રાજસ્થાન : દલિત વિદ્યાર્થીના મૃત્યુના કારણને લઈને શા માટે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી હિંદી માટે, રાજસ્થાનથી
રાજસ્થાનના ઝાલૌર જિલ્લાના મુખ્યમથકથી 75 કિલોમીટર દૂર આવેલા સુરાણા ગામની સરસ્વતી વિદ્યામંદીર સ્કૂલની તિરાડો પડેલી ઇમારતના એક રૂમમાં ઘણા દિવસો પહેલાં બનાવેલું ભોજન પડેલું છે. પાસે જ એક ખાટલો છે, એક દોરી પર કપડાં લટકી રહ્યાં છે અને બાકીનો સામાન વેરવિખેર છે.
આ સરસ્વતી વિદ્યામંદિરના સંચાલક અને શિક્ષક છેલસિંહનો ઓરડો છે. જેમને એક દલિત વિદ્યાર્થિની હત્યાના મામલે ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયા છે. તેમના પર આરોપ છે કે તેમણે દલિત વિદ્યાર્થીને એક માટલામાંથી પાણી પીવાના કારણે એટલો માર્યો કે તેનું સારવાર દરમિયાન એનું મૃત્યુ થઈ ગયું.
બાગોડાથી લગભગ પાંચ કિલોમીટર દૂર એક ઘરબહાર લોકોનું ટોળું એકઠું થયેલું છે. આ ઘર એ નવ વર્ષીય દલિત વિદ્યાર્થીનું છે, જેમનું મૃત્યુ થયું છે. અહીં ગાડીઓમાં લોકોની અવરજવર ચાલુ છે.
લોકોની સંખ્યા જોઈને ડીએસપી, એક ઇન્સ્પેક્ટર સહિત ઘણા પોલીસકર્મીઓને અહીં તહેનાત કરવામાં આવ્યા છે. એક ખેતરમાં પાર્કિંગ માટે જગ્યા બનાવવામાં આવી છે.
સુરાણા ગામમાં મૃતક બાળકના પરિવારને મળવા માટે રાજસ્થાન તેમજ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

બાળકનાં માતા-પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
લોકોની ભીડમાંથી પસાર થઈને અમે મૃતક વિદ્યાર્થી ઇન્દ્રકુમારનાં માતા પવનીદેવી સુધી પહોંચ્યા.
લાલ રંગનો ઘૂમટો તાણીને, હાથ જોડીને બેસેલાં પવનીદેવીએ બીબીસીને કહ્યું, "ઇન્દ્રે ઘરે આવીને કહ્યું કે માટલામાંથી પાણી પીધા બદલ માસ્ટરજીએ એને માર્યો છે. ઇન્દ્રના કાનમાં દુખી રહ્યું હતું. જેથી અમે હૉસ્પિટલ લઈ ગયાં હતાં."
ઇન્દ્રનાં માતા સાથેની વાતચીત દરમિયાન ઘરમાં એક તરફ લોકો સાથે શ્રદ્ધાંજલિ સભામાં બેસેલા ઇન્દ્રના પિતા દેવારામ મેઘવાલ આવી ગયા. તેમણે કહ્યું, "ઇન્દ્રની માતાની તબિયત ઠીક નથી. ડૉક્ટરે બોલવાની ના પાડી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સફેદ રંગની ધોતી અને શર્ટ પહેરીને માથા પર ગમછો નાખીને ઊભેલા ઇન્દ્રના પિતા દેવારામ મેઘવાલે બીબીસીને કહ્યું, "ઇન્દ્રે કહ્યું હતું કે માસ્ટરજીએ માર્યો હતો કારણ કે તેણે માટલામાંથી પાણી પીધું હતું. ઇન્દ્રની નસ બ્લૉક થઈ ગઈ હતી અને હાથ-પગ પણ કામ કરી રહ્યા નહોતા."
તેઓ આગળ કહે છે, "ઘણી જગ્યાએ સારવાર કરાવી હોવા છતા સારું ન થયું. અમદાવાદમાં ટેસ્ટ કરાવ્યા તો રિપોર્ટમાં આવ્યું કે તેને ઈજા પહોંચી છે."
બીજી તરફ ડૉક્ટર અને સ્કૂલના કેટલાક શિક્ષકોનું કહેવું છે કે ઇન્દ્રને ઘણાં વર્ષોથી કાનમાં ઇન્ફૅક્શન હતું.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
બીબીસીના આ પ્રશ્ન અંગે પિતા દેવારામે કહ્યું, "તે બિલકુલ સ્વસ્થ હતો. તેને કોઈ બીમારી ન હતી."
મેઘવાલ કહે છે, "સ્કૂલવાળા પર ગામલોકોનું દબાણ છે. અહીં ઘણો જાતિવાદ છે, અમારી માત્ર એક માગ છે કે આ જાતિવાદ ખતમ થઈ જવો જોઈએ."
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોનાં ગત વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2020માં દર 10 મિનિટે અનુસૂચિત જાતિની એક વ્યક્તિ ભોગ બને છે.
વર્ષ 2020માં અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ સાથે થયેલ અપરાધના 50,291 કેસ દાખલ થયા છે.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
એનસીઆરબીના આંકડા પ્રમાણે આ કુલ મામલામાંથી 25 ટકા (12,714) ઉત્તર પ્રદેશમાં જ્યારે બીજા નંબર પર બિહાર (7,368) અને ત્રીજા નંબરે રાજસ્થાન (7,017) છે.
ઝાલૌરની સરકારી હૉસ્પિટલના ડૉક્ટરે ઉચ્ચ અધિકારીઓએ તેમને કંઈ પણ કહેવાની ના પાડી હોવાનું જણાવીને કૅમેરા સમક્ષ વાત કરવાની ના પાડી દીધી હતી પરંતુ એક ડૉક્ટરે નામ ન છાપવાની શરતે કહ્યું, "બાળકની છેલ્લાં બે વર્ષથી સારવાર ચાલી રહી હતી. તેના કાનમાં ઇન્ફૅક્શન હતું."
ઝાલૌર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલે કહ્યું, "બાળકને કોઈ બીમારી હતી કે નહીં, તે વિશે તપાસ ચાલી રહી છે."

સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
સુરાણા ગામની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં મીડિયાકર્મીઓનો જમાવડો છે. સ્કૂલમાં બે પોલીસકર્મીઓ તહેનાત છે.
સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં એક મોટા પ્રવેશદ્વારની બિલકુલ બાજુમાં ત્રણ તરફ દિવાલ ધરાવતો એક રૂમ છે. અહીં ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. મૃતક ઇન્દ્રકુમાર પણ આ જ ઓરડામાં ભણતો હતો.
એ રૂમની એકદમ સામેની બાજુએ સિમેન્ટની પાણીની ટાંકી છે. જેમાં બે નળ લાગેલા છે. તેની આગળ પતરાનો એક શેડ છે. જેની નીચે પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.
સ્કૂલના મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશતાં જ નાના-નાના ઘણા ઓરડા જોવા મળે છે. વરસાદ હોવાથી મોટા ભાગના ઓરડાઓમાં પાણી ટપકી રહ્યું હતું. ઘણા ઓરડામાં બાળકોની સ્કૂલબૅગ પડી હતીઅને કેટલાક ઓરડાઓ ગંદકીથી ભરેલા હતા.
સ્કૂલના શિક્ષક અજમલરામ કહે છે, "આ સ્કૂલ 2004થી શરૂ કરવામાં આવી છે. પહેલાં આ ગામમાં જ રહેતી એક વ્યક્તિનું ઘર હતું. જેથી ઘરની જેમ જ તેની બનાવટ છે."

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
સ્કૂલના અંતિમ ભાગમાં બનેલા રૂમોમાં આરોપી શિક્ષક છેલસિંહનો પણ એક ઓરડો છે. અજમલરામ અને માવારામ ભીલ પણ છેલસિંહ સાથે આ જ ઓરડામાં રહેતા હતા.
અજમલરામે બીબીસીને કહ્યું, "છેલસિંહ અને અમે સાથે મળીને ખાવાનું બનાવતા અને સાથે જ રહેતા હતા. અમારી વચ્ચે ક્યારેય જાતિવાદ જેવું કંઈ રહ્યું જ નહોતું."
સ્કૂલમાં 352 બાળકો છે, સાત શિક્ષકો છે. તેમાંથી પાંચ શિક્ષક અનુસૂચિત જાતિ અને જનજાતિના છે, એક ઓબીસીના અને સામાન્ય વર્ગના છેલસિંહ છે.

શું સ્કૂલમાં ખરેખર માટલું છે?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
તિરાડો પડેલી ઇમારતના નાનકડા ઓરડામાં સ્કૂલ ચાલી રહી છે. એક માળની ઇમારતમાં મોટા ભાગના ઓરડાની દિવાલો પર જ બ્લૅકબૉર્ડ બનાવેલા છે.
સ્કૂલમાં માટલું રાખવા માટે બે પણિયારાં છે. જોકે, ત્યાં માટલું કે પાણી પીવા માટે અન્ય કોઈ વાસણ રાખવામાં આવ્યું નહોતું.
મૃતક ઇન્દ્રકુમાર મેઘવાલના પિતાએ બીબીસીને જણાવ્યું, "અમે ઘણી વખત સ્કૂલે ગયા. ત્યાં માટલું હતું પણ હવે હઠાવી દેવાયું છે. ઇન્દ્રએ 20 જુલાઈએ ઘરે આવીને કહ્યું હતું કે માટલામાંથી પાણી પીવાથી છેલસિંહ સાહેબે માર્યું છે."
સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ માટલું હોવાની વાતથી ઇનકાર કરી રહ્યા છે.
બીબીસીના આ પ્રશ્નના ઉત્તરમાં ઇન્દ્રના પિતા દેવારામ કહે છે, "સ્કૂલવાળા પર ગામલોકોનું દબાણ છે. તેઓ જૂઠ્ઠું બોલી રહ્યા છે. માટલું હતું, તેમણે હઠાવી લીધું છે."
સ્કૂલમાં હાજર શિક્ષક ચેતન પ્રજાપતિએ બીબીસીને કહ્યું, "હું દોઢ વર્ષથી સ્કૂલમાં ભણાવી રહ્યો છું. મેં ક્યારેય માટલું જોયું નથી અને ક્યારેય કોઈની સાથે ભેદભાવ પણ થયો નથી. અમે બધા અહીં હળીમળીને રહીએ છીએ."

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
શિક્ષક ચેતન સિમેન્ટની એક મોટી ટાંકી તરફ ઇશારો કરતાં કહે છે, "તમામ બાળકો અને સ્કૂલનો સ્ટાફ પણ અહીંથી પાણી પીવે છે."
જ્યારે અમે તેમની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે સ્કૂલ કૅમ્પસમાં પાણીના બે ટૅન્કર રાખેલા હતા.
આ અંગે તેમણે કહ્યું, "આજે ગામના લોકો અને બહારથી કેટલાક અધિકારી આવ્યા હતા. તેમના માટે આ મગાવ્યા છે."
સ્કૂલમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બીબીસીને કહ્યું, "સ્કૂલમાં માટલું તો ક્યારેય હતું જ નહીં. અમે બધા જ ટાંકીના નળમાંથી પાણી પી રહ્યા હતા."
સ્કૂલમાં જ તહેનાત કેટલાક પોલીસકર્મીઓએ વાતચીતમાં કહ્યું કે માટલાનો મુદ્દો ઊભો કરવામાં આવી રહ્યો છે. સ્કૂલની હાલત અને સંચાલકની સ્થિતિ જોઈને લાગતું નથી કે આવું કંઇક બન્યું હોઈ શકે.

અત્યાર સુધી શું-શું થયું?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
સુરાણા ગામેથી પાછા ફરતી સમયે લગભગ 15 કિલોમીટર દૂર સિયાવટ વિસ્તારના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
વિદ્યાર્થીનાં મૃત્યુના વિરોધમાં એકજૂથ થયેલા લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
એ જ સમયે ઝાલૌર જિલ્લામાં 36 જાતિના લોકો એકઠા થયા હતા અને ચક્કાજામ કર્યો હતો. લોકોએ આ દરમિયાન કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પણ આપ્યું હતું.
અમે સુરાણા પહોંચ્યા તે પહેલાં ચિરાગ પાસવાન પણ મૃતક વિદ્યાર્થીના પરિવારને મળવા પહોંચ્યા હતા.
એડીજી (ક્રાઇમ) રવિ પ્રકાશ મહરડા પણ સ્કૂલમાં પહોંચ્યા હતા અને ગ્રામીણો સાથે વાત કરી હતી.
આ મામલે મુખ્ય મંત્રી અશોક ગેહલોતે 'મુખ્ય મંત્રી સહાયતા કોષ'માંથી પાંચ લાખ રૂપિયા, સમાજ કલ્યાણ વિભાગે ચાર લાખ અને પ્રદેશ કૉંગ્રેસ કમિટીએ 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
પોલીસને વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળી ચૂક્યો છે. જોકે, હાલ તેને સાર્વજનિક કરાયો નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળી શકશે.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી આ ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે.
તપાસ પૂરી થયા બાદ જ પુષ્ટિ થશે કે વિદ્યાર્થીના કાનમાં ઇન્ફૅક્શન હતું કે નહીં? શિક્ષકે માત્ર થપ્પડ જ મારી હતી કે વધારે માર માર્યો હતો? તપાસ પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે.
જોકે, ઝાલૌરમાં લોકોના દિમાગમાં એક જ પ્રશ્ન છે કે "શું સ્કૂલમાં ખરેખર માટલું હતું કે નહીં"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













