યોગી આદિત્યનાથ : વિદ્યાર્થીનેતાથી મહંત અને મુખ્ય મંત્રી બનવાની કહાણી
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે બીજી વાર યોગી આદિત્યનાથે આજે શપથ લીધા છે. લખનૌના ઇકાના સ્ટેડિયમમાં આ શપથવિધિ સમારોહ યોજાયો હતો.
5 જૂન 1972ના રોજ જન્મેલા યોગી આદિત્યનાથનું સાંસારિક નામ અજય મોહન બિષ્ટ હતું.
ભારતીય સંસદના 'રાજમાર્ગ'ની ઉપમા ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વર્ષો પછી એક પછી એક બે ટર્મ સરકાર બનાવવાનો કીર્તિમાન રચનાર યોગી આદિત્યનાથને જાણકારો 'ઘડાયેલ રાજકારણી' ગણાવે છે.
યોગી આદિત્યનાથના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP
આદિત્યનાથ 'મુખ્ય મંત્રીશ્રી યોગી આદિત્યનાથજી મહારાજ' તરીકેની ઓળખ પસંદ કરે છે. ટ્વિટરના એમના સત્તાવાર એકાઉન્ટમાં કરાયેલ દરેક ટ્વીટમાં એમનું નામ આવી જ રીતે લખાય છે.
ટ્વિટરના એમના સત્તાવાર ઍકાઉન્ટમાં એમનો પરિચય કંઈક આ રીતે અપાયો છેઃ 'મુખ્ય મંત્રી (ઉત્તરપ્રદેશ); ગોરક્ષપીઠાધીશ્વર, શ્રી ગોરક્ષપીઠ; સદસ્ય, વિધાન પરિષદ, ઉત્તર પ્રદેશ; પૂર્વ સાંસદ (લોકસભા-સતત પાંચ વાર) ગોરખપુર, ઉત્તર પ્રદેશ.'
ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું હશે કે જ્યારે એક જનપ્રતિનિધિ બંધારણીય પદ પર હોવા છતાં માત્ર પોતાની ધાર્મિક ગાદી પર જ બિરાજમાન ન હોય, બલકે, રાજકાજમાં પણ એમની અમીટ છાપ દેખાતી હોય.
મહંત આદિત્યનાથ યોગી જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા ત્યારે ધાર્મિકની સાથોસાથ રાજકીય સત્તા પણ એમના હાથમાં આવી. આ વાતને હંમેશાં જાહેર કરવા માટે 'મુખ્ય મંત્રીશ્રી યોગી આદિત્યનાથજી મહારાજ'નું સંબોધન પસંદ કરાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય મંત્રી અને મહારાજનું આ મિશ્ર નામ માત્ર સંબોધન નથી, એ એમની ધાર્મિક-રાજકીય સફરની તાકાત, ખાસિયત અને કેટલાક લોકોની નજરમાં ખામી પણ છે.

ચરણસ્પર્શની સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
વર્ષ 2017માં તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યાર પછી ગોરખપુર પ્રેસ ક્લબે એમને આમંત્રણ આપ્યું હતું.
ગોરખપુરના વરિષ્ઠ પત્રકાર મનોજસિંહે એ પ્રસંગને યાદ કરતાં જણાવ્યું કે, "જેવું મુખ્ય મંત્રીનું સભામાં આગમન થયું કે તુરંત, સભાસંચાલન કરનાર પત્રકારે પોતાની વાત અટકાવી દઈને કહ્યું, જુઓ, આપણા મુખ્ય મંત્રી આવી ગયા, આપણા ભગવાન આવી ગયા."
"ત્યાર પછી મુખ્ય મંત્રી મંચ પર જઈને બેઠા અને ત્યાં હાજર બધા પત્રકારો એમનું સ્વાગત કરવા માટે એક પછી એક મંચ પર ગયા અને તેમના ચરણસ્પર્શ કર્યા."
પગે લાગીને મોટા કે આદરણીય વ્યક્તિના આશીર્વાદ લેવા ઉત્તર પ્રદેશમાં સર્વસામાન્ય છે, પણ એ ક્ષણે એક મહંતના ચરણસ્પર્શ કરાતા હતા કે મુખ્ય મંત્રીના એ કહેવું મુશ્કેલ છે.
મનોજસિંહે પૂછે છે કે, "પત્રકાર પગે લાગશે તો પત્રકારત્વ કઈ રીતે કરશે?"

બધી તરફ ભગવો રંગ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
યોગી આદિત્યનાથની બંને ઓળખને જુદી પાડવી એટલા માટે મુશ્કેલ છે કે તેઓ પોતે પોતાની બંને ઓળખ ઓઢીને ચાલે છે.
સરકારી દસ્તાવેજોમાં એમના નામની સાથે મહંત કે મહારાજ નથી જોડાતું પણ મુખ્ય મંત્રી બનાવાયા ત્યાર પછી પણ ભગવાં વસ્ત્ર ધારણ કરવાથી એમની એ જ છબિ દેખાય છે.
લખનૌના વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ કલહંસે જણાવ્યું કે, "તેઓ સત્તા પર છે એટલે લોકો એવું જ કરે છે જે એમને પસંદ છે, એમની ખુરશીની પાછળ સફેદને બદલે ભગવો ગમછો (ટૉવેલ) ટિંગાડેલો રહે છે, શૌચાલયનું ઉદ્ઘાટન કરવા જાય તોપણ, દીવાલોને ભગવા રંગે રંગી દેવાય છે."
મહિનામાં એક કે બે વાર તેઓ ગોરખપુર જાય છે અને મંદિરમાં પૂજા-અર્ચના, ધાર્મિક પરંપરાઓ અને તહેવારોમાં ભાગ લે છે. બધી ધાર્મિક પ્રવૃત્તિઓની તસવીરો એમના સરકારી સોશિયલ મીડિયા હૅન્ડલ પર અચૂક મૂકવામાં આવે છે.
ધર્મ, ત્યાં બધી જગ્યાએ છે. પોલીસથાણાઓમાં નાનાં મંદિરો બનેલાં છે. ગોરખપુરની જિલ્લા અદાલતમાં દર મંગળવારે વકીલો હનુમાનચાલીસાનો પાઠ કરે છે.

ધરપકડ અને ગાયનાં આંસુ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
મુખ્ય મંત્રી બન્યાનાં દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી 2007માં ગોરખપુરના તત્કાલીન સાંસદ આદિત્યનાથની કર્ફ્યૂ દરમિયાન 'ધાર્મિક લાગણીઓને ભડકાવનારાં ભાષણ' કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
મનોજસિંહે જણાવ્યું કે, "ત્યારે પણ, ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ-અધિકારી, એમની ધરપકડ કરતાં પહેલાં, એમને પગે લાગ્યા હતા."
"આસ્થાનો પ્રભાવ એટલો બધો હતો કે હિન્દીમાં છપાતા એક અખબારમાં આ ઘટનાને કેન્દ્રમાં રાખીને લખાયેલી ખબરોમાંની એકમાં, ધરપકડ પછી ગોરખનાથ મંદિરની ગૌશાળામાંની એક ગાયના રુદનનું વિસ્તારથી વર્ણન કરાયું હતું."
યોગી આદિત્યનાથની આ જ ધાર્મિક પ્રભુત્વ અને ઉગ્ર હિન્દુત્વની રાજનીતિ એમના શાસન-પ્રશાસનમાં ચોખ્ખેચોખ્ખી દેખાય છે. એ યોગી આદિત્યનાથ સુધી સીમિત નથી, રાજ્યના અધિક પોલીસ કમિશનર સરકારી હેલિકૉપ્ટરમાંથી કાવડિયાઓ પર પુષ્પવર્ષા કરી ચૂક્યા છે.
ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ, ગેરકાયદે કતલખાનાંને તાળાબંધી, લગ્ન માટે ધર્મપરિવર્તન અંગેનો કાયદો જેવાં પગલાં હોય કે ભાષણ, નિવેદન - બધી જગ્યાએ ધાર્મિક અને રાજકીય સત્તા એકાકાર થતી જોવા મળે છે.
વર્ષ 2021માં એક જનસભામાં એમણે કહેલું, "વર્ષ 2017 પહેલાં અબ્બાજાન કહેનારા 'રાશન' હજમ કરી જતા હતા."
વર્ષ 2020માં ઉત્તરપ્રદેશની જૌનપુર પેટાચૂંટણીની સભામાં એમણે કહેલું, "લવ-જેહાદવાળા સુધરશે નહીં તો 'રામ નામ સત્ય હૈ'ની યાત્રા નીકળવાની છે."
એમના શાસનમાં આંતરધાર્મિક લગ્નનો વિરોધ ઉગ્ર બન્યો છે. એ 'લવ-જેહાદ' તરીકે ઓળખાવા લાગ્યો છે.
આ શબ્દનો ઉપયોગ એ કથિત ષડ્યંત્ર તરફ ઇશારો કરવા માટે થવા માંડ્યો છે જેમાં હિન્દુ યુવતીઓને લગ્ન દ્વારા જબરજસ્તી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવે છે.
જ્યારે નાગરિકતા કાયદો (સીએએ)નો વિરોધ થયો ત્યારે યોગી સરકારે કેટલાક પ્રદર્શનકારીને 'સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષિત' ગણાવીને એમનાં નામ-સરનામાં અને ફોટાનાં પોસ્ટર્સ લખનૌમાં લગાડી દીધાં. એમાંના ઘણા બુઝુર્ગ માનવાધિકાર કાર્યકર્તા અને રિટાયર્ડ વરિષ્ઠ અધિકારી પણ હતા.
ઇલાહાબાદ હાઈ કોર્ટે એને 'નિજતાનું હનન' ગણાવીને એ પોસ્ટર્સ ઉતારી લેવાનો નિર્દેશ કર્યો, ત્યાર બાદ પણ એ પોસ્ટર્સ ફરીથી લગાવાયાં હતાં.
મોદી અને અમિત શાહ પછી યોગી જ એવા નેતા છે જેમણે દેશના લગભગ દરેક ભાગમાં બીજેપી માટે ચૂંટણીપ્રચાર કર્યો હોય. એમણે કેરળ જઈને પોતાના યુપી મૉડલનાં વખાણ કર્યાં હતાં.
વર્ષ 2019માં લોકસભા અને એની પહેલાં મધ્ય પ્રદેશ વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં એમણે કહેલું, "કમલનાથજી, તમારા માટે અલી ભલે મહત્ત્વના હોય, પણ અમારા માટે તો બજરંગબલી જ સર્વસ્વ છે."
વર્ષ 2018માં એમણે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કહેલું, "હું હિન્દુ છું એટલા માટે ઈદ નથી ઊજવતો, એનો મને ગર્વ છે."
'શેડ્સ ઑફ સૅફ્રનઃ ફ્રૉમ વાજપેયી ટૂ મોદી' લખનારાં સબા નકવી અનુસાર આદિત્યનાથ પોતાના શાસનમાં કેસરિયો એવો રંગ લઈ આવ્યા છે જે પહેલાં ક્યારેય નથી દેખાયો.
સબાએ જણાવ્યું કે, "એમણે હિન્દુત્વની પરિભાષા મુસલમાનો પ્રત્યેની નફરતમાં બદલી નાખી છે. એ એટલી કારગર સાબિત થઈ રહી છે કે બીજેપીશાસિત અન્ય રાજ્યો, જેમ કે મધ્ય પ્રદેશ સરકાર પણ પોતાની ભાષા અને નીતિઓને એમાં જ ઢાળી રહી છે."
ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણવિરોધી કાયદો બન્યા પછી બીજેપીશાસિત પાંચ રાજ્યોએ પણ યોગી સરકારની જેમ જ કાયદો બનાવ્યો છે.
સબા નકવીએ જણાવ્યું, "આદિત્યનાથને પોતાના હિન્દુત્વમાં, ધ્રુવીકરણની રાજનીતિના ફાયદામાં ખૂબ જ વિશ્વાસ છે, એ વિચાર એમના આત્મામાં વસી ગયો છે. સાંપ્રદાયિકતા તો ઉત્તર પ્રદેશમાં પહેલાંથી જ આંતરિક રીતે વિકસી રહી હતી પણ હવે એમની દેખાદેખીમાં ખૂલીને સામે પ્રગટ થવા લાગી છે."
પત્રકાર વિજય ત્રિવેદીના જણાવ્યા અનુસાર, બદલાતા રાજકીય પરિદૃશ્યમાં લોકોને હવે 'પૉલિટિકલ કરેક્ટ' નેતા નથી જોઈતા.
તેમણે જણાવ્યું, "યોગી આદિત્યનાથનો હેતુ અલ્પસંખ્યકોમાં ડર ફેલાવવાનો નથી, બલકે, એમના પ્રત્યે હિન્દુઓમાં ભય જન્માવીને એમને પોતાની તરફેણમાં એકત્રિત કરવાનો છે. લોકો રચનાત્મક ઉદ્દેશથી એટલા નથી જોડાતા જેટલા વિનાશકારી મુદ્દામાં. બાબરી મસ્જિદ વિધ્વંસને જ યાદ કરી જુઓ."

વિદ્યાર્થીસંઘથી મંદિર અને રાજનીતિનો માર્ગ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
'યદા યદા હિ યોગી' નામથી યોગી આદિત્યનાથનું જીવનચરિત્ર લખનારા વિજય ત્રિવેદી અનુસાર, 1972માં ગઢવાલના એક ગામમાં જન્મેલા અજય મોહન બિષ્ટને શરૂઆતથી જ રાજકારણમાં રસ હતો.
જીવનચરિત્રમાં તેમણે લખ્યું છે કે, અજય બિષ્ટને કૉલેજના દિવસોમાં 'ફૅશનેબલ, ચમકદાર, ટાઇટ કપડાં અને આંખો પર કાળાં ગૉગલ્સ' પહેરવાનો શોખ હતો. 1994માં દીક્ષા લીધા પછી તેઓ આદિત્યનાથ યોગી બની ગયા.
બાળપણમાં શાખામાં જનારા બિષ્ટ કૉલેજમાં વિદ્યાર્થીસંઘની ચૂંટણી લડવા માગતા હતા પણ આરએસએસ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એમને ટિકિટ ન આપી. તેઓ અપક્ષ લડ્યા, પણ હારી ગયા.
અજય બિષ્ટે બી.એસસી.નો અભ્યાસ ગઢવાલના શ્રીનગરસ્થિત હેમવતી નંદન બહુગુણા યુનિવર્સિટીમાં પૂરો કર્યો છે.
વિજય ત્રિવેદીએ લખ્યું છે કે, 'હારી ગયાના થોડા મહિના પછી જાન્યુઆરી 1992માં બિષ્ટના ઓરડામાં ચોરી થઈ, જેમાં એમ.એસસી.માં પ્રવેશ માટેના જરૂરી ઘણા કાગળો પણ ચોરાઈ ગયા. પ્રવેશ માટે મદદ માગવા માટે બિષ્ટ પહેલી વાર મહંત અવૈદ્યનાથને મળ્યા અને બે વર્ષની અંદર જ એમણે માત્ર દીક્ષા લીધી એટલું જ નહીં, ઉત્તરાધિકારી પણ બની ગયા.'
દીક્ષા લેવા સાથે જ નામ પણ બદલાઈ જાય છે, પૂર્વાશ્રમની દુનિયા સાથેનો સંબંધ પણ તોડી નખાય છે. આગળ જતાં વર્ષ 2020માં બીમાર પડ્યા બાદ જ્યારે એમના પિતા આનંદ બિષ્ટનું અવસાન થયું ત્યારે મુખ્ય મંત્રી બની ગયેલા આદિત્યનાથે એક બયાનમાં કહેલું કે, "કોરોના મહામારીને પછાડવાની રણનીતિ સંદર્ભે અને લૉકડાઉનની સફળતા માટે હું એમના કર્મકાંડમાં ભાગ નહીં લઈ શકું."
દીક્ષા લીધા પછીથી જ આદિત્યનાથ યોગીએ સત્તાવાર દસ્તાવેજોમાં પિતાના નામની કૉલમમાં આનંદ બિષ્ટના બદલે મહંત અવૈદ્યનાથ નામ લખવાનું શરૂ કર્યું છે.
મહંત અવૈદ્યનાથ ત્યારે રામમંદિર આંદોલનનો મુખ્ય ચહેરો હતા. તેઓ ગોરખપુરથી ચાર વાર સાંસદ બની ચૂક્યા હતા અને ગોરખનાથ મંદિરના મહંત હતા.
ગોરખનાથ મંદિર અને સત્તાનો સંબંધ ઘણો જૂનો છે. મહંત અવૈદ્યનાથની પહેલાં મહંત દિગ્વિજયનાથે એને રાજકારણનું મહત્ત્વનું કેન્દ્ર બનાવ્યું હતું. તેઓ ગોરખપુરના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.
1950માં મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા તે પ્રસંગે એમણે કહેલું કે જો એમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ મુસલમાનોનો મતાધિકાર 5-10 વર્ષ માટે છીનવી લેશે, જેથી એ સમયગાળામાં એ સમુદાય સરકારને વિશ્વાસ કરાવી શકે કે એમના ઇરાદા ભારતના હિતમાં છે.

નાથસંપ્રદાયનું સનાતનીકરણ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
ઐતિહાસિક રીતે જોઈએ તો, નાથસંપ્રદાયમાં હિન્દુ અને મુસલમાન વચ્ચે ભેદભાવ નથી કરાતો અને મૂર્તિપૂજા પણ નથી થતી. એકેશ્વરવાદી નાથસંપ્રદાય અદ્વૈતદર્શનમાં આસ્થા ધરાવે છે, જેના અનુસાર ઈશ્વર એક જ છે અને એનો જ અંશ બધા જીવોમાં છે, તેઓ અત્મા અને પરમાત્માને જુદા જુદા નથી માનતા.
મુગલશાસક જહાંગીરના સમય દરમિયાન એક કવિએ લખેલી 'ચિત્રાવલી'માં ગોરખપુરનો ઉલ્લેખ જોવા મળે છે. 16મી સદીની એ રચનામાં ગોરખપુરને યોગીઓનો 'ભલો દેશ' દર્શાવાયો છે.
હાલના ગોરખપુર મંદિરની બહાર એક 'શબદ' પણ અંકિત છે - "હિન્દુ ધ્યાવે દેહુરા, મુસલમાન મસીત / જોગી ધ્યાવે પરમ પદ, જહાં દેહુરા ના મસીત."
આ 'શબદ'નો અર્થ એવો થાય કે હિન્દુ મંદિર અને મુસલમાન મસ્જિદમાં ધ્યાન ધરે છે, પણ યોગી એ પરમપદ (પરમેશ્વર, એકેશ્વર)નું ધ્યાન ધરે છે, તેઓ મંદિર કે મસ્જિદમાં એને નથી શોધતા.
ગોરખપુરના પત્રકાર મનોજસિંહના જણાવ્યા અનુસાર, મહંત દિગ્વિજયનાથની સાથે જ આ પીઠનું સનાતનીકરણ થવા લાગ્યું, મૂર્તિપૂજા શરૂ થઈ અને રાજનીતિકરણ પણ.
ધાર્મિક પુસ્તકો છાપનારા ગોરખપુરસ્થિત ગીતા પ્રેસ પરના પુસ્તક 'ગીતા પ્રેસ ઍન્ડ ધ મેકિંગ ઑફ હિન્દુ ઇન્ડિયા'માં લેખક-પત્રકાર અક્ષય મુકુલે ગોરખનાથ મંદિર સાથેના એના ગાઢ સંબંધ વિશે લખ્યું છે.
ગીતા પ્રેસની પ્રકાશિત સામગ્રીમાં ગૌ-હત્યા, હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવી, હિન્દુ કોડ બિલ, બંધારણનું ધર્મનિરપેક્ષ હોવું, વગેરે બાબતે હિન્દુઓ એકમત થાય તેવા પ્રયત્નો થયા, તેમાં રાજકીય પ્રભાવ ધરાવનારા મંદિરના મહંતોએ ભૂમિકા ભજવી.
નવેમ્બર 2019માં અયોધ્યા મંદિર-મસ્જિદ વિવાદ પરના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પછી યોગી આદિત્યનાથે પોતાના ટ્વિટર હૅન્ડલ પર એક તસવીર મૂકી હતી જેમાં રામશિલાની સાથે ગોરખનાથ મંદિરના પૂર્વ મહંત દિગ્વિજયનાથ, અવૈદ્યનાથ અને પરમહંસ રામચંદ્રદાસ દેખાતા હતા.
તસવીરની સાથે યોગી આદિત્યનાથે લખેલું કે, "ગોરક્ષપીઠાધીશ્વર યુગપુરુષ બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથજી મહારાજ, પરમપૂજ્ય ગુરુદેવ ગોરક્ષપીઠાધીશ્વર બ્રહ્મલીન મહંત અવૈદ્યનાથજી મહારાજ એવં પરમહંસ રામચંદ્રદાસજી મહારાજને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ."
વર્ષ 2020માં અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની દેખરેખમાં જ થયો હતો.

ગોરખપુરથી મુખ્ય મંત્રીની સીડી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
અજય બિષ્ટના રાજકીય સફરની ખરેખરી શરૂઆત તો 1994માં ત્યારે થઈ હતી જ્યારે એમણે મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લઈને યોગી આદિત્યનાથ તરીકેની ઓળખ મેળવી. ત્યાર પછી એમનું આગામી સંસદીય ચૂંટણી લડવાનું લગભગ નિશ્ચિત હતું.
પાંચ વર્ષ પછી 26 વર્ષની ઉંમરે તેઓ ગોરખપુરથી સાંસદ તરીકે ચૂંટાયા. જોકે ત્યારે એમને માત્ર છ હજાર મતોથી જીત મળી હતી.
મનોજસિંહે જણાવ્યું કે, "એ વખતે એમણે નક્કી કર્યું કે એમને બીજેપીથી જુદો એક સપોર્ટ બેઝ જોઈએ અને એમણે હિન્દુ યુવાવાહિની બનાવ્યું, જે કહેવા માટે તો એક સાંસ્કૃતિક સંગઠન હતું પણ વાસ્તવમાં એમની પોતાની સેના હતી."
તેમણે જણાવ્યું, "હિન્દુ યુવાવાહિનીનું કથિત લક્ષ્ય ધર્મની રક્ષા કરવાનું, સાંપ્રદાયિક તણાવમાં ભૂમિકાનું હતું. આ જ સંગઠનનું નેતૃત્વ કરતા યોગી આદિત્યનાથની 2007માં ધરપકડ કરવામાં આવી હતી."
11 દિવસ જેલમાં રહ્યા પછી તેઓ જામીન પર છૂટ્યા હતા. દસ વર્ષ સુધી આ કેસમાં કોઈની પણ સરકારમાં કશી કાર્યવાહી ન થઈ. 2017માં જ્યારે આદિત્યનાથ મુખ્ય મંત્રી બન્યા ત્યારે એમની સત્તા હેઠળના ગૃહમંત્રાલયે સીબીઆઇને એ કેસ ચલાવવાની મંજૂરી ન આપી.
છેલ્લે વર્ષ 2014માં જ્યારે આદિત્યનાથ ચૂંટણી લડ્યા હતા ત્યારે ચૂંટણી પંચમાં રજૂ કરાયેલી ઍફિડેવિટ અનુસાર એમની વિરુદ્ધ ગંભીર કલમોવાળા કોઈ કેસ નહોતા.
ડિસેમ્બર 2017માં ઉત્તરપ્રદેશ સરકારે કાયદામાં એક સુધારો કર્યો, જેથી રાજનેતાઓ વિરુદ્ધ 'રાજનીતિપ્રેરિત' કેસ પાછા ખેંચી શકાય. કયા કેસને 'રાજનીતિપ્રેરિત' ગણવામાં આવશે એ નક્કી કરવાનો અધિકાર સરકારે પોતાની પાસે રાખ્યો.
હિન્દુ યુવાવાહિનીના લીધે સાંસદ આદિત્યનાથને બળ મળ્યું અને એક નેતાની રૂએ એમની શાખ ગોરખપુર ઉપરાંત અન્ય ક્ષેત્ર-વિસ્તારોમાં પણ વધી.
પૂર્વીય ઉત્તરપ્રદેશમાં વાહિનીના સદસ્યોને ધારાસભ્યની ટિકિટ અપાવવા માટે તેઓ ઘણી વાર મક્કમતા ધારણ કરી લેતા અને બીજેપી ન માને તો એમના ઉમેદવારની સામે વાહિનીના ઉમેદવારને ઊભા રાખવા સુધીનું આકરું પગલું ભરી લેતા હતા.
મુખ્ય મંત્રી બનાવાયા પછી પણ તેઓ પાર્ટીને પોતાની વાત મનાવવાનું નથી ચૂક્યા. સબા નકવી માને છે કે એનું કારણ હિન્દુત્વની વિચારધારા પર ખીલી-વિકસેલી એમની લોકપ્રિયતા અને સમર્થકોનું બળ છે.
નકવીએ જણાવ્યું કે, "એવી પાર્ટી કે જે મોદી-શાહના પૂરા નિયંત્રણમાં છે, ત્યાં આદિત્યનાથ પોતાની વાત રજૂ કરી શકે છે, તેઓ કોઈ પણ નેતાની દયા પર આધારિત નથી."
"ઘણાં રાજ્યના મુખ્ય મંત્રી આસાનીથી પદભ્રષ્ટ કરાયા પણ એમની સાથે પાર્ટી એવું નથી કરી શકતી, કેમ કે આટલા મહત્ત્વપૂર્ણ રાજ્યમાં એમને સત્તા પરથી હટાવીને કોને ઊભા કરશે?"
મુખ્ય મંત્રી બનવાની સાથે જ ઘણા બધા નિર્ણયો કર્યા હોવાના લીધે એમની એક સખત વહીવટકર્તા તરીકેની છબિ ઊભરી છે. સિદ્ધાર્થ કલહંસે જણાવ્યું, "એમને હાર્ડ ટાસ્ક માસ્ટર માનવામાં આવ્યા, બ્યૂરોક્રસીને સમજાઈ ગયું કે એમના હિસાબ પ્રમાણે કામ કરવું પડશે, નહીંતર નહીં ચાલે."
વિજય ત્રિવેદીએ જણાવ્યા અનુસાર, "નિર્ણયો કરવા એટલું જ નહીં, આગામી મિટિંગમાં એનું ફૉલો-અપ લેવું અને કામ ન થયું હોય તો એની સામે પગલાં ભરવાં એ મુખ્ય મંત્રીની કામ કરવાની શૈલી છે."

વડા પ્રધાન મોદીના ઉત્તરાધિકારી?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
ઘણી વાર એવી ચર્ચાઓ થતી રહે છે કે શું યોગી એટલા શક્તિશાળી નેતા બની ગયા છે કે આવનારાં વર્ષોમાં એમને વડા પ્રધાનપદના દાવેદાર માની શકાય?
સબા નકવી એવું નથી માનતાં. એમના જણાવ્યા અનુસાર, "એક નેતાના રૂપમાં નરેન્દ્ર મોદી સામે આદિત્યનાથનું કદ ખૂબ નાનું છે અને રાજકારણમાં આગળ વધવા માટે એમને સર્વસંમતિ સાધવી અને કૉર્પોરેટ જગત સાથે સંપર્ક વધારવા જેવી યુક્તિઓ પણ નથી આવડતી."
તેમણે જણાવ્યું કે, "જનતાને સમર્થક બનાવી લીધા છતાં મુખ્ય મંત્રી આદિત્યનાથની વહીવટી કાર્યશૈલી લોકપ્રિય નથી."
રાજ્ય ચલાવ્વાની જવાબદારી આવી એ પહેલાંથી જ તેઓ ગોરખપુર મંદિરના નેજા હેઠળ ઘણી સ્કૂલ્સ, હૉસ્પિટલ્સ અને અન્ય સંસ્થાઓનું નેતૃત્વ કરતા આવ્યા છે.
મનોજસિંહે જણાવ્યું, "મંદિરનું નેતૃત્વ ખૂબ સામંતશાહી રીતે કરાયું છે. બધું નિયંત્રણ યોગી આદિત્યનાથના હાથમાં રહ્યું છે અને સરકાર પણ તેઓ એ રીતે જ ચલાવે છે. ધારાસભ્યો તો દૂરની વાત છે, મંત્રીઓ પણ પોતાના મુદ્દાની રજૂઆત નથી કરી શકતા."
વિજય ત્રિવેદીના જણાવ્યા અનુસાર યોગી આદિત્યનાથએ વડા પ્રધાનની કામ કરવાની પદ્ધતિમાંથી ઘણું બધું શીખવાનો પ્રયાસ કર્યો છે, "નીતિઓનો ખૂબ પ્રચાર કરવો, એકલા જ સરકાર ચલાવવી, મીડિયાને નિયંત્રણમાં રાખવું, વગેરે. પણ તેઓ હિન્દુત્વની સાથે સાથે વિકાસના એજન્ડા પર કામ નથી કરી શક્યા."
આ બધું ત્યારે છે જ્યારે એમણે મીડિયાનું એક ખૂબ મોટું તંત્ર ઊભું કર્યું છે. લખનૌ અને ગોરખપુરમાં બે જુદી જુદી મીડિયા ટીમ કામ કરે છે, જેમાં સરકારીની સાથે જ બહારની-ખાનગી એજન્સીઓને પણ કામે લગાડી દીધી છે.
ત્રણ મીડિયા ઍડ્વાઇઝર છે. અખબાર, ઇલેક્ટ્રૉનિક મીડિયા અને સોશિયલ મીડિયા માટે અલગ અલગ સંદેશ તૈયાર થાય છે.
લખનૌસ્થિત પત્રકાર સિદ્ધાર્થ કલહંસે જણાવ્યું કે, "પહેલાં કરતાં ખૂબ વધારે માત્રામાં મોટી જાહેરખબરો છપાવા લાગી છે, ચૅનલો પર ઉપલબ્ધિઓની ડૉક્યુમેન્ટરી પ્રસારિત થાય છે."

યોગી આદિત્યનાથની વિરાસત

ઇમેજ સ્રોત, NURPHOTO
તો, છેલ્લાં સાડા ચાર વર્ષના કાર્યકાળમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં શું બદલી નાખ્યું? ગોરખપુરના સાંસદ તરીકે યોગી આદિત્યનાથે સંસદમાં પાંચ પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યાં હતાં.
એમાં યુનિફૉર્મ સિવિલ કોડ, દેશનું નામ 'ઇન્ડિયા'ને બદલે સત્તાવાર રીતે 'ભારત' કરવું, ગૌ-હત્યા પર પ્રતિબંધ, ધર્મપરિવર્તનવિરોધી કાયદો અને ઇલાહાબાદ હાઈ કોર્ટની ગોરખપુર બેન્ચની સ્થાપનાની માગ કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી બનાવ્યા પછી તેમણે રાજ્યમાં ગૌ-હત્યાવિરોધી કાયદો કડક કરી દીધો છે અને ધર્માંતરણ પર પ્રતિબંધ માટે નવો કાયદો બનાવી લીધો છે.
મનોજસિંહના જણાવ્યા અનુસાર, "આ કાર્યકાળમાં એટલું નક્કી થઈ ગયું છે કે એક મહંત પણ શાસન કરી શકે છે અને પોતાના કટ્ટર વિચારોનો વિધાનસભામાં અને પોતાની નીતિઓમાં પડઘો પાડી શકે છે."

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
ઉત્તર પ્રદેશમાં પહેલેથી જ પોલીસનો દબદબો રહ્યો છે, પણ આ કાર્યકાળમાં એમને વધારે છૂટછાટ મળી છે. સરકાર પોતાની જાહેરાતોમાં એન્કાઉન્ટરને ઉપલબ્ધિરૂપ ગણાવે છે અને મુખ્ય મંત્રીની કડક વહીવટકર્તા હોવાની છબિ આગળ ધરે છે.
વિજય ત્રિવેદી માને છે કે વહીવટી કાર્યપ્રણાલી સુચારુ અને કાયદાવ્યવસ્થા કડક થઈ છે. પરંતુ, એ એક સામાજિક સમૂહની વિરુદ્ધ પણ થઈ છે.
તેમણે જણાવ્યું કે, "યોગીની નીતિઓથી એક સમૂહમાં નારાજગી વધી છે તો બીજામાં લોકપ્રિયતા. પરંતુ, લોકશાહીમાં તો ચૂંટણીનાં પરિણામો જ સાચો માપદંડ છે. 30 ટકાની પસંદ 70 ટકાએ સ્વીકારવી પડે છે, જો આપણને એ ન ગમતું હોય તો આપણી સિસ્ટિમ બદલવી પડશે."
રાજ્યમાં સરકારી સંદેશાનો ખૂબ પ્રભાવ પડે એ રીતે પ્રસાર થઈ રહ્યો છે. સબા નકવીએ જણાવ્યા અનુસાર એનાથી અલગ લખવાની કોશિશ કરનારા "સ્થાનિક પત્રકારો પર આકરી જોગવાઈઓ હેઠળ કેસ કરવો અને એમને જેલમાં નાખવા એ સામાન્ય બની ગયું છે."
સિદ્ધાર્થ કલહંસે જણાવ્યા અનુસાર હવે રાજ્યમાં પહેલાં જેવો થતો હતો એવો સાર્વજનિક રીતે વિરોધ થતો જોવા નથી મળતો. જેઓ ધ્રુવીકરણના રાજકારણ સાથે મતૈક્ય નથી ધરાવતા, તેઓ ચૂપ જ રહે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












