તામિલનાડુનાં ગામો પર કીડીઓએ કર્યો હુમલો, પશુઓને મારી નાખ્યાં, ગામલોકો ઘર છોડવા મજબૂર

ઇમેજ સ્રોત, GOPALA KRISHNAN
- લેેખક, પ્રસન્ના વેંકેટેશ & સુબાગુનમ કન્નન
- પદ, .

- તામિલનાડુના ડિંડીગુલના નાથમ નજીક કરન્થામલાઈ જંગલ આસપાસનાં ગામોમાં કીડીઓના ઉપદ્રવથી સ્થાનિકો અત્યંત પરેશાન થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે
- સ્થાનિકોની ફરિયાદ છે કે કીડીઓ તેમના પર અને તેમનાં પશુઓ પર હુમલો કરી રહી છે
- કીડીઓના હુમલામાં ઘણાં પશુઓએ આંખ ગુમાવી દીધી હોવાની પણ ફરિયાદ ઊઠી છે
- સ્થાનિકો તંત્ર પાસે કીડીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માગણી કરી રહ્યા છે
- તંત્રે સ્થાનિકોને પોતાનાં પશુઓને આ વિસ્તારમાં ચરવા ન લઈ જવાની સૂચના આપી છે

તમિલનાડુના ડિંડીગુલના નાથમ નજીક 20 કિલોમિટરના વિસ્તારમાં આવેલા કરન્થામલાઈ જંગલ આસપાસ ઘણાં પહાડી ગામો વસેલાં છે જેવાં કે પેન્ના કાડુ, ઉલુપ્પકુડી, વેલાયુધમપતિ, કુટ્ટુર, કુટ્ટુપ્પતિ, સેર્વીડુ અને અથીપ્પત્તિ.
આ ગામના લોકો સામાન્યપણે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં ભારે સંખ્યામાં કીડીઓનો ફેલાવો થયો છે.
સમય પસાર થતાં પહાડી વિસ્તારની કીડીઓનો ઉપદ્રવ ગામમાં વધી રહ્યો છે. લોકો કહે છે કે કીડીઓ પશુઓની આંખોને નિશાન બનાવે છે અને તેના કારણે પશુઓ તેમની દૃષ્ટિ ગુમાવી રહ્યાં છે.
ગ્રામલોકોનું કહેવું છે કે જંગલી પ્રાણીઓ જેવાં કે જંગલી બળદ, સાપ અને સસલાં પણ કીડીઓના હુમલાથી મૃત્યુ પામી રહ્યાં છે.
કીડીઓ મનુષ્યોને પણ નિશાન બનાવી રહી છે, તેમના કરડતાં જ મનુષ્યોની ચામડી લાલ થઈ જાય છે, સોજા ચઢી જાય છે, ખંજવાળ આવે છે અને ફોલ્લીઓ થાય છે. ઘણા ગ્રામજનોને તેની અસર થઈ છે.

ખતરનાક આક્રમણકારી જીવ

બીબીસીએ અશોકા ટ્રસ્ટ ફૉર રિસર્ચ ઇન ઇકૉલૉજી ઍન્ડ ઍન્વાયરમૅન્ટ (ATREE)ના કીટવૈજ્ઞાનિક ડૉ. પ્રિયદર્શન ધર્મરાજન સાથે આ કીડીઓના હુમલા વિશે વાત કરી.
તેઓ કહે છે, "આ કીડીઓને યલ્લો ક્રેઝી ઍન્ટ કહેવામાં આવે છે. તેમને કોઈનો ડર હોતો નથી. તે એવા વિસ્તારોમાં જોવા મળતી નથી જ્યાં મનુષ્યોની પ્રવૃત્તિઓ ઓછી હોય. તેઓ હંમેશાં એવા વિસ્તારો પસંદ કરે છે જ્યાં મનુષ્યોની પ્રવૃત્તિઓ વધારે હોય. તે ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર (IUCN)ની યાદીમાં 100 સૌથી ખૂનખાર જીવોમાંથી એક છે."
આ કીડીઓ 20 કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલા કરન્થામલાઈ જંગલમાં જોવા મળી રહી છે. પશુપાલનવિભાગે ગ્રામજનોને સૂચના આપી છે કે તેઓ પોતાનાં પશુઓને ચરાવવા આ વિસ્તારમાં લઈને ન જાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશુપાલકો, જેઓ પહેલાં જંગલમાં રહેતા હતા તેમણે હવે કીડીઓના ઉપદ્રવના કારણે જગ્યા ખાલી કરી દીધી છે અને હવે તેઓ ગામડામાં રહે છે. ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે દર એક કલાકે જંતુનાશકનો છંટકાવ કરે છે.
ગ્રામજનોએ જંગલ અને પશુપાલનવિભાગને અરજી કરી છે કે તેઓ આ કીડીઓના ઝડપી ઉપદ્રવને રોકે અને તેને નિયંત્રિત કરે. કેમ કે તેનાથી જંગલ અને પશુધનનું તીવ્ર ગતિએ નુકસાન થઈ રહ્યું છે.
પોતાને પડતી મુશ્કેલીઓ વિશે સેલ્વમ નામના ખેડૂતે અમારી સાથે વાત કરી.
તેમણે કહ્યું, "આ કીડીઓની સમસ્યાના કારણે અમે જંગલની સરહદ પર આવેલા વિસ્તારમાં ખેતી કરી શકતા નથી. હું 55 વર્ષનો છું. મેં આવી કીડીઓ મારા જીવનમાં ક્યારેય જોઈ નથી."
"આ કીડીઓ કોઈ પણ પ્રાણીને છોડતી નથી. તેઓ બકરીઓ, ઢોર, મરઘી અને નાનાં મરઘીનાં બચ્ચાં પર પણ હુમલો કરે છે. અમારા ઢોર આ કીડીઓના કારણે માંદા પડી રહ્યાં છે અને મૃત્યુ પણ પામી રહ્યાં છે."
"અમે જ્યારે પણ જંગલ વિસ્તારની નજીક જઈએ છીએ, આ કીડીઓ અમારા પર ચઢી જાય છે. તેનાથી અમને પણ ખંજવાળ આવે છે અને ફોલ્લીઓ થઈ જાય છે. અમે પીવાનું પાણી પણ લઈ જઈ શકતા નથી કેમ કે કીડીઓ તેમાં પણ ફેલાઈ જાય છે. અમે નથી જાણતાં અમારે શું કરવું જોઈએ."

યલો ક્રેઝી ઍન્ટ

ઇમેજ સ્રોત, GOPALA KRISHNAN
ડૉ. પ્રિયદર્શન કહે છે, "આ કીડીઓ એ વિસ્તારમાં વધુ ફેલાય છે જ્યાં મનુષ્યોની પ્રવૃત્તિઓ વધારે હોય. જો કોઈ ફાર્મહાઉસ હોય, જે લાંબા સમય સુધી બંધ રહ્યું હોય તો ત્યાં કીડીઓ નહીં પહોંચે. મનુષ્યોની પ્રવૃત્તિઓ વધશે, તો કીડીઓ પણ પહોંચી જશે."
વધુમાં તેઓ ઉમેરે છે, "આ કીડીઓને IUCN દ્વારા સૌથી ખૂનખાર જીવોમાંથી એક ગણાવવામાં આવી છે. તે એશિયા અને ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તે સર્વભક્ષી છે અને તે કીડીઓની બીજી પ્રજાતિને મારીને ખાઈ જાય છે."
"તે એંઠવાડ પણ ખાય છે અને મૃત પ્રાણી પણ. જો મનુષ્યના પગમાં ઘા થયો હોય તો ત્યાં પણ ફેલાઈ જાય છે. તે વધારે સંકલિત રહેતી નથી,"
"તે મુક્તપણે ફરે છે. તેમનો એફિડ નામના જીવ સાથે સંબંધ હોય છે. તે એફિડ દ્વારા દૂધ જેવી વસ્તુ મળે છે તેને ગ્રહણ કરે છે. એફિડ પાક માટે સારા નથી. મોટી સંખ્યામાં એફિડને ભેગા કરીને કીડીઓ તેમની દેખભાળ કરે છે."
"આ કીડીઓને યલો ક્રેઝી ઍન્ટ કહેવામાં આવે છે કેમ કે તેમને કોઈ વાતનો ડર રહેતો નથી. તેઓ ફોર્મિક એસિડ સ્ત્રાવ કરે છે. તે સામૂહિક રીતે પોતાના શિકાર પર હુમલો કરવા માટે જાણીતી છે."
'ઑન એ ટ્રેલ ઑફ ઍન્ટ્સ' નામનું પુસ્તક કહે છે કે કીડીઓની પ્રજાતિ ઝાડપાન ધરાવતા વિસ્તાર, પાનખર જંગલો, બુશ જંગલો, નદીકાંઠાના વિસ્તારો, ખેતરો અને બગીચામાં વધારે જોવા મળે છે.
તે પૃથ્વી પર અને વૃક્ષોની ઇકૉસિસ્ટમ ધરાવતા વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે. તેમની કૉલોની ખૂબ મોટી હોય છે જેમાં હજારો કીડીઓ હોય છે. તેઓ ઘણો વિસ્તાર કબજે કરી લે છે અને તે વિકરાળપણે પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે. તેઓ રાત અને દિવસ શિફ્ટમાં પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે.
પુસ્તક કહે છે કે આ કીડીઓ 6.5થી 7 મિમિ લાંબી હોય છે, તે ઝડપી અને ડરામણી હોય છે. ભારતીય ભૂપ્રદેશમાં તેને આક્રમણકારી જીવ તરીકે માનવામાં આવી છે. તેણે પશ્ચિમી ઘાટ પર જ્યાં મનુષ્યોની પ્રવૃત્તિઓ વધારે છે ત્યાં પોતાનો કબજો જમાવ્યો છે. તે એવા જંગલના વિસ્તારો પર પ્રભુત્વ ધરાવે છે જ્યાં વધારે પડતી મનુષ્યોની પ્રવૃત્તિઓ હોય.

બકરીનાં બચ્ચાંએ આંખો ગુમાવી

ઇમેજ સ્રોત, બકરી
અલગુ નામના ખેડૂતના જણાવ્યા પ્રમાણે કરન્થામલાઈ જંગલમાં દરેક પ્રકારનાં પ્રાણીઓને આ કીડીઓએ નુકસાન પહોંચાડ્યું છે.
અલગુ કહે છે, "જંગલી બળદ, સસલાં, સાપ અને બીજાં જંગલી પ્રાણીઓ આ જંગલમાં કીડીઓના કારણે અસર પામ્યાં છે. ખાસ કરીને આ કીડીઓ અમારાં ઢોરની આંખને નિશાન બનાવે છે. અમારાં પ્રાણીઓએ પોતાની દૃષ્ટિ ગુમાવી છે. તેઓ જમી શકતાં નથી કે કંઈ પી શકતાં નથી અને પછી તે મૃત્યુ પામે છે. અત્યાર સુધી કોઈ અધિકારી અમારા આ વિસ્તારમાં સર્વે કરવા આવ્યા નથી કે અમને કોઈ માહિતી પણ આપી નથી."
નાગામ્મલ કહે છે કે આ કીડીઓ બધાં ગામમાં જોવા મળી રહી છે જેવાં કે પેન્નાકુડી, વેલાયુધમપતિ, ઉલુપ્પકુડી, કુટ્ટુર, કુટ્ટુપ્પતિ, સેર્વીડુ અને અથીપ્પત્તિ.
નાગામ્મલ કહે છે, "હું વેલાયુધમપતિમાં રહેતો હતો. આ કીડીઓના કારણે મારી બકરીઓ મરી ગઈ. બીજી ત્રણ બકરીઓએ દૃષ્ટિ ગુમાવી દીધી. મારા ઘરમાં કીડીઓનો ઉપદ્રવ વધી ગયો હતો તો મેં ઘર ખાલી કરી દીધું અને હું અહીં આવી ગયો. અમે તે કીડીઓને નિયંત્રિત કરી શકતા નથી. તેમની સંખ્યા વધતી જઈ રહી છે. જંગલવિભાગે તેમને મારવા માટે જેમ બને તેમ જલદી કંઈક કરવું પડશે."

મનુષ્યોમાં સોજા, ખંજવાળ અને ફોલ્લીઓ

કૉલેજનાં વિદ્યાર્થિની આશિકા કહે છે કે લોકોને કીડીઓ કરડ્યા બાદ તેમને ખંજવાળ આવે છે, સોજા ચઢી જાય છે અને પછી ફોલ્લીઓ પણ થાય છે.
તેઓ કહે છે, "થોડાં વર્ષો પહેલાં આ કીડીઓ જંગલના સૌથી ઉપરના ભાગમાં જોવા મળતી હતી, હવે તેઓ તળેટી વિસ્તારમાં પહોંચી ગઈ છે. સૂર્યપ્રકાશ મળી રહ્યો હોય છે ત્યારે આ કીડીઓ વધારે કંઈ કરતી નથી. પરંતુ વરસાદી મોસમમાં તે ગામના ખૂણેખૂણે આક્રમણ કરે છે."
"લોકોને કીડીઓ કરડે છે અને પછી ત્વચાસંબંધિત રોગો થાય છે. આ ઉપદ્રવના કારણે ખેતીને પણ ખૂબ અસર પહોંચી છે. જંગલ અને પશુપાલન વિભાગે અહીં આવીને કૅમ્પ બનાવવા જોઈએ અને આ કીડીઓને નિયંત્રિત કરવી જોઈએ."
પશુઓના તબીબ ડૉ. સિંગામુથુઓ આ વિશે બીબીસી સાથે વાત કરી.
તેઓ કહે છે, "આ કીડીઓ સામાન્ય કીડીઓ જેવી દેખાય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે શું આ જ જીવ છે કે જે મનુષ્યો અને ઢોરને નુકસાન પહોંચાડી રહ્યો છે. તે કરન્થામલાઈ જંગલના 20 કિલોમિટરના વિસ્તારમાં ફેલાયેલી છે. અમે નથી જાણતા કે તે શા માટે ફેલાઈ છે. અમે એ પણ નથી જાણતા કે તેમને નિયંત્રિત કેવી રીતે કરવી. અમે ચોક્કસપણે નથી કહી શકતા કે સમસ્યા શું છે જેનાથી મનુષ્યો અને પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે."
તેઓ એમ પણ કહે છે કે હાલ પૂરતું લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ઢોરને લઈને ઘાસચારા માટે જંગલ વિસ્તારમાં ન જાય.
જંગલવિભાગના કર્મચારી પ્રભુ કહે છે, "મેં જંગલવિભાગના કર્મચારીઓને તે વિસ્તારમાં જવા કહ્યું છે અને તે વિસ્તારનો સર્વે કરવા સૂચના આપી છે. મને એક વખત રિપોર્ટ મળી જાય પછી હું આ વિશે કંઈક કહી શકું છું."

જળવાયુ પરિવર્તન એક કારણ હોઈ શકે છે
ડૉ. પ્રિયદર્શન ધર્મરાજન કહે છે કે આ સમસ્યા કદાચ ખૂબ વધારે મોટી બની છે તેનું કારણ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગ હોઈ શકે છે.
તેઓ કહે છે, "કીટકો નિર્દય હોય છે. તેમના શરીરનું તાપમાન આસપાસના વિસ્તાર પ્રમાણે બદલતું રહે છે. જ્યારે વાતાવરણનું તાપમાન વધે છે, તેમ તેમ તેમનો મેટાબોલિક દર પણ વધે છે. જેનાથી તેઓ વધારે ખાય છે. તે એક કારણ હોઈ શકે છે પરંતુ પૂરતી માહિતીના અભાવે આપણે તે ચોક્કસપણે કહી શકતા નથી. હાલમાં જે હવામાનની પૅટર્ન બદલાઈ છે તેનાથી તેમની સંખ્યા વધી હોઈ શકે છે. આપણે કીડીઓનો ઉપદ્રવ ધરાવતા વિસ્તારના હવામાનની પૅટર્ન વિશે વધુ માહિતી એકત્રિત કરવી જોઈએ અને તેના વિશે સંશોધન કરવું જોઈએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













