ઘેડ : ગુજરાતનો આ પ્રદેશ દર ચોમાસામાં ડૂબી કેમ જાય છે?

ગુજરાતનો એ પ્રદેશ જે દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે
ઇમેજ કૅપ્શન, કમર સુધીના પાણીમાં જઈ રહેલા વૃદ્ધા

ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એવો વિસ્તાર છે, જે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે.

સૌરાષ્ટ્રમાં ઘેડ પ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં 100થી વધુ ગામો આવેલાં છે. આ વિસ્તારનાં મોટાભાગનાં ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાય છે.

પાણી ભરાવાથી આ વિસ્તારનાં ઘણાં ગામો સંપર્કવિહોણાં થઈ જાય છે અને મોટાભાગનાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ધરખમ નુકસાન થાય છે. આ સિવાય લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી તેમની ઘરવખરી પણ તબાહ થઈ જાય છે.

ખેડૂતો અને આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવાં છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાતાં નથી.

જ્યારે તજજ્ઞો કહે છે કે આ વિસ્તાર દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જવા પાછળ તેની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે.

લાઇન

ભાદર નદી વિશે

લાઇન
  • ભાદર નદી જસદણ પાસેથી નીકળે છે અને અરબ સાગરને મળે છે
  • તેના જમણા અને ડાબા કાંઠે નવ મુખ્ય શાખાઓ છે
  • ભાદરની લંબાઈ 200 કિલોમીટર છે અને સ્ત્રાવક્ષેત્ર 7,094 ચો. કિ.મી છે
  • તેના પર 68 કિ.મી.ના અંતરે ભાદર-1 અને 106 કિ.મી.એ ભાદર-2 ડૅમ છે
લાઇન

શું કહે છે આ વિસ્તારના લોકો?

ગુજરાતનો એ પ્રદેશ જે દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે

ઇમેજ સ્રોત, Hanif Khokhar

ઇમેજ કૅપ્શન, લોકોનાં ઘર બહાર ગોઠણસમા પાણી ભરાયા છે

આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરે છે. અહીં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને મોટા ભાગના લોકો ઘેડ પ્રદેશમાંથી પસાર થતી ભાદર અને તેની સહાયક નદીઓ પાસે પોતાનાં ખેતરો ધરાવે છે.

ઘેડ પ્રદેશમાં આવતા વેકરી ગામના વિરમભાઈ ભાટુએ અગાઉ બીબીસી સાથે કરેલી વાતમાં કહ્યું હતું કે તેમના ત્યાં છેલ્લા પાંચેક વર્ષથી આવી જ પરિસ્થિતિ છે. તેઓ કહે છે, "દર વર્ષે જન્માષ્ટમીની આસપાસ જ આ રીતે અચાનક પાણી આવે છે અને અમારાં ખેતરો પાણીમાં ડૂબી જાય છે."

એ જ ગામના અન્ય એક ખેડૂત પરબતભાઈ આહિરે કહ્યું, "અમારો પાક લગભગ તૈયાર થઈ જ ગયો હતો પણ અચાનક પાણી આવ્યું અને જે પાક હતો એ બધો જ જતો રહ્યો. હવે અમારા જોવા માટે ખાલી ઝાડવા બચ્યાં છે. દરવર્ષે આવું જ થતું હોય છે. જેથી આવનારાં બે-ત્રણ વર્ષમાં બધા ખેડૂતો ભિક્ષુક બની જાય તો પણ નવાઈ નહીં!"

ગુજરાતનો એ પ્રદેશ જે દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે

ઇમેજ સ્રોત, Hanif Khokhar

ઇમેજ કૅપ્શન, ગામમાં ભરાઈ ગયેલું પાણી

તેઓ જણાવે છે કે વેકરી અને તેની આસપાસમાં એક હજાર વીઘાથી વધુ જમીન દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તમામ પાક નુકસાનગ્રસ્ત થઈ જાય છે.

અન્ય એક ખેડૂત ભીમજીભાઈએ જણાવ્યું, "અમે 2300 રૂપિયાની કિંમતે બિયારણ લાવીને વાવ્યું હતું. પાણી ભરાઈ જતા હવે અડધાથી વધુ પાક નિષ્ફળ થઈ ગયો છે અને જે બચ્યો છે તેનાં સરકાર 500-600 રૂપિયા આપે છે. તો હવે અમારે શું કરવાનું?"

ઘેડ પ્રદેશનાં તમામ ગામોમાં મોટાભાગનાં ઘરોમાં પાણી ભરાયેલાં છે. ક્યાંક ગોઠણસમા તો ક્યાંક કમર સુધી પાણી ભરાયેલાં છે.

મોટાભાગના લોકો પોતાની ઘરવખરી અન્યત્ર ખસેડવામાં લાગી ગયા છે. ગામોમાં રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અહીંનાં ગામોના સરપંચો દ્વારા આ અંગે અનેક વખત સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવાયા ન હોવાનું જાણવા મળ્યું છે.

line

'નદીનો પ્રવાહ સંરક્ષણની તમામ સંરચનાઓને તોડી નાંખે તેમ હોય છે'

ગુજરાતનો એ પ્રદેશ જે દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે

ઇમેજ સ્રોત, Maxar Technologies/ Google Earth

ઇમેજ કૅપ્શન, સૅટેલાઇટ તસવીરમાં દેખાતું વેકરી ગામ અને બાજુમાંથી પસાર થતી ભાદર નદી

જૂનાગઢસ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સુહાસ વ્યાસ જણાવે છે, "સૌરાષ્ટ્રમાં ઘેડ પ્રદેશ મહત્ત્વપૂર્ણ ભૌગોલિકસ્થાન પર આવેલો છે. ઘેડનો અર્થ 'ઘડો' થાય છે."

તેઓ કહે છે, "ઘેડ પ્રદેશમાં પાણી ભરાવા પાછળ મુખ્યત્વે ભાદર અને ઓઝત નદી જવાબદાર છે. આ વિસ્તારનો આકાર રકાબી જેવો છે."

"જેથી ઉપરવાસમાં વરસાદ પડે અને ડૅમમાંથી પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં પાણી ભરાયા વગર નદી આગળ વધતી નથી."

તેઓ વધુમાં જણાવે છે,"ભાદર નદી આ ઘેડ પ્રદેશમાં પહોંચે ત્યાર સુધીમાં તેનો પ્રવાહ એટલો વધી જાય છે કે જમીનના સંરક્ષણ માટે ઊભી કરાયેલી દિવાલ કે અન્ય કોઈ પણ સંરચનાને તોડી નાંખે તેમ હોય છે."

"આ વિસ્તારમાં ખેતીલાયક જમીન હોવાથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને થતું હોય છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ