વિશ્વ યોગ દિવસ : હોટ યોગ, બિયર યોગ, બકરી યોગ એટલે શું?

ઇમેજ સ્રોત, Yashwant Raj/ Bikram Hot Yoga studio
- લેેખક, યશવંત રાજ
- પદ, વોશિંગ્ટનથી બીબીસી ન્યૂઝ માટે
આ શુક્રવારની રાત છે અને લાંબા વીકેન્ડની શરૂઆત. ડાયના કાંગ ધૂંધળા પ્રકાશવાળા ઓરડાના એક ખૂણામાં આદમ કદના અરીસા પાસે ઊભાં છે. બે ચળકતી ટ્યૂબ્ઝ ખૂણામાંથી ઓરડામાં વરાળ ફેંકે છે. અમેરિકાના મેરીલૅન્ડમાં ડાયના કાંગના હોટ યોગ સ્ટુડિયોમાંનો તે દિવસનો છેલ્લો ક્લાસ છે.
તેમના યોગીઓમાં ભૂતપૂર્વ પ્રોફેશનલ ફાઇટર સ્ટીવ એક્સનો સમાવેશ થાય છે. તેઓ તેમના પ્રથમ નામે જ ઓળખાવાનું પસંદ કરે છે. તેઓ રિસેપ્શન એરિયામાંની બેન્ચ પર નમે છે અને તેમના ખભા પરનો ટુવાલ જમીન પરનાં પરસેવાનાં ટીપાં પર સરી પડે છે. તેઓ પરસેવે રેબઝેબ છે અને તેનો તેમને આનંદ છે.
આ યોગસત્રો કૅન્સરમાંથી સાજા થવા માટે મહત્ત્વપૂર્ણ છે, એમ જણાવતાં તેઓ કહે છે, “યોગ બહુ ઉપયોગી છે. હોટ યોગમાં મને બહુ શ્રદ્ધા છે.”
તેમણે યોગના અનેક પ્રકારો અજમાવ્યા છે, પરંતુ તેમાં હોટ યોગ તેમને સૌથી શ્રેષ્ઠ લાગ્યો છે.

અમેરિકામાં કોણે કરી યોગની શરૂઆત?

ઇમેજ સ્રોત, Yashwant Raj/ Bikram Hot Yoga studio
વૉશિંગ્ટન ડીસીના હરિયાળા ઉપનગરમાં આવેલો કાંગના બિક્રમ હોટ યોગા સ્ટુડિયો એક સમયે અમેરિકામાં યોગ પ્રત્યેના જુવાળનો હિસ્સો હતો.
કોલકાતાના અજાણ્યા માણસ બિક્રમ ચૌધરીએ તે સ્ટુડિયો શરૂ કર્યો હતો. તેઓ ટોચ પર હતા ત્યારે તેમનું સામ્રાજ્ય ત્રણ ખંડોમાં ફેલાયેલું હતું. તેમની પાસે યોગાભ્યાસ કરતા લોકોમાં મેડોના તથા લેડી ગાગાનો સમાવેશ થતો હતો અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો રિચર્ડ નિકસન, રોનાલ્ડ રીગન તેમજ બિલ ક્લિન્ટનને યોગના પાઠ ભણાવ્યા હોવાનો દાવો તેઓ કરતા હતા.
તેઓ 2017માં અમેરિકાથી નાસી ગયા હતા. નેટફ્લિક્સે તેમના વિશેની દસ્તાવેજી ફિલ્મ ‘બિક્રમઃ યોગી, ગુરુ, પ્રિડેટર’ પ્રસારિત કરી હતી.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બુધવારે ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે ત્યારે ડાયના કાંગ તેમના સ્ટુડિયોના સભ્ય ન હોય તેવા લોકોને પણ યોગના પાઠ ભણાવીને યોગ દિવસની ઉજવણીમાં સામેલ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વામી વિવેકાનંદે 130 વર્ષ પહેલાં અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકાને યોગનો પરિચય કરાવ્યો હોવાનું માનવામાં આવે છે. 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મસંસદમાં તેમણે “અમેરિકાની બહેનો અને ભાઈઓ” શબ્દ સાથે શરૂ કરેલું પ્રવચન દંતકથારૂપ બની ગયું છે.
જોકે, સ્વામી વિવેકાનંદે અમેરિકાને જે યોગને પરિચય કરાવ્યો હતો તે આજે વિશ્વભરમાં કરવામાં આવતા યોગ જોવો ન હતો.
યોગ વિદ્વાન ફિલિપ ડેસ્લિપ એક લેખમાં લખે છે, “તે આજના વર્ઝન કરતાં અલગ હતો. સ્વામી વિવેકાનંદે મોટા ભાગે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને સ્વ-સુધારણાના સંદર્ભમાં યોગની વાત કરી હતી.”
1920 અને 30ના દાયકાના પ્રારંભિક યોગ શિક્ષકોએ જાદુઇ અને રહસ્યમય યોગ શીખવાડ્યા હતા, જે એકેય વૈજ્ઞાનિક પરંપરા સાથે સંકળાયેલા ન હતા.
એ પૈકીના ઘણા યોગશિક્ષકો અમેરિકામાં પહેલેથી જ અન્ય કારકિર્દી અને વ્યવસાયમાં વ્યસ્ત હતા. સંજોગોને કારણે તેમને યોગ પસંદ કરવાની ફરજ પડી હતી.
કેટલાક લોકોએ 1923ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કારણે નાગરિકત્વ ગુમાવવું પડ્યું હતું. કોર્ટના ચુકાદા મુજબ, તેઓ ગોરા ન હતા એટલે અમેરિકાનું નાગરિકત્વ મેળવવા લાયક ન હતા.
યોગી હરિ રામ એ પૈકીના એક હતા. તેઓ 1910ના દાયકામાં મોહનસિંહ નામે પંજાબથી અમેરિકા આવ્યા હતા અને બહાદુર પાઇલટ બન્યા હતા, પરંતુ નાગરિકત્વ ગુમાવવા અને ખોટી રીતે નાણાકીય રોકાણ કરવાને કારણે તેમણે પોતાની જાતને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરી હતી. તેઓ યોગ શીખ્યા હતા અને અમેરિકાને “સુપર યોગ સાયન્સ” શીખવવા સમગ્ર દેશનો પ્રવાસ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Philip
યોગી હરિ રામ વિશે લખનાર ડેસ્લિપે કહે છે, સ્વામી કુવલયાનંદ જેવા સુધારકોના નેતૃત્વ હેઠળ સદીના અંતમાં ભારતમાં “હઠ યોગ સંક્રાંતિ” શરૂ થયા પછી અમેરિકામાં પરિસ્થિતી બદલાવા લાગી હતી. સ્વામી કુવલયાનંદ રેશનલિસ્ટ હતા અને તેમણે યોગને રહસ્યવાદ, જાદુ તથા મંત્રથી આગળ વધાર્યો હતો અને તેનો વૈજ્ઞાનિક પાયો નાખ્યો હતો. હઠ યોગ એક પ્રકારની યોગપ્રણાલી છે, જેમાં શારીરિક મુદ્રાઓ તથા શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ડેસ્લિપે કહે છે, “હઠ યોગ, આજે યોગ જે રીતે રજૂ કરવામાં આવે છે તેનો આદર્શ નમૂનો બની ગયો હતો. જૂના શિક્ષકોનું સ્થાન નવા યોગ શિક્ષકોએ લીધું છે. શારીરિક મુદ્રાઓ તથા કસરતની બાબતમાં નવા યોગ શિક્ષકોનો અભિગમ વધુ વૈજ્ઞાનિક, તાર્કિક છે. આમ અમેરિકામાં પરિવર્તનની શરૂઆત 1930ના દાયકાથી થઈ હતી.”
યોગ આજે એક શાનદાર વૈશ્વિક ટ્રેન્ડ બની ગયો છે, એમ જણાવતાં ડેસ્લિપે કહે છે, “યોગશિક્ષકો સેલિબ્રિટી બની ગયા છે અને તેઓ યોગનો પ્રસાર કરે છે. ટેલિવિઝનના આગમન સાથે જાહેરાતની સુવિધા પણ મળી છે. આજે ઘણા એવા યોગશિક્ષકો છે, જેમણે ટેલિવિઝન મારફત યોગ શીખવવાનું શરૂ કર્યું હતું. તેમણે વિનાઇલ રેકૉર્ડનો ઉપયોગ કર્યો, તેમણે સસ્તાં પુસ્તકો પ્રકાશિત કર્યાં. તેને કારણે યોગનો વ્યાપ વધ્યો.”

કોના લીધે અમેરિકામાં યોગનું ચલણ વધ્યું?

ઇમેજ સ્રોત, Yashwant Raj/ Bikram Hot Yoga studio
ત્રણ ભારતીય યોગગુરુએ લોકપ્રિય બનાવેલી શૈલીને કારણે યોગનો પ્રસાર આગળ વધ્યો હતો. એ ત્રણ પૈકીના કે પટ્ટાભી જોઈસે અષ્ટાંગ યોગ લોકપ્રિય બનાવ્યો હતો, જ્યારે બીકેએસ આયંગરની શૈલી જ આયંગર યોગ તરીકે ઓળખાય છે.
ત્રીજા હતા બિક્રમ ચૌધરી. જોઈસ અને આયંગર ભારતમાં રહ્યા હતા. તેઓ વારંવાર અમેરિકાના પ્રવાસે આવતા હતા અને લોકોને યોગ શીખવતા હતા. તેમણે અમેરિકામાં પોતાનાં કેન્દ્રો પણ સ્થાપ્યાં હતાં. બિક્રમ ચૌધરી અમેરિકામાં સ્થાયી થયા હતા અને 1990ના દાયકામાં તેઓ યોગની આગવી બ્રાન્ડનો ચહેરો તથા નામ બની ગયા હતા.
અમેરિકામાં યોગમાં અનેક પ્રકારનું નાવિન્ય ઉમેરાયું છે. અનુસારા શૈલી મનુષ્યની આંતરિક ભલાઈ પર આધારિત છે. બ્રોગા પુરુષો માટેના યોગનું પુરુષવાચી સ્વરૂપ છે. બિયર યોગ બ્રુઅરીઝ તથા ટેપરૂમમાં કરવામાં આવે છે. તેમાં સહભાગીઓને સત્રો દરમિયાન ભાગ લેવાની છૂટ હોય છે. હેવી મેટલ યોગ ધમાકેદાર હેવી મેટલ મ્યુઝિક સાથે કરવામાં આવે છે, જ્યારે યોગનું જોરદાર સંસ્કરણ છે પાવર યોગ. એક ગોટ યોગ પણ છે, જે બકરીની હાજરીમાં કરવામાં આવતો સામાન્ય યોગાભ્યાસ છે.
યોગ અલાયન્સ અને યોગ જર્નલ દ્વારા 2016માં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, 3.6 કરોડ અમેરિકનો યોગાભ્યાસ કરે છે. અમેરિકનોએ યોગના વર્ગો તથા એ માટેના યોગ પેન્ટ્સ, મેટ્સ તથા ની પેડ્ઝ જેવાં સાધનો ખરીદવા માટે 16 અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો.
સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું હતું કે યોગાભ્યાસ શરૂ કરવાનાં પાંચ કારણોમાં લવચીકતા (61 ટકા), તણાવમાંથી રાહત (56 ટકા), સામાન્ય તંદુરસ્તી (49 ટકા), એકંદર આરોગ્ય (49 ટકા) અને શારીરિક તંદુરસ્તીમાં સુધાર(44 ટકા)નો સમાવેશ થાય છે.
મેરીલૅન્ડમાં યોગ સ્ટુડિયો ચલાવતાં સુસાન ન્યૂબાઉરના જણાવ્યા મુજબ, “યોગને કારણે મને પીઠના દુખાવા તથા હર્નિયામાંથી કોઈ શસ્ત્રક્રિયા કે દવા ખાધા વિના રાહત મળી હતી.”
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, યોગ નિયમિત રીતે કરવામાં આવે તો શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે.
ન્યૂબાઉર ઉમેરે છે, “નિયમિત યોગાભ્યાસ કરતા જેટલા લોકોને હું ઓળખું છું તે બધા યોગને કારણે શારીરિક તથા ભાવનાત્મક રીતે વધારે મજબૂત બન્યા છે.”
સુસાન ન્યૂબાઉરે યોગના અવલોકન માટે ભારતની મુલાકાત પણ લીધી હતી અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. સુસાન કહે છે, “એ બધું એકદમ અલગ લાગતું હતું. હું કબૂલ કરું છું કે મેં કોઈ પણ મોટા આશ્રમની મુલાકાત લીધી ન હતી, પણ મને વૈવિધ્યથી નવાઈ લાગી હતી.”














