AAP: ગુજરાતમાં જેને 'બી ટીમ' કહેવામાં આવી એ આગામી ચૂંટણીમાં ભાજપના જ મત તોડશે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

પાછલા અમુક દિવસથી ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનાં પેપર લીક થવા મામલે રાજકીય પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બનતી દેખાઈ રહી છે.

આ સમગ્ર મામલાને બહાર લાવવામાં અને તે રદ કરાવવા માટેની ઝુંબેશ ઉપાડવામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલે કે આપની ચાવીરૂપ ભૂમિકા રહી.

નોંધનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હતું.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ ગણવાની જાહેરાત કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનાં પેપર ફૂટ્યાં હોવાના આપના આક્ષેપ બાદ રાજ્ય સરકારે તેનો સ્વીકાર કરી તપાસના આદેશ આપ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનાં પેપર ફૂટ્યાં હોવાના આપના આક્ષેપ બાદ રાજ્ય સરકારે તેનો સ્વીકાર કરી તપાસના આદેશ આપ્યા હતા

પાછલા બે દિવસની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓએ આ સમગ્ર મામલે ગુજરાતમાં સત્તા પક્ષ ભાજપ પર અસલ આરોપીઓને બચાવવાથી માંડીને જાતભાતના આરોપ કર્યા છે.

તેમાં પણ સોમવારે તો ગુજરાત આપના ટોચના નેતાઓ દ્વારા ભાજપના ગુજરાત મુખ્યાલય 'કમલમ્'નો ઘેરાવ કરાતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

ગુજરાતમાં અગાઉ યોજાયેલી જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનાં પરિણામોમાં સુરત મહાનગરપાલિકામાં જ્યારે આપના ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું ત્યારે ઘણા રાજકીય વિશ્લેષકોએ તેને ભાજપ દ્વારા જ કૉંગ્રેસતરફી મત રોકવા માટે ઊભી કરાયેલી પાર્ટી ગણાવી, તેનો ત્રીજા મોરચા તરીકે સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

પરંતુ પાછલા અમુક દિવસોની પ્રવૃત્તિઓ પર નજર કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓ 'ભાજપની બી ટીમ' હોવાના આ આક્ષેપ સામે મજબૂત પડકાર ઊભો કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પછી ભલે તે પેપરલીક કૌભાંડ બહાર પાડવાની વાત હોય કે 'કમલમ્'ના ઘેરાવની.

તાજેતરની રાજકીય પ્રવૃત્તિઓને જોતાં હવે એવી પણ ચર્ચા થવા લાગી છે કે હવે આપ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જ નડી શકે છે.

આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાતના રાજકારણનું નજીકથી નિરીક્ષણ કરતા કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.

line

'આપ' ગુજરાતમાં 'ભાજપની બી ટીમ' છે?

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને કૉંગ્રેસ કરતાં પણ વધુ સીટો મળી હતી, જે બાદ તે મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષ બની છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને કૉંગ્રેસ કરતાં પણ વધુ સીટો મળી હતી, જે બાદ તે મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષ બની છે

શું આપ ગુજરાતમાં 'ભાજપની બી ટીમ' તરીકે આવી છે? આ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે આ એક ખોટી ઊભી થયેલી ઓળખ છે. જેની સાથે તેઓ સંમત થતાં નથી.

તેઓ આપને ભાજપ અન કૉંગ્રેસની જેમ એક સ્વતંત્ર રાજકીય પક્ષ જ ગણે છે. ના કે કોઈ અન્ય પાર્ટીની બી કે સી ટીમ.

ઘનશ્યામ શાહ કહે છે કે, "આમ આદમી પાર્ટી ગુજરાતની જેમ જ ઘણાં બધાં રાજ્યોમાં પોતાનો પ્રસાર કરવા માટે પ્રવૃત્તિશીલ બની છે. તેમ જ જે રીતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી ખૂબ આક્રમક વલણ સાથે આગળ વધી રહી છે તેના પરથી તો તે 'ભાજપની બી ટીમ' છે તે વાત સાવ ખોટી ઠરે છે."

રાજકીય વિશ્લેષક અને પત્રકાર ફયસલ બકીલી પણ એ વાત સાથે અસંમત છે કે ગુજરાતમાં આપની ઍન્ટ્રી 'ભાજપની બી ટીમ' તરીકે થઈ છે.

તેઓ માને છે કે રાજકીય પ્રવૃત્તિઓની દૃષ્ટિએ તો આ સાવ ખોટો મત છે. પરંતુ જો વાત ઇલેક્ટિવ એટલે મતદાનમાં પ્રતિબિબિત થતાં રાજકારણની કરવામાં આવે તો આપનું કામ ભાજપની બી ટીમ સમાન જ દેખાઈ રહ્યું છે.

ફયસલ બકીલી કહે છે કે, "જો વિપક્ષમાં રહીને આપ સત્તાપક્ષના મત કાપે તો તેના પરથી આ બી ટીમનો ટૅગ દૂર થઈ શકે. પરંતુ જે રીતે આપને મત મળી રહ્યા છે તેને જોઈએ તો તે કૉંગ્રેસના જ મત મેળવી રહી છે. સત્તાપક્ષ ભાજપના નહીં."

તેમજ ભાજપની બી ટીમના ટાઇટલ અંગે તેઓ કહે છે કે આ ટાઇટલ કૉંગ્રેસે આપ્યું છે. પત્રકારોએ કે રાજકીય વિશ્લેષકોએ નહીં.

આપ ગુજરાતમાં ભાજપની બી ટીમ છે તે મતને લોકો સામે દૃઢપણે રજૂ કરનાર રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ કહે છે કે, "સોમવારે 'કમલમ્' પર બનેલી ઘટના એ ભાજપ અને આપની વ્યૂહરચનાનો જ એક ભાગ છે. જેનાથી પેપરલીક કૌભાંડ પરથી લોકોનું ધ્યાન હઠે."

તેમજ તેઓ પોતાના મત માટેના પુરાવા તરફ નિર્દેશ કરતાં કહે છે કે, "જો તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે વાત કરીએ તો તેમાં આપની ભૂમિકા ભાજપને સહાયક પક્ષ તરીકે રહી અને કૉંગ્રેસના મત કાપવામાં તેની ભૂમિકા સ્વયંસપષ્ટ હતી."

આ સિવાય હરિ દેસાઈ કહે છે કે જો વિશ્લેષણ કરવામાં આવે તો આપના કાર્યકરો વધુ સક્રિય એવી જ બેઠકો પર છે જ્યાં કૉંગ્રેસના ઉમેદવારો જીત્યા છે, ના કે ભાજપના ગઢમાં.

આમ જુદાજુદા રાજકીય વિશ્લેષકો આપની સક્રિયતા અંગે જુદીજુદી થિયરીઓ જણાવી રહ્યા છે. આમાંથી કઈ સાચી તે તો સમય જ બતાવી શકશે.

line

આગામી વિધાનસભાની ચૂંટણીમાં 'આપ' ભાજપના મત કાપી શકશે?

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ ભાજપતરફી મત મેળવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ ભાજપતરફી મત મેળવી શકશે?

ગુજરાતમાં આવતાં વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીને જોતાં આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપના વિરોધી મતો સિવાય તેની તરફેણના મતોને પોતાની તરફ આકર્ષી શકશે કે કેમ?

આ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં ઘનશ્યામ શાહ કહે છે કે, "આગામી વિધાનસભાની ચૂંટણી આડે હજુ ઘણા દિવસ બાકી છે. તેથી અત્યારે આપ સક્રિય થઈ છે તેને જોઈને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેના પ્રદર્શન અંગે આગાહી કરવું થોડું વહેલું કહેવાશે."

જોકે તેઓ એ વાત સાથે જરૂર સંમત થયા કે જો આપ આવી જ રીતે ભવિષ્યમાં પણ સક્રિય રહેશે અને આક્રમકતા જાળવી રાખશે તો આગામી ચૂંટણીમાં ભાજપના મતો પણ આકર્ષવામાં તે જરૂર સફળ રહેશે તેમાં કોઈ બેમત નથી.

પત્રકાર ફયસલ બકીલી પણ જણાવે છે કે જો આપ આવી જ રીતે સક્રિયતા જાળવી રાખે તો કૉંગ્રેસ સિવાય મજબૂત રાજકીય વિકલ્પ તરીકે ગુજરાતને વધુ એક પક્ષ આપવામાં તે જરૂર સફળ રહેશે.

તેઓ કહે છે કે, "આપની વિરોધની રાજનીતિ કૉંગ્રેસ કરતાં અલગ છે. આ રાજકારણથી બની શકે કે ભવિષ્યમાં કૉંગ્રેસના મતોની સાથોસાથ ભાજપતરફી મતો પણ આપ લઈ જઈ શકે. પરંતુ તેના માટેની પૂર્વશરત એટલી જ છે કે આપે પોતાની હાલની રણનીતિ અને સક્રિયતા ભવિષ્યમાં પણ જાળવી રાખવી પડશે. નહીંતર આરંભે સૂરા જેવો ઘાટ સર્જાશે."

સાથે સાથે ફયસલ બકીલી માત્ર એક ઘટના થકી ગુજરાતના રાજકારણમાં ભાજપતરફી મતો આપને મળશે તે માનવાનો પણ ઇનકાર કરે છે.

આ સિવાય વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ જણાવે છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીની ભૂમિકા કૉંગ્રેસની બેઠકો ઓછી કરવા પૂરતી સીમિત રહેશે. ના કે ભાજપના વોટ કાપનાર તરીકેની.

હવે આ તમામ આગાહીઓ પરથી કઈ આગાહી સાચી ઠરે છે તે વર્ષ 2022માં ચૂંટણી થકી ગુજરાતની જનતા જ નક્કી કરશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો