જિમમાં કસરત કરતાં કેમ આવે છે હાર્ટઍટેક?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો માને છે કે કસરત કરવાથી હાર્ટઍટેકનું જોખમ ઘટવાના દાવા વૈજ્ઞાનિક તથ્યો આધારિત છે. એમ છતાં તેમનું માનવું છે કે કસરતની શરીર પરની અસરો ઘણી વખત દર્દીની મેડિકલ હિસ્ટ્રી - આરોગ્યની સ્થિતિ અને કસરતની તીવ્રતા પ્રમાણે બદલાતી રહે છે.
તો સામાન્યપણે હૃદયનું સ્વાસ્થ્ય જાળવવા માટે અકસીર ઉપાય મનાતી કસરત શું ખરેખર હાર્ટઍટેકનું કારણ બની જાય છે? શું આ વાત ખરી છે?
સામાન્ય માન્યતા એવી છે કે હૃદયસંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો નિયમિત કસરત કરવી જોઈએ પરંતુ ઘણી વખત એવા પણ કિસ્સાઓ બનતા હોય છે, જેમાં કસરત કરનાર વ્યક્તિને પણ હાર્ટઍટેક આવે છે અને તે પણ કસરત કરતી વખતે જ.

કેમ કસરત બને છે હાર્ટઍટેકનું કારણ?
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, 'પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા'ના હૃદય રોગના નિષ્ણાત પ્રો. કે. શ્રીનાથ રેડ્ડીએ કસરત કરતી વખતે હૃદય પર પડતી અસરો વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં જણાવ્યું હતું કે, "ધમનીઓમાંથી હૃદયને પૂરતા પ્રમાણમાં લોહી ના પહોંચે ત્યારે હાર્ટઍટેક આવે છે. "
"ધમનીમાં 70 ટકાથી વધુ અવરોધ ઊભો થાય તો તે હાર્ટઍટેકમાં પરિણમે છે, કારણ કે હૃદય સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી નથી શકતું. જ્યારે હૃદયની ધમનીઓની અંદર અવરોધક તત્ત્વો જમા થવા લાગે અને આ જમાવડો જ્યારે અચાનક ફાટે ત્યારે ધમનીમાં મોટો અવરોધ ઊભો થવાની સંભાવના વધી જાય છે. જેના કારણે હૃદયનો હુમલો થઈ શકે છે."
તેઓ આગળ કહે છે કે, "જુદાં-જુદાં તત્ત્વો ધમનીઓની આંતરિક દીવાલ પાસે એકઠા થાય છે. રક્તવાહિનીમાં ઈજા થવાના કારણે આવું બનવાની શરૂઆત થાય છે. વધુ રક્તચાપ, ધૂમ્રપાન, ડાયાબિટીસ, બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની ટેવો, સ્ટ્રેસ, અનિદ્રા કે તાજેતરમાં થયેલ કોઈ ઇન્ફેક્શનના કારણે પણ આ શરૂઆત થઈ શકે છે."
"રક્તમાં ફરતી ચરબી ધીરેધીરે આ જમાવડામાં વધારો કરતી રહે છે. ઉપરનાં તમામ કારણો આ તત્ત્વોના જમાવડાના અચાનક ફાટવામાં પણ પરિણમી શકે છે. જેના કારણે હાર્ટઍટેક આવી શકે છે."
"ઉપરનાં તમામ પરિબળોમાં અચાનક વધારો આ પ્રક્રિયાની શરૂઆત કરી શકે છે. તેમાં ભારે કસરત પણ સામેલ છે. ઘણી વખત ભારે કસરતના કારણે પણ આ જમાવડો અચાનક ફાટી જઈ અને હાર્ટઍટેકનું તાત્કાલિક કારણ બને છે. ઘણી વખત તેમાં તાત્કાલિક મૃત્યુ પણ નીપજે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હૃદયની તકલીફ હોય તો કસરત કરી શકાય?

ઇમેજ સ્રોત, Thinkstock
ગુજરાતના અમદાવાદના હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મુકેશ ચૌધરી કસરત અને હાર્ટઍટેક વિશેના સંબંધને સમજાવતાં કહે છે કે, "રાજુ શ્રીવાસ્તવના કિસ્સામાં તેમને કદાચ હાર્ટઍટેક આવવાનું નક્કી જ હતું. તે તેમના કિસ્સામાં કસરત કરતી વખતે આવ્યો તેથી એવું ન કહી શકાય કે કસરત ન કરવી જોઈએ. ચોક્કસપણે કસરત કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે."
ડૉ. ચૌધરી ઉમેરે છે કે, "હૃદયની તકલીફ ધરાવતી વ્યક્તિના કિસ્સામાં એન્જિયોગ્રાફીથી હૃદયની નળી બ્લૉક છે કે કેમ એ વિશે ખબર પડે એ વિશે જાણીને, અને જો હૃદયની નળી બ્લૉક હોય તો તેનો ઇલાજ કરાવીને જ કસરત કરવી હિતાવહ છે. "
"એ પણ ડૉક્ટરની સલાહ પ્રમાણે હળવી કસરત કરવી જોઈએ. જેતે વ્યક્તિના શરીરની પ્રતિક્રિયા પ્રમાણે જુદી-જુદી તીવ્રતાની કસરત કરવી સલાહભર્યું રહે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












