ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : કેજરીવાલના ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ કરતાં મજબૂત બનાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, TWITTER@AAMADMIPARTY
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા

- કૉંગ્રેસ કરતાં 'આપ'ની સક્રિયતા વધુ વર્તાય છે
- અરવિંદ કેજરીવાલ છેલ્લા છ મહિનામાં દર મહિને ગુજરાત આવ્યા છે
- ચૂંટણીને હજી સાડા ત્રણ કે ચાર મહિના વાર છે ત્યારે 10 ઉમેદવારોની યાદી જાહેર કરીને 'આપ'એ નોખી કેડી કંડારી છે
- આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રામાં ગુજરાતનાં નાના ગામોમાં પણ પ્રવાસ કર્યા હતા
- કેજરીવાલે ગુજરાતમાં આપની સરકાર રચાય તો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે
- બેરોજગારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો કર્યો છે
- છ મહિનામાં વેટનું રિફંડ આપવાની અને જીએસટીને સરળ બનાવવાની જાહેરાત કરી છે

અરવિંદ કેજરીવાલ છેલ્લા છ મહિનામાં દર મહિને ગુજરાત આવ્યા છે. તેઓ જુલાઈ મહિનામાં ત્રણ વખત ગુજરાત આવ્યા હતા. હવે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેમના પ્રવાસો પણ વધી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ જેવા શહેરમાં તો તેઓ એક કરતાં વધુ વખત આવ્યા છે.
વેરાવળ, ભાવનગર સહિતનાં શહેરોમાં તેઓ ગયા છે. વિવિધ જિલ્લાનાં ગામોમાં તેઓ ચૂંટણી સભાઓ કરી છે. કેટલેક ઠેકાણે રોડ શો કર્યા છે.
સામાન્ય શિરસ્તો એવો રહ્યો છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. આમ આદમી પાર્ટીએ 2017ની ચૂંટણીમાં 27 ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંનાં એક પણ જીતી શક્યા નહોતા. આપ એ વખતે ત્રીજા પક્ષ તરીકે ચર્ચા પણ ઊભી કરી શક્યો નહોતો. આ વખતે ચિત્ર જુદું છે.
ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ આપ, કૉંગ્રેસ કરતાં ભાજપને વધુ નુકસાન કરી રહ્યો છે.
સમીક્ષકો કહે છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં કેટલેક ઠેકાણે આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ જણાવે છે, "કેજરીવાલ જે પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે અને જે વલણ અપનાવ્યું છે એ જોતાં તેઓ ભાજપ અને કૉંગ્રેસ બંનેને નુકસાન કરશે. એવી પણ શક્યતા વધારે છે કે દિવસો પસાર થતા જશે તેમ-તેમ આપ કૉંગ્રેસ કરતાં ભાજપને વધુ નુકસાન કરશે. એનું કારણ એ કે લોકો અત્યારની મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. 'આપ'ની દિલ્લી અને પંજાબમાં સરકાર છે ત્યાં તેમણે જે પગલાં ભર્યા છે તે મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામેનાં છે. તેથી આપ ગુજરાતના લોકોને અપીલ કરશે એવું લાગી રહ્યું છે."

આપની સક્રિયતા

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ કરતાં 'આપ'ની સક્રિયતા વધુ વર્તાય છે.
2022ની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બીજી ઑગસ્ટના રોજ 10 ઉમેદવારોની યાદી જાહેર કરીને કૉંગ્રેસ અને ભાજપને વિચારતા કરી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
10 ઉમેદવારોની જાહેરાત વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, "ઉમેદવારો વહેલા જાહેર કરવા પાછળનું કારણ એ છે કે તેનાથી ઉમેદવારો પોતાનાં મતક્ષેત્રોમાં જઈને લોકોને જાણી અને સમજી શકે અને લોકો પણ ઉમેદવારો વિશે જાણી અને સમજી શકે."
સામાન્ય રીતે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં એવું જોવા મળ્યું છે કે ઉમેદવારોનાં નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરવામાં આવતા નથી. આજે ચૂંટણીને હજી સાડા ત્રણ કે ચાર મહિના જેટલો સમય છે ત્યારે 10 ઉમેદવારોની યાદી જાહેર કરીને આમ આદમી પાર્ટીએ નોખી કેડી કંડારી છે.
કેજરીવાલના વારંવારના ગુજરાત પ્રવાસ 'આપ'ને ગુજરાતમાં કૉંગ્રેસ કરતાં વધારે મજબૂત કરી શકશે?
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે, "આપને બેઠકો બહુ મળે એવી શક્યતા નથી જણાતી. ત્રીજો પક્ષ પહેલીવાર લડે ત્યારે એવું બનતું પણ નથી. એટલે બેઠકો જીતવાના અર્થમાં ત્રિપાંખિયા જંગની સંભાવના નથી જણાતી. પરંતુ હા, ચૂંટણી પ્રચારના મુદાઓના સંદર્ભમાં ચોક્કસ ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીએ શિક્ષણ અને આરોગ્યના મુદ્દા ઊભા કર્યા એના જવાબો આપવામાં અર્થમાં ટક્કર આપી રહી છે."
"બાકી આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં તેમાંથી 1-2 સિરિયસ ઉમેદવાર ગણી શકાય."

ભાજપ માટે આમ આદમી પાર્ટી ચિંતાનો વિષય?

ઇમેજ સ્રોત, AAPGUJARAT
ગુજરાતમાં ભાજપ સરકાર માટે આપ ચિન્તાનો વિષય બની ચૂકી છે.
આમ આદમી પાર્ટીની એક છબી એવી છે કે તે શહેરી મતદારોની પાર્ટી છે. પંજાબમાં તો હજી થોડા મહિના પહેલાં જ તેમની સરકાર રચાઈ છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સરકાર ધરાવે છે. તેમણે જે મહોલ્લા ક્લિનિક કે સરકારી શાળાના જે નવતર પ્રયોગ કર્યા છે તે મોટે ભાગે દિલ્હીમાં છે. ગુજરાતમાં પણ કેટલાંક લોકોને લાગે છે કે આમ આદમી પાર્ટી શહેરોમાં ભાજપને નુકસાન કરશે.
આમ આદમી પાર્ટીએ જે પરિવર્તન યાત્રા કરી હતી તેમાં ગુજરાતનાં વિવિધ જિલ્લાનાં નાના ગામોમાં પણ પ્રવાસ કર્યા હતા. વાસુદેવ પટેલ માને છે કે શહેરો ઉપરાંત ગામોમાં પણ આપ ભાજપને નુકસાન કરશે.
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ અંગે વાત કરતા કહે છે, "ભાજપ કૉંગ્રેસને ચર્ચામાં રાખશે. 'આપ'ને બહુ મહત્ત્વ નહીં આપે. હા, આમ આદમી જે મુદ્દામાં કૂદી પડશે તેમાં જવાબ આપવા પૂરતી તસ્દી લેશે. આમ આદમી પાર્ટી ચર્ચામાં જ ન આવે તેનું ધ્યાન રાખશે. જેમ 300 યૂનિટ સુધી મફત વીજળીની જાહેરાતમાં કેન્દ્ર તરફથી રેવડીની વાત કરવી પડી હતી તેમ."

મોંઘવારી સામેનું કેજરીવાલ મૉડલ ગુજરાતમાં લોકોને અપીલ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
કેજરીવાલે ગુજરાતમાં આપની સરકાર રચાય તો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નોકરી ન મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગારને દર મહિને ત્રણ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
વેપારીઓને અનુલક્ષીને છ મહિનામાં વેટનું રિફંડ આપવાની અને જીએસટીને સરળ બનાવવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું, "જીએસટીને ખૂબ જટીલ બનાવી દેવામાં આવ્યો છે. ઉદ્યોગો જ નહીં ચાલે તો વેપારીઓ ટૅક્સ ક્યાથી ચૂકવશે? આ યોગ્ય નથી. આને સરળ બનાવવું પડશે."
કેજરીવાલની આ ચાલ અંગે વાસુદેવ પટેલ કહે છે, "મોંઘવારીએ માઝા મૂકી છે. ભાજપ સરકાર મોંઘવારી ઘટાડવા માટે યોગ્ય પગલાં નથી લઈ રહી. કેજરીવાલ સરકારી ટેક્સમાં છૂટ આપવા માગે છે. જેથી મોંઘવારીમાં લોકોને રાહત મળે. શિક્ષણ, આરોગ્ય, વીજીળીના ખર્ચમાં લોકોને રાહત મળે તો પૈસા બચે. એમાંથી તે મોંઘવારીનો સામનો કરી શકે. ગામ હોય કે શહેર બધાને આનાથી ફાયદો છે. તેથી ગામડાંમાં પણ આમ આદમી પાર્ટીની તરફી વલણ ઊભું થયું છે."
દિલીપ ગોહિલ કહે છે, "દુર્ભાગ્યે સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં મોંઘવારી એ બહુ મોટો મુદ્દો નથી બનતો. એ વાત કેજરીવાલ જાણે છે અને એટલે તેઓ વહીવટ સુધારવાની વાત કરે છે. આપનો પ્રચારમાં એ વાત ઉપર ભાર રહેશે કે વહીવટી રીતે સારા પગલાં લઈશું અને લોકોને રાહત આપવાની કોશિશ કરીશું. જીએસટીની પ્રક્રિયા આટલા સમય પછી પણ જટિલ રહી છે. બાકી રાહત યોજનાઓને ચૂંટણી ઢંઢેરામા સમાવવાથી ફાયદો થાય જ છે. ભાજપને ગૅસ સિલિન્ડર અને શૌચાલયવાળી યોજનાનો લાભ મળ્યો જ હતો."

આ વખતે ત્રિપાંખિયો જંગ?

ઇમેજ સ્રોત, GOPAL ITALIA TWITTER
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 29 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. તે પૈકી એક પણ ઉમેદવાર જીતી શક્યા નહોતા.
આપના તમામ ઉમેદવારોને કુલ 29,517 મત મળ્યા હતા, તેની સામે નોટા(નન ઑફ ધ અબવ)ના મત 75,880 હતા.
જોકે, 2017ની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 બેઠક મેળવીને સુરતમાં આપે મુખ્ય વિપક્ષનું પદ મેળવ્યું.
ગાંધીનગર સુધરાઈની 44 બેઠકોવાળી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જેમાંથી વિજેતા માત્ર એક જ ઉમેદવાર થયા હતા પણ કુલ મતના 21.5 ટકા મત મેળવીને ધ્યાનાકર્ષક પ્રદર્શન કર્યું હતું.
આ બાબતો એ દર્શાવે છે કે પરંપરાગત ત્રીજા પક્ષ કરતાં આપ 2022ની ચૂંટણીમાં અલગ પરિબળ સાબિત થઈ શકે છે. અમદાવાદ સ્થિત વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે કે, "ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને અવગણી શકાશે નહીં. છેલ્લી ઘડી સુધી કોને મત આપવો એ નક્કી ન કરી શકતાં કે ઉછળકૂદ કરતાં મતદારોના મત આમ આદમી પાર્ટીને મત આપે તો નવાઈ નહીં."
"2022ની વિધાનસભા ચૂંટણીમાં જો ત્રિપાંખિયો જંગ થાય તો ત્રણેય પાર્ટીઓએ ત્રીસ-ત્રીસ ટકાનું ગણિત મેળવવાનું રહે છે. એમાં જે પાર્ટી 31- 32 ટકા મત મેળવી લે તો એનું પલ્લું ભારે બની જતું હોય છે. મને લાગે છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ થશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













