ભારત જોડો યાત્રા : પાછી પડી રહેલી કૉંગ્રેસને રાહુલ ગાંધી કેટલી બેઠી કરી શકશે?

- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના દક્ષિણ કાંઠે વસેલા કન્યાકુમારીમાં ત્રિવેણી સંગમ એ સ્થળ છે જ્યાં હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીનું મિલન થાય છે.
7 સપ્ટેમ્બરના રોજ જ્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ ત્રિવેણી સંગમ પાસે 150 દિવસ ચાલનારી "ભારત જોડો યાત્રા"નો આરંભ કર્યો તો તેમની અને કૉંગ્રેસ પાર્ટીની આશા એ જ હશે કે આગામી પાંચ મહિનામાં તેઓ પોતાની પાર્ટીના વિચારો અને ભારતની સામાન્ય જનતાના વિચારોનું સંગમ કરાવવામાં સફળ થશે.
એવું થાય છે કે નહીં તે તો આગામી સમય જણાવશે. પરંતુ કન્યાકુમારીમાં "ભારત જોડો યાત્રા" શરૂ થવાના એક દિવસ પહેલાંના માહોલની વાત કરવામાં આવે તો એ સ્પષ્ટ છે કે કૉંગ્રેસ પાર્ટીને પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે ખૂબ મહેનતની જરૂર પડશે.

શું છે કૉંગ્રેસનું ભારત જોડો અભિયાન

- 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ કરી કૉંગ્રેસની ભારત જોડો યાત્રા
- આ યાત્રા દરમિયાન 3,570 કિલોમિટરની યાત્રા કરવામાં આવશે
- 150 દિવસોમાં આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે
- જે વિસ્તારોમાંથી આ યાત્રા પસાર નહીં થાય ત્યાં સહાયક યાત્રાઓ કાઢવામાં આવશે
- આ દરમિયાન દરેક રાજ્યોમાં ખાસ કાર્યક્રમ આયોજિત કરવાની યોજના છે
- આ યાત્રા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ખતમ થશે
- કૉંગ્રેસનો દાવો છે કે આ યાત્રાની મદદથી તે વધતી મોંઘવારી અને સામાજિક ધ્રુવીકરણ જેવા મુદ્દા પર સામાન્ય લોકો વચ્ચે ચર્ચા કરવાનો પ્રયાસ કરશે

'રાહુલ ગાંધી આવી રહ્યા છે, ખબર નહીં કેમ?'

મંગળવારના રોજ 6 સપ્ટેમ્બરે અમે કન્યાકુમારીમાં રહેતા લોકો પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ "ભારત જોડો યાત્રા" વિશે શું વિચારે છે. તેમાંથી ઘણા લોકોએ કહ્યું કે તેઓ એટલું જાણે છે કે બુધવારના રોજ રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચી રહ્યા છે પરંતુ તેના કરતાં વધારે માહિતી તેમની પાસે નથી. આ જવાબને સમજવો વધારે અઘરો ન હતો કેમ કે આટલા મોટા આયોજનમાં એક દિવસ પહેલાં પણ કન્યાકુમારીમાં એવું કંઈ થતું જોવા ન મળ્યું જેનાથી લાગે કે કોઈ મહત્ત્વપૂર્ણ ઘટના થવાની છે.
"ભારત જોડો યાત્રા"ની ઘોષણા કરતા એક-બે પોસ્ટર અને બેનર જ જોવા મળી રહ્યા હતા. આ આયોજનથી જોડાયેલા ઝંડા પણ માત્ર ત્યાં જ જોવા મળ્યા જ્યાં રાહુલ ગાંધીનું હેલિકૉપ્ટર ઊતરવા માટે હેલિપૅડ બનાવવામાં આવ્યું છે.
સાંજ થતાં થતાં અંતે વિવેકાનંદ સ્મારકથી થોડે દૂર એક ગાડીમાં કેટલાક યુવા કૉંગ્રેસ કાર્યકર્તા પહોંચ્યા અને એક સંગીતમય નુક્કડ નાટકના માધ્યમથી આ યાત્રા સાથે જોડાયેલો સંદેશ તેઓ લોકોને આપવા લાગ્યા. આ જ એ સમય હતો જ્યારે કૉંગ્રેસના કેટલાક સ્થાનિક નેતા પણ આ વિસ્તારમાં જોવા મળ્યા. પરંતુ યાત્રા વિશે લોકોમાં જાણકારીનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.
ત્રિવેણી સંગમથી થોડે દૂર ચાની દુકાન ચલાવતા વૈરમુથુએ કહ્યું, "એટલું જ સાંભળ્યું છે કે રાહુલ ગાંધી આવી રહ્યા છે. હું નથી જાણતો કે તેઓ શા માટે આવી રહ્યા છે."

અમે તેમને પૂછ્યું કે શું તેઓ જાણે છે કે રાહુલ ગાંધી ત્યાં શા માટે આવી રહ્યા છે? તેના જવાબમાં વૈરમુથુએ હસીને નકારમાં માથું હલાવી દીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સી ચલાવનારા મહેશ પિલ્લઈએ કહ્યું કે કન્યાકુમારીમાં લોકલ ટીવી પર સમાચારોમાં આ વાતની ચર્ચાની જરૂર છે કે અહીંથી "ભારત જોડો યાત્રા" શરૂ થવા જઈ રહી છે પરંતુ જમીન પર વધારે હરકત થતી જોવા મળી રહી નથી.
તેઓ કહે છે, "છતાં મને લાગે છે કે આ યાત્રા સફળ થશે. જરૂર માત્ર એ વાતની છે કે કૉંગ્રેસના યુવા અને વધુ નવા ચહેરા પાર્ટીમાં આવે."
મહેશ પિલ્લઈ એમ પણ કહે છે કે દક્ષિણ ભારતમાં ધર્મના નામ પર લોકો વચ્ચે કોઈ ખાસ મતભેદ નથી અને એ જ કારણોસર કૉંગ્રેસ પાર્ટી પાસે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવાનો સારો મોકો છે.

'આ યાત્રા ભારતને બદલી દેશે'

ત્રિવેણી સંગમ પર ઇન્સ્ટન્ટ ફોટોગ્રાફીનું કામ કરતા જગદીશન એ વાતથી ખુશ જોવા મળ્યા કે કૉંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરવા માટે કન્યાકુમારીને પસંદ કર્યું.
તેઓ કહે છે, "આ યાત્રા ભારતને બદલી દેશે. હું ખૂબ ખુશ છું કે રાહુલ ગાંધી અહીં આવી રહ્યા છે. ઇતિહાસમાં જઈને જોઈએ તો ખબર પડશે કે જે પણ નેતા અહીં આવે છે તે એક દિવસ રાજા બને છે. રાહુલ ગાંધી સાથે પણ એવું જ થશે."
આ જ પ્રકારની ભાવનાની ઝલક કન્યાકુમારીમાં અલગ અલગ સ્થળે લાગેલા કેટલાક પોસ્ટરો પર પણ જોવા મળી જ્યાં રાહુલ ગાંધીની તસવીર સાથે 'નેક્સ્ટ પીએમ' એટલે કે આગામી વડા પ્રધાન, એમ છપાયેલું હતું. મધ્ય પ્રદેશના ટીકમગઢથી ભારત જોડો યાત્રામાં ભાગ લેવા આવેલા અશોક જૈન કહે છે, "દેશમાં જે નફરત, ભય અને આતંકનો માહોલ બનેલો છે તેને દૂર કરવા માટે, સામાન્ય લોકોની સેવા કરવા માટે, બેરોજગારી અને મોંઘવારી દૂર કરવા માટે અને કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર સ્થાપિત કરવા માટે અમે લોકો આ યાત્રામાં સામેલ થવા આવ્યા છીએ."
યુવા કૉંગ્રેસના કાર્યકર્તા અરુણોદયસિંહ પરમાર પણ આ યાત્રામાં ભાગ લેવા માટે કન્યાકુમારી પહોંચ્યા છે. તેઓ પૈસાદાર અને ગરીબો વચ્ચે વધતાં અંતર, દેશ પર બેરોજગારીની માર, મોંઘવારીથી પરેશાન જનતા, ખેડૂતોની આત્મહત્યા અને નફરતની રાજનીતિ કરીને સત્તામાં રહેવા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે.
તેઓ કહે છે, "આ યાત્રાના માધ્યમથી આ દેશને જોડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને જનતા પાસે આહ્વાન કરીશું કે નફરત સાથે સંબંધ તોડો, આવો મળીને ભારત જોડો."

શું છે ભારત જોડો યાત્રા?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કન્યાકુમારીથી શરૂ થઈને આ યાત્રા 3,570 કિલોમિટરનું અંતર નક્કી કરીને 150 દિવસ બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થશે. આ દરમિયાન આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે.
આ યાત્રા તિરુવનંતપુરમ, કોચી, નીલાંબુર, મૈસુરુ, બેલ્લારી, રાયચૂર, વિકારાબાદ, નાંદેડ, જલગાંવ, જામોદ, ઇંદૌર, કોટા, દૌસા, અલવર, બુલંદશહર, દિલ્હી, અમ્બાલા, પઠાનકોટ અને જમ્મુમાંથી પસાર થશે.
કૉંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે જે વિસ્તારોમાંથી આ યાત્રા પસાર નહીં થાય ત્યાં સહાયક યાત્રાઓ કાઢવાની યોજના છે.
કૉંગ્રેસનો દાવો છે કે ભારતના દરેક રાજ્યમાં આ યાત્રા સાથે જોડાયેલો કોઈને કોઈ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.
ભારત જોડો યાત્રાની ટૅગલાઇન છે 'મિલે કદમ, જુડે વતન'. કૉંગ્રેસે આ યાત્રા સાથે જોડાયેલું એક ગીત પણ રિલીઝ કર્યું છે જેના બોલ છે "ઇક તેરા કદમ, ઇક મેરા કદમ, મિલ જાએ તો જુડ જાએ અપના વતન."
પાર્ટીનું કહેવું છે કે આ યાત્રાનો ઉદ્દેશ અન્યાય વિરુદ્ધ લડાઈ, ભેદભાવ વિરુદ્ધ ઊભા થવું અને જુલમ વિરુદ્ધ એક થવાનું છે.
પાર્ટીનું કહેવું છે કે આ યાત્રાના માધ્યમથી તેઓ દેશમાં વધી રહેલી આર્થિક મુશ્કેલીઓ, સામાજિક ધ્રુવીકરણ, અને રાજકીય કેન્દ્રીયકરણને ઉજાગર કરીને તેના પર સામાન્ય લોકો સાથે ચર્ચા કરવા માગે છે.

કૉંગ્રેસના નેતાઓનું શું કહેવું છે?

રાહુલ ગાંધીનું કહેવું છે કે આ યાત્રાની જરૂર એટલે પડી કેમ કે વિપક્ષની સામે બીજો કોઈ રસ્તો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, "અમારે સીધું જનતાની વચ્ચે જવું પડશે. મીડિયા અમારી નથી, સંસદમાં અમે બોલી શકતા નથી. તો હવે કૉંગ્રેસ પાર્ટી અને બાકી વિપક્ષ પાસે એક જ રસ્તો છે કે તે જનતા વચ્ચે જઈને તેમને દેશની વાસ્તવિકતા જણાવે. આપણું જે બંધારણ છે, જે આ દેશનો આત્મા છે, આજે તેને બચાવવાનું કામ દરેક ભારતીય નાગરિકે કરવું પડશે. કેમ કે જો આપણે તે ન કર્યું, જો આજે આપણે ઊભા ન થયા, તો આ દેશ નહીં બચે."
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે છેલ્લાં આઠ વર્ષોથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને નબળું પાડવાનું કામ કર્યું છે.
તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટી દેશને જોડે છે. અમે નફરત મિટાવીએ છીએ. અને જ્યારે નફરત મટીને ડર ઓછો થઈ જાય છે તો ભારત ઝડપથી આગળ વધે છે. કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા જ દેશને બચાવી શકે છે."
આ વિષય પર એક વીડિયો સંદેશમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, "આજે ભારત જોડો યાત્રાની જરૂર શું છે? શું આ દેશ એક નથી? તમે શું જોડી રહ્યા છો? તેનો જવાબ એ છે કે તમારા જેવા કરોડો દેશવાસી મહેનત કરી રહ્યા છે. કોઈ પોતાના ઘરમાં કરી રહ્યું છે, કોઈ ખેતીમાં કરી રહ્યું છે, કોઈ મજૂરી કરી રહ્યું છે, કોઈ ફેકટરીમાં કામ કરી રહ્યું છે, કોઈ સરકારી નોકરી કરી રહ્યું છે, બધા મહેનત કરી રહ્યા છે. અને મહેનત કરતા આ દેશને આગળ વધારવા માગે છે. પરંતુ જે રાજકીય ચર્ચા થઈ રહી છે તે તમારા સવાલો પર થઈ રહી નથી. જે સમસ્યાઓથી, જે સંઘર્ષો સામે તમે લડી રહ્યા છો, તેમના વિશે ચર્ચા થઈ રહી નથી. આજે ચર્ચા એક અલગ પ્રકારની થઈ રહી છે."

ઇમેજ સ્રોત, @INCINDIA
પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે આજે રાજકારણ નકારાત્મક બની ગયું છે અને આ યાત્રાના માધ્યમથી તેમની પાર્ટી એ અવાજોને જોડીને એક મજબૂત અવાજ બનાવવા માગે છે જે જનતાની સમસ્યાઓની વાત કરે.
તેઓ કહે છે, "જે અસલી ચર્ચા છે તે થવી જોઈએ. આટલી મોંઘવારી શા માટે? બેરોજગારી શા માટે છે?"
કૉંગ્રેસના નેતા સચીન પાયલટ કહે છે, "દેશમાં ભયંકર બેરોજગારી છે, મોંઘવારી છે, અર્થવ્યવસ્થા નબળી પડી ગઈ છે. પરસ્પર દ્વેષની ભાવના ફેલાયેલી છે, તેને હરાવવા માટે સશક્ત સંગઠનની જરૂર છે. આ એ જ દિશામાં છે. દેશના જે તમામ અમારા સમુદાયો છે, ધર્મ, જાતિ, ભાષાઓ... તે બધાને માળામાં પરોવવાનું કામ આ ભારત જોડો યાત્રાના માધ્યમથી અમે કરવા માગીએ છીએ."
તેઓ કહે છે, "છેલ્લાં છ-સાત વર્ષોમાં જે મંદિર, મસ્જિદ, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી...પરસ્પર જે દ્વેષ થયો છે, ટકરાવ ઊભો થયો છે, એકબીજા પ્રત્યે જે દુર્ભાવના ઊભી થઈ છે. એ દુર્ભાવનાનું સંચાલન કરતી જે શક્તિઓ છે તેમની વિરુદ્ધ આપણે મુખર થવું પડશે."

ઇમેજ સ્રોત, Getty Images
સચીન પાયલટનું કહેવું છે કે દેશમાં આ સંદેશ આપવાની જરૂર છે કે "આપણે અલગ અલગ પૃષ્ઠભૂમિના લોકો હોઈ શકીએ. અલગ અલગ આપણી વેશભૂષા છે, ભાષાઓ છે, આપણી ભાવનાઓ અલગ હોઈ શકે છે, ધાર્મિક આસ્થા અલગ હોઈ શકે છે પરંતુ આ 130 કરોડના દેશને એક રાખવા માટે જે ભાઈચારો, એકબીજા પ્રત્યે પ્રેમની ભાવના છે એ ક્યાંક આપણે ગુમાવી ન દઈએ. એ આપણી સૌથી મોટી ધરોહર છે."
કૉંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ભાજપ પર નિશાન સાધતાં કહે છે, "ભાજપ તમામ સમુદાયો વચ્ચે ધાર્મિક ઘૃણા અને શત્રુતા ઊભાં કરી રહ્યો છે. ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા જનતાની ઉશ્કેરણીનું કામ માત્ર ચૂંટણી જીતવા અને સત્તા પ્રાપ્ત કરવા માટે થઈ રહ્યું છે. આજે ભાજપની સાંપ્રદાયિક નીતિથી દેશની એકતા અને અખંડિતતાને ખતરો ઉત્પન્ન થયો છે. આરએસએસ અને ભાજપના પૂર્વજોએ પણ ક્યારેય દાંડી માર્ચમાં ભાગ લીધો નથી. એટલે એ વાત તેમને સમજાતી નથી કે દેશને એક કેવી રીતે રાખી શકાય છે."
કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશ કહે છે, "ભારત જોડો યાત્રા કોઈ પ્રકારની 'મન કી બાત' નથી. ભારત જોડો યાત્રા જનતાની ચિંતા છે. જનતા જે ચિંતા વ્યક્ત કરી રહી છે, જનતા જે માગ કરી રહી છે, તેને દિલ્હી સુધી પહોંચાડવી એ ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ છે. ભાષણ નહીં હોય. લાંબા લાંબ પ્રવચન નહીં હોય. નાટકબાજી નહીં હોય. ટેલિપ્રોમ્પ્ટર નહીં હોય. અમે સુનાવણીના મોડમાં જઈ રહ્યા છીએ. ભાષણ આપવા નહીં. અમે સાંભળવા જઈ રહ્યા છીએ."

શું કહે છે ભાજપ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ભારત જોડો યાત્રાની મજાક ઉડાવતાં ભાજપ તેને 'ગાંધી પરિવાર બચાઓ આંદોલન' ગણાવી ચૂકી છે.
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ પ્રોફેસર રાકેશ સિંહા કહે છે કે કોઈ યાત્રા ત્યારે સારી હોય છે જ્યારે એ જોવામાં આવે કે યાત્રાની પૃષ્ઠભૂમિ શું છે.
તેઓ કહે છે, "રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં કાશ્મીરને અલગ કરનારા લોકોનો સાથ આપ્યો જેને ટુકડે-ટુકડે ગૅંગના રૂપમાં દેશે જોયા છે. જ્યારે પણ અલગતાવાદીની વાત હોય છે અને કાશ્મીરના ભારત સાથે એકીકરણની વાત હોય છે કે આર્ટિકલ 370 હઠાવવાની વાત હોય છે, એ બધી પરિસ્થિતિઓમાં રાહુલ ગાંધી એ શક્તિઓ સાથે ઊભા થયા જે શક્તિઓ ભારતને જોડવા નહીં તોડવા માગે છે."
પ્રોફેસર રાકેશ સિંહા કહે છે કે વિદેશમાં જઈને રાહુલ ગાંધી એ શક્તિઓનું સમર્થન કરતા રહ્યા છે જે બહારથી ભારતની અંદર અલગતાવાદી શક્તિઓને પ્રોત્સાહન આપે છે.
"એટલે તેમનું ભારત જોડવું એક પ્રકારની છેતરપિંડી છે. તેનો જનતા પર કોઈ પ્રભાવ નહીં પડે."
તેમના પ્રમાણે કૉંગ્રેસ રાષ્ટ્રીય મુદ્દાઓને પક્ષીય મુદ્દા બનાવીને જોતી રહી છે અને પાર્ટીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત કરવામાં આવેલી તિરંગા યાત્રામાં સામેલ ન થઈને પોતાની વિશ્વસનીયતા ખરાબ કરી છે.
ભાજપ પર કૉંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ધ્રુવીકરણના આરોપો પર તેઓ કહે છે, "રાહુલ ગાંધી જ્યારે મુસ્લિમ તુષ્ટીકરણની વાત કરે છે તો શું તે ધ્રુવીકરણ નથી? કલમ 370 હઠાવવી દેશને તોડવું છે કે જોડવું, એ પહેલાં રાહુલ ગાંધી જણાવી દે."
તેઓ કહે છે, "કૉંગ્રેસની ડિક્શનરીમાં ભારત જોડો ત્યારે હોય છે જ્યારે તે સત્તામાં હોય છે અને ભારત તોડો ત્યારે હોય છે જ્યારે તે સત્તાની બહાર હોય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













