બિલકીસબાનો કેસમાં જેલમાંથી છૂટેલા દોષિતોનું ગામમાં સ્વાગત થયું, ગામલોકો શું બોલ્યા?

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બિલકીસબાનો
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદાદાતા

ગુજરાતના રણધીકપુરનું નામ આવતાં જ બિલકીસબાનો કેસ યાદ આવે. 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોને કારણે ગુજરાત સમગ્ર દેશના નકશા પર કોમી તોફાનો માટે ચર્ચામાં આવી ગયું હતું.

દાહોદ ખાતે આવેલા રણધીકપુર ગામના 11 લોકો બિલકીસબાનો ગૅંગરેપ અને તેમના પરિવારજનોની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.

15મી ઑગસ્ટ 2022ના રોજ ગામમાં એક પછી એક લગભગ અનેક ઘરોમાં ઉજવણીનો માહોલ હતો.

પૂજા-પાઠ થઈ રહ્યાં હતાં, લોકો એકબીજાને મીઠાઈ વહેંચી રહ્યા હતા. એ 11 દોષિતોમાંથી મોટાભાગના લોકો 15 વર્ષથી વધુની સજા ભોગવી ચૂક્યા છે.

તેમનાં ઘરોમાં લોકો એકબીજાને તિલક ચાંદલા કરીને જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા.

આ દૃશ્ય 15મી ઑગસ્ટ અને તેના પછીના દિવસોમાં ગામમાં જોવા મળ્યો હતો.

11 દોષિતો રાજ્ય સરકારની કેદીઓને માફી આપવાની પૉલિસી હેઠળ જેલમાંથી મુક્ત થયા હતા.

તેમનાં નામ અહીંયાથી અનેક કિલોમિટર દૂર બીજાં ગામડાં સુધી સાંભળાવા મળ્યાં હતાં. આસપાસના વિસ્તારના લોકોમાં એક જ ચર્ચા હતી કે બિલકીસબાનો કેસના દોષિતો છૂટી ગયા છે.

line

'વ્યક્તિને સુધરવાનો મોકો મળવો જોઈએ'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આ 11 લોકોમાંથી એક વ્યક્તિના ઘરે બીબીસીની ટીમ પહોંચી હતી. ઘરની અંદર પ્રવેશતાં જ ડૉ. કે બી હેડગેવાર અને એમ. એસ. ગોલવલકરની તસવીરો ઘરના ઊમરામાં જ જાણે સ્વાગત માટે મૂકી હોય તેમ સજાવી હતી.

18 વર્ષ પછી જેલમાંથી મુક્ત થઈને ઘરે આવેલી આ વ્યક્તિએ કંઈ પણ વાત કરવાની ના પાડી હતી પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે "મીડિયાથી દૂરના સલામ. શું સાચું છે, શં ખોટું છે તેનો ભેદ મીડિયા નહોતી કરી શકી, જેને કારણે અમારી આ દશા થઈ છે."

બીબીસીની ટીમ તેમના ઘરે જ્યારે પહોંચી તો તેમના પરિવારના તમામ લોકોને કપાળે કંકુનો ચાંલ્લો જોવા મળ્યો હતો, અને આ વ્યક્તિ પોતે નવાં કપડાં પહેરી પૂજાપાઠ કરીને જાણે હમણાં જ પરવારી હોય તેવું લાગી રહ્યું હતું.

આ 11 લોકોને બીલકિસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના લોકોની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા મુંબઈની સેશન કોર્ટે ફટકારી હતી. જેને બૉમ્બે હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી.

આ ગામમના લોકો સાથે જ્યારે વાત કરવામાં આવી તો અનેક લોકોએ કહ્યું કે, "આ લોકોએ જે કર્યું હતું, તેના માટે તેમને પૂરતી સજા મળી ગઈ છે માટે તેમને છોડી દેવા તે યોગ્ય છે."

બીબીસી ગુજરાતીએ આ 11 લોકોના વકીલ ગોપાલસિંહ સોલંકી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "સરકારી ધારાધોરણો પ્રમાણે તેમને આ સજામાફી મળી છે, સરકારે તમામ નીતિનિયમોનું પાલન કર્યું છે. દરેક મનુષ્ય ભૂલને પાત્ર હોય છે, અને અમુક વર્ષોની સજા બાદ દરેક વ્યક્તિને સુધરવાની તક મળવી જોઈએ, જેથી તેઓ બીજા ગુનેગારો સાથે મળીને એક રીઢા ગુનેગાર ન બની જાય, માટે સરકારે તેમને છોડીને એક યોગ્ય પગલું ભર્યું છે."

જોકે તેમની આ દલીલ સામે સિનિયર ઍડ્વોકેટ શમશાદ પઠાણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "તેમાં કોઈ શંકા નથી કે સરકાર પાસે કોઈ પણ વ્યક્તિની સજા માફ કરવાની સત્તા હોય છે, પરંતુ આ 11 લોકોના ગુના કરતાં ઓછા ગંભીર ગુનામાં તેમનાથી પણ વધુ સમય સુધી અનેક લોકો સજા ભોગવી રહ્યા છે, તેમને કેમ છોડવામાં નથી આવતા."

"તેવા પણ લોકો છે કે તેમની સજા પૂરી થઈ ચૂકી છે, તેમ છતાંય સરકાર તેમને છોડતી નથી. તો એક જ સરકારનાં આ બે વલણ કેમ છે, તે સમજાતું નથી."

રાધેશ્યામ ભગવાનદાસ શાહ

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, રાધેશ્યામ ભગવાનદાસ શાહ

જેલથી બહાર આવેલા 11 દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે એક વીડિયો મૅસેજમાં કહ્યું હતું કે તેઓ ખૂબ જ ખુશ છે કે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

તેઓ આ વીડિયોમાં આગળ કહે છે કે, "અમે હવે અમારું જીવન નવેસરથી શરૂ કરીશું."

શાહે સુપ્રીમ કોર્ટમાં પોતાની સજા માફ કરવા માટે એક અરજી કરી હતી તેના આધારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને એક કમિટી બનાવીને તે મામલાને જોવાનો આદેશ કર્યો હતો.

રાધેશ્યામ શાહની અરજીને આધારે કલેક્ટરના વડપણ હેઠળ એક સમિતીની રચના કરવામાં આવી હતી, જેના રિપોર્ટના આધારે આ 11 લોકોની સજા માફી થઈ ચૂકી છે.

line

'ફરીથી ભયના ઓથાર હેઠળ જીવવાનું આવ્યું'

બિલકીસબાનો કેસના 11 દોષિતો જેમને ગોધરા સબજેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, બિલકીસબાનો કેસના 11 દોષિતો જેમને ગોધરા સબજેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતીએ બિલકીસબાનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તો વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમના પતિ યાકુબ રસૂલે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "આ 11 લોકોને સજા થયા પછી અમારાં જીવનમાંથી જે ભય જતો રહ્યો હતો, તે ભયમાં અમારે ફરીથી જીવવાનું આવ્યું છે. હવે અમને અમારી જાનનું જોખમ છે, જેને કારણે હવે અમે કોઈ એક જ સ્થળે વધુ સમય સુધી નહીં રહી શકીએ અને અમારું રહેઠાણ અમારે બદલ્યા કરવું પડશે."

યાકુબભાઈ કહે છે કે, "આટલાં વર્ષોની લડાઈ બાદ હવે અમને લાગી રહ્યું છે કે આટલાં વર્ષોની મહેનત બાદ અમને કંઈ જ મળ્યું નથી, અને અમારા પર જોખમ એટલું જ રહ્યું છે."

સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2019માં ગુજરાત સરકારને બિલકીસબાનોને 50 લાખ રૂપિયાનું વળતર, એક સરકારી નોકરી અને રહેવા માટે મકાન આપવાનું હુકમ કર્યું હતું.

યાકુબનું કહેવું છે કે, "સુપ્રીમ કોર્ટના ઑર્ડર બાદ પણ અમને હજી સુધી નોકરી અને ઘર મળ્યું નથી."

તેઓ કહે છે કે, "સરકાર નોકરી બિલકીસને આપવાની વાત કરે છે પરંતુ તેઓ નોકરી કરવાની પરિસ્થિતિમાં નથી, માટે અમે એ નોકરી મારા નામે માગી છે. તેની સાથે મકાન આપવા માટેની કોઈ પણ કાર્યવાહી સરકારે હજી સુધી શરૂ કરી નથી."

યાકુબભાઈ કહે છે કે, "એક તરફ આ બધી કાયદાકીય લડાઈ ચાલી રહી છે, ત્યાં હવે અમારે હવે આ નવી લડાઈ લડવાની છે. અમને એક વખત યોગ્ય કાગળો મળે તો ત્યાર બાદ અમે અમારી આગળની નીતિ નક્કી કરીશું."

2002નાં તોફાનો બાદ ત્રીજી માર્ચ 2022૨ના રોજ રણધીકપુરના એક ખેતરમાં આશરે 20 વર્ષનાં બિલકીસબાનો, તેમની ત્રણ વર્ષની દીકરી અને બીજા 14 લોકો એક ખેતરમાં આશરો લઈ રહ્યાં હતાં.

સીબીઆઈની તપાસ પ્રમાણે તે સમયે બિલકીસબાનો પાંચ મહીનાથી ગર્ભવતી હતાં અને તેમના પર ગૅંગરેપ કરવામાં આવ્યો હતો.

યાકુબ પ્રમાણે તેમના અને બિલકીસ સિવાય તે ઘટનામાં કોઈ જ બચ્યું ન હતું જેમાં તેમના પરિવારના 14 લોકોનાં મૃત્યું થયાં હતાં જેમને પોલીસે મિસિંગ પર્સન તરીકે ગણ્યા હતા.

જોકે ત્યારબાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ આ કેસ ગુજરાતથી મુંબઈ સેશન્સ કોર્ટમાં સોંપવામાં આવ્યો હતો. જેમાં તેમને આજીવન કેદની સજા મળી હતી. મુંબઈ હાઈકોર્ટે આ સજા યથાવત્ રાખી હતી. આ તમામ લોકોને મુંબઈની આર્થર જેલમાં રાખવામાં આવ્યા હતા અને લગભગ જાન્યુઆરી 2021થી તેમને ગોધરા જેલમાં લાવવામાં આવ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન