યોગી આદિત્યનાથની સરકારમાં ઉત્તર પ્રદેશ ‘નફરતનો ગઢ’ બન્યું છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનઉથી બીબીસી માટે
દેશના ઘણાં મહત્વનાં પદો પર કામ કરી ચૂકેલા 100થી વધુ નિવૃત્ત અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને રાજ્યમાં કાયદો વ્યવસ્થા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકાર સમક્ષ ગેરકાયદેસર ધર્માંતરણનો વટહુકમ પરત લેવાની માગ કરવામાં આવી છે.
જો કે યુપી સરકાર અને ભારતીય જનતા પક્ષે નિવૃત્ત અમલદારોની આ ચિંતા અને વાંધાઓને ફગાવી દીધા છે.
ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના માહિતી સલાહકાર અને પ્રદેશ ભાજપના પ્રવક્તા શલભમણિ ત્રિપાઠીનું કહેવું છે કે યોગી આદિત્યનાથ ભવિષ્યમાં પણ આ શૈલીમાં કામ કરવાનું ચાલુ રાખશે.
શલભમણિ ત્રિપાઠી આ પત્ર લખનાર અમલદારો પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકારોમાં વરિષ્ઠ પદો પરથી નિવૃત્ત 104 અમલદારોના હસ્તાક્ષર સાથેના આ પત્રમાં યુપીના મુખ્ય મંત્રીને લખવામાં આવ્યું છે કે, "વિવાદિત ધર્માંતરણ વિરોધી વટહુકમે રાજ્યને નફરત, ભાગલાવાદી અને કટ્ટર રાજકારણનું કેન્દ્ર બનાવી દીધું છે."
પત્ર લખનારાંઓમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરૂપમા રાવ, વડા પ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર ટી.કે.નાયર, નિવૃત્ત આઈપીએસ અધિકારી જે.એફ. રિબેરો, પ્રસાર ભારતીના ભૂતપૂર્વ સીઈઓ જવાહર સરકાર સહિત અનેક નિવૃત્ત અધિકારીઓ સામેલ છે.
પત્રમાં એવી માગણી કરવામાં આવી છે કે વટહુકમ પરત લેવામાં આવે કારણકે તે બંધારણીય ભાવનાઓથી વિપરીત છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે એક સમય હતો જ્યારે યુપી તેની ગંગા-જમના સભ્યતા માટે પ્રખ્યાત હતું પરતું આજે તે કટ્ટરતાનું કેન્દ્ર બની ગયું છે અને શાસક સંસ્થાઓ પણ સાંપ્રદાયિકતાના ઝેરથી અછૂતી રહી શકી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

યુપીમાં કાયદો વ્યવસ્થા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પત્રમાં તાજેતરના દિવસોમાં જે ઘટનાઓ બની છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં નવા વટહુકમ હેઠળ કેટલાક વિશેષ ધર્મના લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. પત્રમાં અખબારોમાં પ્રકાશિત કેટલાક અહેવાલોને પણ ટાંકવામાં આવ્યા છે.
પત્ર લખનારાઓમાં લલિત કલા અકાદમીના ભૂતપૂર્વ ચૅરમૅન અને પ્રખ્યાત સાહિત્યકાર અશોક વાજપાયી પણ સામેલ છે.
બીબીસી સાથે વાત કરતા અશોક વાજપાઈ કહે છે, "માત્ર આ જ એક મુદ્દો નથી પરતું યુપીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત બગડી રહી છે. આ વટહુકમના કારણે એક મહિનામાં ઘણાં લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે ધરપકડ કરવામાં આવી છે તે લોકશાહી માટે બહુ જોખમી છે."
અશોક વાજપાયી કહે છે કે, "આ પત્ર ભલે ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રીને સંબોધન કરીને લખવામાં આવ્યો હોય પરતું તેમાં દેશના નાગરિકો, સત્તાધીશો અને સનદી અધિકારીઓ એમ ત્રણેય પ્રકારના લોકોને બંધારણીય નિયમો અને ફરજ યાદ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."
તેઓ જણાવે છે કે, "સરકારની આ પ્રકારની કાર્યવાહીમાં સિવિલ સર્વિસિસના અધિકારીઓની જે સાંઠગાંઠ દેખાય છે, તેનાથી એમ લાગી રહ્યું છે કે તેઓ પોતાની બંધારણીય ફરજોનું નિષ્પક્ષ રીતે પાલન કરતા નથી."
"તેઓ ભૂલી રહ્યા છે કે આ તેમનું બંધારણીય અસ્તિત્વ અને ફરજ છે. સરકારના આવવા અથવા જવાથી તેના પર પર અસર થવી જોઈએ નહીં. અમે પણ આ સેવામાં રહી ચૂક્યા છીએ અને અમને ખબર છે. અમે સત્તાધીશોને સહયોગ પણ આપ્યો છે અને અનૈતિક અને ગેરકાયદેસર પગલાંઓ લેવાય ત્યારે સહયોગ આપવાની ના પણ પાડી છે."

મૂળભૂત અધિકારોની બાંયધરી

ઇમેજ સ્રોત, MAHESH HARIANI/GETTY IMAGES
પત્રમાં કહેવામાં આવ્યું છે કે અલાહાબાદ હાઈકોર્ટ સહિત વિવિધ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જીવનસાથીની પસંદગી કરવી એ કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે, જેની ખાતરી બંધારણ હેઠળ આપવામાં આવી છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, "આ વટહુકમ કહેવાતા 'લવ-જેહાદ' જેવા ગુનાઓને ટાર્ગેટ કરે છે, જે દક્ષિણપંથી ષડયંત્ર હેઠળ આપવામાં આવેલું નામ છે. આ શબ્દને કેન્દ્ર સરકાર તરફથી માન્યતા મળી નથી, પરતું તેનો ઉપયોગ લઘુમતીઓને ગભરાવવા માટે કરવામાં આવી રહ્યો છે."
ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત અધિકારી અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના મહાનિદેશક રહી ચૂકેલા ડૉક્ટર સુરશે કુમાર ગોયલ કહે છે કે, "બંધારણે જ્યારે કોઈ બાબતની સ્વતંત્રતા આપી હોય ત્યારે તેને અટકાવવા માટે કાયદો લાવવો એ બંધારણની વિરુદ્ધ છે."
બીબીસી સાથે વાત કરતા ડૉ. ગોયલ જણાવે છે કે, "કોઈએ પોતાની મરજીથી લગ્ન કર્યાં હોય, છોકરી પણ કહી રહી હોય. બધાંની સામે તેઓ સ્વીકાર કરી રહ્યાં હોય, પરતું અમુક લોકોની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે થયું છે તે બંધારણની વિરુદ્ધ છે. આ થવું જોઈતું નહોતું. પહેલાં તો આ પ્રકારનો વટહુકમ આવવો જ જોઈતો નહોતો, પણ હવે લાગુ થઇ ગયો છે તો તેને પરત લેવો જોઈએ. બળજબરીપૂર્વકનું ધર્માંતરણ ખોટું છે પરતું જો કોઈ પોતાની મરજીથી ધર્માંતરણ કરે છે તો તેમને હેરાન કરવા જોઈએ નહીં."

"દેશમાં પત્ર લખનાર લોકોની એક ગૅંગ છે"

ઇમેજ સ્રોત, Shalabh Mani Tripathi FB
સામાજિક કાર્યકર્તા હર્ષ મંદર અને અરુણા રોય જેવા ભૂતપૂર્વ અમલદારોએ પણ આ પત્રમાં સહી કરી છે. યુપી સરકાર અથવા મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી પત્ર મળ્યાની પુષ્ટિ થઈ નથી, પરંતુ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના માહિતી સલાહકાર શલભમણિ ત્રિપાઠીએ આ પત્ર પર કડક પ્રતિક્રિયા આપી છે.
બીબીસી સાથેની વાતચીતમાં શલભમણિ ત્રિપાઠી કહે છે, "દેશમાં પત્ર લખનાર લોકોની એક ગૅંગ છે, જે અવારનવાર કેટલાક પસંદગીના મુદ્દા પર પત્ર લખતી રહે છે. આ પત્ર ગૅંગ સંસદ પર થયેલાં હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના દરવાજા પર ભલે ન ગઈ હોય, પણ આ હુમલાને અંજામ આપનાર આંતકવાદીઓ અને ગદ્દારોને ફાંસીથી બચાવવા માટે પત્ર લઈને અડધી રાત્રે અદાલતના દરવાજે જરૂર પહોંચી જાય છે."
"દેશની દરેક વ્યક્તિ આ ગૅંગ વિશે જાણે છે. અમે તેની પરવા પણ કરતાં નથી. પત્ર ગૅંગને પત્ર લખવા દો, યોગીજી તેમની શૈલીમાં કામ કરવાનું ચાલુ રાખશે."
ઉત્તર પ્રદેશ સરકારે 28 નવેમ્બરના રોજ રાજ્ય ધર્માંતરણ વટહુકમ બહાર પાડ્યો હતો એ પછી આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં 14 કેસ નોંધવામાં આવ્યા છે.
આ કેસોમાં અત્યાર સુધીમાં 51 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 49 લોકો હજી પણ જેલમાં છે.
મોટા ભાગના કેસમાં ફરિયાદ કરનારી વ્યક્તિ કાં તો પરિવારનો સભ્ય છે અથવા બીજા લોકો. પીડિત મહિલાઓ દ્વારા ફક્ત બે કેસમાં જ ફરિયાદ કરવામાં આવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













