યોગ દિવસ 2022 : 'સૂર્ય નમસ્કાર'નો પૌરાણિક ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ નથી, યોગનો ઇતિહાસ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
યોગ શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે એવું તમે સાંભળ્યું જ હશે પરંતુ યોગનો ઇતિહાસ શું છે અને તે ભારતથી બહાર કેવી રીતે પહોંચ્યો એ અંગે તમે જાણો છો?
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.

ઇમેજ સ્રોત, EPA

યોગ શા માટે જરૂરી?

ઇમેજ સ્રોત, EPA
સમય જતા યોગને બદલે ‘યોગા’ શબ્દ પ્રચલિત બન્યો છે અને તેના સ્વરૂપ પણ બદલાયાં છે. અત્યારે વિશ્વમાં બિયર યોગા, ન્યૂડ યોગા અને ડૉગ યોગા થતા જોવા મળી રહ્યા છે.
યોગનો સાચો અર્થ સમજાવતા મુંબઈની લોનાવલા યોગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. મનમથ ઘારોટે જણાવે છે કે યોગનો મુખ્ય હેતુ 'વ્યક્તિત્વને સંપૂર્ણ એકાકાર' કરવું એવો છે.
તેઓ કહે છે, "માનવ વ્યક્તિત્વ શારીરિક, માનસિક, ભાવનાશીલ, સામાજિક અને આધ્યાત્મિક આ પાંચ સ્વરૂપમાં વહેંચાયેલું છે. આ બધા તત્ત્વો એકસાથે અને સારી રીતે કામ કરે એ ખૂબ જરૂરી છે.”
"યોગનું શારીરિક સ્વરૂપ શરીરને લચીલું બનાવે છે સાથે જ સ્નાયુ અને સાંધાઓને મજબૂત કરે છે. પરંતુ આસન દિમાગ માટે પણ ઉપયોગી છે.”
"જ્યારે તમે દિમાગને સ્થિર કરતા શીખી જાઓ, ત્યારે આંતરિક શાંતિનો અનુભવ કરી શકો છો."

'સૂર્ય નમસ્કાર'નો પૌરાણિક ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ નથી

ઇમેજ સ્રોત, AFP
એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે 'અધો મુખ શવાસન' અને 'સૂર્ય નમસ્કાર'નો પૌરાણિક ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટી ઑફ લંડન સ્કૂલ ઑફ ઑરિયન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં યોગનો ઇતિહાસ ભણાવતા પ્રોફેસર ડૉ. જિમ મેલિન્સન કહે છે કે હાલમાં સૂર્ય નમસ્કારને યોગ સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ક્યાંય નથી.
વર્ષ 1930 બાદ લોકો તેનો અભ્યાસ કરતા થયા હતા.
ડૉ. મેલિન્સનનું માનવું છે કે અષ્ટાંગા યોગ, આયંગર યોગ અને વિન્યાસા યોગ એ પણ આધુનિક સમયના યોગ છે.
તેમણે ઉમેર્યું, "આ બધા યોગના મૂળ સ્વરૂપનો ઉલ્લેખ પ્રાચીન શાસ્ત્રોમાં જોવા મળે છે, પરંતુ મોટાભાગે તે યોગનું અત્યાધુનિક સ્વરૂપ છે."
શોધકર્તાઓનું માનવું છે કે અધો મુખ સવાસનનો ઉલ્લેખ 18મી સદીના લખાણોમાં જોવા મળે છે. જે સામાન્ય રીતે હાથીની અંગસ્થિતિ જેવા આકાર સાથે મળી આવે છે.
આ પ્રકારના આસન ભારતીય પહેલવાનોની પરંપરાગત કસરતનો એક ભાગ હતા.

સ્વીડિશ અને ડેનિશ વ્યાયામમાં પણ ભારતીય યોગની ઝલક

ઇમેજ સ્રોત, Getty Images
જો 20મી સદીની શરૂઆતના પુસ્તકોમાં નજર કરવામાં આવે તો આ યોગને મળતા આસનો જોવા મળશે.
આધુનિક યોગના ઇતિહાસ પર સંશોધન કરતા ડૉ.માર્ક સિંગલટન કહે છે કે સ્વીડિશ અને ડેનિશ વ્યાયામમાં પણ ભારતીય યોગની ઝલક જોવા મળે છે.
19મી સદીના પ્રારંભે ફોટોગ્રાફીના માધ્યમથી યોગ અને આસનની તસવીરોનો ભારતથી પશ્ચિમ તરફ ફેલાવો થયો.
ડૉ. સિંગલટન કહે છે, "યુરોપના રાષ્ટ્રોમાં થતી બૉડી બિલ્ડિંગ અને વ્યાયામમાં ભારતીય આસનોનું મિશ્રણ થઈ ગયું છે. આપણે અત્યારે જે યોગ જોઈ રહ્યા છીએ તે આ મિશ્રણનું જ પરિણામ છે."
ડૉ. મેલિન્સન કહે છે કે ભારતમાં યોગ આધ્યાત્મિક તપસ્વીઓ દ્વારા સ્થિરતા અને શાંતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતા હતા અને 2500 વર્ષ જૂના લખાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.
પરંતુ આસનોની વાત કરવામાં આવે તો તે સમય સાથે વિકાસિત થયા. પરંતુ છેલ્લા 100 વર્ષો દરમિયાન યોગ ગ્લોબલાઇઝેશના કાળમાંથી પસાર થયા અને તેની મહત્તા વધવા લાગી.
મોટાભાગે ભારતીયો 20મી સદીના સમયગાળા દરમિયાન યોગ પ્રત્યે આકર્ષાયા હતા.
ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે 1894માં શિકાગો ખાતે મળેલી ધર્મપરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા ત્યારે દુનિયા સમક્ષ યોગને રજૂ કર્યા હતા.
વર્ષ 1896માં તેમનું પુસ્તક 'રાજ યોગ' મેનહટ્ટનમાં લખાયું હતું. આ પુસ્તકે પશ્ચિમને યોગ શું છે એ સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ત્યારબાદ આવનારા દાયકાઓમાં ભારતીય યોગ ગુરુઓ યુરોપ અને અમેરિકાની મુસાફરી કરતા થયા અને યોગનો પ્રચાર થતો ગયો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














