ઋષિ સુનક : જ્યાં ભારતીયોએ ભેદભાવ વેઠ્યો એ બ્રિટન ભારતીય મૂળની વ્યક્તિને PM બનાવશે?

ઇમેજ સ્રોત, PA Media
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, લંડન
એક સમય હતો કે જ્યારે ભારતીય મૂળના લોકોએ બ્રિટનમાં અનેક પ્રકારના ભેદભાવો સહન કરવા પડતા હતા. તેમને કદાચ કલ્પના પણ નહીં હોય કે તેમનામાંથી જ એક દેશના વડા પ્રધાન બનવાનું સ્વપ્ન જોશે.
બ્રિટનના વિપક્ષ લૅબર પાર્ટીના સંસસદભ્ય વીરેન્દ્ર શર્માની ઉંમર 75 વર્ષ છે, તેઓ 55 વર્ષ પહેલાં પંજાબથી લંડન આવ્યા હતા.
પ્રારંભિક દિવસમાં સહન કરેલા ભેદભાવો વિશે વાત કરતા તેમણે બીબીસી હિંદીને જણાવ્યું, "60ના દાયકામાં જ્યારે ઘર ભાડે આપવા માટે મૂકવામાં આવતા ત્યારે 'એશિયન અને કાળાઓ માટે નહીં' એવી સૂચના લખાતી."
"ક્લબની બહાર 'શ્વાન, આયરીશ, ખાનાબદોશતથા કાળાને પ્રવેશની મંજૂરી નથી' અંગ્રેજ ભારતીયોને જોઈને કહેતા કે તેઓ એક સમયે આપણા ગુલામ હતા અને હવે અમારી સાથે આવીને બેઠા છે. તેઓ આનો વિરોધ કરતા હતા."
હવે, બ્રિટનના વીરેન્દ્ર શર્માની જેમ ભારતીય મૂળના અનેક લોકો સંસદસભ્ય બન્યા છે. બોરિસ જોન્સનની સરકારના અનેક કૅબિનેટ મંત્રી ભારતીય મૂળના હતા.
એટલું જ નહીં જોન્સન સરકારના મંત્રી ઋષિ સુનક વડા પ્રધાન બનવાની રેસમાં અગ્રેસર છે. તેઓ બ્રિટનના નાણામંત્રીપદે રહી ચૂક્યા છે અને કન્ઝર્વેટિવ પાર્ટીના મહત્ત્વપૂર્ણ નેતા છે. સુનકની ઉંમર 42 વર્ષ છે, તેમની સામે લિઝ ટ્રસ છે, જેઓ પાર્ટીનાં અનુભવી નેતા છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના એક લાખ 60 હજાર સભ્ય બંનેમાંથી એકને મત આપીને બ્રિટનના આગામી વડા પ્રધાનની પસંદગી કરશે. બંનેમાંથી આ રેસમાં કોણ વિજયી થયું છે, તેના વિશે પાંચમી સપ્ટેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે.
શું બ્રિટનના આગામી વડા પ્રધાન ભારતીય મૂળના હશે? આ સવાલનો જવાબ મેળવવા માટે બીબીસીએ બ્રિટનના સમાજના અલગ-અલગ તબક્કા તથા કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઋષિ સુનક વિશે....

ઇમેજ સ્રોત, Getty Images
- ઋષિ સુનક તથા લીઝ ટ્રસ વચ્ચે મુખ્ય સ્પર્ધા.
- ઋષિ સુનક ઇન્ફોસિસના સહસ્થાપક એન. નારાયણમૂર્તિના જમાઈ.
- ઋષિનાં પત્ની અક્ષતામૂર્તિ બ્રિટનનાં ધનવાન મહિલાઓની યાદીમાં.
- બોરિસ જોન્સનની સરકારમાં નાણામંત્રી હતા.
- 2015થી યૉર્શરનના રિચમંડથી કન્ઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પર સંસદસભ્ય.
- સુનકના પિતા ડૉક્ટર તથા માતા ફાર્મસિસ્ટ હતાં.
- ભારતીય મૂળનો સુનક પરિવાર પૂર્વ આફ્રિકાથી બ્રિટન આવ્યો હતો.


ઋષિ સારા તો છે...

લંડનથી લગભગ સો કિલોમીટર દૂર ચેલ્ટેનહૅમ શહેરને બ્રિટનની સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.
લંડન, બર્મિંઘમ, માન્ચેસ્ટર તથા લિવરપુલ જેવાં શહેરોની સરખામણીમાં આ પ્રકારના શહેર અને વિસ્તારોમાં વિવિધતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. આ મુખ્યત્વે શ્વેત લોકોનું શહેર છે.
ઋષિ સુનક વડા પ્રધાન બનવાની રેસમાં છે, આના વિશે એક યુવતીએ કહ્યું, "અર્થવ્યવસ્થા માટે તેઓ સારા સાબિત થશે. તેઓ સારા અર્થશાસ્ત્રી છે, આથી મને લાગે છે કે આ કારણથી તેમનો કેસ વધુ મજબૂત છે."
તેમનાં અન્ય એક સાથીએ કહ્યું, "એમની નીતિઓ એમના જેવા ધનવાનોને બાદ કરતાં અન્ય કોઈને મદદરૂપ થાય તેમ નથી, એટલે હું આમાંથી કોઈનું સમર્થન નથી કરતી."
મેં એક મહિલાને પૂછ્યું કે શું બ્રિટિશ સમાજ એક શ્વેત ન હોય એવી વ્યક્તિને વડા પ્રધાન તરીકે સ્વીકારવા માટે તૈયાર છે?
તેના જવાબમાં મહિલાએ કહ્યું, "હું વ્યક્તિગત રીતે આના વિશે વિચારતી નથી,પરંતુ મને લાગે છે કે હું તૈયાર છું. મારો ઝુકાવ ઋષિ તરફ છે."
શહેરના બજારમાં મેં એક વ્યક્તિને પૂછ્યું, શું તમને લાગે છે કે અહીંનો સમાજ એક કાળા વંશની વ્યક્તિને વડા પ્રધાન તરીકે સ્વીકારવા માટે તૈયાર છે, ત્યારે તેમણે કહ્યું, "હું ચોક્કસપણે તૈયાર છું. હું અન્યો વિશે નથી જાણતો, પરંતુ હા મને લાગે છે કે કે તે સારું રહેશે."

'સારા ઉમેદવાર પણ...'

બર્મિંઘમ બ્રિટનનું બીજું સૌથી મોટું શહેર છે. ત્યાંના રહીશોમાં પ્રવર્તમાન વિવિધતા ઊડીને આંખે વળગે તેવી છે. શહેરમાં તાજેતરમાં યોજાયેલા કૉમનવેલ્થ રમતોતસ્વનાં સાંસ્કૃતિક સમારંભોમાં આ વિવિધતા જોવા મળી હતી.
અહીં પાકિસ્તાની મૂળના લોકો મોટી સંખ્યામાં વસે છે, શું તેઓ ભારતીય મૂળના ઋષિ સુનકને પોતાના વડા પ્રધાન તરીકે જોવાનું પસંદ કરશે?
જુમાની નમાઝ પઢીને બહાર નીકળતી વખતે એક શખ્સે કહ્યું, "મને આશા છે કે સમગ્ર સમાજ એટલો તો સમજુ થઈ ગયો છે કે તે કાબેલિયતને જુએ. તે વ્યક્તિના વર્ણ કે વંશ કે ક્યાંથી આવ્યો છે તે નહીં જુએ."
"મને લાગે છે કે ઋષિ કાબેલ વ્યક્તિ છે. એટલે મને તેમના પર ભરોસો છે કે તેઓ સારા વડા પ્રધાન બનશે."
અન્ય એક શખ્સે કહ્યું, "મને લાગે છે કે યુકેના આગામી વડા પ્રધાનપદના ઉમેદવાર લઘુમતી સમુદાયના ઋષિ છે, તેઓ સારા ઉમેદવાર નિવડશે."

પાકિસ્તાની મૂળના લોકોનું સમર્થન

કાશ્મીરના મીરપુરથી આવીને ઇંગ્લૅન્ડમાં વસેલી અન્ય એક વ્યક્તિએ કહ્યું, "મારા મતે ઋષિ સુનક વડા પ્રધાન બનવા જોઈએ, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે જોયું છે કે મોટાભાગે શ્વેત જ વડા પ્રધાન બન્યા છે."
"ભારતીય મૂળના કે એશિયન મૂળના વડા પ્રધાન બનશે તો ભારે પરિવર્તન આવશે, એવી આશા છે."
ઋષિ સુનક હિંદુ ધર્મના છે અને તેનું પાલન પણ કરે છે. વર્ષ 2015માં ચૂંટણી જીત્યા પછી તેમણે ભગવદ્દ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા.
ભારતીય મૂળના લોકો તેમના વિજય માટે પૂજા-અર્ચના કરી રહ્યા છે, પરંતુ શું તેઓ ખરેખર એટલા સક્ષમ ઉમેદવાર છે?
સુનકનો જન્મ તા. 12મી મે, 1980ના રોજ સાઉથેમ્પ્ટન શહેરમાં થયો અને ત્યાં જ તેમનો ઉછેર થયો, તેમનાં માતા-પિતા હજુ પણ ત્યાં જ રહે છે.
ઋષિના પિતા તબીબ છે, જ્યારે માતા કૅમિસ્ટની દુકાન ચલાવતાં હતાં. પૂર્વ આફ્રિકાથી આવીને સુનક પરિવારે અહીં વસવાટ કર્યો હતો. ઋષિ તથા તેમનો પરિવાર વૈદિક સોસાયટી 'હિંદુ મંદિર'માં સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
બીબીસી હિંદી આ મંદિરે પહોંચ્યું, તો ત્યાં અમારી મુલાકાત 75 વર્ષના નરેશ સોનચાટલા સાથે થઈ. તેઓ ઋષિને નાનપણથી ઓળખે છે. તેઓ કહે છે, "મને લાગે છે કે તેઓ વડા પ્રધાન બનશે અને જો તેઓ ન બની શકે તો તેનું કારણ તેમની ચામડીનો રંગ હશે."
સંજય ચંદારાણા મંદિરના અધ્યક્ષ છે, તેમને લાગે છે કે ચામડીના વર્ણને કારણે ઋષિ સાથે ભેદભાવ થાય એમ નથી લાગતું.
તેઓ કહે છે, "કોની નીતિઓ સારી છે, એ આ દેશમાં જોવામાં આવે છે."
"કોનો દૃષ્ટિકોણ સારો છે અને કોણ દેશને આગળ લઈ જશે, એ બધું જોવામાં આવે છે. ચામડીનો રંગ એટલો બધો અગત્યનો નથી."
સમાજમાં ઋષિની લોકપ્રિયતા તેમનાં હરીફ લિઝ ટ્રસ કરતાં વધુ જણાય છે, છતાં જય-પરાજયનો નિર્ણય તેમની પાર્ટીના સભ્યો જ કરશે. કન્ઝર્વેટિવ પાર્ટીના યુવાનો ઋષિની તરફે હોય તેમ જણાય છે, પરંતુ વરિષ્ઠ સભ્યો તેમના વિશે અલગ-અલગ અભિપ્રાય ધરાવે છે.

પાર્ટીની અંદર સ્થિતિ
પાર્ટી દ્વારા દેશનાં અલગ-અલગ શહેરોમાં બંને નેતાઓ વચ્ચે ડિબેટનું આયોજન કરાવવામાં આવી રહ્યું છે, આવી ઇવેન્ટ્સને 'હસ્ટિંગ્સ' કહેવામાં આવે છે.
સર્વેક્ષણોનાં અનુમાનોમાં લિઝ ટ્રસ્ટને સ્પષ્ટ સરસાઈ મળેલી છે, પરંતુ હસ્ટિંગ્સમાં પાર્ટીના સભ્યોનો ઝુકાવ ટ્રસની સરખામણીમાં સુનક તરફી વધુ જણાય છે, જેના કારણે સુનકની તરફેણમાં પણ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય તેમ જણાય છે.
લિઝની સરખામણીમાં ઋષિની ટીમ વધુ સંગઠિત જણાય છે. ઋષિની ટીમમાં યુવા સભ્યો વધારે છે, એટલે તેમનામાં જોશ પણ વધુ દેખાય છે.
લિઝની ટીમમાં વરિષ્ઠ લોકો વધુ જોવા મળે છે, પરંતુ ઋષિના કૅમ્પને દરેક જગ્યાએ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

ઋષિ માટે સજ્જ...

રિચાર્ડ ગ્રેહમ કન્ઝર્વેટિવ પાર્ટીના ગ્લૉસ્ટર બેઠક પરથી સંસદસભ્ય છે, તેઓ સાર્વજનિક રીતે ઋષિ સુનકને પોતાનું સમર્થન જાહેર કરી ચૂક્યા છે.
અમે તેમને પૂછ્યું કે શું લોકો ઋષિને માટે તૈયાર છે? ત્યારે તેમણે કહ્યું, "હું તથા મારી જેમ અનેક લોકો તૈયાર છે. તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મોટાભાગના સંસદસભ્યોનો પણ સમાવેશ થાય છે."
"મને લાગે છે કે દેશભરમાં મારા સભ્યોનો એક મોટો હિસ્સો પણ આને માટે તૈયાર છે, છતાં અમારે સભ્યોના અભિપ્રાયની રાહ જોવી રહી."
"અમે બધા ઋષિને યોગ્ય વિકલ્પ તરીકે જોઈએ છીએ. મને નથી લાગતું કે આ સ્પર્ધાના પરિણામમાં વિજેતાના રંગની કોઈ ભૂમિકા હશે."
ઋષિ સુનકની કૅમ્પેન ટીમના એક સભ્યે વંશીય ભેદભાવ મુદ્દે વાત કરતા કહ્યું, "તે ચર્ચાનો મુદ્દો છે, એમ પણ ન વિચારશો. મને લાગે છેકે જેના વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, તે છે ઉમેદવારની નીતિઓ."
ટીમના અન્ય એક સભ્યે ક્હ્યું, "મને નથી લાગતું કે ઋષિની પૃષ્ટભૂમિ ચિંતાનો વિષય બનશે. લોકોને સામાન્ય રીતે તેમના કામના આધારે આંકવામાં આવે છે, તેમની પૃષ્ઠભૂમિના આધારે નહીં."
"મહામારી દરમિયાન ઋષિએ 'ફર્લો' જેવી નવી યોજના રજૂ કરીને લાખો લોકોની નોકરીઓ બચાવી રાખવામાં મદદ કરી હતી. તેમણે લાખો નાના વેપારીઓને મદદ કરી અને અર્થવ્યવસ્થાને ડૂબતી બચાવી હતી."
લિઝ ટ્રસનું સમર્થન કરનારા ઘણા લોકો ચર્ચામાં હાજર હતા. એમાંથી એકે કહ્યું, "મને લાગે છે કે લિઝ ખરા અર્થમાં લિઝ રૂઢિવાદી (કન્ઝર્વેટિવ) છે અને તેઓ તેનું નિદર્શન પણ કરી રહ્યા છે, જે અમને દેશમાં જોઈએ છે."
"ઋષિ અમારામાંથી મોટાભાગનાઓથી અલિપ્ત છે, છે કે નહીં ? તેમની પૃષ્ઠભૂમિ સામે મને કોઈ વાંધો નથી, એમનું બૅકગ્રાઉન્ડ શું છે? 2010 પછી અને છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન હું ખરેખર ખૂબ જ બદલાઈ ગયો છું. મને લાગે છે કે હાલમાં કાળો વર્ણ એ કોઈ સમસ્યા નથી."
મર્સિયા જૅકો નામનાં નિવૃત્ત મહિલા શિક્ષિકાને અમે પૂછ્યું કે શું ઋષિ સુનકને વડા પ્રધાન બનાવવાથી કોઈ ફેર પડશે?
ત્યારે તેમણે કહ્યું, "થોડો ઘણો ફેર તો પડશે, પરંતુ એ જ મહત્ત્વપૂર્ણ નથી. મારા પતિનો જન્મ યુકેમાં નહોતો થયો. આથી મારા માટે તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ નથી, છતાં તે ફૅકટર પણ મારા મતદાનમાં આવ્યું."
આ પછી તેમણે વડા પ્રધાનપદ માટે પોતાની પસંદગી સ્પષ્ટપણે જણાવી દીધી. તેમણે કહ્યું, "મને ઋષિ સુનક પસંદ છે. મને લાગે છે કે તેઓ ખૂબ જ શાણા છે,પરંતુ લિઝ આગામી વડાં પ્રધાન તરીકે મારી પસંદ છે."

અત્યારે નહીં તો 2024માં...

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ મહિનામાં વડા પ્રધાન બોરિસ જોન્સને પદ પરથી રાજીનામું ધરી દીધું હતું, એ પછી આઠ ઉમેદવારોએ પહેલા રાઉન્ડમાં દાવેદારી કરી હતી.
છેલ્લા રાઉન્ડ પહેલાં તમામ રાઉન્ડમાં પાર્ટીના સંસદસભ્યોએ મતદાન કરવાનું હતું, જેમાં લિઝ તથા ઋષિ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. હવે, છેલ્લા રાઉન્ડમાં પાર્ટીના એક લાખ 60 હજાર કરતાં વધુ સભ્યો મત આપશે.
મિડલસેક્સ યુનિવર્સિટીમાં તબીબ નીલમ રૈનાનું માનવું છે કે હવે શ્વેત ન હોય તેવા લોકો માટે પણ વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
તેમના કહેવા પ્રમાણે, "આમ જુઓ તો દરવાજા ખૂલી ગયા છે. તમારામાં કૌવત હોય તો નંબર વનની જગ્યા માટેના દરવાજા પણ ખૂલા છે, છતાં હાલમાં આ દરવાજો માત્ર એક ધનવાન ભારતીય માટે ખૂલ્યો છે."
જો ઋષિ સુનક બ્રિટનના આગામી વડા પ્રધાન બનવામાં સફળ રહે તો તે ઐતિસાહિક ક્ષણ હશે. એક રીતે તેની સરખામણી 2008માં બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, તે વિજયની સાથે થઈ શકે.
ડૉ. રૈનાના મતે, "એક રીતે જોવામાં આવે તો આ એક ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે તેનાથી સાબિત થશે કે ગત 20 વર્ષ દરમિયાન જે વિવિધતા તથા સમાવેશકતાની ચર્ચા થઈ રહી છે, તે ખરેખર કામ કરી રહી છે કે નહીં."
"જો તેઓ જીતી જાય તો તે ખૂબ જ મોટી વાત હશે."
આમ છતાં પાર્ટીના સભ્યોના મત વહેંચાયેલો જણાય છે. એ વાતમાં બે મત નથી કે આ વખેત નહીં તો 2024ની ચૂંટણી સમયે ભારતીય મૂળની કોઈ વ્યક્તિ વડા પ્રધાન બને તે શક્યતાને નકારી ન શકાય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














