રોજ ચાલવાના 10 ફાયદા શું છે, અને રોજ કેટલું ચાલવું જોઈએ?

ચાલવું, ચાલવાના ફાયદા, રનિંગ, કસરત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કેરી ટૉરેન્સ
    • પદ, ડાયટિશિયન

ચાલવું એ એક પ્રાકૃતિક ક્રિયા છે અને ખર્ચમુક્ત વ્યાયામ છે. આ કસરત કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે કરી શકાય છે.

જો પગમાં કોઈ તકલીફ હોય અથવા પગ નબળા હોય તો તે અલગ વાત છે.

ચાલવું એ એક ‍ઍરોબિક ઍક્ટિવિટી છે. શરીરના નીચેના ભાગમાં ઘણી માંસપેશીઓ હોય છે. ચાલવાના અનેક ફાયદા છે અને નુકસાન ઓછા છે.

સામાન્ય કરતાં ઝડપી અને લાંબા અંતર સુધી ચાલવાથી આપણને ઘણા લાભ થાય છે.

આવો હવે ચાલવાના 10 ફાયદા પર એક નજર કરીએ.

1. હૃદય માટે ફાયદાકારક

ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે, તેમજ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

ઝડપથી ચાલવાથી હૃદય અને શ્વસનતંત્રને લાભ થાય છે.

જે લોકો ચિંતા અને ડિપ્રેશનથી પીડાય છે, તેમના માટે ચાલવું શ્રેષ્ઠ છે.

2. હાડકાં મજબૂત બને છે

ચાલવાથી શરીરનાં હાડકાં મજબૂત થાય છે.

ચાલવાથી ઑસ્ટિયોપોરોસિસને પણ રોકી શકાય છે.

3. માંસપેશીઓ મજબૂત થાય છે

જો તમે રોજ વૉક કરતા હોવ, તો તમારા શરીરની માંસપેશીઓ મજબૂત બને છે.

ચાલવાથી શરીર સંતુલિત રહે છે તેમજ શરીરને યોગ્ય આકાર મળે છે. માંસપેશીઓને સ્વસ્થ બનાવે છે.

4. કૅલરી ઓછી થાય છે

વજન ઘટાડવા ચાલવું એ એક સારો ઉપાય છે. ચાલવાના કારણે ઊર્જાનો ઉપયોગ થાય છે અને તેનાથી વજન ઓછું થઈ શકે છે.

સવારે ચાલવાથી પણ ભૂખને નિયંત્રિત કરી શકાય છે.

5. ડાયાબીટિસ પણ કંટ્રોલમાં

ઘણા અધ્યયનમાં જાણવા મળે છે કે ચાલવાથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

ચાલવાથી શરીરમાં ચરબીના થર જામતા નથી. ચરબી જમા થવાના કારણે હૃદયરોગ, ડાયાબીટિસ અને લીવરના રોગો થાય છે.

ચાલવાથી ઇન્સ્યુલિન પ્રત્યે શરીરની પ્રતિક્રિયામાં પણ સુધારો થાય છે.

6. આયુષ્ય વધે છે

ચાલવાથી આયુષ્ય વધે છે. ચાલવાથી 16થી 20 વર્ષનું આયુષ્ય વધુ મળી શકે છે.

આપણે જેટલું વધુ ચાલીએ, તેટલું લાંબું જીવી શકીએ છીએ.

7. માનસિક તણાવ દૂર થાય છે

ચાલવાથી શારીરિક સહનશક્તિ જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.

ડિપ્રેશનના કિસ્સામાં ચાલવું એ એક ઍન્ટિ-ડિપ્રેસેન્ટ તરીકે કામ કરી શકે છે.

દરરોજ ચાલવાથી શિસ્તનો ગુણ વિકસે છે અને મૂડ પણ સારો રહે છે.

8. વિટામિન-ડીનું પ્રમાણ સુધરે છે

ખુલ્લી જગ્યામાં ચાલવાથી શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ વધે છે.

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી શરીરમાં વિટામિન ડી મળે છે.

9. રોગપ્રતિકારક શક્તિ વધે છે

ચાલવાથી IGA નામના ઍન્ટિબૉડીમાં સુધારો થાય છે.

આ ઍન્ટિબૉડી મૌખિક આરોગ્ય સુધારે છે. તે લાળના ઉત્પાદનમાં ઉપયોગી થાય છે.

તેનાથી નાક અને અન્નનળીના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે-સાથે ફેફસાંની કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે.

10. આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે

ઝડપથી ચાલવાનો વધુ એક ફાયદો એ છે કે તેનાથી આંતરડામાં બૅક્ટેરિયા પ્રભાવિત થાય છે.

ચાલવાથી પાચન અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.

શું ચાલવા માટે વિશેષ ચીજોની જરૂર છે?

ચાલવું, ચાલવાના ફાયદા, રનિંગ, બીબીસી ગુજરાતી

ચાલવા માટે આરામદાયક વૉકિંગ શૂઝ પર્યાપ્ત છે તેમજ શરીર માટે આરામદાયક હોય તેવા જ કપડાં પહેરવાં જોઈએ.

જો તમે ટ્રૅકિંગ પર જવા માગો છો, તો યોગ્ય શૂઝ અને કપડાં ઘણાં જરૂરી છે. યોગ્ય શૂઝ પહેરવાથી કમર પરનું દબાણ ઓછું થશે. તેનાથી ઘૂંટણ અને પગની ઘૂંટીઓ પરનો તણાવ પણ ઓછો થાય છે.

કેવી રીતે ચાલવું જોઈએ?

ધીરે-ધીરે ચાલવાનું શરૂ કરવું અને તેની ગતિ પણ ધીમે-ધીમે વધારવી. રોજ 30 મિનિટ 6.4 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલવું ફાયદાકારક છે.

કોઈ પણ વૉકિંગ ગ્રૂપમાં જોડાવાથી તમને દરરોજ ચાલવાની પ્રેરણા પણ મળશે.

કયા સમયે ચાલવું જોઈએ?

એકવાર તમે ચાલવાનું નક્કી કરો છો, તો તે તમારા જીવનનો એક ભાગ બની જાય છે.

તાજેતરમાં થયેલા સંશોધન અનુસાર, જે મહિલાઓ સવારે 8થી 11 વાગ્યા વચ્ચે ચાલે છે, તેમના પર હૃદયરોગનું જોખમ ઓછું થઈ જાય છે.

સવારે ચાલવું એ આખો દિવસ સક્રિય રહેવાનો એક સારો ઉપાય છે. ચાલવું એ તમને પ્રેરિત રાખે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.