International Yoga Day : યોગ કરવાથી શું રોગ મટી શકે અને દવાની જરૂર ન રહે? મૂંઝવતા સવાલનો જવાબ

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આગામી 21મી જૂનના દિવસે ગુજરાત જ નહીં પણ દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, પણ યોગથી વિવિધ રોગ મટી શકે છે?

આ સવાલના જવાબમાં ડૉક્ટર અને યોગ ઍક્સપર્ટ પોત-પોતાના દાવા કરે છે.

યોગ

ઇમેજ સ્રોત, ANTON PETRUS/GETTY

ઇમેજ કૅપ્શન, યોગ કરવાથી શું રોગ મટી શકે અને દવાની જરૂર ન રહે? મૂંઝવતા સવાલનો જવાબ

યોગ સ્વાસ્થ્ય માટે લાભકારક છે તેવું ડૉક્ટરો અને યોગ ઍક્સપર્ટ સ્વીકારે છે પણ માત્ર યોગથી કોઈ બીમારી મટી શકે તેવા દાવા અંગેના સાયન્ટિફિક રિસર્ચનો અભાવ જોવા મળી રહ્યો છે, યોગથી વિવિધ બીમારી મટી શકે છે તે મુદ્દે સાયન્ટિફિક રિસર્ચ થતા નથી તેવું ડૉક્ટરો માને છે, તો બીજી તરફ યોગ એક્સપર્ટ આ પ્રકારના સાયન્ટિફિક રિસર્ચ થયાનો દાવો કરે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ડાયરેકટર ડૉ. દિલીપ માવળંકર જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા ગુજરાતમાં 1200 કરોડનું WHOનું સેન્ટર ઊભું કરી રહ્યા છે ત્યારે આપણે યોગના વૈજ્ઞાનિક ફાયદાઓના રિસર્ચ માટે પણ એક સેન્ટર ઊભું કરવું જોઈએ. જે રીતે વૅક્સિન માટે કંટ્રોલ ટ્રાયલ કરીએ છીએ તે જ રીતે યોગ માટે પણ કંટ્રોલ ટ્રાયલ કરવા જોઈએ."

"દાખલા તરીકે, પ્રાણાયામથી બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે, તો બ્લડપ્રેશરના કેટલાક દર્દીઓ પર રિસર્ચ કરવું જોઈએ. જેમાં કેટલાક દર્દીઓને પ્રાણાયામ કરાવવા જોઈએ અને કેટલાક દર્દીઓને પ્રાણાયામ ન કરાવવા જોઈએ. ત્યાર બાદ ચોક્કસ સમય પછી પ્રાણાયામની શું અસરો થાય છે તે પણ જોવું જોઈએ. સાયન્ટિફિક ટ્રાયલ કરવા જોઈએ."

line

યોગના ફાયદા શું છે?

યોગ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ડૉક્ટરનો તર્ક છે કે યોગ સ્વાસ્થ્ય માટે લાભકારક પણ સાયન્ટિફિક રિસર્ચનો અભાવ હોવાથી સચોટ દાવા કરી શકાય તેમ નથી.

ડૉ. દિલીપ માવલંકર કહે છે, "આપણી પાસે 500 મેડિકલ કૉલેજ છે. આ કૉલેજોમાં એનેટોમી વિભાગ, ફિઝિયોલૉજી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ અને તેમની સાથે યોગા એક્સપર્ટને રાખીને દરેક વર્ષે દરેક કૉલેજમાં એકાદ રિસર્ચ કરવું જોઈએ. જેથી આપણી પાસે દર ચાર વર્ષે 500 રિસર્ચ ઉપલબ્ધ થશે. હું માનું છું કે યોગ શરીર માટે ફાયદાકારક જ છે, પરંતુ તે ફાયદાઓ અંગે સાયન્ટિફિક રિસર્ચ કરવા પણ જરૂરી છે."

"યોગા કરવાથી કયા સ્નાયુઓ ખેંચાય છે? સ્નાયુને શું ફાયદો થાય છે? નુકસાન થાય છે? માનસિક બીમારીમાં મગજના વેવ પર શું અસર થાય છે? મેટાબોલિઝ્મ પર શું અસર થાય છે? જેવી બાબતોનું રિસર્ચ કરવું જોઈએ. આ રિસર્ચથી પ્રૂવ થાય કે ડિસપ્રૂવ થાય તે પણ જાહેર કરવું જોઈએ. સાયન્ટિફિક પ્રૂફ ઑફ યોગા પ્રેક્ટિસ વિભાગ બનાવવો જોઈએ અને તેમાં સાયન્ટિફિક રિસર્ચ કરવા જોઈએ."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "દરેક ધર્મમાં ઉપવાસ કરવામાં આવે છે તેમજ દરેક માટે ઉપવાસનું મહત્ત્વ છે. જાપાનીઝ બાયોલૉજિસ્ટ ઉપવાસ કરવાથી બૉડી સેલ પર થતી અસર પર રિસર્ચ કર્યું હતું અને તે માટે તેમને નોબલ પ્રાઈઝ પણ મળેલ છે. જાપાનીઝ સેલ બાયોલૉજિસ્ટ યોશીનોરી ઓસુમીએ ઉપાવસ કરવાથી બોડી સેલમાં શું ફરક પડે છે તે અંગે રિસર્ચ કર્યું છે. એમણે પ્રાણીઓ પર રિસર્ચ કર્યું હતું. જેમાં પ્રાણીઓને ભૂખ્યા રાખીને તેમના બોડી સેલ પર થતી અસર તેમજ મેટાબોલિઝ્મ પર થતી અસરો તપાસી હતી."

લકુલીશ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. વિજયકુમાર (પીએસ)એ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "યોગ જીવનશૈલી છે. યોગને બે રીતે જોવામાં આવે છે. એક સ્પિરિચ્યુઅલ છે. બીજું વૈજ્ઞાનિક ઢબની યોગ પદ્ધતિ છે. અમેરિકામાં માઇન્ડ બૉડી મેડિસિનને માન્યતા આપવામાં આવી છે. ભારતમાં હજુ આ માન્યતા આપવામાં આવી નથી."

line

યોગ એટલે શું?

યોગ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, યુવાઓનો ઝોક પણ યોગ તરફ હોવાનું જણાઈ આવે છે.

આજે દવાની સાથે સાથે યોગનું ચલણ પણ વધ્યું છે અને લોકો વહેલી સવારે ગાર્ડનમાં યોગ કરતા જોવા મળે છે.

યુવાઓનો ઝોક પણ યોગ તરફ હોવાનું જણાઈ આવે છે.

ડૉ. વિજયકુમાર કહે છે, "યોગ બીમારી રોકવા માટે, બીમાર વ્યક્તિને સાજા કરવા માટે તેમજ લોકોને હેલ્થી રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ યોગ એટલે માત્ર આસન જ નથી. લોકોમાં એવી માન્યતા છે કે માત્ર આસન કરવા એ જ યોગ છે. યોગ જિંદગી જીવવાની પદ્ધતિ છે. જેમાં વ્યક્તિએ ખાવાપીવાની આદત, ઊંઘવાની આદત, વિચારવાની આદત વગેરે આદતમાં પણ યોગને ધ્યાનમાં રાખવાનો હોય છે. કેટલાક લોકો યોગ કરે છે પરંતુ નિયમિત ઊંઘતા નથી. નિયમિત જમતા નથી તેમજ બહારનું જંક ફૂડ પણ ખાધા કરે છે, આ યોગ્ય નથી. યોગ એટલે માત્ર આસન નહીં પરંતુ જીવન પદ્ધતિમાં પણ લાગુ પાડવાનું હોય છે. જીવનને નિયમિત બનાવવાનું હોય છે. યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. યોગથી વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ દરેકમાં પરિવર્તન જોવા મળે છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝના કેસ સૌથી વધારે છે. યોગ અને યોગ બેઝ લાઈફસ્ટાઈલથી હાર્ટની નળીના બ્લૉકેજ ખૂલી ગયા હોવાના રિસર્ચ થયેલા છે . તેમજ ટાઈપ ટૂ ડાયાબિટીસમાં રીવર્ઝન થયાના પણ કેસો છે. ભારતના લોકોની હાર્ટની નળી વિશ્વના લોકોની સરખામણીમાં સાંકડી હોય છે."

line

શું માત્ર યોગ કરવાથી સાજા થઈ શકાય?

વીડિયો કૅપ્શન, 99 વર્ષના યોગદાદી

લોકો માનસિક શાંતિ માટે યોગનો સહારો લેતા હોય છે અને અનેક બીમારીઓમાં પણ યોગ તેમને ફાયદો કરાવે તેવું પણ બનતું હોય છે. પણ શું માત્ર યોગ કરવું પૂરતું છે?

અમદાવાદ શહેરના કાર્ડિયોલૉજિસ્ટ શૈલેશ દેસાઈ કહે છે કે કોઈ પણ બીમારીમાં દવા, યોગ, કસરત તેમજ ડાયટ વગેરે બાબતો ખૂબ જ મહત્ત્વની છે. માત્ર યોગ દ્વારા બીમારી દૂર કરી શકાય નહીં. તેમજ માત્ર દવા લેવાથી પણ સાજા થઈ શકાતું નથી.

"બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ સ્ટ્રેસના કારણે આવે છે. યોગ કરવાથી મન શાંત રહે છે તેમજ સ્ટ્રેસ ઓછો થાય છે. સ્ટ્રેસ ઓછો થવાથી અન્ય બીમારીઓમાં રાહત મળે છે."

તેઓ કહે છે, "જો વ્યક્તિને હાર્ટ પ્રોબ્લેમ હોય તો દર્દી હાર્ટ પ્રોબ્લેમની દવા પણ લે પરંતુ તે સ્ટ્રેસના કારણે રાત્રે વ્યવસ્થિત ઊંઘી શકે નહીં તો દવા તેની યોગ્ય અસર કરી શકતી નથી. જેથી દવાની સાથે યોગ પણ જરૂરી છે."

શૈલેશ દેસાઈ કાર્ડિયો યુનો હાર્ટ કેર સેન્ટરમાં છેલ્લાં 30 વર્ષથી કાર્ડિયોલૉજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.

તેઓ કહે છે, "સેટેલાઇટ વિસ્તારમાં અમારું કાર્ડિયો યુનો હાર્ટ કેર સેન્ટર છે. જેમાં દર્દીઓને બીમારીની દવાની સાથે યોગ, કસરત કરાવવામાં આવે છે તેમજ ડાયટિશિયન દ્વારા યોગ્ય ડાયટ ચાર્ટ આપવામાં આવે છે, જેનાં પૉઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યાં છે."

line

યોગ અને શરીર

યોગ

ઇમેજ સ્રોત, EPA

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચૅરમૅન શિશુપાલ રાજપૂતના જણાવ્યા અનુસાર, "યોગ બીમાર લોકો માટે ચિકિત્સા પદ્ધતિ છે અને સામાન્ય લોકો માટે જીવન પદ્ધતિ છે. યોગ કરવાથી રોગ, ક્રોધ અને નશાનો નાશ થાય છે. શારીરિક કે માનસિક રોગોનું સમાધાન યોગમાં છે."

તેમના મતે યોગથી ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, લીવર, કિડની, આર્થરાઇટિસ, પેન્ક્રિયાઝ વગેરે બીમારીમાં લાભકારક હોવાના રિસર્ચ થયેલા છે.

"ડાયાબિટીસના દર્દી દ્વારા કપાલભાતિ યોગ કરવાથી તેમનું પેયર એક્ટિવ થાય છે અને જેથી તેમને બહારથી ઇન્સુલિન લેવું પડતું નથી. આ જ રીતે કિડનીના દર્દીને ક્રિએટીનીન વધી ગયું હોય ને કપાલભાતિ કરવામાં આવે તો ક્રિએટીનીન ઘટી જાય છે. અનુલોમ-વિલોમ અને ભ્રામરી કરવાથી હાઈ બ્લડપ્રેશર તેમજ કબજિયાત, આર્થરાટીજના દર્દીઓને પણ ફાયદો જોવા મળ્યો છે."

ગુજરાત યોગા બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 5000 યોગ સેન્ટર ચલાવવામાં આવે છે. આ 5 હજાર સેન્ટરોમાં એક લાખ જેટલા યોગ ટ્રેનર છે. ગુજરાતમાં દસ લાખ લોકો દૈનિક યોગ સેન્ટરો પર યોગ કરી રહ્યા છે, તેમ શિશુપાલ જણાવે છે.

અમદાવાદની જીસીએસ હૉસ્પિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટનાં હેડ ડૉ. આશા શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "યોગ કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલ થાય છે, જે અંગે મેડિસનના પુસ્તકમાં ભણાવવામાં આવે છે. યોગ કરવાથી શરીર અને મન રિલેક્સ થાય છે, જેની પૉઝિટિવ અસર થાય છે. બીપીમાં થોડોક ફરક પડે છે પરંતુ દવા એટલી જ જરૂરી છે."

"માત્ર યોગ કરવાથી સજા થઈ શકતું નથી, પરંતુ દવાની સાથે યોગ કરવામાં આવે તો તેનો વધારાનો ફાયદો ચોક્કસ મળે છે. તેમજ વધુ ઉંમરના લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ જ યોગ કરવા જોઈએ."

"બૅક પેઇન, જૉઇન્ટ પેઇન, મસલ્સ જકડાઈ જવા જેવી શારીરિક તકલીફમાં યોગ કરવાથી વધુ ફાયદો મળે છે. પેટનાં આસન કરવાથી એસિડિટી, ગૅસ અને કબજિયાત જેવી બીમારીમાં ફાયદો થયો હોવાના દાખલા મળેલા છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ