યોગી સરકારનો ગેરકાનૂની ધર્માંતરણને રોકતો કાયદો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આંતરધાર્મિક લગ્નનોને લઈને ચાલી રહેલા ઘમસાણ વચ્ચે મંગળવારે 'ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ, 2020'ને મંજૂરી આપી દીધી છે.
આ કાનૂન હેઠળ બળજબરીથી થયેલું ધર્માંતરણ પ્રદેશમાં દંડનિય થશે. તેમાં 1 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને 15 હજારથી 50 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
લગ્ન માટે ધર્માંતરણને આ કાનૂનમાં અમાન્ય ઠેરવી દેવાયું છે. રાજ્યપાલની મંજૂરી પછી આ વટહુકમ લાગુ થઈ જશે.
ઉત્તર પ્રદેશ સરકારના કૅબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વટહુકમ જરૂરી હતો.
તેમણે કહ્યું કે મહિલાઓ અને ખાસ કરીને અનુસૂચિત જાતિ-જનજાતિની મહિલાઓને ન્યાય અપાવવા માટે આ એક જરૂરી પગલું હતું.
સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું, "લગ્ન માટે બળજબરીપૂર્વક થતા ધર્માંતરણના કિસ્સા વધી રહ્યા હતા. એટલે આ કાયદો જરૂરી હતો. 100થી વધુ નવા કિસ્સા સામે આવ્યા છે. આ ધર્માંતરણ છેતરપિંડી અને બળજબરીપૂર્વક થયાં હતાં. વળી હાઈકોર્ટે પણ આદેશ આપ્યો હતો કે જે રાજ્યમાં લગ્નો માટે ધર્માંતરણ થઈ રહ્યાં છે તે ગેરકાનૂની છે."

'ગેરકાનૂની ધર્માંતરણ'

ઇમેજ સ્રોત, Getty Images
યોગી સરકારના આ વટહુકમ અનુસાર 'ગેરકાનૂની ધર્માંતરણ' જો કોઈ સગીર અથવા અનુસૂચિત જાતિ-જનજાતિની મહિલાઓની સાથે થાય છે તો ત્રણ વર્ષથી 10 વર્ષની કેદની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે.
જો સામૂહિક ધર્માંતરણ થાય છે તો સજામાં ત્રણથી 10 વર્ષની જેલ થશે અને તેમાં સામલે સંગઠન પર 50 હજાર રૂપિયાનો દંડ પણ થશે. આ સાથે જ સંગઠનનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્માંતરણ બળજબરીપૂર્વક નથી અને છેતરપિંડીથી નથી થયું અને તે લગ્ન માટે નથી, તો તેને પુરવાર કરવાની જવાબદારી ધર્માંતરણ કરવાવાળી વ્યક્તિ અને ધર્માંધરિત થનારી વ્યક્તિની રહેશે.
જો કોઈ લગ્ન માટે પોતાની ઇચ્છાથી ધર્મ બદલવા માગે છે તો બે મહિના પહેલા સંબંધિત જિલ્લાના ડીએમને નોટિસ આપવી પડશે.
આવું ન કરનારને 10 હજાર રૂપિયાનો દંડ થશે અને 6 મહિનાથી 3 વર્ષ સુધીને જેલની સજા પણ થઈ શકે છે.
ગત મહિને 31 ઑક્ટોબરે જૌનપુરમાં એક ચૂંટણી રેલીમાં સંબોધન કરતી વખતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું,"લવ-જેહાદ પર કડક કાયદો આવશે."
યોગી આદિત્યનાથે અલાહાબાદ હાઈકોર્ટની સિંગલ બૅંચના જજના એ નિર્ણયનો આધાર આપ્યો હતો જેમાં લગ્ન માટે ધર્માંતરણને ગેરકાનૂની ગણાવાયું હતું.
જોકે બાદમાં આ જ કોર્ટના બે જજોની પીઠે આ નિર્ણયને કાનૂની રીતે ખોટો ગણાવ્યો હતો. વળી આ જ પ્રકારની કાયદા બનાવવાની વાત ભાજપ શાસિત મધ્ય પ્રદેશ અને હરિયાણાની સરકારો પણ કરી ચૂકી છે.

યોગી સરકારના આરોપો તપાસમાં કેટલા સાચા?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે એક દિવસ પહેલાં જ અલાહાબાદ હાઈકોર્ટે અંતરધાર્મિક લગ્ન સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી કરતી વખતે તેને વ્યક્તિગત સ્વતંત્રતા ગણાવતા તેમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
અલાહાબાદ હાઈકોર્ટે અંતરધાર્મિક લગ્ન સાથે જોડાયેલા એક મામલામાં યુવતીના પરિવાર તરફથી યુવક સામે દાખલ ફરિયાદને પણ રદ કરી દીધી હતી.
યુપીના કુશીનગરમા રહેતા સલામત અંસારી અને પ્રિયંકા ખરવારે ગત વર્ષે ઑગસ્ટમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં જ પ્રિયંકાએ ઇસ્લામ સ્વિકાર કરી લીધો હતો અને પોતાનું નામ બદલીને 'આલિયા' રાખી લીધું હતું.
પ્રિયંકાના પરિવારે તેને ષડયંત્ર ગણાવી આરોપ લગાવ્યો અને સલામત સામે એફઆઈઆર દાખલ કરાવી દીધી હતી. જેમાં તેમની પર અપહરણ અને બળજબરીપૂર્વક લગ્ન કરાવવા જેવા આરોપ લગાવ્યા હતા. સલામત વિરુદ્ધ પૉક્સો ઍક્ટ હેઠળની કલમો લગાવાઈ હતી.
પરંતુ સમગ્ર મામલાને સાંભળ્યા બાદ અદાલતે તમામ આરોપ હઠાવતા કહ્યું કે ધર્મની પરવા ન કરતા પોતાની પસંદગીના સાથી સાથે જીવન વિતાવવાનો અધિકાર જીવનના અધિકાર અને વ્યક્તિગત સ્વંતત્રતામાં જ સામેલ છે.
કોર્ટે સ્પષ્ટરૂપે કહ્યું કે જો બે વયસ્ક વ્યક્તિ પોતાની મરજીથી એકબીજા સાથે લગ્ન કરી રહી છે તો તેમાં કોઈ બીજી વ્યક્તિ, પરિવાર અથવા સરકારને વાંધો વ્યક્ત કરવાનો અધિકાર નથી.
આ નિર્ણય સંભળાવતા અદાલતે પોતાના પહેલાંના નિર્ણયોને પણ ખોટા ગણાવ્યા જેમાં કહેવાયું હતું કે લગ્ન માટે ધર્માંતરણ પ્રતિબંધિત છે અને આવાં લગ્નો પણ ગેરકાનૂની છે.

કાનપુરનો મામલો

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલાં કાનપુર જિલ્લામાં આંતરધાર્મિક લગ્નના મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ સોમવારે પોતાનો રિપોર્ટ કાનપુર પોલીસ મહાનિરીક્ષકને સોંપ્યો હતો.
એસઆઈટીએ આવા કુલ 14 મામલાની તપાસ કરી જેમાં 11 મામલમાં આરોપી અપરાધી ગતિવિધિઓમાં સામેલ જોવા મળ્યા હતા પરંતુ તેમાં એક પણ મામલામાં ષડયંત્રની વાત સામે નહોતી આવી.
કાનપુર ઝોનના પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે જણાવ્યું કે 11 મામલામાં આરોપપત્ર દાખલ કરી દેવાયું છે અને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.
તેમણે જણાવ્યું કે સગીર યુવતીઓને ખોટાં નામ બતાવીને પ્રેમ જાળમાં ફસાવનારા આરોપીઓ પર બળાત્કાર, અપહરણ અને લગ્ન માટે મજબૂર કરવા સહિતના આરોપ પણ લાગ્યા છે.
કેટલાંક હિંદુ સંગઠનોએ કાનપુરમાં આંતરધાર્મિક લગ્નની ઘટનાને મામલે પોલીસ અધિકારી મોહિત અગ્રવાલને ફરિયાદ પણ કરી હતી.
તેની તપાસ માટે અપર પોલીસ અધિક્ષકના નેતૃત્ત્વમાં આઠ સભ્યોની એસઆઈટી બનાવવામાં આવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












