બનાસકાંઠા : વીમો પકવવા માટે મૃત ગાયને રંગ લગાવ્યો, કોર્ટમાં કેવી રીતે પકડાઈ આ મહિલા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
એક ગાય ધરાવતી મહિલાએ આવક વધારવા માટે બૅન્કમાંથી લૉન લઈને બીજી ગાય ખરીદી. જોકે, ટૂંક સમયમાં તેની પહેલી ગાય મૃત્યુ પામતા વીમો પકવવા માટે તેમણે મૃત ગાયને નવી ગાય જેવી રંગીને વીમો પકવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ ભાંડો ફૂટી ગયો હતો.
આ કિસ્સો બનાસકાંઠાના નાનકડા ગામ મહેમદપુરમાં રહેતાં રતનબહેન ભૂતડીયાનો છે. વારસામાં જમીનનો નાનકડો ટુકડો અને એક ગાય ધરાવતા રતનબહેને થોડા સમય પહેલાં બીજી ગાય લીધી હતી.
મહેમદપુરના સામાજિક કાર્યકર જીતુ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની પાસે જે એક ગાય હતી એ રોજનું છ લીટર દૂધ આપતી હતી. ઘર વપરાશ માટે દૂધ કાઢીને બાકીનું તમામ દૂધ તેઓ સહકારી ડેરીમાં જમા કરાવતાં હતાં.
તેઓ આગળ કહે છે, "ખેતીમાં સારી આવક ન થતા તેમણે બીજી ગાય લેવાનું વિચાર્યું અને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત બીજી ગાય માટે દેના બૅન્કમાંથી લૉન પણ મળી ગઈ. જોકે, બૅન્કના નિયમાનુસાર તેમણે બીજી ગાય માટે વીમો લેવો પડ્યો હતો."

રંગ તો માર્યો પણ શિંગડાં પરથી શંકા ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
રતનબહેન પાસે બે ગાય હતી. તે પૈકી તેમને વારસામાં મળેલી ગાયનો વીમો ન હતો. જ્યારે નવી ખરીદેલી ગાય માટે તેમને વીમો લીધો હતો.
બનાસકાંઠામાં નેશનલ વીમા કંપની માટે પશુઓનાં મૃત્યુનાં ક્લેઇમનું ઇન્વેસ્ટિગેશન કરનારા પી. જે. ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારી પાસે બુધવારે ફોન આવ્યો કે રતનબહેન ભૂતડીયાએ જાણ કરી છે કે તેમની ગાયનું મૃત્યુ થયું છે."
તેઓ આગળ કહે છે, "જ્યારે અમે ઇન્સપૅક્શન કરવા ગયા ત્યારે જોયું કે ગાયના માથે કાળો રંગ મારેલો હતો અને તેનાં શિંગડાં વળેલાં હતાં."
"વીમા કંપનીમાં રિપોર્ટ જમા કરાવ્યો હતો. બાદમાં ખબર પડી કે તેમણે જે ગાયનો વીમો લીધો હતો એ ગાયનાં શિંગડાં અણીદાર હતાં અને માથા પર સફેદ ટપકાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેના લીધે તેમનો ક્લેઇમ નામંજૂર થયો હતો."
ક્લેઇમ નામંજૂર થતાં રતનબહેન ભૂતડીયાએ પાલનપુરની કન્ઝ્યુમર કોર્ટમાં વીમા કંપની સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ એક વર્ષ અને દસ મહિના ચાલ્યો હતો.
આ દરમિયાન રતનબહેન ભૂતડીયાએ પોતાનો કેસ મજબૂત કરવા માટે કોર્ટમાં ગાયને જે ચમાર પાસે લઈ જવામાં આવી હતી તેનું સર્ટિફિકેટ, વીમા પૉલિસીના પેપર અને ગામના સરપંચનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને દલીલ મૂકી હતી કે ગાયની ચકાસણી રાત્રે થઈ હોવાથી ગડબડ થઈ હશે.
આ સાથે તેમણે વીમા કંપની સામે 40 હજાર રૂપિયા 12 ટકા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત 10 હજાર રૂપિયા અરજી અને હેરાનગતિના નુકસાનપેટે ચૂકવવા માગણી કરી હતી.

કોર્ટમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
નેશનલ વીમા કંપનીના વકીલ આર. એ. ઠક્કરે ગાયનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ગાયના માથા પર જ્યાં સફેદ ટપકાં હતાં ત્યાં રંગ લગાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત જે ગાયનો વીમો લીધો હતો તેનો ટૅગ પણ મૃત ગાયને પાછળથી લગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ રિપોર્ટના આધારે પાલનપુર કન્ઝ્યુમર કોર્ટે ગાયનો વીમો લીધો તે સમયના ફોટો, મૃત્યુ બાદના ફોટો, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને ફરી વખત ફિટ થયેલા ટૅગને જોયા બાદ નક્કી કર્યું હતું કે રતનબહેને જે ગાયનો વીમો લીધો ન હતો તેના માથા પર કાળો રંગ કરીને સફેદ ડાઘા ઢાંક્યા અને શિંગડાં પણ બીજી ગાયનાં હતાં. જેથી કોર્ટે વીમા કંપનીને વળતર ન ચૂકવવાનો હુકમ કર્યો હતો.
ન્યૂ ઇન્ડિયા કંપનીના ઇન્ચાર્જ રૂપેશ ખંભાતી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે સામાન્ય રીતે તબેલો ધરાવતા પશુપાલકો પશુઓ માટે વીમો લે છે. એકાદ-બે પશુઓ ધરાવતા લોકો વીમો લેતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ બૅન્કમાંથી લૉન લઈને પશુ ખરીદે છે ત્યારે તેમણે ફરજિયાત વીમો લેવો પડતો હોય છે.
તેઓ કહે છે, "જ્યારે પશુનો વીમો લેવામાં આવે છે ત્યારે વીમા કંપની તેના કાન પર એક ટૅગ લગાવે છે. આ ટૅગ સીલની જેમ જ લગાવવામાં આવે છે. વિવિધ કિસ્સામાં પશુપાલકો વીમો ન હોય તેવાં પશુઓનાં કાનમાં આ ટૅગ ફિટ કરાવીને વીમો પકવવાનો પ્રયાસ કરતા હોય છે પણ જો ટૅગ ફરીથી ફિટ કર્યો હોય તો તેની સરળતાથી ખબર પડી જાય છે."
"જ્યારે કંપની પાસે ક્લેઇમ આવે છે, ત્યારે સૌથી પહેલાં ટૅગ રીફિટ થયો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે અને જો તેમાં ગેરરીતિ જણાય તો પોસ્ટમૉર્ટમ કરાવીને વધુ માહિતી એકત્ર કરવામાં આવે છે અને પુષ્ટિ થયા બાદ જ ક્લેઇમ માન્ય કે અમાન્ય ઠેરવવામાં આવે છે."

કેવી રીતે વીમા કંપનીઓને છેતરવાનો કરાય છે પ્રયાસ?

ઇમેજ સ્રોત, Hindustan Times
રિટાયર્ડ પોલીસ ઇન્સપૅક્ટર અને હાલમાં વીમા કંપનીના શંકાસ્પદ વીમાના કેસોનું ઇન્વેસ્ટિગેશન કરતા એન. બી. સોલંકી કહે છે કે શંકાસ્પદ કેસો ધરાવતા લોકો સામાન્ય રીતે શુક્રવારે કે શનિવારે સાંજે વીમા કંપનીને જાણ કરતા હોય છે.
આ પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે, "શનિ-રવિ વીમા કંપનીઓ બંધ હોવાથી કંપની તરફથી તપાસ માટે સોમવારે જ લોકો આવે છે. આ બે દિવસ દરમિયાન પશુને ચમાર પાસે મોકલી દેવામાં આવતાં હોય છે. ત્યાર બાદ જ્યારે પશુમાલિક કાન લઈને આવે તો તે દુર્ગંધ મારતો હોવાથી માત્ર ટૅગ નંબર બતાવીને વીમો પકવવો સરળ થઈ જતો હોય છે."
જોકે, આ યુક્તિ વિશે વીમા કંપનીઓને જાણ હોવાનું એન. બી. સોલંકી જાણાવે છે. તેઓ કહે છે, "શુક્રવારે સાંજ પછી આવતા કેસોમાં કંપની સૌથી પહેલાં કાનમાં ટૅગ રીફિટ થયો છે કે કેમ? તે તપાસે છે."
તેઓ અંતે કહે છે, "આ કેસમાં તેમની ચૂક ત્યાં થઈ કે તેમણે બુધવારે સાંજે ફોન કર્યો અને ગાયને રંગવાનો પ્રયત્ન કર્યો પરંતુ શિંગડાંના આકાર અને ડાઘ સંતાડવા કરેલા રંગથી તેઓ ઝડપાઈ ગયા. હવે વીમા કંપની ધારે તો તેમની સામે છેતરપિંડીનો કેસ કરી શકે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













