હિંદુ રાષ્ટ્ર : જ્યારે સંગીતના સૂર બની જાય નફરતનાં હથિયાર
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
"ભારતમાં રહેવું છે તો વંદે માતરમ્ કહેતા શીખો... અને ઓકાતમાં રહેતા શીખો..."
આ શબ્દો એક મ્યુઝિક વીડિયોના છે જેનું શીર્ષક છે 'હર ઘર ભગવા છાયેગા'. પોતાના મોબાઇલ ફોન પર આ વીડિયોને જોતાં 23 વર્ષના વિજય યાદવના ચહેરા પર એક સ્મિત છે અને તેઓ પોતાને એ ગીત ગણગણવાથી રોકી શકતા નથી.

વિજય એક સ્કૅચ આર્ટિસ્ટ છે અને લલિત કલા અકાદમીમાં ભણે છે. આ ગીતને સાંભળતાં તેઓ કહે છે, "શરીરમાં ખૂબ ઊર્જા આવી જાય છે. એવું લાગે છે કે એક સમયે આપણી સાથે શું-શું થયું... એક સમય હતો, આપણી સાથે આવું થયું હતું અને આજે આપણે કયા સ્ટેજ ઉપર આવીને ઊભા છીએ."
જે ઊર્જાની વાત વિજય કરી રહ્યા છે કદાચ તેનું જ એક વિકરાળ સ્વરૂપ આ વર્ષે એપ્રિલના મહિનામાં રાજસ્થાનના કરૌલી, મધ્ય પ્રદેશના ખરગોન, દિલ્હીના જહાંગીરપુરી અને ઉત્તરાખંડના રુરકીમાં જોવા મળ્યું છે.
આ એ જગ્યાઓ છે જ્યાં રામનવમી, હનુમાનજયંતી અને હિંદુ નવવર્ષના અવસર પર હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે હિંસક રમખાણો થયાં હતાં.
આરોપ એ લાગ્યો કે આ બધી હિંસક ઘટનાઓને ભડકાવવામાં એક મોટી ભૂમિકા એ આપત્તિજનક ગીતોની હતી જે હિંદુઓના ધાર્મિક જુલૂસમાં વગાડવામાં આવતાં હતાં.
એક ભડકાઉ ગીતનો ઉલ્લેખ વારંવાર થયો. આ ગીતના બોલ એટલા ભડકાઉ છે કે એને અહીં લખી શકાય તેમ નથી.
પરંતુ એટલું કહી શકાય છે કે તે ગીત ઓછું, ધમકી વધારે લાગે છે જેમાં એક સમુદાયને કહેવામાં આવે છે કે જ્યારે હિંદુત્વ જાગી જશે ત્યારે શું થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું સંગીત બનતું જઈ રહ્યું 'હિંદુ રાષ્ટ્ર'ના વિચારને આગળ વધારવા માટેનું હથિયાર?

- પાછલા અમુક સમયથી ભારતમાં સંગીતનો ઉપયોગ 'હિંદુ રાષ્ટ્ર' માટેની ભાવનાના પ્રેરકબળ તરીકે થઈ રહ્યો છે
- ઓનલાઇન માધ્યમોમાં મુસ્લિમ સંપ્રદાય વિરુદ્ધ નફરતભર્યા બોલવાળાં ઘણાં ગીતો જોવા મળી રહ્યાં છે
- નિષ્ણાતો સંગીતનો દુર્ભાવના પ્રેરિત કરવા માટે ઉપયોગ કરાઈ રહ્યો હોવાનો આરોપ મૂકે છે
- એવા પણ આરોપ મુકાઈ રહ્યા છે કે આવાં ગીતોનો ઉપયોગ કરીને લઘુમતીમાં ડરનો માહોલ બનાવીને હિંસા માટે ઉશ્કેરણી કરાઈ રહી છે
- 'હિંદુ રાષ્ટ્ર'ના વિચારને આગળ વધારવા માટે કળાના ઉપયોગના વલણને જાહેર જનતા સમક્ષ લાવવા બીબીસીએ આ મુદ્દે અહેવાલ રજૂ કર્યો

ગીત ઓછું, ધમકી વધારે

આ વિવાદાસ્પદ ગીતને અયોધ્યામાં રહેતા સંદીપ ચતુર્વેદીએ વર્ષ 2016માં બનાવ્યું હતું. આશરે એક દાયકા પહેલાં સંદીપે ભજનનાં ગીતોથી શરૂઆત કરી પરંતુ થોડાં વર્ષો પહેલાં પોતાનો રસ્તો બદલી લીધો અને એવાં ગીત બનાવવાનું શરૂ કર્યું જેમાં કથિત રાષ્ટ્રવાદ અને હિંદુ ધર્મના મિશ્રણથી મુસ્લિમ સમાજ પર નિશાન સાધી શકાય. આ ગીતોથી તેમને રાતોરાત પ્રસિદ્ધિ પણ મળી.
ચતુર્વેદીનું કહેવું છે કે હજારો ફરિયાદો બાદ પણ તેમની ચેનલના સસ્પેન્ડ થતાં પહેલાં તેમના આ ગીતને યૂટ્યૂબ પર લાખો વખત જોવામાં આવ્યું હતું.
તેઓ આ ગીતને અનુપયુક્ત સામગ્રીના રૂપમાં રિપોર્ટ કરવા માટે મુસ્લિમોને દોષિત ગણાવે છે.
સંદીપ એ તો કહે છે કે તેમણે યૂટ્યૂબ પર લાખો સબ્સ્ક્રાઇબરો ગુમાવી દીધા પરંતુ તેઓ એ નથી જણાવતા કે યૂટ્યૂબથી તેઓ કેટલા પૈસા કમાઈ રહ્યા છે.
તેમનું કહેવું એવું છે કે એક મ્યુઝિક વીડિયો બનાવવામાં તેઓ આશરે 20 હજાર રૂપિયા ખર્ચે છે.
તેઓ કહે છે, "આ પૈસાની વાત નથી. હું યૂટ્યૂબમાંથી કંઈ ખાસ કમાણી કરી રહ્યો ન હતો. એક રાષ્ટ્રવાદી-ક્રાંતિકારી ગાયકના રૂપમાં મને ઓળખ મળી, તે વધારે મહત્ત્વપૂર્ણ છે."
સંદીપ પોતાનો પરિચય એક 'રાષ્ટ્રવાદી-ક્રાંતિકારી' ગાયકના રૂપમાં આપે છે.
તેઓ કહે છે, "રામમંદિરનો મુદ્દો હોય કે પછી રાષ્ટ્રવાદ અને હિંદુત્વનો કે પછી ધર્મ અને સમાજની વાત હોય- હું મારાં ગીતોના માધ્યમથી સમાજમાં એક જનજાગૃતિ લાવવા પ્રયાસ કરતો રહું છું."
રાષ્ટ્રવાદ અને હિંદુ ધર્મની સંદીપ ચતુર્વેદીની પરિભાષા અને આ ઘાલમેલ પર ઘણા મતભેદ અને સવાલ છે. તેમના ટીકાકારો કહે છે કે તેઓ પોતાનાં ગીતોના માધ્યમથી મુસલમાનોને નિશાન બનાવી રહ્યા છે.
તેના જવાબમાં સંદીપ કહે છે, "ભારતમાં દરેક ધર્મના લોકો છે. તો જો અમે શ્રીરામ બોલવા કહી દીધું તો તેમાં સમસ્યા શું છે? અમે કોઈને ગાળ તો આપી નથી. ભાઈ, જય શ્રીરામ કહો, ભાઈચારો દર્શાવો ને."
અમે તેમને કહ્યું કે જો કોઈ જય શ્રીરામ નથી બોલી રહ્યું, તો તેનો મતલબ એવો નથી કાઢી શકાતો કે તે તમારા ધર્મની વિરુદ્ધ છે. તેના જવાબમાં તેઓ કહે છે, "હા, જબરદસ્તી નથી કરતો કે તેઓ જબરદસ્તી બોલે જ... તલવારની ધાર પર... હું સીધું સીધું એ કહી રહ્યો છું કે હિંદુત્વ જાગી ચૂક્યું છે."

'આ સંગીત નહીં, યુદ્ધનું આહ્વાન છે'

સંદીપ ચતુર્વેદી તો માત્ર એક ઉદાહરણ છે. યૂટ્યૂબ અને અન્ય સોશિલય મીડિયા પ્લૅટફૉર્મ પર નજર નાખીએ તો એવાં ઢગલાબંધ ગીતો ઉપલબ્ધ છે જેમાં હિંદુ દક્ષિણપંથી વિચારધારાના સમર્થક મુસ્લિમો વિરુદ્ધ નફરતથી ભરપૂર વાતો કરાતી જોવા મળે છે.
એવાં ગીતો જેમની ભાષા અપમાનજનક અને ધમકી જેવી છે. તેમાંથી ઘણાં ગીતોને લાખો વખત જોવામાં આવ્યાં છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક ઘટનાઓમાં વારંવાર આ રીતે ગીતોની ભૂમિકાનો ઉલ્લેખ આવ્યો છે.
નીલાંજન મુખોપાધ્યાય એક લેખક અને રાજકીય નિષ્ણાત છે જેમણે બાબરી મસ્જિદ વિધ્વસં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રમુખ હસ્તીઓ જેવા વિષયો પર પુસ્તકો લખ્યાં છે.
તેઓ કહે છે, "આ સંગીત નથી, યુદ્ધનું આહ્વાન છે. યુદ્ધ જીતવા માટે સંગીતનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ એક રીતે સંગીતનો દુરુપયોગ છે જે આજે જ નહીં, ઘણાં વર્ષોથી થઈ રહ્યું છે. તેનો ઉપયોગ ક્યારેક ઓછો થાય છે તો ક્યારેક વધી જાય છે. આજના સમયમાં આપણે તેને વધારે જોઈ રહ્યા છીએ."

નીલાંજન મુખોપાધ્યાય વર્ષ 1989માં અયોધ્યામાં થયેલા એ શિલાન્યાસ કાર્યક્રમનો ઉલ્લેખ કરે છે જેને વિશ્વ હિંદુ પરિષદે આયોજિક કર્યો હતો.
"એ કાર્યક્રમ પહેલાં આપણે જોયું કે એક ઑડિયો કૅસેટની એક ઇન્ડસ્ટ્રી જેવું બની ગયું હતું. તે સમયનાં જે અલગ-અલગ ભજન કે કથિત ભડકાઉ નારા હતા... રામ જન્મભૂમિને લઈને જે સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા, જે ગીતો હતાં, તેની ઑડિયો કૅસેટ બનાવવામાં આવી હતી જે જુલૂસોમાં વગાડવામાં આવતી હતી."
ત્રણ દાયકા બાદ આવાં ગીતોના સ્વર વધારે તીખા થઈ ગયા છે. "હિંદુને કમજોર ન સમજો... એ દુશ્મનની ભૂલ છે"ની ઘોષણા કરનારી રચનાઓ એ છુપાવવાનો કોઈ પ્રયાસ નથી કરતી કે તેઓ કોને નિશાન બનાવી રહી છે.
આ પ્રકારનાં ગીતોએ ઘણાં દક્ષિણપંથી સંગઠનોને પોતાના કાર્યકર્તાઓને ગતિશીલ બનાવવા માટે એક સામગ્રી સુનિશ્ચિત કરી દીધી છે.
દક્ષિણપંથી સંગઠન હિંદુ રક્ષાદળના અધ્યક્ષ પિંકી ચૌધરીનું કહેવું છે કે આ પ્રકારનાં ગીતોથી તેમના સંગઠન સાથે જોડાયેલા યુવાનોમાં એક સારો સંદેશ જાય છે.
તેઓ કહે છે, "યુવાનોને અમે જાગૃત કરતા આવ્યા છીએ અને ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. યુવાનોને ખરેખર ગીતનાં માધ્યમ સારાં લાગે છે. તેમનો ઉત્સાહ અને મનોબળ વધે છે."

ઇતિહાસને 'ઠીક' કરવાનો પ્રયાસ

આ પ્રકારના ભડકાઉ સંગીતનું વધુ એક પાસું છે. માત્ર એક સમુદાય વિરુદ્ધ નફરત જ નહીં પરંતુ ઇતિહાસનાં પાનાંને પણ ધર્મનાં ચશ્માંથી જોવાનું છે.
દિલ્હીથી આશરે 50 કિલોમિટર દૂર ઉત્તર પ્રદેશના દાદરીમાં રહેતા ગાયક ઉપેન્દ્ર રાણા છેલ્લાં બે-ત્રણ વર્ષમાં જ આ વિસ્તારની એક જાણીતી વ્યક્તિ બની ગઈ છે.
તેનું કારણ છે તેમના દ્વારા બનાવાયેલાં ગીત જે યૂટ્યૂબ પર ખૂબ જાણીતાં થયાં.
ઉપેન્દ્ર રાણાની યૂટ્યૂબ ચેનલના આશરે ચાર લાખ સબ્સ્ક્રાઇબર છે. તેમણે ઘણાં પ્રકારનાં ગીતો બનાવ્યાં છે પરંતુ તેમની ઓળખ ઇતિહાસ સાથે જોડાયેલાં એ ગીતોથી જ બની જેમાં હિંદુ યોદ્ધાઓને નાયક અને મુસ્લિમ શાસકોને ખલનાયક તરીકે રજૂ કરાયા.
તેઓ કહે છે, "જો અમે ઇતિહાસનાં ગીતો બનાવી રહ્યા છીએ, કોઈ ઐતિહાસિક યોદ્ધા પર ગીત બનાવી રહ્યા છીએ, તો તેમાં જે રીતે રામની સામે રાવણનો ઉલ્લેખ થશે..."
"જો તમે બપ્પા રાવલને લેશો તો મોહમ્મદ બિન કાસિમ આવશે, બાબરને લેશો તો રાણા સાંઘાનો ઉલ્લેખ પણ આવશે. મહારાણા પ્રતાપનું નામ લેશો તો અકબર આવશે... તો અમરસિંહનું નામ લેશો તો જહાંગીર આવશે."

પરંતુ ઉપેન્દ્ર રાણા કોઈ ઇતિહાસકાર નથી. માત્ર સાંભળેલી વાતોને ઇતિહાસ સમજનારા આવા ઘણા લોકો દાવો કરે છે કે તેઓ ઇતિહાસને ઠીક કરવાનું કામ કરી રહ્યા છે.
ઉપેન્દ્ર રાણા કહે છે, "ઘણી સાચી વાતો છુપાવવામાં આવી છે અને જે ખોટી વાતો છે તે આપણા પર નાખી દેવામાં આવી છે."
એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતમાં ઇતિહાસ એક વિવાદિત વિષય રહ્યો છે.
કદાચ એ જ કારણ છે કે સ્કૂલના શિક્ષણના પાઠ્યક્રમમાં જુદાજુદા પ્રકારનાં પરિવર્તન લાવીને એક નવો ઇતિહાસ બનાવવાના પ્રયાસ ઘણી વખત થાય છે.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે જે લોકો રાજકીય મિથ ફેલાવે છે અને ધર્મને રાજકારણમાં લાવે છે તેમનો એ પ્રયાસ રહે છે કે ઇતિહાસ અને પૌરાણિક કથાઓની એક ખીચડી બનાવીને પીરસવામાં આવે. તેને પ્રચલિત કરવા અને તેમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે સંગીતનો ઉપયોગ થાય છે.

રાણા માને છે કે તેમની યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોથી સારી એવી આવક થાય છે.
હિંદુ યોદ્ધાઓનાં ચિત્રોથી સજેલી દીવાલોની વચ્ચે ટિંગાયેલી યૂટ્યૂબની સિલ્વર પ્લે બટન તરફ ઇશારો કરતાં તેઓ સ્મિત સાથે કહે છે, "અમે ભારતમાં વિદેશી મુદ્રા લાવી રહ્યા છીએ. યૂટ્યૂબ ડૉલરમાં ચુકવણી કરે છે અને અમને માસિક આવક મળે છે."
રાણાનાં ઘણાં ગીતોને લાખો વખત જોવામાં આવ્યાં છે. તેઓ કહે છે કે એક મ્યુઝિક વીડિયો બનાવવામાં તેમના આશરે આઠ હજાર રૂપિયા ખર્ચાય છે, કેમ કે હવે તેમની પાસે ઑડિયો અને ફિલ્મ રેકર્ડ કરવા અને વીડિયોને એડિટ કરવા માટે આખું સેટ-અપ છે.
ઉપેન્દ્ર રાણા જણાવે છે, "અમારી પાસે એક ટીમ છે જેમાં એક કૅમેરાપર્સન અને એક વીડિયો એડિટર સામેલ છે. અમારી પાસે પોતાનું એડિટિંગ ટેબલ પણ છે."

સૂર બન્યાં હથિયાર

ઉપેન્દ્ર રાણા અને સંદીપ ચતુર્વેદી બંને ઝડપથી વધતાં એ ઉદ્યોગનો ભાગ છે જ્યાં સંગીત ભારતમાં અલ્પસંખ્યક મુસ્લિમ સમુદાય વિરુદ્ધ પસંદગી પામેલું નવું હથિયાર બની ગયું છે.
આ એવાં ગીત છે જેમની ભાષા કાં તો સંપૂર્ણપણે અપમાનજનક છે અથવા તો પ્રત્યક્ષરૂપે ધમકી જેવી લાગે છે.
આ ગીતોને બનાવવા પાછળનો તર્ક એ આપવામાં આવે છે કે સદીઓથી હિંદુઓએ મુસ્લિમોનું દોહન સહન કર્યું છે અને હવે હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે.
સંદીપ ચતુર્વેદી અને ઉપેન્દ્ર રાણા બંનેનું એવું કહેવું છે કે તેઓ કોઈ રાજકીય પાર્ટી માટે કામ કરતા નથી. પરંતુ બંને ગાયકોએ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પર ગીત બનાવ્યાં છે. સંદીપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ગીત બનાવ્યાં છે.
જ્યારે અમે સંદીપ ચતુર્વેદીને મળ્યા તો તેઓ એક નવા ગીત પર કામ કરી રહ્યા હતા.
એ ગીત હાલ જ થયેલા જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા એ વિવાદ વિશે છે જે કોર્ટમાં વિચારાધીન છે. પરંતુ તે વાતથી સંદીપ ચતુર્વેદીને કોઈ ફેર પડતો નથી.
તેમના ગીતની શરૂઆત આ શબ્દોથી થાય છે : "મંદિર તોડ કે મસ્જિદ ઔરંગઝેબને બનવાયા થા... જ્ઞાનવાપી હૈ નામ, યહાં ઇસ્લામ કહાં સે આયા થા."
આ ગીતના અંતરા સુધી પહોંચતાં-પહોંચતાં મુસ્લિમો વિરુદ્ધ અપશબ્દો શરૂ થઈ જાય છે જે એ પણ કહે છે કે "બુલડોઝર કે ડર સે ઉનકો યાદ આ રહી નાની હૈ."
ચતુર્વેદી માને છે કે તેમનાં ગીતો ઉત્તેજનાથી ભરપૂર હોય છે.
તેઓ કહે છે, "જો હું મારી વસ્તુ માટે, મારા હક માટે પ્રેમથી બોલીશ, હાથ જોડીને આજીજી કરીશ, તો શું તમે માનશો? નહીં માનો તમે. તો અંતે અમારે ઉત્તેજના દર્શાવવી પડશે ને? કોઈ પણ વસ્તુ પ્રેમથી મળતી નથી. જે અમારું છે તેને લડીને, છીનવીને લઈ શકાય છે."
કોઈ એક ધર્મનો પ્રચાર કરતાં, નફરતના સૂરવાળાં આ ગીત બીજા ધર્મ માટે અપમાનજનક બની જાય છે. મોટો સવાલ એ છે કે કેવી રીતે અને શા માટે તેમનો કારોબાર વધતો જ જઈ રહ્યો છે?
આ ગીતોને બનાવનારા લોકોનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ માત્ર લોકોને હિંદુ ધર્મ અને કથિત રાષ્ટ્રવાદ પ્રત્યે જાગૃત કરવાનો છે. પરંતુ આવાં ગીતોના અસલી ઇરાદા પર ઊઠતાં સવાલોથી બચી શકાય તેમ નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ













