ગાંધી પરિવારનો કૉંગ્રેસમાં દબદબો ઘટી ગયો છે?

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના સમર્થકોએ છેલ્લા બે દિવસમાં જે કર્યું એ પછી એ સવાલ ઊભો થયો છે કે શું કૉંગ્રેસમાં ગાંધી પરિવારનું વર્ચસ્વ ઘટી ગયું છે?
    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના સમર્થકોએ છેલ્લા બે દિવસમાં જે કર્યું એ પછી એ સવાલ ઊભો થયો છે કે શું કૉંગ્રેસમાં ગાંધી પરિવારનું વર્ચસ્વ ઘટી ગયું છે?

બે વર્ષ પહેલાં રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકારને ભાજપના કથિત 'ઑપરેશન લૉટસ'થી બચાવનાર અશોક ગેહલોતના જૂથે જયપુરમાં નિર્ધારિત કાર્યક્રમને બદલે બેઠક યોજીને પાર્ટી પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને દિલ્હીથી પ્રમુખ સોનિયા ગાંધીએ મોકલેલી ટીમને ધારાસભ્યોને મળ્યા વિના પરત ફરવું પડ્યું હતું.

જયપુર પ્રકરણ વિશે કોણ શું કહેશે, તે એના પર નિર્ભર છે કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો.

કૉંગ્રેસના લોકો આ પાર્ટીના મૂળમાં લોકશાહી હોવાનું કહીને અતિશયોક્તિ કરવાનો પ્રયાસ કરશે, ગેહલોત છાવણી એવી દલીલ કરશે કે તે કેટલાક લોકોએ ફેલાવેલું જાળું છે જેઓ તેમને પ્રમુખપદે જોવા માગતા નથી. તો ભાજપ કટાક્ષ સાથે કહેશે કે રાહુલ પહેલાં પોતાનું ઘર બચાવે પછી ભારતને જોડવા નીકળે.

પરંતુ રાજનીતિ પર ઝીણવટભરી નજર રાખનારાઓ માને છે કે કૉંગ્રેસ હાઈકમાન્ડનો પ્રભાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી ધીમેધીમે ઘટી રહ્યો છે. હા, આજકાલ તેમની ઉપેક્ષા વારંવાર ખુલ્લેઆમ થઈ રહી છે.

રાજકીય વિશ્લેષક અને લેખક રશીદ કિદવાઈ કહે છે, "એ યાદ રાખવુ રહ્યું કે આપણે રાજનીતિ અને રાજનીતિજ્ઞો સાથે કામ પાડીએ છીએ, જ્યાં તમે કેટલી મોટી ચૂંટણી જીતી શકો તેના પર તમારી સત્તા નિર્ભર છે."

"જો પાર્ટીમાં નરેન્દ્ર મોદીની જેમ પાર્ટીને વિજય રથ પર બેસાડવાની ક્ષમતા હોય તો તમે ચૂંટણી હારેલા પુષ્કરસિંહ ધામીને પણ મુખ્ય મંત્રી બનાવી શકો."

ભોપાલથી ફોન પર અમારી સાથે વાત કરતાં રશીદ કિદવાઈ કહે છે, "મધ્ય પ્રદેશની લગામ શિવરાજસિંહ ચૌહાણ પાસે જઈ શકે છે, એ હકીકત હોવા છતાં કે જ્યારે ભાજપ રાજ્યની ચૂંટણીમાં પાછળ રહી ગયો ત્યારે તેઓ જ રાજ્યના વડા હતા."

"બિહારમાં માર્ચ 1990માં લાલુપ્રસાદ યાદવની સરકારની રચના પહેલાં નવમી રાજ્ય વિધાનસભામાં 'ચાર મુખ્ય મંત્રી' બેસાડવામાં આવ્યા હતા અને દરેક વખતે થોડા હોબાળા બાદ મામલો 'બધાની સંમતિથી સુલટાવી' દેવાયો હતો, જેના માટે 'કન્સેન્સસ' શબ્દનો ઉપયોગ કૉંગ્રેસના લોકો કરતા હતા."

લાઇન

કૉંગ્રેસમાંથી રાજીનામાં આપનારા મોટા નેતાઓ

લાઇન

ગુલામ નબી આઝાદ - 26 ઑગસ્ટ 2022

કપિલ સિબ્બલ - 25 મે 2022

હાર્દિક પટેલ - 18 મે 2022

સુનીલ જાખડ - 14 મે 2022

આરપીએન સિંહ - 25 જાન્યુઆરી 2022

કૅપ્ટન અમરિંદરસિંહ - 2 નવેમ્બર 2021

જ્યોતિરાદિત્ય સિંધિયા - 10 માર્ચ 2020

લાઇન

સંજોગો બદલાઈ ગયા

રાહુલ ગાંધી અને અશોક ગેહલોત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષની વાત કરીએ તો 23 મોટા નેતાઓએ પાર્ટીના વડાને પત્રો લખીને સંગઠનમાં રહેલી ખામીઓ બતાવી છે

પરંતુ પાછલાં થોડાં વર્ષોથી પરિસ્થિતિ બદલાઈ હોય તેવું લાગે છે. આ વર્ષની વાત કરીએ તો 23 મોટા નેતાઓએ પાર્ટીના વડાને પત્રો લખીને સંગઠનમાં રહેલી ખામીઓ બતાવી છે, તેમાંથી ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે પાર્ટી છોડી દીધી છે, આનંદ શર્માએ પોતાને અલગ કરી દીધા છે.

રાહુલ ગાંધીના આંતરિક વર્તુળમાં મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયા, આરપીએનસિંહ, જિતિનપ્રસાદના કિસ્સા પણ બહુ જૂના નથી.

અંગ્રેજી દૈનિક 'ડેક્કન હેરાલ્ડ'ના ભૂતપૂર્વ સંપાદક કે. સુબ્રમન્યા માને છે કે કોઈ પણ રાજકીય પક્ષ પ્રત્યે આકર્ષણના બે મુખ્ય મુદ્દાઓ હોય છે - વિચારધારા અને સત્તા.

કે. સુબ્રમન્યાના મતે 'કૉંગ્રેસ પાર્ટી કોઈ પણ સ્વરૂપે વિકલ્પ નથી, પાર્ટી અમુક વર્ષોથી સત્તાની બહાર છે અને શું કોઈને ખાતરી છે કે કૉંગ્રેસ 2024માં સત્તામાં પરત ફરી શકશે?'

તેઓ કહે છે, "જે લોકો આજે 60 વર્ષના છે તેઓ વિચારે છે કે જ્યારે 2029 આવશે ત્યારે આપણે 70ના થઈ જઈશું, અથવા જેઓ આજે 70 વર્ષના છે તેઓ વિચારે છે કે આપણે 80ના થઈ જઈશું, તો ત્યારે અમારા વિશે કોણ વિચારશે, અમને કેવી રીતે તક મળશે."

સુબ્રમન્યાએ કહ્યું કે 1990ના દાયકાની શરૂઆતમાં જ્યારે નરસિંહારાવ પાર્ટીના પદ પર હતા ત્યારે આખી પાર્ટી તેમની સાથે અને પછી સીતારામ કેસરી સાથે ઊભી હતી, પરંતુ ત્યાર બાદ 1998ની ચૂંટણીમાં કૉંગ્રેસ સત્તાની નજીક પણ ન આવી. સીતારામ કેસરીને ભૂંડી રીતે બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

કૉંગ્રેસ સાથે નજીકથી કામ કરનાર એક વ્યક્તિનું કહેવું છે કે છેલ્લા બે દિવસમાં પાર્ટીનો જે ફજેતો થયો અને તાજેતરના અન્ય કિસ્સાઓમાં જે સ્થિતિ સર્જાઈ છે તેના માટે તેઓ રાહુલ ગાંધી જવાબદાર છે. તેમના મતે, રાહુલ એક જૂથથી ઘેરાયેલા છે, તેમના દ્વારા જ કામ કરે છે અને પોતાના સાંસદોને પણ સમય આપતા નથી.

અશોક ગહલોત અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અશોક ગેહલોત અને પ્રિયંકા ગાંધી

આ વ્યક્તિએ કહ્યું, "જ્યારે પાર્ટીના જૂના વફાદાર અને વરિષ્ઠ નેતા એ.કે. ઍન્ટની નિવૃત્તિ પછી કેરળ પાછા જઈ રહ્યા હતા, ત્યારે સોનિયા ગાંધીની આ દિવસોમાં તબિયત સારી નથી એ તો સમજ્યા પણ આ ભાઈ-બહેને તેમને વિદાય રાત્રિભોજન આપવાનું પણ યોગ્ય ન માન્યું."

"ટૉમ વડક્કન જેવા લાંબા સમયથી વફાદાર કાર્યકર્તાએ પાર્ટી એ કારણે છોડી દીધી છે કેમ કે રાહુલ ગાંધીએ ઘણી વખત લોકોની સામે ખુલ્લેઆમ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. તે એક સારી વ્યક્તિ હોઈ શકે છે પરંતુ લોકો સાથે કેવી રીતે ભળવું તે જાણતા નથી."

જોકે, રશિદ કિદવાઈ કહે છે કે આ બધી વાતો એટલે પણ બહાર આવી રહી છે કારણ કે સત્તા હજી દૂર છે અને આગળ કોઈ સ્પષ્ટ રસ્તો નથી.

કૉંગ્રેસ અને ભારતીય રાજનીતિ પર અનેક પુસ્તકો લખનાર રશીદ કિદવાઈ કહે છે, "રાહુલ ગાંધી અથવા પ્રિયંકા વિશે જે પ્રકારની વાતો કરવામાં આવી રહી છે, તેમનું વ્યક્તિત્વ કંઈ એક દિવસમાં થોડું એવું થઈ ગયું હશે? તેઓ એવાં જ હતાં પરંતુ હવે એ વાતો બહાર આવી રહી છે."

જયપુર એપિસોડ અંગે રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર ત્રિભુવનનું કહેવું છે કે "કદાચ અશોક ગેહલોતને યોગ્ય રીતે વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને મારા મતે તેમને પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ બનાવી દેવાના હતા, પછી રાજસ્થાનના મુખ્ય મંત્રીનો પ્રશ્ન ઉકેલવો જોઈતો હતો."

ત્રિભુવનના મતે પંજાબ બાદ રાજસ્થાનમાં પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે.

આની બીજી બાજુ બતાવતાં રશીદ કિદવાઈ કહે છે કે જે રાજ્યના મુખ્ય મંત્રીએ પાંચ સભ્યો - મનમોહનસિંહ, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને અન્ય - માટે રાજ્યસભામાં પહોંચવાનો માર્ગ બનાવ્યો હોય, તેમની સાથે કામ લેવામાં સાવચેતી રાખવી જોઈએ.

line

1970થી વળતાં પાણી

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો માને છે કે કૉંગ્રેસનું સંગઠનાત્મક માળખું 1970ના દાયકાથી નબળું પડવાનું શરૂ થયું હતું

સુબ્રમન્યા કહે છે કે કૉંગ્રેસનું સંગઠનાત્મક માળખું 1970ના દાયકાથી નબળું પડવાનું શરૂ થયું હતું, જ્યારે ઇમર્જન્સીની આસપાસથી વિચારધારા અને પ્રભાવથી ઉપર ઇંદિરા ગાંધી પ્રત્યેની વફાદારીને જોવામાં આવતી હતી, ત્યારથી સગાં-સંબંધીઓને પ્રાથમિકતા મળવા લાગી હતી અને ત્યાર પછી પણ કૉંગ્રેસને સત્તા મળતી હતી એટલે લોકો તેમની નજીક આવતા થયા.

નીચલા સ્તરે - ગ્રામપંચાયત, બ્લૉક, જિલ્લા સ્તરે જે નબળાઈ ઘૂસી ગઈ હતી તે પછી ધીમેધીમે ઉપર તરફ આગળ વધવા લાગી અને હવે સંપૂર્ણપણે ફેલાઈ ગઈ છે.

તેઓ કહે છે, "સોનિયા ગાંધી એકદમ નાદુરસ્ત છે, રાહુલ ગાંધીને સત્તા મળે તેવું લાગતું નથી અને ઉત્તર પ્રદેશના મતદારોમાં પ્રિયંકા ગાંધીનો પ્રભાવ માપી લેવાયો છે."

સુબ્રમન્યા કહે છે કે કૉંગ્રેસનું દરબાર કલ્ચર ધીમેધીમે ભાજપમાં પણ દેખાવા લાગ્યું છે, ફરક માત્ર એટલો જ છે કે તેની પાસે ઑડિયોલૉજિકલ માઇન્ડર આરએસએસ છે. એટલે કે એક સંગઠન જે જુએ છે કે પાર્ટી તેની વિચારધારાને અનુસરે છે કે નહીં.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જાણીતા ટીવી એન્કર અને લેખક રાજદીપ સરદેસાઈએ તેમના એક ટ્વીટમાં લખ્યું છે - "બે હાઈકમાન્ડની વાર્તા - કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે સંઘર્ષ કરી રહી છે, અહીં બીજેપી બીજી વખત જેપી નડ્ડાને 'પસંદ' કરવા જઈ રહી છે. જે દિલ્હીની સત્તામાં છે તે હાઈકમાન્ડ છે, જ્યારે વિપક્ષમાં હોય તો ન તો હાઈ છે કે ન તો કમાન્ડ."

કદાચ આ જ આખી કહાણીનો સાર છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન