ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ચૂંટણીના ચાર મહિના પહેલા આમ આદમી પાર્ટીએ કેમ દસ ઉમેદવારો જાહેર કરી દીધા?

ઇમેજ સ્રોત, @AAPGujarat
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીના ચાર માસ પહેલાં ઉત્તર ગુજરાતમાં બે, મધ્ય ગુજરાતમાં બે, દક્ષિણ ગુજરાતમાં બે અને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે.
- રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઉમેદવારો જાહેર કરીને પાર્ટીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે તે ખરેખર પૂરી તાકત સાથે ગુજરાતના રાજકારણમાં છાપ છોડવા ઇચ્છે છે.
- આદિવાસી પ્રભુત્વ ધરાવતા છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ અર્જુન રાઠવાને ઉતારવાનો નિર્ણય કર્યો છે.

એક તરફ ભાજપ અને બીજી બાજુ કૉંગ્રેસ. ગુજરાતના રાજકારણની વાત કરીએ તો છેલ્લા ઘણા દાયકાથી ગુજરાતના લોકોની સામે આ બન્ને પક્ષો જ એકબીજાના હરીફ તરીકે જોવા મળ્યા છે, પરંતુ રાજ્યની હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે 2022ની ચૂંટણી અગાઉની ચૂંટણીઓ કરતાં જુદી રહેવાની છે.
આમ આદમી પાર્ટીએ (આપ) જે રીતે રાજ્યમાં પોતાનો પગપસારો કર્યો છે અને હવે જે રીતે વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાના દસ ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાટીનો પ્રયાસ છે કે આ વખતે કોઈ પણ પક્ષ તેને હળવાશમાં ન લે.
આમ આદમી પાર્ટીએ ઉત્તર ગુજરાતમાં બે, મધ્ય ગુજરાતમાં બે, દક્ષિણ ગુજરાતમાં બે અને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે.
આ ઉમેદવારોમાંથી કેટલાક તો ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, તો અમુક લોકો હજી થોડા સમય પહેલાં જ પાર્ટીમાં જોડાયા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઉમેદવારો જાહેર કરીને પાર્ટીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે તે ખરેખર પૂરી તાકત સાથે ગુજરાતના રાજકારણમાં છાપ છોડવા ઇચ્છે છે. જોકે પાર્ટીએ આંતરિક સરવે બાદ આ દસ નામો જાહેર કર્યાં છે, જેમાં પાર્ટીને ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ માટેની શક્યતા ખૂબ પ્રબળ લાગી રહી છે.
આમ આદમી પાર્ટી અને મુખ્યત્વે તેના આ જાહેર થયેલા ઉમેદવારો ગુજરાતની આવનારી ચૂંટણીમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવશે, તે તો સમય બતાવશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ઉમેદવારોને બીજા કોઈ પણ ઉમેદવાર કરતા લોકો વચ્ચે જવાનો અને તેમની સાથે સંપર્ક સાધવાનો વધુ સમય મળશે.
આ અંગે બીબીસી ગુજરાતીએ આ દસમાંથી અમુક ઉમેદવારો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ તેમની ઉમેદવારી જાહેર થયા પછી આગળ શું કરવાના છે?

આપના ઉમેદવાર અર્જુન રાઠવા લંડનથી ભણ્યા છે

ઇમેજ સ્રોત, GOPAL ITALIA FB
આદિવાસી પ્રભુત્વ ધરાવતા છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ અર્જુન રાઠવાને ઉતારવાનો નિર્ણય કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉલેજના પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનારા રાઠવા લંડનની લીડ્સ યુનિવર્સિટીથી અનુસ્નાતક થયા છે.
તેમણે 2014માં આમ આદમી પાર્ટી માટે છોટા ઉદેપુરથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી. ભલે તેઓ હારી ગયા હોય, પરંતુ પાર્ટીમાં તેમનું કદ ત્યાર બાદ વધ્યું હતું.
તેઓ હાલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને સંગઠનનાં કામમાં ઘણાં વર્ષોથી લાગેલા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "પાર્ટી અલગઅલગ મુદ્દા પર કામ કરી રહી છે, તે તમામ મુદ્દા અમારે ત્યાં પણ લાગુ પડે છે, પરંતુ છોટા ઉદેપુરમાં રાઠવા આદિવાસીઓ માટે સૌથી મોટી સમસ્યા રાઠવા તરીકેનું સરકારી સર્ટિફિકેટ મેળવવાને લગતી છે."
"બહુ પ્રયાસો કર્યા બાદ જ સરકાર આ દાખલા રાઠવા સમાજના લોકોને આપતી હોય છે, જેના કારણે આખા વિસ્તારમાં સરકાર સામે ખૂબ નારાજગી છે."
તેઓ કહે છે, "આ મુદ્દા માટે હું ઘણાં વર્ષોથી લડી રહ્યો છું અને મેં હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે. પરંતુ સરકાર હજી સુધી આમાં કોઈ કામ કરતી નથી, માટે આ વખતે પાણી, શિક્ષણ, રોજગારી અને સ્વાસ્થ્યની સાથે સાથે રાઠવા સમુદાયને ન મળતા દાખલાની વાત પણ આ વિસ્તારની ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે."

સુરતમાં 'આપ'ને આશા

ઇમેજ સ્રોત, @AAMAADMIPARTY
ભાજપની પકડની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરવી પડે. અહીંની મોટા ભાગની સીટો પર ભાજપ સિવાય બીજો કોઈ પક્ષ ક્યારેય જીતી શક્યો ન હતો.
સુરત મ્યુનિસિપાલિટીની ચૂંટણીને બાદ કરતાં ભાજપનો અહીં મોટા ભાગની કૉર્પોરેશન તેમજ વિધાનસભાની બેઠકો પર વર્ષોથી દબદબો છે.
સુરતના બારડોલીમાં હાલમાં ભાજપના ઈશ્વરભાઈ પરમાર ધારસભ્ય છે, અહીંયાં 2012માં પણ ભાજપને સરળતાથી જીત મળી હતી. જોકે એ પહેલાં એટલે કે 2007માં અહીં કૉંગ્રેસના ધારાસભ્ય હતા.
મોટા ભાગના લોકો માને છે કે અહીંયાં કૉંગ્રેસનું સંગઠન નહિવત્ થઈ ગયું છે. અહીં આપે રાજેશભાઈ સોલંકી ઉર્ફે રાજુભાઈ મોરકાની પસંદગી કરી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજુભાઈ કહે છે કે, "આટલું વહેલું નામ જાહેર થવાથી લોકોની સમસ્યા પર ખરેખર કામ કરીને તેનો ઉકેલ લાવવા માટેનો સમય મળ્યો છે."
"અમારા સમુદાયમાં દારૂનું દૂષણ ખૂબ છે, જેના કારણે ખૂબ જ નાની વયે દીકરીઓ વિધવા થઈ જાય છે. આ મુદ્દા પર કોઈ પણ રાજકીય પક્ષે કામ કર્યું નથી, આ દૂષણને દૂર કરવા માટે સારા શિક્ષણ અને રોજગારની જરૂર પડે, કારણ કે તે મળે તો જ આ દૂષણ દૂર થઈ શકે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમનો દાવો છે કે હાલમાં તેમની બારડોલી વિધાનસભામાં આપની સભાઓમાં મોટા પ્રમાણમાં લોકો દેખાય છે, જેને કારણે તેમને વિશ્વાસ છે કે તેઓ જીતશે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ વધુમાં જણાવે છે કે, "પાર્ટીના મુદ્દાઓની સાથે-સાથે અહીંના સ્થાનિક મુદ્દાઓ પર વાત કરનારી માત્ર પાર્ટી માત્ર આપ જ છે."
બીજી તરફ સુરતના કામરેજમાં રામ ધડુકને આપે ટિકિટ આપી છે.
તેઓ 2017માં પણ અહીંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. કામરેજ વિધાનસભાની હદમાં હાલમાં આમ આદમી પાર્ટીના બે તાલુકા ડેલિગેટ અને પાંચ મ્યુનિસિપલ કાઉન્સિલર છે.
તેઓ કહે છે કે, "અહીં આમ આદમી પાર્ટીનું સંગઠન પાછલાં ઘણાં વર્ષથી કાર્યરત્ છે, જેના કારણે અમને અગાઉની ચૂંટણીમાં સારાં પરિણામો મળ્યાં છે."
ધડુક વધુમાં કહે છે કે, "કામરેજનાં અનેક ગામોને સુરત શહેરમાં સમાવી લેવામાં આવ્યાં હતાં, પરંતુ ઘણાં વર્ષો વીત્યાં બાદ પણ હજી સુધી આ ગામડાંમાં શહેર જેવી કોઈ સુવિધાઓ મળી નથી અને કોઈએ ધ્યાન પણ આપ્યું નથી."

ખેડૂત નેતા સાગર રબારી ઉત્તર ગુજરાતનો ગઢ જિતાડી શકશે?

ઇમેજ સ્રોત, @AAPGujarat
દક્ષિણ ગુજરાત બાદ જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં આપે હાલમાં બે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠક પર સાગર રબારી અને બનાસકાંઠાની દિયોદર બેઠક પર ભીમાભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.
સાગર રબારી કહે છે કે, "માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમૅન્ટ રિજનની જાહેરાત બાદ જ્યારે ખબર પડી કે અહીંના ખેડૂતો સાથે તે સમયની નરેન્દ્ર મોદી સરકાર અત્યાચાર કરી રહી છે, ત્યારે લાલજીભાઈ દેસાઈ અને મેં મળીને એક મોટું આંદોલન કર્યું હતું અને મોદી સરકારે પાછળ હઠવું પડ્યું હતું. ત્યાર બાદ લોકો વચ્ચે મારો સંપર્ક ચાલુ જ રહ્યો હતો અને હાલમાં હું લગભગ દરેક ગામડાંમાં એક વખત તો લોકોને મળી જ આવ્યો છું."
સાગર રબારી એક ખેડૂત નેતા છે અને ખેડૂતોની સમસ્યાને લઈને તેઓ ઘણાં વર્ષોથી સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે.
તેઓ મૂળ મહેસાણા જિલ્લાના જ વતની છે. માટે તેમનો દાવો છે કે ઉત્તર ગુજરાતમાં તેમની પકડ સારી છે.
આવી જ રીતે જો ભીમાભાઈ ચૌધરીની વાત કરીએ તો તેઓ 20 વર્ષ જેટલો સમય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે રહ્યા અને ત્યાર બાદ લાંબો સમય ભાજપ સાથે પણ રહ્યા, પરંતુ હવે તેમને આરએસએસ અને ભાજપ બન્ને પાસેથી નિરાશા સાંપડી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ કહે છે કે, "આરએસએસ પણ પહેલાં જેવું કામ નથી કરી શકતું, રાષ્ટ્રનિર્માણની માત્ર વાતો છે, પરંતુ ખરેખર સપાટી પર કોઈ કામ નથી. હાલમાં દિયોદર વિધાનસભાના લગભગ દરેક બૂથ પર મારો કાર્યકર્તા હાજર છે અને મને ડોર ટુ ડોર કામ કરવાનો ખૂબ સમય મળ્યો છે, માટે હું અને મારી ટીમ હાલમાં તો આપને જિતાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ."
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "જે રીતે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે નિયમિત આવે છે અને દિવસે ને દિવસે સંગઠન મોટું થઈ રહ્યું છે, તે જોતા લાગે છે કે આ 10 નામો (જે વહેલાં જાહેર કર્યાં) એક લાંબાગાળાની સ્ટ્રેટેજીનો એક ભાગ છે. આ 10 સીટ પર તેમને સૌથી વધુ ભરોસો છે અને ઉમેદવારોને પોતાની વિધાનસભા સીટ પર પૂરતો ધ્યાન આપવાનો સમય મળશે."
"સામાન્ય રીતે દરેક ઉમેદવારે લોકોનું કેટલું કામ કરી શકીશ કે લોકોની શું સમસ્યા છે, તેના કરતા મોટી સમસ્યા એ હોય છે કે મને ટિકિટ મળશે કે નહીં, અને તેની તમામ ઊર્જા ટિકિટ લેવા માટે વાપરી નાખતો હોય છે, પરંતુ આપે આ 10 ઉમેદવારોને ટિકિટની ચિંતાથી મુક્ત કરી દીધા છે."
તેમના મતે, અને હવે તેમને માત્ર વોટ કેવી રીતે મેળવવા તેના પર ધ્યાન રાખવાનું રહેશે. આ એક ખૂબ જ સારી રણનીતિ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













