ખેડા : સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ જેવો જ કિસ્સો, એકતરફી આકર્ષણમાં યુવતીની સરાજાહેર હત્યા


- ખેડામાં ત્રાજ ગામે સુરતનાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવો કેસ નોંધાયો છે.
- 15 વર્ષીય સગીરા પર કથિત એકતરફી પ્રેમમાં હુમલો કરવામાં આવ્યો છે.
- પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર '46 વર્ષનો આરોપી રાજુ પટેલનાં વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં, પરંતુ પાછળથી ડાયવૉર્સ થઈ ગયા છે'
- મૃતક સગીરાના પરિવારે આરોપી માટે ફાંસીની સજાની માગ કરી છે.

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવો બનાવ ખેડાના માતર તાલુકાના ત્રાજ ગામે નોંધાયો છે, જ્યાં આરોપીએ સ્ટેશનરી વપરાશના કટર દ્વારા સગીરાની સરાજાહેર હત્યા કરી નાખી હતી.
બુધવારે સાંજે સાતેક વાગ્યે સગીરા તેમનાં બહેનપણી સાથે બહાર ગયાં હતાં, ત્યારે આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીની ધરપકડ કરી છે અને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
ઘટનાના પગલે માતર પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં આવતા ત્રાજ ગામમાં તણાવભરી શાંતિ પ્રવર્તી રહી છે. જેના પગલે પોલીસે પૂરક સુરક્ષાબંદોબસ્ત ગોઠવી દીધો છે. સગીરાના પરિવાર સહિત ગામલોકો આરોપી માટે ફાંસીની સજાની માગ કરી રહ્યા છે.
સગીરાના પિતાએ કહ્યું કે, "હું નોકરી જવા નીકળી ગયો હતો. એ લોકો મહાદેવ ગયાં હતાં, હું રસ્તામાં હતો ત્યારે મને ફોન પર આ વાતની જાણ થઈ. પછી અમે તુરંત ખેડા સિવિલ હૉસ્પિટલ ગયો."
તેમનું કહેવું છે કે "ગામમાં રાજુ નામની વ્યક્તિએ જ આ હુમલો કર્યો અને પોલીસ તપાસ કરીને તેને સજા અપાવે."
સગીરાનાં માસીએ કહ્યું કે, 'જે રીતે મારી ભાણેજને જાહેરમાં મારી નાખી છે એ બદલ આરોપીને પણ ફાંસી આપવી જોઈએ.'

પ્રત્યક્ષદર્શી અને પોલીસનું કથન

સગીરા બુધવારે સાંજે બહેનપણી સાથે ઠંડાપીણાં લેવા માટે બહાર ગયાં હતાં, ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરુવારે પોલીસે પત્રકારપરિષદ ભરીને માહિતી આપી હતી, 'પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ, ત્રાજ ગામમાં જ રહેતાં રાજુ પટેલ નામના આરોપીએ સ્ટેશનરી વપરાશના કાગળ કાપવાના કટરથી મૃતકના ગળાં અને હાથ ઉપર ઘા કરીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. '
'મૃતક સગીરા તથા રાજુ પટેલનાં ભત્રીજી બહેનપણી અને સાથે ભણતાં હતાં, આથી મૃતકની આરોપીના ઘરે અવરજવર રહેતી હતી. આ દરમિયાન આરોપીને મૃતક પ્રત્યે એકતરફી આકર્ષણ થયું હતું. સંભવિત અયોગ્ય વર્તનને કારણે છેલ્લા કેટલાક સમયથી મૃતકે આરોપીના ઘરે જવાનું બંધ કર્યું હતું. આથી, મૃતક દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે, એવી લાગણી થવાથી આ કૃત્ય આચર્યું હતું.'

'46 વર્ષનો આરોપી રાજુ પટેલનાં વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં, પરંતુ પાછળથી છુટાછેડા થઈ ગયા છે અને તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.'
ખેડા પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી લીધો છે. અન્ય જિલ્લાના પોલીસ, તપાસનીશ અધિકારી તથા રાઇટર્સની મદદ લઈને 'સંવેદનશીલ' વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના પરિવારજનો તથા નિકટના લોકોની માગણી છે કે તેમનો કેસ પણ ફાસ્ટટ્રેક ચલાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ત્રાજ ગામે બનેલી ઘટનાએ ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં બનેલી ઘટનાની યાદો તાજા કરાવી દીધી છે, જેમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની સરાજાહેર ચાકૂના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસ તથા તંત્રના સંકલનથી આ કેસને ફાસ્ટટ્રેક ચલાવવામાં આવ્યો હતો અને મે મહિનાની શરૂઆતમાં તેને સ્થાનિક અદાલતે ફાંસીની સજા ફટાકરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













