લમ્પી વાઇરસ : 'સરકાર વહેલા જાગી હોત તો ઘણી ગાયોને બચાવી શકાઈ હોત', કચ્છના પશુપાલકોની વ્યથા

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી વાઇરસનો ચેપ સતત વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.

તાજેતરમાં જ કચ્છના ભુજના ડમ્પિંગ યાર્ડમાં ગાયોના મૃતદેહો દર્શાવતો એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો.

પશુઓની આવી હાલત માટે કારણભૂત લમ્પી વાઇરસની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા બીબીસી ગુજરાતીની ટીમે લમ્પીના કેરથી સૌથી વધુ ગ્રસ્ત જિલ્લા એવા કચ્છની મુલાકાત લીધી હતી. જેમાં પશુઓની દયનીય સ્થિતિ સામે આવી હતી.

ઘણા સ્થાનિકોએ ગુજરાત સરકાર પર પરિસ્થિતિને હળવાશથી લેવાના આરોપ કર્યા હતા તો બીજી તરફ સરકારી અધિકારીઓએ સબસલામતના દાવા કર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા સ્થાનિકોએ ગુજરાત સરકાર પર પરિસ્થિતિને હળવાશથી લેવાના આરોપ કર્યા હતા તો બીજી તરફ સરકારી અધિકારીઓએ સબસલામતના દાવા કર્યા હતા

ઘણા સ્થાનિકોએ ગુજરાત સરકાર પર પરિસ્થિતિને હળવાશથી લેવાના આરોપ કર્યા હતા, તો બીજી તરફ સરકારી અધિકારીઓએ સબસલામતના દાવા કર્યા છે.

પરંતુ કથિતપણે લમ્પીથી ગ્રસ્ત પશુઓના ઢગલાબંધ મૃતદેહોના નિકાલ માટેની વ્યવસ્થા ઠેરઠેર જોવા મળતાં ગુજરાત સરકારના બધું નિયંત્રણમાં હોવાના દાવા કરતાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી.

સૌથી પહેલા અમે કચ્છના મુંદરા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં અમે ભુજપુર ગામની મુલાકાત લીધી.

ગામની પાદરે બેઠેલા પશુપાલકો સાથે વાત કરી. તેમને તેમના ગામે આવવાના અમારા ઉદ્દેશની જાણ કરી.

લમ્પી વાઇરસની રોકથામ માટે ચાલી રહેલા પ્રયત્નો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લમ્પી વાઇરસની રોકથામ માટે ચાલી રહેલા પ્રયત્નો

પશુપાલકો અમને ગામના પાંજરાપોળમાં લઈ ગયા. પાંજરાપોળમાં અંદર પહોંચતાં જ અમે ચાર ઓરડામાં લમ્પી વાઇરસથી પીડાતી ગાયો જોઈ.

રેતી ભરેલી મોટી થેલીઓના ટેકે કેટલીક ગાય છેલ્લા શ્વાસ લઈ રહી હતી અને તેમાંથી ઘણી મૃત્યુ પામી હતી.

આ દૃશ્ય આંખની સામે હતું. ત્યારે જ અમે હાજર પશુપાલકો સાથે વાત કરી, કોઈની એક તો કોઈની ચાર, એમ અનેક પશુપાલકોએ પોતાની ગાયો આ રોગના કારણે ગુમાવી હતી.

તેમણે સમગ્ર કચ્છમાં આ વાઇરસના કારણે સર્જાયેલી કથિત ભયાનક સ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે, "આ હાલત ફક્ત ભુજપુર ગામની નથી. કચ્છનાં અનેક ગામોમાં આ હાલત છે. ફક્ત અમારા ભુજપુર ગામમાં 800 જેટલી ગાયો મૃત્યુ પામી છે."

આ વાત જ્યારે ચાલી રહી હતી ત્યારે પાંજરાપોળના કર્મચારી ત્યાં આવ્યા અને નારાજ જોવા મળ્યા. અમે તેમની સાથે વાત કરી પરંતુ તેમણે પોતાની નારાજગીનું કારણ જણાવવાનું ટાળ્યું.

line

પશુપાલકો અને સરકારના દાવામાં ફરક

ગાય

ફક્ત એક ગામની પાંજરાપોળમાં ચાર ઓરડા લમ્પીગ્રસ્ત ગાયોના હતા.

પશુપાલકોનું કહેવું છે કે અનેક પશુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

રસ્તા પર પણ અનેક લમ્પીગ્રસ્ત ગાય જોવા મળી હતી, તો સરકાર 1,384 પશુ મૃત્યુ પામ્યાં હોવાનું કહી રહી છે.

line

સરકારના આંકડા શું કહે છે?

38,551 ગાયો લમ્પી વાઇરસથી ગ્રસ્ત છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 38,551 ગાયો લમ્પી વાઇરસથી ગ્રસ્ત છે હોવાનો સરકારનો દાવો

સરકારે જાહેર કરેલી જાણકારી મુજબ કચ્છ જિલ્લામાં 23,79,386 પશુઓ છે, જેમાંથી પાંચ લાખ જેટલી ગાય છે. જે પૈકી 38,551 ગાયો લમ્પી વાઇરસથી ગ્રસ્ત છે.

અને કુલ 2,65,955 ગાયોનું રસીકરણ થઈ ચૂક્યું છે. કુલ 25 આઇસોલેશન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે, જેમાં અસરગ્રસ્ત પશુઓની સંખ્યા કુલ 1,221 છે.

સરકારનો દાવો છે કે તેમની પાસે હાલ 1,12,563 રસીના ડોઝ સ્ટૉકમાં છે.

line

ખંડિયેર હાલતમાં પશુ દવાખાનાં

પશુ દવાખાનું

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજના જે આઇસોલેશન કેન્દ્રની મુલાકાત લીધી હતી.

અમે પણ તે સ્થળ પર ગયા. ગોશાળા પર લમ્પીગ્રસ્ત પશુ જોવા મળ્યાં પરંતુ કોઈ પશુચિકિત્સક જોવા મળ્યા નહોતા.

ફક્ત એક કર્મચારી હાજર હતા. અમને અપેક્ષા હતી કે આઇસોલેશન વૉર્ડમાં તંદુરસ્ત અને લમ્પીગ્રસ્ત પશુ અલગ હશે, પરંતુ તેમને એક સાથે જ રાખવામાં આવ્યાં હતાં.

અમે માંડવી તાલુકાના બિદડા ગામના પશુપાલકોને મળ્યા તેમાંથી એક પશુપાલક અબ્બાસભાઈ કુંભારની કુલ અગિયાર ગાય હતી જેમાંથી ત્રણ મૃત્યુ પામી છે અને અન્ય ત્રણ હાલ લમ્પીથી પીડાઈ રહી છે.

અમે જ્યારે તેમના ઘરની મુલાકાતે પહોંચ્યા ત્યારે પણ તેઓ ગાયની સારવાર કરવામાં વ્યસ્ત હતા.

તેમણે કહ્યું, "દિવસ-રાત અમે ગાયોની સારવાર કરવામાં વિતાવીએ છે. સરકાર તરફથી પૂરતી સહાય મળી રહી નથી. દરરોજ અમે દવાઓ પાછળ 500-600 રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ."

વીડિયો કૅપ્શન, લપ્મી વાઇરસથી પશુઓને બચાવવા શું કરવું?

અબ્બાસભાઈને અમે જ્યારે એવો સવાલ કર્યો કે આસપાસ સરકારી પશુચિકિત્સા કેન્દ્ર ક્યાં છે? શા માટે ત્યાં સારવાર કરાવતા નથી?

તો આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે ગામમાં દવાખાનું છે, પરંતુ બંધ હાલતમાં છે.

બિદડા ગામની સીમમાં ગાયો ચરાવી રહેલા ફકીર મોહમ્મદ જણાવે છે કે, "અમારી ગાયોને શરૂઆતમાં શરીર પર ગાંઠ જોવા મળી ત્યાર બાદ એક પછી એક અમારી 16 ગાયનાં મૃત્યુ થયાં."

તેઓ કહે છે, "અમને બીજું કંઈ આવડતું નથી, અમે બીજો કઈ વ્યવસાય કે ધંધો કરી શકીએ એ માટે સક્ષમ નથી."

અબ્બાસભાઈ
ઇમેજ કૅપ્શન, અબ્બાસભાઈ

પશુપાલકોના કહેવાથી અમે પશુચિકિત્સાલયની મુલાકાત લીધી. ત્યાં અમે જોયું કે કેન્દ્ર પર તાળાં લાગેલાં છે.

સ્થાનિકો પ્રમાણે આસપાસનાં પંદર ગામ વચ્ચે આ એક જ દવાખાનું છે અને તે પણ બંધ હાલતમાં છે.

ખંડિયેર જેવા લાગતા દવાખાનામાં કોઈ ચિકિત્સક કે આરોગ્ય કર્મચારી હાજર નહોતા.

બિદડા ગામના સરપંચ પાસે ગયા ત્યારે તેમણે સમગ્ર મામલે કોઈ પણ વાત કરવાની ના પાડી દીધી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી

આ અંગે અમે કચ્છના મુખ્ય પશુપાલન નિયામક ડૉ. હરેશ ઠક્કરને સવાલ કર્યો કે, "શા માટે બિદડા ગામના પશુ ચિકિત્સાલયે કોઈ હાજર નથી."

તેમણે જવાબમાં કહ્યું, "હાલ અમે તમામ સ્થળો પર પૂરતી ટીમો તહેનાત કરી રહ્યા છીએ અને રસીકરણની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીના નિષ્ણાતોની મદદ પણ લઈ રહ્યા છીએ."

બીજા દિવસે અમે ભુજના ભુજોડી ગામની મુલાકાત લીધી.

ગામની સીમમાં અતિશય દુર્ગંધવાળા વાતાવરણમાં સર્વ સમાજ સંસ્થાના સભ્યો મરી રહેલી ગાયોના અંતિમસંસ્કારની વિધિ કરી રહ્યા હતા.

તેમનું માનવું છે કે આ રોગચાળો રોકવા માટે મૃતદેહોનો યોગ્ય નિકાલ જરૂરી છે, જેનાથી સંક્રમણ રોકી શકાય. તેમનું કહેવું છે કે આ મૃતદેહોના નિકાલની જવાબદારી સરકારની છે. સરકાર જો વહેલા જાગી હોત તો કેટલીય ગાય બચાવી શકતી હતી.

નવીનભાઈ રબારી પાસે 125 જેટલી ગાય હતી, જેમાંથી 25 ગાય અને બે કાંકરેજી નંદીનાં મૃત્યુ થયાં છે, જેના અંતિમસંસ્કાર સ્થળ પર ચાલી રહ્યા હતા. તેમને આશા છે કે સરકાર તેમને કોઈ સહાય કે વળતર ચૂકવશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ