ગુજરાત ચૂંટણી : આમ આદમી પાર્ટી ભાજપ સામે જેટલી સક્રિય દેખાય છે, એટલી બેઠકો મેળવી શકશે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તમામ પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ગુજરાતનો રાજકીય ઇતિહાસ જોઈએ તો અહીં ત્રીજી પાર્ટી ફાવી નથી, પણ આમ આદમી પાર્ટી કંઈક વિશેષ રીતે રાજ્યમાં સક્રિય જોવા મળી રહી છે.

ઇમેજ સ્રોત, Gopal Italia fb
હેડ ક્લાર્કના પેપર લીક મામલે આમ આદમી પાર્ટીએ ખાસ્સો હોબાળો કર્યો હતો અને તેના નેતાઓએ એક પછી એક કથિત કૌભાંડોના આરોપો મૂક્યા હતા.
પેપર લીક મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યાલયે હંગામો કર્યો હતો. એ સમયે ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાર્યકર્તાએ આપના નેતા ઈસુદાન ગઢવી ઉપર આરોપ લગાવ્યા હતા કે તેઓ દારૂના નશામાં હતા અને તેમણે તેમની છેડતી કરી હતી.
ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન ઍક્ટની વિવિધ કલમો હેઠળ ઈસુદાન ગઢવી સામે ફરિયાદ કરવામાં આવી હતી.
તેમના લોહીનાં સૅમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ 0.05 ટકાથી વધારે આવવાને કારણે તેમની સામે ફરિયાદ થઈ છે. આ ફરિયાદનો મુખ્ય આધાર તેમના લોહીનો રિપોર્ટ છે.
બીજી બાજુ ઈસુદાન ગઢવીએ પત્રકારો સાથે વાત કરતાં આ આરોપોનું ખંડન કર્યું હતું અને ભાજપનું શાસન ન હોય તેવા કોઈ પણ રાજ્યમાં પોતાનો નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉની મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપે સારું પ્રદર્શન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર મતદારો ભાજપથી નારાજ છે અને તેનો લાભ આમ આદમી પાર્ટીને મળી શકશે ખરો?

આમ આદમી પાર્ટીનું રાજકારણ કેવું છે?

ઇમેજ સ્રોત, Gopal Italia twitter
'આપ' પાર્ટી વિશે જાણીતા સેફોલૉજિસ્ટ ડૉક્ટર વિનોદ અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આમ આદમી પાર્ટી વધુ બેઠકો જીતીને નિર્ણાયક સ્થિતિમાં નહીં આવી શકે.
"સિત્તેરના દશકમાં એક વાર ચીમનભાઈ પટેલની કિમલોપ પાર્ટી સત્તા બનાવવા માટે નિર્ણાયક બની હતી, પણ રાજકારણમાં ઊભરી શકી નહોતી. એ પછી 1998માં રાજપ હોય, કેશુભાઈની જીપીપી હોય કે શંકરસિંહની જનવિકલ્પ પાર્ટી- આ બધી પાર્ટીના નેતા પીઢ અને પરિપક્વ હતા. રાજકારણનાં સોગઠાં ગોઠવવામાં માહેર હોવા છતાં પાર્ટીને ફાયદો નહોતો થયો."
તેઓ કહે છે કે "આપમાં પરિપક્વ નેતાઓનો અભાવ છે, એ ઍન્ટી ઈન્કમબન્સીના વોટ પર નિર્ણાયક પરિબળ બનવા માગે છે. એમને પહેલા સંગઠન બનાવવું પડશે, કારણ કે ભાજપ કરતાં કૉંગ્રેસનું સંગઠન નબળું હોવા છતાં વિધાનસભામાં ખરાબ સંજોગોમાં 55થી વધુ બેઠકો પર જીતે છે એ બતાવે છે કે કૉંગ્રેસ ગ્રામીણ એરિયામાં વોટબૅન્ક ધરાવે છે, પરંતુ સુરત અને ગાંધીનગરની ચૂંટણીને લિટમસ ટેસ્ટ તરીકે લઈએ તો આપ માટે આશાનું કિરણ દેખાય છે."
"પણ 2017ની ચૂંટણી અને 2016માં રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા એથી લોકોમાં આક્રોશ છે અને એટલે એ વોટ ભાજપ અને કૉંગ્રેસના બદલે આપમાં ગયા. આથી આપ કૉંગ્રેસને નુકસાન કરાવશે, પણ મોટા પાયે બેઠકો જીતે એવું દેખાતું નથી."
તો તાલીમ રિસર્ચના ડિરેક્ટર અને રાજકીય નિષ્ણાત ડૉક્ટર એમ. આઈ. ખાન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે આપના આવવાથી ભાજપને ફાયદો થશે, કૉંગ્રેસને નહીં.
તેઓ કહે છે, "અગાઉ થયેલી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી એક રીતે મિની વિધાનસભાની ચૂંટણી ગણાય. આ ચૂંટણીઓમાં બીટીપી, ઓવૈસી અને આપના ઉમેદવારો ભલે વધુ સીટ લઈને નથી આવ્યા, પણ કૉંગ્રેસની વોટબૅન્કમાં મોટું ગાબડું પાડ્યું છે."
"આ પાર્ટીઓમાં વોટ વહેંચાયા એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના સમય કરતાં વધુ જીત મળી. ભાજપ સામેની ઍન્ટી ઈન્કમબન્સીના વોટ આ નવી ત્રણ પાર્ટીમાં વહેંચાયા છે."

આમ આદમી પાર્ટીની પરિપક્વતા પર સવાલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એમ. આઈ. ખાન કહે છે, "2017ની ચૂંટણીમાં નોટાના વોટ 1.7 % હતા અને સંખ્યાબંધ સીટો એવી હતી કે જે 145થી 3000 વચ્ચે હારજીત ગઈ અને ભાજપની જીત માંડ માંડ થઈ. આ સંજોગોમાં બીટીપી ઑર્ગેનાઈઝ નથી, આપ પાસે સંગઠન નથી."
આપમાં રાજકારણની પરિપક્વતા નથી એ કહીને ઉદાહરણ આપતાં ખાન કહે છે, પેપર લીક મામલે કલેક્ટર કે મંત્રીને આવેદનપત્ર આપવાને બદલે ભાજપના કાર્યાલય પર હલ્લાબોલ કર્યો. ત્યારબાદ એમના નેતા લાંબા સમય સુધી જેલમાં રહ્યા છતાં એના કોઈ પઢઘા ન પડ્યા. એ બતાવી આપે છે કે અપરિપક્વ નેતાગીરીને કારણે એમણે મોટી તક ગુમાવી છે."
ખાન કહે છે કે "2012ની ચૂંટણી વખતે કૉંગ્રેસ ઘરનું ઘરનો મુદ્દો લઈને આવી હતી, સંખ્યાબંધ લોકોએ સમર્થન આપ્યું હતું, પણ એ વોટ સીટમાં કન્વર્ટ કરવામાં અસફળ રહ્યા. તો 2017ની ચૂંટણીમાં સોફ્ટ હિન્દુત્વ અને પટેલ, દલિત અને ઓબીસીના યુવાનેતા લાવીને ભાજપને ટક્કર આપી હતી, પણ આપ પાસે આવી સોશિયલ એન્જિનિયરિંગ કરી શકે એવા નેતા નથી."
"જો આવા નેતા અને તેઓ સોશિયલ એન્જિનિયરિંગ કરી શકે તો એમના માટે આશાનું કિરણ છે, પરંતુ હાલની અપરિપક્વ નેતાગીરી ચૂંટણી જીતવા માટે કાફી નથી."
"આ સંજોગોમાં જો એ બીટીપી, ઓવૈસી સાથે હાથ મિલાવી આગળ વધે તો અલગ પરિણામ લાવી શકે એમ છે, કારણ કે એના કારણે પાર્ટી આદિવાસી, દલિત-મુસ્લિમ અને યુવાનું સોશિયલ એન્જિનિયરિંગ કરી આગળ વધી શકે એમ છે."

શું કહેવું છે આપ, ભાજપ અને કૉંગ્રેસનું?

ઇમેજ સ્રોત, BJP4Gujarat twitter
તો આપના નેતા મહેશ સવાણી આ વાતો સાથે સહમત નથી.
મહેશ સવાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમારું સંગઠન 2014થી શરૂ થયું અને ધીમે ધીમે મજબૂત થયું છે. લોકોને ભાજપનો ડર છે એટલે ખૂલીને બહાર આવતા નથી.
"સુરતની ચૂંટણીમાં લોકોએ આપને ખભે બેસાડ્યું, ગાંધીનગરની ચૂંટણીમાં આપને ખોબલે ખોબલે વોટ આપ્યા. અમને યુવાઓ અને અલગઅલગ જ્ઞાતિનું સમર્થન છે. લોકો ભલે કહે કે અમારી પાસે સંગઠન નથી, પણ અમે અમારી ચોક્કસ રણનીતિથી આગળ વધી રહ્યા છીએ."
મહેશ સવાણી કહે છે કે "અમે અમારી રણનીતિ જાહેર કરવા માગતા નથી."
સવાણી કહે છે કે અમે સોશિયલ એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ, અમે જાતિવાદથી પર છીએ, દિલ્હીમાં અમે ગરીબ-મધ્યમવર્ગના લોકોને પ્રાધન્ય આપ્યું છે.
તો કૉંગ્રેસ આપ અને ઓવૈસીને ભાજપની 'બી' ટીમ ગણે છે.

ઇમેજ સ્રોત, INCGujarat twitter
કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું "ભાજપની હાર આ વખતે નક્કી હતી એટલે પોતાની 'બી' ટીમ તરીકે આપ અને ઓવૈસીને ઉતારી છે. ભાજપને 145થી 3000 વોટની સરસાઈવાળી બેઠકો ગુમાવવાનો ડર છે એટલે ઓવૈસી અને આપની બે 'બી' ટીમ ઉતારી છે."
મોઢવાડિયા કહે છે "આપ ઍગ્રેસિવ આંદોલનના બહાને કૉંગ્રેસના વોટ તોડવાનો પ્રયાસ કરે છે, લડાયક પદ્ધતિના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે, પણ ગુજરાતની જનતા આવા લોકોને સ્વીકારતી નથી."
તો ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી આપ અને ઓવૈસી ભાજપની 'બી' ટીમ હોવાની વાતનો ઇન્કાર કરતા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે આપ ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
"પહેલાં કોરોના પીડિતોના નામે લોકોની લાગણીને પંપાળવાનો પ્રયાસ કર્યો, એમાં સફળ ના થયા એટલે એમને ગામડાંઓમાં એમના કાફલા પર ભાજપે હુમલા કર્યો હોવાના આરોપ લગાવ્યા. જો ભાજપની 'બી' ટીમ હોય તો આવા આરોપ કેમ લગાવે?
કિશનસિંહ કહે છે કે સુરત મ્યુનિસિપલમાં છૂટીછવાઈ સીટ અને ગાંધીનગરમાં વોટ મળવાથી ગુજરાતની ગાડી સર થતી નથી.
- શાહજહાંનાં પત્ની મુમતાજ મહલને ત્રણ વાર કેમ દફનાવાયાં હતાં?
- એક મહિલાએ કેવી રીતે આખા ગામને ભૂખમરામાંથી બચાવી લીધું?
- ગીર જંગલમાં રિલાયન્સના મોબાઇલ ટાવર, સિંહોનું સંરક્ષણ કે તેમને કનડગત?
- આપ : જેને 'બી ટીમ' કહેવામાં આવી એ આગામી ચૂંટણીમાં ભાજપના જ મત તોડશે?
- હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ અને કર્મ અંગે શું કહે છે?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












