નરેન્દ્ર મોદીએ વાજપેયી-અડવાણીના ભાજપને કઈ રીતે બદલી નાખ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
એક ધારાસભ્યે જાણીતા ચૂંટણી વિશ્લેષક પ્રણવ રૉયને જણાવ્યું હતું, "ભારતમાં ચૂંટણી પરીક્ષા જેવી થઈ ગઈ છે. તેમાં ઘણા વિષય હોય છે જેને તમારે પાસ કરવાના હોય છે. એવું જરૂરી નથી કે તમે દરેક વિષયમાં સારા અંકે પાસ થાઓ. પરંતુ ચૂંટાવા માટે તમને સરેરાશ 75 ટકા ગુણ મળવા જોઈએ. મતદાતાઓને માત્ર પાસિંગ નંબર સ્વીકાર્ય નથી. પાસિંગ નંબર લાવવાનો મતલબ છે કે સત્તામાંથી બહાર થઈ જવું."
ઘણા બધા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લાં દસ વર્ષમાં આવી ઘણી પરીક્ષાઓમાં ભાજપે બીજી પાર્ટીઓની સરખામણીએ ખૂબ સારો સ્કોર જાળવી રાખ્યો છે.
1980માં જ્યારે ભાજપનો જન્મ થયો હતો ત્યારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા એક લેખમાં ખૂબ રસપ્રદ હેડલાઇન હતી, "વેજિટેરિયન બટ ટેસ્ટી પાર્ટી."
ત્યારના ભાજપ અને આજના ભાજપમાં ઘણો ફેર આવ્યો છે. એક જમાનામાં 'બ્રાહ્મણ-વાણિયા'નો પક્ષ કહેવાતા ભાજપે પોતાના સંગઠનાત્મક માળખામાં જે પ્રકારના પરિવર્તન કર્યા છે તેની અવગણના કરવી મુશ્કેલ છે.
હાલ જ પ્રકાશિત પુસ્તક 'ધ આર્કિટેક્ટ ઑફ ન્યૂ બીજેપી, હાઉ નરેન્દ્ર મોદી ટ્રાન્સફૉર્મ્ડ ધ પાર્ટી'ના લેખક અજયસિંહ આ પરિવર્તનનું શ્રેય મોદીને આપે છે.

મોદીની પહેલી પરીક્ષા હતી મોરબી ડૅમ દુર્ઘટના

ઇમેજ સ્રોત, PENGUIN
એક સંગઠનના કાર્યકર્તાના રૂપમાં મોદીને સૌથી પહેલાં 11 ઑગસ્ટ 1979ના રોજ ઓળખ મળી હતી જ્યારે સૌરાષ્ટ્રના મોરબીસ્થિત મચ્છુ ડૅમ તૂટી ગયો હતો અને થોડી જ ક્ષણોમાં આખું મોરબી પાણી પાણી થઈ ગયું હતું. આ બધું એટલું અચાનક થયું હતું કે લોકોને બચવાનો મોકો જ ન મળ્યો અને 25 હજાર જેટલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા.
અજયસિંહ જણાવે છે, "તે સમયે ભાજપના નેતા કેશુભાઈ પટેલ, બાબુલાલ પટેલ મંત્રીમંડળમાં સિંચાઈમંત્રી હતા. જ્યારે ડૅમ તૂટ્યો ત્યારે નરેન્દ્ર મોદી નાનાજી દેશમુખની સાથે ચેન્નઈમાં હતા. આ હોનારતના સમાચાર સાંભળતાં જ મોદી ગુજરાત પરત ફર્યા હતા અને તેમણે મોટાપાયે ચાલી રહેલા રાહતકાર્યમાં ભાગ લીધો હતો."

નરેન્દ્ર મોદીએ ભાજપમાં શા ફેરફારો કર્યા કે તે લગભગ અજેય બની ગયો? સંક્ષિપ્તમાં
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

- નિષ્ણાતોના મતે નરેન્દ્ર મોદીએ પોતાની ટીકાને ગુજરાતની ટીકા સાથે જોડીને તેને ભાવનાત્મક મુદ્દો બનાવી પોતાની છાપ પર અસર ન પડવા દીધી
- સમાજના લગભગ બધા વર્ગમાં પહોંચ બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી
- ગુજરાતના મૉડલને રજૂ કરી વિકાસના પથ પર આગળ વધવાનું માર્ગ ચીંધ્યું
- બૂથ મૅનેજમૅન્ટમાં પાર્ટીને કુશળ બનાવી જેથી પાર્ટી બૂથ સ્તરે બીજા તમામ પક્ષો કરતાં સારું પ્રદર્શન કરી શકી
- સંઘની વિચારધારાને સમાંતર વિકાસનું રાજકારણ વિકસાવ્યું જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

અડવાણીની રથયાત્રામાં મોદીની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1984માં જ્યારે ગુજરાતના ખેડૂતોએ આંદોલન કર્યું તો આરએસએસ પ્રચારક દત્તોપંત ઠેંગડીના નેતૃત્વમાં ભારતીય ખેડૂત સંઘે તેનું મોટાપાયે સમર્થન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પડદા પાછળ રહીને આ આંદોલનના સ્વરૂપને અંતિમ રૂપ આપ્યું હતું.
વર્ષ 1991માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની પોતાની રથયાત્રા શરૂ કરી તો મોદીને યાત્રાના ગુજરાત તબક્કાની જવાબદારી આપવામાં આવી હતી.
અજયસિંહ જણાવે છે, "જ્યારે અડવાણી અને પ્રમોદ મહાજન સોમનાથ મંદિર પાસે વેરાવળ પહોંચ્યા તો તેમને ન તો પાર્ટીનાં પોસ્ટર જોવા મળ્યાં ન ઝંડા. પાર્ટીમાં આ અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે કદાચ યાત્રા માટે સારી રીતે તૈયારી કરવામાં આવી નથી. પરંતુ જ્યારે આગામી દિવસે યાત્રા શરૂ થઈ તો હજારો લોકોની ભીડ રસ્તા પર હતી."
"સમાજનો દરેક વર્ગ તેમાં સામેલ થયો હતો. પહેલી વખત ભાજપે એ લોકો સુધી પોતાની પહોંચ બનાવી જેમની સાથે જોડાવાનો પ્રયાસ સંઘ પરિવારે અત્યાર સુધી કર્યો ન હતો."

હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં દાવ સફળ રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
1996માં ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મનભેદના કારણે નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર દિલ્હી મોકલવામાં આવ્યા હતા જ્યાં પાર્ટી સચિવના રૂપમાં તેમને પહેલાં હિમાચલ પ્રદેશ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી હતી. અહીં સંગઠનના વિસ્તાર માટે નરેન્દ્ર મોદીએ પરંપરાઓના બદલે વ્યવ્હારિકતાને વધારે મહત્ત્વ આપ્યું.
હરિયાણામાં તેમણે ઇમર્જન્સીના સમયે ભારે બદનામ થયેલા બંસીલાલની પાર્ટી 'હરિયાણા વિકાસ પાર્ટી' સાથે સમજૂતી કરી અને પહેલી વખત ભાજપે હરિયાણામાં સત્તા મેળવી હતી.
ત્યાર બાદ જ્યારે બંસીલાલથી પાર્ટીએ અંતર જાળવવાનું શરૂ કર્યું તો નરેન્દ્ર મોદી ભાજપને ઓમપ્રકાશ ચૌટાલાની પાર્ટીની નજીક લઈ ગયા જેમના પર ભ્રષ્ટાચારના આરોપો હતા.
પાર્ટીના લોકોના મત વિરુદ્ધ તેમણે લોકસભા ચૂંટણીમાં કારગિલમાં શહીદ થયેલા સૈનિકનાં પત્ની સુધા યાદવને પાર્ટીની ટિકિટ આપવાનો નિર્ણય લીધો.
અજયસિંહ જણાવે છે, "હિમાચલ પ્રદેશમાં તેમણે શાંતાકુમારના વિકલ્પ તરીકે કુમાર ધૂમલને ઊભા કર્યા અને તેમની સરકારને મજબૂતી આપવા માટે એક એવા નેતાનો સાથ લીધો જેઓ ભ્રષ્ટાચાર માટે બદનામ હતા, નરેન્દ્ર મોદીએ સુખરામનો સહયોગ લેવામાં પણ કોઈ પ્રકારનો સંકોચ ન કર્યો."
"સુખરામ ત્યાં સુધી કૉંગ્રેસ છોડી ચૂક્યા હતા અને તેમણે પોતાની પાર્ટી 'હિમાચલ વિકાસ કૉંગ્રેસ' બનાવી લીધી હતી. ત્યાં સુધીમાં સુખરામ દરેક માટે અસ્વીકાર્ય બની ગયા હતા, માત્ર નરેન્દ્ર મોદીને છોડીને."

ગુજરાત રમખાણો પર થયેલી ટીકાને ગુજરાતની અસ્મિતા સાથે જોડવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2002માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમને શાસન ચલાવવાનો કોઈ અનુભવ ન હતો. મુખ્ય મંત્રી બનતા સમયે તેઓ રાજ્યમાં ધારાસભ્ય પણ ન હતા. જ્યારે ગુજરાતમાં રમખાણો થયાં ત્યારે શાસનમાં તેમની અનુભવહિનતા સ્પષ્ટ જોવા મળી, પરંતુ નરેન્દ્ર મોદીએ ચારે તરફ થઈ રહેલી પોતાની ટીકાને ગુજરાતની ઓળખથી કાઉન્ટર કરી.
અજયસિંહ જણાવે છે, "વિપક્ષ, મીડિયા અને ધર્મનિરપેક્ષ શક્તિઓ તરફથી થઈ રહેલી ટીકાને મોદીએ ગુજરાતી લોકોની ટીકા સાથે જોડી દીધી. તેમણે આગામી ચૂંટણીમાં ગુજરાતી અસ્મિતાના નામે વોટ માગ્યા. આ શબ્દને સૌથી પહેલાં બંધારણસભાના સભ્ય રહેલા લેખક કે. એમ. મુન્શીએ લોકપ્રિય બનાવ્યો હતો."
"તે સમયે ભાજપના શીર્ષ નેતૃત્વએ 'ગુજરાતી ગૌરવ'નો શબ્દ વાપરવાના મોદીના પ્રયાસને પસંદ કર્યો ન હતો. તેમનું માનવું હતું કે ગૌરવના નામે મતદાતાઓને કરવામાં આવેલી અપીલ કદાચ સત્તામાં થનારા નુકસાનની ભરપાઈ ન કરી શકે. પરંતુ નરેન્દ્ર મોદીને ભરોસો હતો કે તેઓ લોકોના મૂડને સારી રીતે વાંચી શકે છે."

ગુજરાતમાં આર્થિક રોકાણ પર ભાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે મોદીએ સૌથી વધારે મહત્ત્વ રાજ્યમાં આર્થિક રોકાણ પર આપ્યું હતું. તેમણે ગુજરાતને રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા તરીકે આખી દુનિયામાં રજૂ કર્યું. મોદીએ ગુજરાતમાં 'જ્યોતિ ગ્રામ યોજના' શરૂ કરી હતી જેના અંતર્ગત દરેક ઘરને 24 કલાક એક ફેઝમાં વીજળી આપૂર્તિની ગૅરંટી આપવામાં આવી હતી. રોકાણ માટે નરેન્દ્ર મોદીએ જે માહોલ બનાવ્યો હતો, રતન તાતાએ તેના પર ટિપ્પણી કરી હતી, "જો તમે ગુજરાતમાં રોકાણ નથી કરી શકતા તો તમે મૂર્ખ છો."

ઇમેજ સ્રોત, ROLI BOOKS
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસમાં મોદી પર 'સાંપ્રદાયિક પૂર્વાગ્રહ' નો આરોપ લાગ્યા છતાં ગુજરાતમાં તેમની છબિ એક એવા મુખ્ય મંત્રી તરીકે રહી જેણે વિકાસ પર સૌથી વધારે ધ્યાન આપ્યું.

સવાલોનો સામનો કરવો પસંદ નથી?

ઇમેજ સ્રોત, Roli Books
મેં અજયસિંહને પૂછ્યું કે શું નરેન્દ્ર મોદીએ પોતાના આખા કાર્યકાળમાં માત્ર એ માટે કોઈ પ્રેસ કૉન્ફરન્સ નથી કરી, કેમ કે તેઓ મુશ્કેલ સવાલોથી બચે છે?
તેના જવાબમાં તેઓ કહે છે, "તમે કેમ માની લો છો કે પ્રેસ કૉન્ફરન્સ કરવાથી જ સામાન્ય જનતા સાથે સંવાદ સ્થાપિત થઈ શકે છે? તેમણે ચૂંટણી પહેલાં ઘણા પત્રકારો સાથે વાત કરી હતી. તેઓ દર મહિને 'મન કી બાત' કાર્યક્રમથી દેશને સંબોધિત કરે છે અને સોશિયલ મીડિયા, ટ્વિટર, ફેસબુકનો જેટલો ઉપયોગ નરેન્દ્ર મોદીએ કર્યો છે, તેટલો કદાચ બીજા કોઈ ભારતીય રાજનેતાએ નહીં કર્યો હોય."
"બીજું, તમે એ કેમ ભૂલી જાઓ છો કે મોદી પહેલાં યુપીએનાં પ્રમુખ રહેલાં સોનિયા ગાંધીએ કેટલી પત્રકારપરિષદો કરી છે અને કેટલા પત્રકારો સાથે વાત કરી છે?"

સરદાર પટેલની મૂર્તિ માટે રાજકીય ચતુરાઈ

ઇમેજ સ્રોત, Getty Images
અજયસિંહ નરેન્દ્ર મોદી માટે 'રાજકીય રૂપે ચતુર' શબ્દનો ઉપયોગ કરે છે. તેના માટે તેઓ નર્મદા ડૅમ પાસે સરદાર પટેલની 'સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી' કરતાં પણ ઊંચી મૂર્તિ બનાવવાનું ઉદાહરણ આપે છે.
અજયસિંહની નજરે તે એક મજબૂત પૉલિટિકલ નિવેદન હતું. જે રીતે તેમણે તેના માટે ખેડૂતોને પોતાનાં કૃષિ ઉપકરણો દાનમાં આપવાનો અનુરોધ કર્યો જેથી તેમને ઓગાળીને તે લોખંડથી 182 મિટર ઊંચી મૂર્તિ બનાવી શકાય, તેની પાછળ એક ચતુર રાજકીય વિચાર હતો.
તેને મોદીની ચતુરાઈ કહેવામાં આવશે કે તેમણે કૉંગ્રેસના મહાન નેતાને 'ઉપેક્ષિત ગુજરાતી મહાનાયક' તરીકે અપનાવીને સામાન્ય જનતા સામે રજૂ કર્યા. તેમણે એ ઘોષણા પણ કરી કે આ મૂર્તિને બનાવવા માટે પાંચ ગ્રામીણોના પ્રયાસને એક ટાઇમ કૅપ્સૂલમાં રાખવામાં આવશે જેથી આવનારી પેઢીઓ તેમાંથી પ્રેરણા લઈ શકે.

મોદીની વૈચારિક સ્થિતિસ્થાપકતા

ઇમેજ સ્રોત, Getty Images
અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકારે ઘણા વૈચારિક મુદ્દા પર સંઘ પરિવારના ઘટકોની કડક ટીકાનો શિકાર બનવું પડ્યું હતું. ભારતીય મજૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ તરફથી વાજપેયી સરકારની કડક ટીકા સામાન્ય વાત હતી.
તેનાથી વિપરીત નરેન્દ્ર મોદીનું સંઘ પરિવાર સાથે સામંજસ્ય સારું છે. તેનું કારણ પૂછવા અંગે અજયસિંહ જણાવે છે, "વાજપેયીનો સ્વભાવ મોદીથી એકદમ અલગ હતો અને તેમને પોતાની પાર્ટીમાં બહુમતી મળી ન હતી. મોદીએ ક્લાસિકલ સંગઠનવાદીના રોલમાં પોતાને સંપૂર્ણપણે ઢાળી લીધા છે જેમના દ્વારા ઉઠાવવામાં આવેલાં વ્યૂહરચનાત્મક પગલાં આગળ જઈને વિચારધારાને જ ફાયદો પહોંચાડે છે."
અજયસિંહ કહે છે, "મોદીને એ વાતનું અનુમાન છે કે રાજકીય સમજબૂઝ સમય સાથે બદલાતી રહે છે. દક્ષિણના મુખ્ય દ્વાર અને ટેકનિકના કેન્દ્રમાં રહેલા હૈદરાબાદમાં જ્યારે તેમણે એક ચૂંટણીરેલીનું સંબોધન કર્યું તો તેમણે બરાક ઓબામાના સ્ટેટમૅન્ટ 'યસ વી કૅન'નો ઉપયોગ કર્યો. ત્યાર બાદ જ્યારે તેમણે દિલ્હીની શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા તો તેમની સામે પ્રબંધન અને વાણિજ્યની ભાષા બોલી હતી."

'મુસ્લિમોનો ભરોસો જીતવામાં નિષ્ફળ મોદી'

ઇમેજ સ્રોત, ROLI BOOKS
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં સાઉથ એશિયા સ્ટડીઝના પ્રમુખ વૉલ્ટર એંડરસનનું માનવું છે કે, "મોદીએ સંઘના સંકીર્ણ સંગઠનની હદની બહાર જઈને મતદાતાઓનું સમર્થન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે દરેક ગામ અને શહેરમાં પ્રભાવશાળી લોકોને મહત્ત્વપૂર્ણ પદો પર નિયુક્ત કર્યા છે, તેમનો ઇતિહાસ ભલે ગમે તેવો રહ્યો હોય. પરંતુ તે છતાં તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે તેમના પક્ષની હિંદુ વિચારધારા પ્રત્યેનો ઝુકાવ નબળો ન પડે. તેમણે ઊંચી જ્ઞાતિના સમર્થનના બેઝને યથાવત્ રાખીને દરેક સામાજિક વર્ગને પોતાની પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કર્યો. પછી તે યાદવરહિત પછાત જાતિના લોકો હોય કે જાટવરહિત અનુસૂચિત જાતિના લોકો."
પરંતુ તેમની આ યોજનામાં મુસ્લિમો અત્યાર સુધી આવી શક્યા નથી. અત્યારે સ્થિતિ એવી છે કે ન તો તેમના મંત્રીમંડળમાં એક પણ મુસ્લિમ છે, ન તેમની પાર્ટીના સંસદીય દળમાં.
અજયસિંહ કહે છે કે કદાચ તેનું કારણ એ પણ છે કે મુસ્લિમોમાં ન માત્ર ભાજપનું સમર્થન કરવાનો ખચકાટ છે, પરંતુ પાર્ટી પ્રત્યે તેમનું વલણ સક્રિય વિરોધનું રહ્યું છે. હાલના દિવસોમાં ભાજપે પછાત મુસ્લિમો સાથે સંપર્ક સાધવા અભિયાન શરૂ કર્યું છે.

નોટબંધી છતાં મેળવી ચૂંટણીમાં જીત
8 નવેમ્બર 2016ના રોજ જે રીતે નરેન્દ્ર મોદીએ અચાનક 500 અને 1000ની નોટ બંધ કરવાની ઘોષણા કરી હતી અને તેની સાથે ઘણા સામાન્ય લોકોએ મુશ્કેલીઓ વેઠવી પડી હતી, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
નોટબંધીની મુશ્કેલીઓ અને તેનાથી આશા પ્રમાણે પરિણામ ન મળ્યાં છતાં ચૂંટણીમાં ભાજપની જીત થઈ. કદાચ તેનું કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક મોદી સામાન્ય જનતાને એ વિશ્વાસ અપાવવામાં સફળ થઈ ગયા કે તેમની આ કાર્યવાહીથી અપેક્ષિત પરિણામ ભલે ન મળ્યાં, પરંતુ તેમના પ્રયાસમાં ખોટ ન હતી.

બૂથ પ્રબંધનની કળામાં મહારત

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી અને અમિત શાહે મળીને બૂથ પ્રબંધનની કળા પર મહારત મેળવી લીધી છે.
વૉલ્ટર એંડરસન લખે છે, "તેનું સૌથી મોટું ઉદાહરણ થોડા સમય પહેલાં યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી છે જ્યાં ભાજપ અને તેમની સહયોગી પક્ષોએ ઍન્ટી ઇનકંબેસી છતાં 402માંથી 273 સીટ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી."
"ઉત્તર પ્રદેશની યોગી સરકાર વિરુદ્ધ કોવિડનો ફેલાવો, ખેડૂત આંદોલન અને બેરોજગારી જેવા ઘણા મુદ્દા કામ કરી રહ્યા હતા. વિપક્ષના તીખા પ્રચાર છતાં પાર્ટી ફરી સત્તા પર આવી અને તે દર્શાવે છે કે મોદી અને શાહની જોડી ચૂંટણીમાં માઇક્રો પ્રબંધનમાં માહેર થઈ ચૂકી છે. તેમનો બધો ભાર એ વાત પર છે કે તેમના વધુમાં વધુ મતદાતા ચૂંટણીના બૂથ સુધી પહોંચે."
મોદીએ તેના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં લખ્યું હતું, "મારા માટે સૌથી વધારે જરૂરી છે બૂથ જીતવું. જો અમે એવું કરી શકીએ છીએ તો દુનિયાની કોઈ શક્તિ અમને ચૂંટણી જીતવાથી રોકી શકતી નથી."
કર્ણાટકમાં ભાજપના મહાસચિવ એન રવિકુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "દસ વર્ષ પહેલાં કોઈને બૂથ સ્તરના કાર્યકર્તાની ચિંતા ન હતી. પાર્ટીમાં માત્ર ધારાસભ્ય, સાંસદ કે જિલ્લા પંચાયત અધ્યક્ષને જ માન હતું. કર્ણાટકમાં હાલ 58 હજાર બૂથ છે. આ રીતે અમારી પાસે 58 હજાર બૂથ અધ્યક્ષ છે."
"અમારી પાસે દરેક બૂથ પર બે સચિવ છે. આ રીતે આખા પ્રદેશમાં સચિવોની સંખ્યા એક લાખ 16 હજાર છે. દરેક બૂથ પર 13 સભ્યોની સમિતિ અલગથી બનાવવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે આખા પ્રદેશમાં સાત લાખ 54 હજાર લોકો બૂથસ્તરે પાર્ટી માટે કામ કરી રહ્યા છે. "

મીડિયાને દબાવવાની ફરિયાદો

ઇમેજ સ્રોત, Getty Images
બધાં કામ છતાં મોદી સરકાર ઘણી વખત એટલા માટે ખરાબ બની જાય છે કેમ કે તેમની સરકારે ચારે તરફ ભયનો માહોલ બનાવી રાખ્યો છે અને સરકારની વિભિન્ન એજન્સીઓને રાજકીય ઉદ્દેશ માટે વાપરવામાં આવે છે.
મીડિયાને પણ દબાવવાની ઘણી ફરિયાદો મળી છે પરંતુ જાણીતા પત્રકાર વીર સંઘવીનું માનવું છે કે "આવી ચીજો ભારતમાં પહેલી વખત નથી થઈ. આ પહેલાં પણ સરકારોએ રાજકીય કારણોસર એજન્સીઓને પોતાના રાજકીય વિરોધીઓ વિરુદ્ધ વાપરી છે. રાજીવ ગાંધીના સમયે ઇન્ડિયન એક્સપ્રેસ વિરુદ્ધ કેસો ખોલવામાં આવ્યા અને અટલ બિહારી વાજપેયીના સમયમાં તેમની વિરુદ્ધ લખનારી પત્રિકા 'આઉટલૂક'ના માલિકોની ઑફિસ પર રેડ પાડવામાં આવી હતી."
દુનિયાના ઘણા નેતાઓ સાથે મોદીના સંબંધ ખૂબ સારા છે પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રેસ અને સંચાર માધ્યમોમાં મોદી પોતાની આદર્શ છબિ રજૂ કરવામાં સફળ રહ્યા નથી. ટાઇમ પત્રિકાએ તેમને 'ઇન્ડિયાઝ ડિવાઇડર ઇન ચીફ' ગણાવતાં મથાળા સાથે લેખ પ્રકાશિત કર્યો હતો. અને ન્યૂયૉર્ક ટાઇમ્સ, ગાર્ડિયન, ઇકૉનૉમિસ્ટ અને ગ્લોબલ ટાઇમ્સની ઘણી હેડલાઇન્સ પણ ઘણી વખત આવી વાતો દર્શાવે છે. હાલ જ જર્મન વિદેશમંત્રીએ ભારતમાં પ્રજાતાંત્રિક મૂલ્યોના હનન મામલાની ટીકા કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












