બિલકીસબાનો સામૂહિક બળાત્કારના કેસમાં શું ન્યાય થઈ ગયો?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
"આ ફેંસલો રેપના કાયદાનો રેપ થવા જેવો છે."
"જો ન્યાયને યોગ્ય રીતે આપી ના શકાય તો આ ન્યાયની મજાક કરવા જેવું છે."
"આ નિર્ણય લેતી વખતે મગજનો ઉપોયગ કરવામાં નથી આવ્યો."
"આ એક માનવીય મામલો છે. આનો નિર્ણય કોઈ તકનીકી બિંદુના આધારે ના કરી શકાય."
"આ ફેંસલાથી પીડિતો માટે એક નવું જોખમ ઊભું થઈ ગયું છે."
બિલકીસબાનો કેસમાં સજા કાપી રહેલા 11 દોષિતોને તાજેતરમાં અપાયેલ સજામાફીના મામલે આ પ્રતિક્રિયાઓ ભારતીય ન્યાયવ્યવસ્થામાં કામ કરી ચૂકેલા કેટલાક વરિષ્ઠ સેવાનિવૃત્ત ન્યાયાધીશોએ આપી છે.
કેટલાક દિવસ પહેલાં જ 15 ઑગસ્ટે આ 11 દોષિતોને ગોધરા જેલમાંથી મુક્ત કરી દેવાયા. મુક્ત કરાયા બાદ આ દોષિતોને મીઠાઈ ખવરાવાઈ અને તેમને અભિનંદન આપતાં ચિત્રો પણ સામે આવ્યાં.
આ 11 લોકો વર્ષ 2002માં ગુજરાતમાં થયેલાં રમખાણોનો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના મામલે જન્મટીપ કાપી રહ્યા હતા. વર્ષ 2008માં મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે આ મામલે તમામ 11 લોકોને જન્મટીપ સંભળાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સજાને બાદમાં બૉમ્બે હાઈકોર્ટે પણ કાયમ રાખી હતી.
આ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકારે રચેલી એક કમિટીમાં 'સર્વસંમતિ'થી લેવાયો છે.

ક્યા આધારે લેવાયો આ ફેંસલો?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
આ ફેંસલો લેતી વખતે સમિતિએ ગુજરાત સરકારની વર્ષ 1992ની એ સજામાફીની નીતિને આધાર બનાવી, જેમાં કોઈ પણ શ્રેણીના દોષિતોને મુક્ત કરવા માટે કોઈ પણ પ્રકારની રોક નથી.
વર્ષ 1992ની નીતિને આધાર બનાવવાનું કારણ એ હતું કે આ દોષિતોમાંથી એક રાધેશ્યામ ભગવાનદાસ શાહની સજામાફીની અરજીનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સજામાફી પર વિચાર વર્ષ 1992ની નીતિના આધારે કરવામાં આવે, કેમ કે આરોપીઓને જે વખતે સજા સંભળાવાઈ, એ વખતે 1992ની નીતિ લાગુ હતી.

સંક્ષિપ્તમાં: સમગ્ર ઘટનાક્રમ

- વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનો પર થયો હતો સામૂહિક બળાત્કાર
- ન્યાય માટેની લાંબી લડત બાદ અંતે 11 દોષિતોને સજા ફટકારવામાં આવી હતી
- 15 ઑગસ્ટે તમામ દોષિતોને ગોધરા સબજેલમાંથી છોડી દેવામાં આવ્યા હતા
- બિલકીસના પતિનું કહેવું છે, "અમે લોકો દુખી છે, અમને હવે ડર લાગે છે"
- 11 દોષિતોની સજા માફી બાદ તેમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેનાર સમિતિના સભ્ય ભાજપ ધારાસભ્ય સી.કે.રાઉલજીના નિવેદન પર વિવાદ થયો છે
- તેમણે એક ઑનલાઇન ન્યૂઝ પ્લૅટફૉર્મને ઇન્ટરવ્યૂ આપતાં કહ્યું કે "દોષિતો બ્રાહ્મણ છે, અને સંસ્કારી છે. જેલમાં તેમની ચાલચલગત સારી હતી."

બીજી તરફ ગુજરાત સરકારે વર્ષ 2014માં સજામાફીની એક નવી નીતિ બનાવી હતી જેમાં કેટલીય શ્રેણીઓમાં દોષિતોની મુક્તિ પર રોક લગાવવાની જોગવાઈઓ છે.
આ નીતિમાં કહેવાયું છે કે બળાત્કાર અને હત્યાના દોષિતોને સજામાફી નહીં આપવામાં આવે. આ નીતિમાં એવું પણ કહેવાયું હતું કે જો કોઈ દોષિતના કેસની તપાસ સીબીઆઈએ કરી હોય તો કેન્દ્ર સરકારની સહમતી વગર રાજ્ય સરકાર સજા માફ ના કરી શકે.
જો સજામાફી માટે આ સમિતિની જોગવાઈઓને આધાર બનાવી હોત તો સ્પષ્ટ રીતે આ મામલે દોષિતોને સજામાફી ના મળી હોત.
તો એ સવાલ થવો પણ સહજ છે કે શું આ મામલે વર્ષ 2014ની નીતિને બદલે વર્ષ 1992ની નીતિના આધારે નિર્ણય લેવો યોગ્ય હતો?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
આવામાં વધુ એક ખુલાસાએ સજામાફી પર વિચાર કરનારી સમિતિની નિષ્પક્ષતા પર સવાલ ઊભા કર્યા છે.
દોષિતોની મુક્તિ બાદ એ વાત સામે આવી છે કે જે સમિતિએ આ 11 દોષિતોને સર્વસંમતિથી મુક્ત કરવાનો નિર્ણય લીધો એમાં ભારતીય જનતા પક્ષના બે ધારાસભ્યો, ભાજપના એક પૂર્વ કૉર્પોરેટર અને ભાજપની મહિલા વિંગની મહિલા સભ્ય સામેલ હતાં.
દોષિતોની મુક્તિના થોડા સમય બાદ આ સમિતિમાં રહેલા ભાજપના ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ એક નિવેદન આપ્યું કે "એ તમામ બ્રાહ્મણ લોકો હતા. એમના સંસ્કાર પણ સારા હતા."
તેમણે એવું પણ કહ્યું, "દોષિતો સામે ઇરાદાપૂર્વક પણ કાર્યવાહી કરાઈ હોઈ શકે છે."
સજામાફીના નિર્ણય પર બીબીસી ગુજરાતના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ કહ્યું કે સમિતિમાં 'કોઈનો અલગ મત નહોતો' અને 'સૌને લાગ્યું કે તેમને મુક્ત કરી દેવા જોઈએ.'
આ સાથે જ તેમણે કહ્યું, "નિયમ અનુસાર તમામ દોષિતોનું વર્તન સારું હતું. તેમને જે પણ સજા આપવામાં આવી, આ મજબૂર દોષિતોએ વેઠી છે. જેલની અંદર તેમનું વર્તન સારું હતું અને એટલું જ નહીં, એમનો કોઈ ગુનાહિત રૅકોર્ડ પણ નહોતો."
તો શું બિલકીસબાનોના કેસમાં ન્યાય થયો?
આ સમગ્ર ઘટનાક્રમને સમજવા માટે અમે વરિષ્ઠ સેવાનિવૃત ન્યાયાધીશો સાથે વાત કરી.

'આ ફેંસલો રેપના કાયદાનો રેપ થવા જેવો છે'

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
બીબીસી સાથે વાતચીત કરતાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બશીર અહમદખાને કહ્યું કે આ મામલે "દોષિતોની સજામાફીનો ફેંસલો રેપના કાયદાનો રેપ થવા જેવો છે."
તેમના મતે આ ફેંસલો "દુર્ભાવનાપૂર્ણ, અયોગ્ય, મનમાન્યો અને ન્યાયના તમામ માપદંડોથી વિપરીત છે."
જસ્ટિસ બશીર અહમદખાન જણાવે છે, "આ ફેંસલો ખરાબ નીયતવાળો છે. આ એક પક્ષપાતી નિર્ણય છે, કેમ કે નિર્ણય લેવા માટે રચાયેલી સમિતિમાં એક જ રાજકીય પક્ષના લોકો છે અને એવા સરકારી કર્મચારીઓ સામેલ છે જે સત્તાધારી પક્ષને આધીન છે."
ગુજરાત સરકારે કહ્યું છે કે આ મામલે દોષિતોની સજા 1992ની નીતિના આધારે માફ કરવામાં આવી છે.
આ અંગે જસ્ટિસ બશીર અહમદખાન કહે છે, "એક કાયદાકીય જોગવાઈની આપ કેટલીય વ્યાખ્યાઓ કરી શકો છો. તેમાં એવું પણ કહી શકાય કે 1992ની પૉલિસીને જોવામાં આવી જે એ વખતે લાગુ હતી જ્યારે ગુનો આચરવામાં આવ્યો. બીજો તર્ક એ છે કે જ્યારે સજામાફીનો નિર્ણય લેવાયો ત્યારે એ વખતે જે પૉલિસી લાગુ હતી એને જોવી જોઈતી હતી."
"મારા મતે આ એક એવો કેસ છે, જેનો ફેંસલો કોઈ તકનીકી બિંદુના આધારે લેવો જોઈએ. આ એક માનવીય કેસ છે. આ ફેંસલાથી વધુ એક વખત પીડિતોના જીવ પર જોખમ સર્જાયું છે. હવે તમે એમનું રક્ષણ કઈ રીતે કરો છો એ સવાલ છે."

જસ્ટિસ બશીર અહમદખાન જણાવે છે કે ગુજરાત સરકારે એક નિષ્પક્ષ સમિતિ રચવી જોઇતી હતી. "આ એક ચોંકાવનારો ફેંસલો છે. આ ફેંસલો લઈને આપ તર્ક આપો કે 1992ની પૉલિસીના આધારે આ નિર્ણય લેવાયો છે તો મારી નજરમાં એ ભારે કુતર્ક છે."
તેઓ કહે છે, "નિર્ભયાના મામલા બાદ કાયદાને વધુ આકરો બનાવાયો છે અને બળાત્કારને લઈને જે વર્તમાન વિચાર છે, એ હિસાબે પણ આ નિર્ણય યોગ્ય નથી. માનવીય જરૂરિયાતને પણ તે પૂર્ણ નથી કરતો."
તેમના મતે સજામાફી પર વિચાર કરતી વખતે એ જોવું જોઈતું હતું કે શું આવા ફેંસલામાં પીડિતો સાથે ન્યાય કરાઈ રહ્યો છે?
"આ નિર્ણય ભેદભાવપૂર્ણ અને દુર્ભાવનાપૂર્ણ છે. આ ફેંસલો મનમાન્યો એ રીતે છે કે તે પીડિતોની પીઠ પાછળ લેવામાં આવ્યો છે, જેના લીધે તેમના માટે એક નવું જોખમ ઊભું થઈ ગયું છે. સારું થયું હોત કે આ નિર્ણય લેતાં પહેલાં પીડિતોની વાત સાંભળવામાં આવી હોત."
જસ્ટિસ બશીર અહમદખાન કહે છે કે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ ફેંસલો ન્યાયના હિતમાં લેવાયેલો નથી. તેઓ ઉમેરે છે, "ન્યાયનાં હિત હંમેશાં કાયદાના શબ્દો પર ભારે હોય છે. જો કોઈ સમજદારી વધી હોય તો કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને આ નિર્ણયને રદ કરવો જોઈએ."

'મગજનો ઉપયોગ નથી કરાયો'

ઇમેજ સ્રોત, CHIRANTANA BHATT
દિલ્હી હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ આર.એસ. સોઢી આ નિર્ણયને મનમાન્યો ગણાવતાં કહે છે, "સવાલ એ છે કે સજામાફીનો વિચાર કરતી વખતે કઈ વાતો પર વિચાર કરવામાં આવ્યો?"
તેઓ કહે છે, "14 વર્ષ જેલમાં વિતાવ્યાં બાદ આપને માત્ર સજામાફી માટે અરજી કરવાનો અધિકાર મળે છે. એ આપને મુક્તિ મેળવવાનો અધિકાર નથી આપતો. સજામાફી મન પડે એ રીતે ના આપી શકાય. આ હિસાબ અનુસાર તો બળાત્કારના દોષિત તમામ લોકો મુક્તિના હકદાર છે?
"જો ન્યાયને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો આ ન્યાયની મજાક છે."
જસ્ટિસ સોઢી એ તરફ પણ ઇશારો કરે છે કે આ મામલામાં પક્ષપાતનો અણસાર આવી રહ્યો છે.
એ સાથે જ તેઓ કહે છે, "આ ફેંસલો બિલકુલ મનમાની રીતે લેવાયો છે અને સ્પષ્ટ છે કે આમાં મગજનો ઉપયોગ કરાયો નથી. તેમણે પોતાનું મગજ લગાડવું જોઇતું હતું. જ્યાં એકએક નીતિ કહે છે કે બળાત્કારીઓને સજામાફી ના આપી શકાય, ત્યાં તેમણે બળાત્કારના દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે."
1992 કે 2014: કઈ નીતિને ધ્યાને લેવી જોઈતી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે સજામાફીનો વિચાર કરતી વખતે કયા વર્ષની નીતિને ધ્યાને જોઈતી હતી: 1992 કે 2014ની?
દિલ્હી હાઈકોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ જસ્ટિસ એસ.એન. ઢીંગરા કહે છે, "સજામાફીનો વિચાર વર્તમાનમાં લાગુ કરાયેલી નીતિના આધારે કરાતો હોય છે. સજામાફી વખતે જે પૉલિસી લાગુ છે આપ એ જ ધ્યાને લેશોને? જે પૉલિસી ગુનો થયો ત્યારે લાગુ હોય એને ધ્યાને ના લેવાય."
તેઓ ઉમેરે છે, "મારું માનવું છે કે જો આપ સજામાફી આપી રહ્યા છો તો 20 કે 30 વર્ષ પહેલાંની એવી પૉલિસીને આધાર ન બનાવી શકો જે રદ થઈ ગઈ હોય. જે પૉલિસી એકવાર રદ થઈ હોય એ ફરીથી લાગુ નથી થતી. જે નવી પૉલિસી હોય એ જ લાગુ કરવી જોઈએ, એવો મારો મત છે."
અલાહાબાદ હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ ગિરિધર માલવીય કહે છે કે, "હંમેશાં એવું જ રહ્યું છે કે બાદમાં લાગુ કરાયેલી નીતિને જ પ્રાથમિકતા અપાય અને જૂની નીતિને નજરઅંદાજ કરાય."
તેઓ કહે છે, "આ મામલે એ પૉલિસીને જોવી જોઇતી હતી જે આજે લાગુ છે. એ રીતે 2014ની પૉલિસી લાગુ થશે, 1992ની નહીં."

'સ્થાપિત કાયદા અનુસાર 1992ની નીતિને આધાર બનાવવો યોગ્ય'

ઇમેજ સ્રોત, ANI
આ મામલે 11 દોષિતોમાંથી એક રાધેશ્યામ ભગવાનદાસ શાહે સજામાફી માટે આવેદન આપ્યું હતું.
રાધેશ્યામ ભગવાનદાસ શાહના વકીલ ઋષિ મલ્હોત્રાએ બીબીસીને જણાવ્યું, "વર્ષ 2008માં જ્યારે સજા સંભળાવાઈ ત્યારે 2014ની સજામાફીની નીતિનો જન્મ પણ નહોતો થયો."
"વર્ષ 2003 બાદ સુપ્રીમ કોર્ટ કેટલાય કેસમાં સતત માનતી રહી કે જે નીતિ ટ્રાયલ કોર્ટ દ્વારા કન્વિક્શન વખતે લાગુ કરાઈ હોય, એ જ નીતિને સજામાફી પર વિચાર કરતી વખતે લાગુ કરવાની જરૂર હોય, ના કે કોઈ એવી નીતિ જે કન્વિક્શન બાદ બની હોય. આ એક સ્થાપિત કાયદો છે, જેનો સુપ્રીમ કોર્ટે આ ફેંસલામાં ઉલ્લેખ કર્યો છે."
કાયદાના આલમમાં પણ આ વાત પર ચર્ચા ચાલી રહી છે કે શું આ મામલે દોષિતોની સજામાફી પર વિચાર કરતી વખતે ગુજરાતની 2014ની નીતિને ધ્યાને લેવી જોઈતી હતી?
ઋષિ મલ્હોત્રા કહે છે, "આ તર્ક સુપ્રીમ કોર્ટના ફેંસલાથી એકદમ વિપરીત છે. આ અંગે હરિયાણા રાજ્ય વિરુદ્ધ જગદીશ કેસમાં ત્રણ ન્યાયાધીશની પીઠનો ફેંસલો છે, જેનું સુપ્રીમ કોર્ટે સતત પાલન કર્યું છે. એના પર કોઈ વિવાદ નથી."
આ દોષિતોની સજામાફી પર વિચાર કરવા માટે ગુજરાતમાં જે જેલસમિતિ રચાઈ એના પર લાગવાઈ રહેલા પક્ષપાતના આરોપ પર ઋષિ મલ્હોત્રા કહે છે, "આ કુતર્ક છે. જેલ સલાહકાર સમિતિમાં જિલ્લાધિકારી, એક સત્ર ન્યાયાધીશ, ત્રણ સમાજસેવક, બે ધારાસભ્યો અને જેલ અધીક્ષક સહિત કુલ દસ સભ્યો હતા."
"આ દસ સભ્યો આ મુદ્દે ફેંસલો કરી રહ્યા હતા. આ સમિતિમાં ભાજપના બે સભ્યો હતો એ કહેવું પૂરતું નથી કેમ કે આ સમિતિમાં બે-ત્રણ ન્યાયાધીશ પણ બેઠા હતા. શું આપણે ડીએમ કે સત્ર ન્યાયાધીશની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છીએ?
વકીલ ઋષિ મલ્હોત્રા મુજબ આ સમિતિના તમામ સભ્યોએ 1992ની નીતિની સમીક્ષા બાદ એક નિર્ણય લીધો અને એ પણ જોયું કે દોષિતો 15 વર્ષથી વધુ સમય સજા કાપી ચૂક્યા હતા. તેઓ કહે છે, "એમ નથી કે બે લોકોએ પાછલા બારણે નિર્ણય લીધો છે. દસ સભ્યોની સમિતિએ નિર્ણય લીધો છે."

'જ્યારે દોષિતોને સજા ન અપાઈ ત્યારે કોઈ હોબાળો કેમ ન થયો?'
ઋષિ મલ્હોત્રાનું કહેવું છે કે આ સમગ્ર વિવાદ રાજનીતિ સાથે જોડાયેલો છે.
તેઓ કહે છે, "આ મામલામાં દોષિતોને લઈને ઘણો હોબાળો થઈ ચૂક્યો છે. જ્યારે ટ્રાયલ કોર્ટે આ આરોપીઓને આજીવન કેદની સજા આપી ત્યારે સીબીઆઈએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરીને મોતની સજાની માગ કરી હતી. જેને રદ કરી દેવાઈ હતી."
"સુપ્રીમ કોર્ટે પણ આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. તો એ સમયે કોઈ હોબાળો કેમ ન થયો કે દોષિતોને મોતની સજા મળવી જોઈએ? તે વખતે બધા ચૂપ કેમ હતા? હવે જ્યારે તેમણે 15 વર્ષની સજા ભોગવી લીધી છે તો હોબાળો કેમ થઈ રહ્યો છે? આ હોબાળો ત્યારે થવો જોઈતો હતો જ્યારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે મોતની સજા સંભળાવી ન હતી."
તેમનું કહેવું છે કે આ મામલે થઈ રહેલો હોબાળો 'જજો પર દબાણ ઊભું કરવા જેવો છે.' તેઓ કહે છે, "શું તેઓ સુપ્રીમ કોર્ટના જજની બુદ્ધિમત્તા પર સવાલ ઊભા કરી રહ્યા છે કે તેમને કાયદાની જાણકારી નથી કે પછી તેમણે નીતિઓને જોઈ નથી?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














