કાશ્મીર : ઉગ્રવાદીઓના જીવલેણ હુમલામાં વધારાથી કાશ્મીરી હિંદુઓમાં ફરી છવાયો ભયનો માહોલ

- લેેખક, યોગીતા લીમયે
- પદ, બીબીસી ન્યૂઝ, શ્રીનગર
કાશ્મીરના દક્ષિણમાં આવેલા ગોપાલપુરા ગામની સરકારી હાઇસ્કૂલમાં જઈએ ત્યારે એક પ્રેમાળ શિક્ષિકાની યાદમાં ઊભું થયેલું કામચલાઉ સ્મારક તરત નજરે ચડે છે.
31 મેના રોજ 41 વર્ષની શિક્ષિકા રજનીબાલાની હત્યા થઈ તે સ્થળની આસપાસ છ પથ્થરો વર્તુળાકારે ગોઠવી દેવાયેલા છે.
તે દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલની ઇમારતની બહારની બાજુ પ્રાર્થના માટે એકઠા થઈ રહ્યા હતા ત્યારે જ ફટાકડો ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો હતો. જોકે આ વિસ્તારમાં હિંસા રોજબરોજની વાત બની ગઈ છે એટલે તેમને લાગ્યું કે કંઈક અજુગતું બન્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર ભારતવિરોધી ઉગ્રવાદીઓએ રજનીબાલાની હત્યા કરી દીધી હતી.
એવું મનાય છે કે તેઓ હિંદુ હતાં એટલે જ તેમની હત્યા કરી દેવામાં આવી. ભારતનું આ એક માત્ર રાજ્ય એવું છે, જ્યાં મુસ્લિમો બહુમતીમાં છે અને હિંદુઓ લઘુમતીમાં છે. છેલ્લા એકાદ વર્ષથી હિંદુઓની હત્યાની ઘટનાઓ વધી રહી છે અને વધુ એક હિંદુની ગત અઠવાડિયે જ હત્યા થઈ. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સરફજનના બગીચામાં સુનીલકુમાર ભટની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
રજનીના પરિવારનું કહેવું છે કે આ હુમલાની પહેલાં જ તેમણે કાશ્મીરની બહાર જવા માટે પ્રયત્ન કર્યો હતો.
તેમના પતિ રાજકુમાર અત્રી કહે છે, "દોઢ મહિના પહેલાં જ સ્કૂલથી બે-એક કિલોમિટર દૂર જ એક હિંદુ ડ્રાઇવરની હત્યા કરી દેવામાં આવી હતી. કાશ્મીરના જુદા જુદા ભાગોમાં હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. અમને પણ ભય લાગતો હતો એટલે અમે બે વાર રજનીની બદલી કરવા માટે અરજી કરી હતી."

કાશ્મીરમાં ફરીથી હિંદુ લઘુમતી પર શરૂ થયેલા ઉગ્રવાદી હુમલાથી માહોલ તણાવપૂર્ણ

- પાછલા અમુક સમયમાં પાકિસ્તાનમાં ઘણા હિંદુ પરિવારો પર ખીણમાં હુમલા થયા છે
- 1980ના દાયકાથી કાશ્મીર ખીણમાં હિંસક ઉદ્દામવાદ ફેલાયો છે અને ભારતનો આક્ષેપ છે કે પાકિસ્તાન આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે અલગતાવાદીઓને ઉશ્કેરે છે
- ભારત સરકાર તરફથી અહીં વહીવટીતંત્રના વડા તરીકે નિમાયેલા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ બીબીસી હિંદીને જણાવ્યું કે નાગરિકોને વીણી વીણીને ઠાર કરવાની ઘટનાને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ
- જોકે છેલ્લા એક દાયકા દરમિયાન ખીણમાં પાછા ફરેલા હિંદુઓ કહે છે કે તેમને ફરી એક વાર તેમનાં જાનમાલનું જોખમ લાગી રહ્યું છે અને તેઓ ફરી અહીંથી જતા રહેવા માગે છે
- સરકારની મદદ સાથે દક્ષિણ કાશ્મીરમાં પરત ફરેલા લોકો માટે ઊભી કરવામાં આવેલી વસાહતમાં હવે ઘણા હિંદુઓ ઘરણાં પર બેઠા છે

ઇતિહાસ ભણાવતાં રજનીબાલા પાંચ વર્ષથી અહીં નોકરી કરતાં હતાં અને આ સ્કૂલ તેમને ગમતી હતી. તેમણે સાથી શિક્ષકોને કહ્યું હતું કે જીવનું જોખમ ના લાગતું હોત તો તેમણે ક્યારેય બદલી માગી ના હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજ્ઞાનનાં શિક્ષિક સઈમા અખ્તર કહે છે, "બહુ મજાનાં હતાં અને ખૂબ જ્ઞાની પણ હતાં અને મળતાવડાં પણ હતાં. માત્ર અમારી શાળામાં જ નહીં, ગામમાં પણ સૌ તેમને માન આપતા હતા. અમને બહુ જ આઘાત લાગ્યો છે."
રજનીની હત્યા પછી શાળામાં અડધા જ વિદ્યાર્થીઓ હાજરી આપી રહ્યા છે અને શાળાએ આવનારાં આ બાળકોના ચહેરા પર હજીય ભયનો ઓથાર દેખાઈ આવે છે.
રાજકુમાર અત્રી પોતાની નાની દીકરીને લઈને બીજે રહેવા જતા રહ્યા છે.

આ હત્યાને કારણે 30 વર્ષ પહેલાંની સ્થિતિ સૌને યાદ આવી ગઈ, જ્યારે ઉદ્દામવાદી જૂથોએ સેંકડો હિંદુઓની હત્યા કરી હતી અને તેના કારણે આ વિસ્તારમાંથી હિંદુઓએ હિજરત કરવી પડી હતી.
દાયકાઓથી કાશ્મીરની સમસ્યા ઉકેલાઈ નથી અને હિંદુઓની હિજરત પછી મામલો વધારે ગૂંચવાયો હતો.
1980ના દાયકાથી કાશ્મીર ખીણમાં હિંસક ઉદ્દામવાદ ફેલાયો છે અને ભારતનો આક્ષેપ છે કે પાકિસ્તાન આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે અલગતાવાદીઓને ઉશ્કેરે છે. જોકે પાકિસ્તાન આ આક્ષેપોને નકારી કાઢે છે.
દાયકાઓથી ચાલતા આ ઘર્ષણમાં હજારો ભારતીય જવાનો, ઉગ્રવાદીઓ અને નાગરિકો માર્યા ગયા છે.
જોકે 2003 પછી ભાગ્યે જ હિંદુ સમુદાય પર ઇરાદાપૂર્વક હુમલાના બનાવો બન્યા હતા. 2010 પછી હકીકતમાં એવા પ્રયત્નો થયા હતા કે કાશ્મીર છોડીને ગયેલા લોકોને પાછા લાવવામાં આવે અને તેમને સરકારી નોકરી તથા બીજી સહાય આપવામાં આવતી હતી.
ભારત સરકાર તરફથી અહીં વહિવટી તંત્રના વડા તરીકે નિમાયેલા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ બીબીસી હિન્દીને જણાવ્યું કે નાગરિકોને વીણી વીણીને ઠાર કરવાની ઘટનાને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ.
"આ બહુ દુ:ખ થાય તેવી ઘટનાઓ છે. પરંતુ તમે છેલ્લાં દસથી 15 વર્ષ દરમિયાન માત્ર હિંદુઓ નહીં, પણ નાગરિકોને નિશાન બનાવીને હુમલાની ઘટનાઓ જુઓ તો ખ્યાલ આવશે કે તેની સંખ્યા ઓછી થઈ રહી છે. અગાઉ હતો તેવો ખરાબ ભયનો માહોલ અત્યારે નથી."
જોકે છેલ્લા એક દાયકા દરમિયાન ખીણમાં પાછા ફરેલા હિંદુઓ કહે છે કે તેમને ફરી એક વાર તેમનાં જાનમાલનું જોખમ લાગી રહ્યું છે અને તેઓ ફરી અહીંથી જતા રહેવા માગે છે.
સરકારની મદદ સાથે દક્ષિણ કાશ્મીરમાં પરત ફરેલા લોકો માટે ઊભી કરવામાં આવેલી વસાહતમાં હવે ઘણા હિંદુઓ ઘરણાં પર બેઠા છે. તેમની માગણી છે કે તેમને ફરીથી અન્યત્ર થાળે પાડવામાં આવે.
સરકારી વિભાગમાં ઇજનેર તરીકે કામ કરતા સંદીપ રૈના કહે છે, "અમે પરત ફર્યા તે પછી અમારે ઘણી પરેશાની ભોગવવી પડી છે. પરંતુ અમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોય તેવું લાગ્યું નહોતું. પણ હવે અમને જીવનું જોખમ લાગવા લાગ્યું છે."
"1990ના દાયકામાં મારું પરિવાર હિજરત કરી ગયું ત્યારે હું દસ વર્ષનો જ હતો. અત્યારે હવે મારો દીકરો પણ એ જ ઉંમરનો છે અને અમારે ફરીથી નીકળી જવું છે," એમ તેઓ ઉમેરે છે.
શિક્ષક તરીકે કામ કરનારા સંજય કૌલ કહે છે, "મારી આસપાસમાંથી કોઈ ખિસ્સામાંથી હાથ બહાર કાઢે ત્યારે ભયનું લખલખું આવી જાય કે તે હમણાં ગન કાઢીને મને ઠાર કરી દેશે. અમે અમારા છોકરાંને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે અને અમે પણ આ કંપાઉંડની બહાર ભાગ્યે જ નીકળીએ છીએ."
કેન્દ્રમાં સત્તા ધરાવતા ભારતીય જનતા પક્ષે ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો કે તે કાશ્મીરી હિંદુઓને ફરીથી ખીણમાં વસાવશે. અહીં ધરણાં પર બેઠેલા કેટલાકનું કહેવું છે કે સરકારનું તેમના પર દબાણ છે કે અહીંથી હિજરત કરશો નહીં, કેમ કે તેના કારણે તેમનો વાયદો ફળ્યો નથી તેવી છાપ પડશે.
આવા આક્ષેપો અંગે સરકારે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

લઘુમતી અને બહારથી આવેલા લોકોને ખતરો

ઉગ્રવાદી જૂથો કહે છે કે તેઓ લઘુમતીઓ અને બહારથી આવેલા લોકોને વીણી વીણીને નિશાન બનાવે છે, કેમ કે તેમને ભય છે કે હિંદુ રાષ્ટ્રવાદી સરકાર મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરમાં બીજા ધર્મના લોકોની વસતિ વધારી દેવા માગે છે.
આવા આક્ષેપોને ભારતના વહિવટીતંત્રે નકારી કાઢ્યા છે. જોકે સરકાર દ્વારા લેવાતાં પગલાંને કારણે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.
2019માં કેન્દ્ર સરકારે કાશ્મીરની સ્વાયત્તતા ખતમ કરી નાખી હતી અને અહીં કેન્દ્રનું શાસન લાગુ પાડી દીધું છે. બહારના લોકોને અહીં જમીનો ખરીદવાની પણ છૂટ અપાઈ છે. રાજ્યમાં હાલ ચૂંટાયેલી સરકાર પણ નથી અને પોલીસમાં તથા સરકારીતંત્રમાં દેશના બીજા ભાગોમાંથી આવેલા અધિકારીઓની જ સંખ્યા વધારે છે.
કાશ્મીરના કેટલાક હિસ્સામાં ભારતવિરોધી વાતાવરણ રહ્યું છે અને 2019 પછી તેમાં વધારો થયો છે.
તુર્કવાનગમ નામના ગામમાં 20 વર્ષના મુસ્લિમ નાગરિક શોએબ મોહમ્મદ ગનીની 15મી મેએ હત્યા થઈ હતી.
તેમના પરિવારનું કહેવું છે કે થોડા મહિના પહેલાં જ તેમણે કાર સ્પેર પાર્ટ્સની દુકાન ખોલી હતી. તેઓ દુકાન પર હતા ત્યારે અર્ધ લશ્કરી દળના એક સૈનિકે તેની સામે બંદૂક તાકીને હાથ ઊંચા કરવા કહ્યું હતું. પરિવારના લોકોનું કહેવું છે કે હુકમ પ્રમાણે શોએબે હાથ ઊંચા કર્યા હતા છતાં તેને ગોળી મારી દેવામાં આવી.

સ્થાનિકોનું દુ:ખ

શોએબના 50 વર્ષના પિતા ગુલામ મોહમ્મદ ગની આખો દિવસ પુત્રની કબર પર જ બેસી રહે છે.
તેઓ ભાંગેલા સ્વરમાં કહે છે, "શોએબ તો વિદ્યાર્થી હતો, એક દુકાનદાર હતો. તેનો શું ગુનો હતો? આ અત્યાચાર માટે અમે ન્યાય ઇચ્છીએ છીએ. અમારા દિલના ટુકડાને અમારી પાસેથી છીનવી લેવાયો છે."
ક્રિકેટ રમવાના શોખીન પોતાના પુત્રની એક મોટી ટ્રૉફી સાથેની તસવીર તેઓ બતાવે છે.
પોલીસ અને અર્ધલશ્કરી દળોએ બીબીસીને જણાવ્યું કે સામસામે ગોળીબાર થયા હતા તેમાં વચ્ચે શોએબનો ભોગ લેવાઈ ગયો હતો. જોકે નજરે જોનારા સાક્ષીઓ કહે છે કે એવી કોઈ અથડામણ થઈ નહોતી.
આ બનાવની તપાસ બેસાડવામાં આવી છે. તેમના પિતા સ્થાનિક અધિકારીઓનો આભાર માનતા કહે છે કે તેમણે ઝડપથી શોએબનો મૃતદેહ મળે તે માટે મદદ કરી હતી. જોકે ખરેખર કેવા સંજોગોમાં પોતાના પુત્રનું મોત થયું તેનું સત્ય બહાર આવશે તેવી પોતાને આશા નથી એમ તેઓ કહે છે.
મોહમ્મદ ગની કહે છે, "જો અમારી સરકાર હોત તો કમ સે કમ કોઈને જવાબદાર ઠેરવી શકત. અત્યારે અમારું સાંભળનારું કોઈ નથી. તે લોકોને અમારા મતોની જરૂર નથી તો પછી શા માટે અમારી પરવા કરે?"
હાલના મહિનાઓમાં આ રીતે સલામતી દળોના હાથે નાગરિકો માર્યા ગયા હોય તેવી ફરિયાદો વધી છે.
આવા કિસ્સાઓ અંગે બીબીસીએ પૃચ્છા કરી ત્યારે ભારત સરકારે તેનો કોઈ પ્રત્યુ્ત્તર આપ્યો નહોતો.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું કે કેન્દ્રનું ગૃહમંત્રાલય નક્કી કરે તે પ્રમાણે "યોગ્ય સમયે" ચૂંટાયેલી સરકાર આવશે. આ સિવાય બીજી કોઈ વિગતો તેમણે આપી નહોતી.
ઘરેથી પુત્રની કબર પર જવા માટે ઊભા થતાં થતાં ગની કહે છે, "કાશ્મીરમાં કોઈ સલામત નથી. તમે ઘરેથી નીકળો પછી સાંજે સલામત પાછા આવશો તેની તમને ખબર નથી હોતી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












