2024ની ચૂંટણીમાં મોદીને ટક્કર આપવા અરવિંદ કેજરીવાલ કેટલા તૈયાર છે?

મોદી અને કેજરીવાલ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, મોદી અને કેજરીવાલ
    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન

સંક્ષિપ્તમાં: 2024ની ચૂંટણીમાં મોદીને ટક્કર આપવા અરવિંદ કેજરીવાલ કેટલા તૈયાર છે?

લાઇન
  • 2024માં અરવિંદ કેજરીવાલ ફરી એકવાર નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા જોવા મળી શકે છે
  • ટોચના AAP નેતાઓ કહી રહ્યા છે - 'પહેલાં એવું કહેવાતું હતું કે મોદી સામે કોણ... હવે કહેવામાં આવી રહ્યું છે - મોદી સામે કેજરીવાલ.'
  • મોદી સાથે ગુજરાત મોડેલ હતું, જે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમો, વ્યાપારી નીતિઓ અને પ્રચારની તાકાત પર ઊભું કર્યું હતું
  • કેજરીવાલ પણ ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તાજેતરમાં પંજાબમાં તેમની પાર્ટીની જીત થઈ છે
  • કેજરીવાલ ગંભીરતાથી આગળ વધવાનું ચાલુ રાખશે, તો તેમને મોદીની સમકક્ષ સ્થાન મેળવવામાં 15 વર્ષનો સમય લાગશે
  • કેજરીવાલ નવી રાજકીય શક્તિ ઊભી કરી રહ્યા છે અને તેમાં સમય લાગે છે
  • આમ આદમી પાર્ટી જે પહેલાં 1થી 1.5 ટકાના દરે વૃદ્ધિ પામતી હતી તે હવે રાષ્ટ્રીય સ્તરે 6.5થી આઠ ટકાના દરે વૃદ્ધિ પામી રહી છે
  • એમાં કોઈ શંકા નથી કે જેના આધારે ભાજપ દેશભરમાં ચૂંટણી જીતી રહ્યું છે એવા સંસાધનો અને સંગઠન આમ આદમી પાર્ટી પાસે નથી
  • કેજરીવાલે કોઈ નવું સૂત્ર લઈને આવવું હોય તો દિલ્હી કે પંજાબમાં કંઈક નવું આપવું પડશે જે લોકોને આકર્ષી શકે
લાઇન

વર્ષ 2014ની વાત છે, સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલો પર બે નેતાઓની ચર્ચા હતી. નામ હતા નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ.

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ગુજરાતના સીએમ બન્યા બાદ 2014ની લોકસભાની ચૂંટણી જીતવા માટે આગળ વધી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે ત્રણ વખતનાં મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવીને દિલ્હીના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચી દીધો હતો.

ભારતની વર્તમાન રાજનીતિના આ બે મહત્ત્વનાં પાત્રોની ટક્કર વારાણસીની ચૂંટણીમાં થઈ હતી જ્યાં અરવિંદ કેજરીવાલને કારમો પરાજય મળ્યો હતો.

આનાં બરાબર દસ વર્ષ પછી 2024માં અરવિંદ કેજરીવાલ ફરી એકવાર નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે. મોદીના મિશન 2014ની જેમ તેમણે ભારતને ફરી એકવાર મહાન બનાવવાનું મિશન હાથ ધર્યું છે.

કેજરીવાલે કહ્યું છે કે 'જ્યાં સુધી ભારત વિશ્વનો નંબર 1 દેશ નહીં બને ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં. હું દેશના ખૂણે ખૂણે જઈશ અને દેશના 130 કરોડ લોકોનું ગઠબંધન બનાવીશ.'

મોદીની જેમ પાછલી સરકારોની ટીકા કરતા તેમણે કહ્યું છે કે 'જો આપણે આ પક્ષો અને આ નેતાઓના ભરોસે દેશ છોડીશું તો આગામી 75 વર્ષ સુધી દેશની પ્રગતિ નહીં થાય. 130 કરોડ લોકોએ એકસાથે આવવું પડશે.'

એટલું જ નહીં, મનીષ સિસોદિયાથી લઈને રાઘવ ચઢ્ઢા અને સંજયસિંહ સુધીના ટોચના AAP નેતાઓ કહી રહ્યા છે - 'પહેલાં એવું કહેવાતું હતું કે મોદી સામે કોણ... હવે કહેવામાં આવી રહ્યું છે - મોદી સામે કેજરીવાલ.'

પરંતુ સવાલ એ થાય છે કે આમ આદમી પાર્ટીના આ દાવો કેટલો નક્કર છે.

line

સંખ્યામાં કોણ મજબૂત?

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તાજેતરમાં પંજાબમાં તેમની પાર્ટીની જીત થઈ છે

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તાજેતરમાં પંજાબમાં તેમની પાર્ટીની જીત થઈ છે

નરેન્દ્ર મોદીએ 2014માં જ્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં પગ મૂક્યો ત્યારે તેમની પાસે ત્રણ વખત મુખ્ય મંત્રી બનવાનો અનુભવ હતો.

તેમની પાસે ગુજરાત મૉડલ હતું, જે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમો, વ્યાપારી નીતિઓ અને પ્રચારની તાકાત પર ઊભું કર્યું હતું.

એ બિન-રાજકીય કાર્યક્રમોમાં મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેતા હતા.

આવી સ્થિતિમાં, જ્યારે મોદીએ 2014માં વડા પ્રધાન પદ માટે દાવેદારી નોંધાવી ત્યારે તેમની પાસે હિન્દુ હૃદય સમ્રાટની છબી હતી, વિકાસનું મૉડલ હતું અને સતત ત્રણ વખત ગુજરાતની ચૂંટણી જીતવાનો રેકૉર્ડ હતો.

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તાજેતરમાં પંજાબમાં તેમની પાર્ટીની જીત થઈ છે.

દિલ્હીની શાળાઓ અને હૉસ્પિટલોની સ્થિતિ સુધારવા માટે તેમને શ્રેય આપવામાં આવે છે.

પરંતુ શું તેઓ આ રાજકીય અનુભવ અને દિલ્હી મૉડલના આધારે 2024ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે તેમ છે?

રાષ્ટ્રીય રાજનીતિની બારીકીઓ સમજતાં વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી અરવિંદ કેજરીવાલના પ્રયાસોને ગંભીર માને છે.

નીરજા ચૌધરી કહે છે, "આજે જો કોઈ ભાજપને પડકાર ફેંકી શકે તેમ હોય તો તે અરવિંદ કેજરીવાલ છે. મમતા બેનર્જીમાં હવે એટલો ઉત્સાહ નથી દેખાતો અને ભાજપ કૉંગ્રેસને ગંભીરતાથી લેતી નથી. સાથે તેઓ (ભાજપ) પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માગે છે. કેજરીવાલ આગળ વધી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ તે 2024માં મોદીને ટક્કર આપી શકશે એવો તો પ્રશ્ન જ ઉભો નથી થતો."

line

આમ આદમી પાર્ટીનો ગ્રાફ

રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઉંચકાઈ રહ્યો છે

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઉંચકાઈ રહ્યો છે

જોકે, નીરજા ચૌધરી માને છે કે અરવિંદ કેજરીવાલ રાજકીય રીતે ઘણા પરિપક્વ નેતા છે.

નીરજા ચૌધરી કહે છે, "જો તે ગંભીરતાથી આગળ વધવાનું ચાલુ રાખશે, તો તેમને તે મેળવવામાં 15 વર્ષનો સમય લાગશે. તેનું કારણ એ છે કે તે એક નવી રાજકીય શક્તિ ઊભી કરી રહ્યા છે. તેમાં સમય લાગે છે."

"જોકે તેઓ રાજકીય રીતે પરિપક્વ છે. તેઓ દેશની નાડી જાણે છે. તેઓ જાણે છે કે સૅક્યુલર બની રહેવાની જૂની વ્યાખ્યા હવે ચાલવાની નથી."

"આવી સ્થિતિમાં તેઓ પોતાની ઇમેજ મુસ્લિમ વિરોધી ન હોય એવા એક હિન્દુ-તરફી નેતા તરીકેની બનાવવા માગે છે. રાહુલ ગાંધી જેવા અન્ય પક્ષોના નેતાઓ ક્યારેક-ક્યારેક મંદિરે જાય છે તેનાથી કોઈ ફાયદો મળતો નથી."

"પરંતુ કેજરીવાલ ધીમે-ધીમે આમ કરવામાં સફળ થઈ રહ્યા છે અને ભાજપને એ પણ ખ્યાલ છે કે તેમને ભવિષ્યમાં કેજરીવાલ તરફથી પડકારનો સામનો કરવો પડી શકે છે."

અરવિંદ કેજરીવાલને અનેક પ્રસંગોએ તેમના વલણ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.

વિરોધ પક્ષો દિલ્હી રમખાણોથી લઈને એનઆસી સીએએ સુધીના મુદ્દાઓ પર અરવિંદ કેજરીવાલના મૌનની ટીકા કરી રહ્યા છે.

અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અને સીપીઆર ઇન્ડિયા ફેલો રાહુલ વર્માનું પણ માનવું છે કે રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઊંચકાઈ રહ્યો છે.

તેઓ કહે છે, "ઑગસ્ટમાં બે સરવેનાં પરિણામો સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી જે પહેલાં 1થી 1.5 ટકાના દરે વૃદ્ધિ પામતી હતી તે હવે રાષ્ટ્રીય સ્તરે સાડા છથી આઠ ટકાના દરે વૃદ્ધિ પામી રહી છે."

"આવી સ્થિતિમાં, શક્ય છે કે આગામી બે વર્ષમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં થોડો વધારો થાય અને બની શકે કે પીએમ મોદીની લોકપ્રિયતામાં થોડો ઘટાડો થાય. પરંતુ અત્યારે બંને નેતાઓ અને પક્ષો વચ્ચેનું અંતર એટલું મોટું છે કે આ બંને પક્ષોને એકબીજાના હરીફ તરીકે જોઈ શકાતા નથી."

line

લહેર ભી કરવામાં કોણ વધુ મજબૂત છે?

"અરવિંદ કેજરીવાલ અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છે, તે બધા નોન-ઓરિજિનલ કેમ્પેન છે"

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, "અરવિંદ કેજરીવાલ અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છે, તે બધા નોન-ઓરિજિનલ કેમ્પેન છે"

નરેન્દ્ર મોદીથી લઈને ડૉ. મનમોહનસિંહ અને અટલ બિહારી વાજપેયી એવા નેતાઓમાં સામેલ છે જેમણે દાયકાઓ સુધી કામ કર્યા પછી પોતાની એક છબી ઊભી કરી છે.

સક્રિય રાજકારણમાં અરવિંદ કેજરીવાલની શરૂઆત થયાંને દસ વર્ષ પણ પૂરાં થયાં નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીની છબી સામે ટક્કર લેવી તેમના માટે કેટલું પડકારજનક છે.

આ જાણવા માટે અમે જનસંપર્કની દુનિયાને સારી રીતે સમજતા દિલીપ ચેરિયન સાથે વાત કરી.

ચેરિયન સમજાવે છે, "મને લાગે છે કે બે રાજ્યોમાં સરકારના આધારે રાષ્ટ્રીય સ્તરની મહત્ત્વાકાંક્ષા રાખવી એ બહુ મોટું લક્ષ્ય છે. જો આપણે ઇન્દર કુમાર ગુજરાલનું ઉદાહરણ છોડી દઈએ, તો અન્ય તમામ નેતાઓને મોટાં રાજ્યોમાં સરકાર ચલાવવાનો અનુભવ હતો. આગામી બે વર્ષમાં, અરવિંદ કેજરીવાલ સાથે ઓછામાં ઓછા બે અન્ય નેતાઓ આ જગ્યા માટે દાવેદારી નોંધાવી શકે છે."

દિલીપ ચેરિયન માને છે કે લોકોની મહત્ત્વાકાંક્ષા પર સવારી કરવા માટે કંઈક નવું લાવવું પડે છે.

તેઓ કહે છે, "અરવિંદ કેજરીવાલ અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છે, તે બધા નૉન-ઓરિજિનલ કૅમ્પેન છે. તેમની પાસે શિક્ષણ અને સ્વાસ્થ્યનું મૉડલ છે. પરંતુ સાથે જ તેમણે એક નવું સપનું બતાવવું પડશે. મોદીજીએ દેશને નંબર વન બનાવવાનું સપનું 2014માં યુવાનોને દેખાડ્યું હતું. આવી સ્થિતિમાં કેજરીવાલજીએ કંઈક નવું કરવું પડશે."

ઉદાહરણ તરીકે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારતનું સૂત્ર આપ્યું, જે ક્યારેય કોઈ રાજકીય પક્ષ દ્વારા સૂત્ર આપવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં જો કેજરીવાલે કોઈ નવું સૂત્ર લઈને આવવું હોય તો દિલ્હી કે પંજાબમાં કંઈક નવું આપવું પડશે જે લોકોને આકર્ષી શકે.

line

વિપક્ષોમાં કેટલી સ્વીકૃતિ

જેના આધારે ભાજપ દેશભરમાં ચૂંટણી જીતી રહ્યું છે એવા સંસાધનો અને સંગઠન આમ આદમી પાર્ટી પાસે નથી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, જેના આધારે ભાજપ દેશભરમાં ચૂંટણી જીતી રહ્યું છે એવા સંસાધનો અને સંગઠન આમ આદમી પાર્ટી પાસે નથી

એમાં કોઈ શંકા નથી કે જેના આધારે ભાજપ દેશભરમાં ચૂંટણી જીતી રહ્યું છે એવા સંસાધનો અને સંગઠન આમ આદમી પાર્ટી પાસે નથી.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું તેઓ વિપક્ષના સર્વમાન્ય ઉમેદવાર બનીને મોદીને પડકાર આપી શકે છે.

નીરજા ચૌધરી આ શક્યતાને નકારે છે.

નીરજા ચૌધરી કહે છે, "આમ આદમી પાર્ટી માટે આની શક્યતા ઓછી છે કારણ કે વિપક્ષી પાર્ટીઓ પણ તેના માટે તૈયાર નહીં હોય. અને કેજરીવાલે પહેલેથી જ કહ્યું છે કે તે એકલા જઈ રહ્યા છે. વિપક્ષ પણ તેને ખતરાના રૂપમાં જુએ છે. અને તેઓ પોતાને એક વિકલ્પ તરીકે તૈયાર કરી રહ્યા છીએ અને તેમાં સમય લાગશે."

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો અરવિંદ કેજરીવાલ વિપક્ષના સામાન્ય ઉમેદવાર નહીં બને તો કોણ બની શકે.

નીરજા ચૌધરી કહે છે, "નીતીશ કુમારની સંભાવનાઓ પર પ્રશ્નાર્થ લાગેલો છે. શું તેઓ વિપક્ષના સર્વમાન્ય ઉમેદવાર બની શકે છે અને જેમ મોદીના ઉદયમાં આરએસએસની ભૂમિકા હતી તે ભૂમિકા વિપક્ષ નિભાવી શકે છે."

"તે જોવું રહ્યું. મમતા બેનરજીની વાત કરીએ તો તેમની પોતાની પાર્ટીમાં જ સમસ્યાઓ ઊભી થઈ છે."

"કેટલીક બાબતો નીતિશ કુમારની તરફેણમાં જાય છે, જેમ કે તેમને વહીવટનો સારો અનુભવ છે, હિન્દીભાષી રાજ્યમાંથી આવે છે. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કારણ કે ભાજપને પહેલાં તો હિન્દીભાષી રાજ્યોમાંથી જડમૂળથી ઉખેડી નાખવું પડશે."

"તેઓ 70 વર્ષથી ઉપરની વયના નેતા હશે જે વિપક્ષના યુવા નેતાઓને પણ સ્વીકાર્ય હશે. "

"ઉદાહરણ તરીકે, જો તે દેશની રાજનીતિમાં આવે અને તેજસ્વીને બિહાર મળે તો આરજેડી તેમને કેન્દ્રમાં સંપૂર્ણ સમર્થન આપશે."

"તેઓ કૉંગ્રેસ માટે પણ સ્વીકાર્ય હશે. કારણ કે કૉંગ્રેસ જાણે છે કે રાહુલ ગાંધી વિરોધ પક્ષોને સ્વીકાર્ય નહીં હોય. તેઓ નથી ઈચ્છતા કે કૉંગ્રેસમાંથી કોઈ રાહુલ ગાંધીનો હરીફ બને."

"તેમને બહારથી એવી વ્યક્તિ ગમશે જે જૂના કૉંગ્રેસી ન હોય. કારણ કે શરદ પવાર, જગન રેડ્ડી અથવા મમતા બેનરજી જેવા કૉંગ્રેસના કોઈપણ ભૂતપૂર્વ નેતા કૉંગ્રેસના એક વર્ગને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન