ફરી કૉંગ્રેસ જૂની સ્થિતિમાં આવી ગઈ.
2017ની ચૂંટણી બાદ કૉંગ્રેસ કેમ સક્રિય જોવા ન મળી? આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે 2017માં કૉંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી હતી પણ ત્યાર બાદ જે કામ કરવાનું હતું તે થયું નથી.
તેઓ જણાવે છે, "ગુજરાતમાં હજી ચૂંટણીની જાહેરાત થઈ નથી. તેમ છતાં વડા પ્રધાન મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા ગુજરાત આવતા થઈ ગયા છે, નાનકડા ગામોમાં જઈ રહ્યા છે અને સભાઓ યોજી રહ્યા છે. પણ કૉંગ્રેસના કોઈ કદાવર નેતા જોવા મળી રહ્યા નથી."
અન્ય એક રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ તેમની વાતથી સહમત છે. તેઓ કહે છે, "2019માં રાહુલ ગાંધીએ કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડ્યું ત્યાર બાદથી પાર્ટીમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. હાઇકમાન્ડે જે નિર્ણયો જેટલા ત્વરિત લેવા જોઈએ તેટલા ત્વરિત લીધા નથી અને તેનાંથી કાર્યકરો નિરાશ છે. તાજેતરમાં જે રીતે રાજસ્થાન કૉંગ્રેસમાં બન્યું એ તેનું તાજું ઉદાહરણ છે."

પાટીદારોની નારાજગી પણ કૉંગ્રેસને ના ફળી?

ઇમેજ સ્રોત, Getty Images
2017ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલાં જ તે સમયના ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે કહ્યું હતું કે જે પણ પરિણામ આવે તે કૉંગ્રેસ માટે જીત જેવું જ હશે.
2017ની ચૂંટણી પહેલાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભાજપવિરોધી વાતાવરણ હતું અને તેમાં એક પાસું હાર્દિક પટેલે શરૂ કરેલું પાટીદાર અનામત આંદોલન પણ હતું.
જેના કારણે અનેક પાટીદારો અને ખેડૂતો ભાજપથી નારાજ હતા, જેનો ઘણો લાભ કૉંગ્રેસને મળી શકે એમ હતો. એ સમયે ચૂંટણી પણ ભાજપ અને કૉંગ્રેસ એમ દ્વિપક્ષી જ હતી.
હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટી એ સમયે કૉંગ્રેસની સાથે હતી. જોકે, હવે તેમાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. મેવાણી હજી કૉંગ્રેસ સાથે છે.
જોકે, જગદીશ આચાર્યનું માનવું છે કે કૉંગ્રેસને આ લોકોનો લાભ લેતા આવડ્યું નહીં. ભાજપની ચતુરનીતિ અને કૉંગ્રેસની અણઆવડતના કારણે તેઓ પાટીદાર અનામત આંદોલનનો ફાયદો લાંબા સમય સુધી ઉઠાવી શક્યા નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ જણાવે છે, "પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપ સતત એવું દર્શાવવા પ્રયત્ન કરી રહ્યો હતો કે આ આંદોલન કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપે સતત કૉંગ્રેસ અને હાર્દિક પટેલ પર પ્રહાર કરવાના ચાલુ રાખ્યા હતા."
"હાર્દિક પટેલ જ્યારે પક્ષમાં હતા ત્યારે તેઓ સતત કહી રહ્યા હતા કે ગુજરાત કૉંગ્રેસના ઉચ્ચ નેતાઓ દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, પરંતુ હાઇકમાન્ડે તેની નોંધ ન લીધી અને તેમણે પાર્ટી છોડી દીધી."
જોકે, હાર્દિક પટેલના પક્ષપલટાને લઈને હરિ દેસાઈનું કંઇક અલગ માનવું છે. તેઓ કહે છે કે હાર્દિકે પોતાના ફાયદા માટે (કેસ પાછા ખેંચાવા) પક્ષપલટો કર્યો છે.
તેઓ કહે છે, "કૉંગ્રેસમાં રહીને પણ હાર્દિકે પક્ષને ફાયદો અપાવ્યો ન હતો. તેઓ કહે છે, "ગુજરાતમાં જ્યારે પેટાચૂંટણી યોજાઈ ત્યારે હાર્દિક પાસે જવાબદારી અને હોદ્દો બંને હોવા છતા આઠમાથી એક પણ બેઠક જીતાડી શક્યા ન હતા."

2022માં આપની એન્ટ્રીએ કૉંગ્રેસની મુશ્કેલીઓ વધારી?
ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ દેખાઈ રહ્યો છે. આપની એન્ટ્રીએ ગુજરાતમાં કૉંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે.
સોશિયલ મીડિયા અને મુખ્ય સમાચાર માધ્યમોમાં આપ અને તેના નેતા કેજરીવાલ છવાયેલા છે. કેજરીવાલ સતત કહેતા આવ્યા છે કે આ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ આ ચૂંટણી જંગ છે. કૉંગ્રેસને હવે લોકો સ્વીકારશે નહીં.
સામે પક્ષે કૉંગ્રેસના નેતાઓ સતત એવો આરોપ લગાવતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે અને ભાજપ માટે કામ કરી રહી છે.
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈનું પણ કંઇક આવું જ માનવું છે. તેમના કહેવા પ્રમાણે ભાજપ અને આમ આદમી પાર્ટીએ ભેગા મળીને છબિ ઊભી કરી છે કે કૉંગ્રેસ ક્યાંય છે જ નહીં, પણ આમ નથી. ગુજરાતમાં કૉંગ્રેસ પાસે 66 ધારાસભ્યો આજે પણ છે. આમ આદમી પાર્ટીએ હજી ખાતુ પણ ખોલાવ્યું નથી.
તેનાથી વિપરિત જગદીશ આચાર્ય કહે છે, "આમ આદમી પાર્ટીના કારણે ભાજપ અને કૉંગ્રેસ બંનેની વોટબૅન્ક તૂટશે પરંતુ કૉંગ્રેસ નબળી પડી ગઈ હોવાથી તેમના મતદારો વધુ કપાશે. આમ આદમી પાર્ટી જે ગૅરન્ટીઓ જાહેર કરી રહી છે, તે લોકોમાં લોકપ્રિય બની છે. તેના કારણે મતોનું વિભાજન ચોક્કસપણે થવાનું છે."

ગુજરાતમાં ખરેખર કૉંગ્રેસ ક્યાં છે?
રાહુલ ગાંધીએ 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ગુજરાતનાં લોકોને 8 વચનો આપ્યાં હતાં. જેને લઈને હાલ ગુજરાત કૉંગ્રેસના કાર્યકર્તાઓ બુથ લેવલે લોકોનો સંપર્ક કરી રહ્યા છે.
જગદીશ આચાર્યનું માનવું છે કે હાલ ગુજરાતમાં કૉંગ્રેસ ક્યાંય છે જ નહીં. જોકે, હરિ દેસાઈનું માનવું છે કે કૉંગ્રેસ ગુજરાતમાં હાલ બીજા નંબરે જ છે.
જોકે, હાલની રાજકીય પરિસ્થિતિ અને અન્ય રાજકીય પાર્ટીના નેતાઓની મુલાકાતો સાથે કૉંગ્રેસની સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટપણે કહી શકાય કે તેઓ નિષ્ક્રિય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














