રામજન્મભૂમિ : અયોધ્યાનો મુદ્દો હવે રાજકારણમાંથી વનવાસ લેશે?

નરેન્દ્ર મોદી અને યોગી આધિત્યનાથ

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી

1990 પછી ભારતમાં યોજાયેલી તમામ ચૂંટણીઓમાં રામમંદિરનો મુદ્દાને ખૂબ જ મોટા પ્રમાણમાં સ્થાન મળ્યું છે.

અહેવાલ અનુસાર ભાજપે 1996થી પોતાના ચૂંટણીઢંઢેરામાં રામમંદિર બાંધવાની વાત કરી હતી. માત્ર 1999માં એનડીએના ચૂંટણીઢંઢેરામાં આ વાત ન હતી. 2019ના ચૂંટણીઢંઢેરામાં પણ આ વાત કરવામાં આવી હતી.

રામમંદિર બનાવવાના અનેક વાયદાઓ જાહેરસભાઓમાં કરાતા હતા.

રામમંદિરનો ચુકાદો ભારતની સર્વોચ્ચ અદાલતે આપ્યો અને બુધવારે રામમંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો અને સત્તામાં રહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે શિલાન્યાસ પણ કરવામાં આવ્યો.

ત્યારે એક પ્રશ્ન થાય કે આગામી ચૂંટણીમાં ભાજપને તેનો કેટલો લાભ મળશે? અને શું ભારતના રાજકારણમાંથી રામમંદિરનો મુદ્દો રહેશે કે ગાયબ થઈ જશે?

વર્ષોથી રામજન્મભૂમિ આંદોલનને કવર કરતા વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે, “ભારતીય જનતા પાર્ટી(ભાજપ) આની ક્રૅડિટ લેશે અને જોરશોરથી પ્રચાર કરશે. આ મુદ્દો લોકોનાં મનમાં રહેશે. ભાજપને ફાયદો પણ થશે.”

રાજકીય વિશ્લેષક અને પત્રકાર જતીન દેસાઈ કહે છે, “રામજન્મભૂમિ રાજકીય મુદ્દો છે. જ્યારે ભાજપને થયું કે આ મુદ્દાથી તેમને જનાધાર મળશે ત્યારે તેમણે આ મુદ્દાને પોતાનો મુદ્દો બનાવ્યો. ભાજપ આનો ફાયદો મેળવવાનો પ્રયાસ કરશે પરંતુ તે લાંબા સમય સુધી ચાલશે નહીં તેઓ માત્ર આગામી એક-દોઢ વર્ષ સુધી ઉપયોગ કરી શકશે.”

આ ઉપરાંત વરિષ્ઠ પત્રકાર અજય નાયક પણ માને છે કે ભાજપને આનો ફાયદો થશે.

line

2024ની લોકસભાની ચૂંટણીમાં કેટલો લાભ થશે?

નરેન્દ્ર મોદી ભૂમિપૂજન પ્રસંગે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી ભૂમિપૂજન પ્રસંગે

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને રામમંદિરના મુદ્દાનો કેટલો લાભ મળશે તે અંગે વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, “ભાજપને મોટાં પ્રમાણમાં ફાયદો છે. ભાજપના એજન્ડામાં આ વાત હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે મંદિર બની રહ્યું છે પરંતુ ભાજપ શ્રેય લેવાનો પ્રયત્ન કરે છે. બિહારની ચૂંટણીમાં ભાજપને ઘણો લાભ મળશે”

તેઓ કહે છે,“2024 પહેલાં મંદિરને કોઈને કોઈ રીતે રીતે ન્યૂઝમાં રાખી લોકોના મગજમાં એ રીતે મુદ્દાને રાખશે અને ભાજપ સંપૂર્ણ લાભ લેશે.”

વરિષ્ઠ પત્રકાર અને હિંદુસ્તાન ટાઇમ્સના પૉલિટિકલ ઍડિટર વિનોદ શર્મા કહે છે, “ભાજપને ફાયદો કે નુકસાનની વાત તો ભવિષ્યમાં જ થઈ શકે છે પરંતુ ભાજપે 5 ઑગસ્ટે પહેલાં કલમ 370ને હઠાવી અને હવે રામમંદિર ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કર્યું. આમ ભાજપે 5 ઑગસ્ટને ભારતીયોની જિંદગીનો મહત્ત્વનો ભાગ બનાવ્યો છે. માટે આવનારા સમયમાં 15મી ઑગસ્ટ જેવી ઉજવણી કરે તો કોઈ શંકા નથી.”

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે, “મંદિરનું ઉદ્ઘાટન થશે ત્યાં સુધી ભાજપને આનો લાભ મળશે. બિહાર અને બંગાળની ચૂંટણીમાં લાભ લેવાનો પ્રયત્ન પણ કરશે અને તેમને લાભ પણ થશે.”

કેવી રીતે ભાજપને લાભ મળશે તે અંગે જગદીશ આચાર્ય વિસ્તારથી સમજાવતા કહે છે કે રાજકારણમાં કોઈ મુદ્દો હોય તો તેનો વિરોધ કરવાવાળું હોય તો મુદ્દો બનેલો રહે. આજની તારીખે રામ મંદિરનો વિરોધ કોઈ મોટી પાર્ટીએ કર્યો નથી. કૉંગ્રેસનો હાલ સુધી સૂર વિરોધમાં આવતો હતો તેમણે પણ સમર્થન કર્યું છે. પરંતુ જ્યારે ભવિષ્યમાં નાના પક્ષો કે કોઈ એકલ દોકલ નેતા વિરોધ કરશે તો ભાજપ એકના કારણે આખા વિપક્ષને જવાબદાર ઠેરવશે અને હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવાના પ્રયત્ન કરશે.

જોકે, જતીન દેસાઈનો મત અલગ છે. તેઓ કહે છે,“ભારતની આર્થિક સ્થિતિ ખરાબ છે, બેરોજગારી પણ ઊંચાઈએ છે. મનરેગામાં પણ 200 દિવસની રોજગારીની માગ ઊભી થઈ છે. ભૂખ્યા પેટે ભજન ના થાય એ ન્યાયે 2024ની ચૂંટણીમાં એટલો મોટો મુદ્દો બની શકશે નહીં.”

“છેલ્લાં 6 વર્ષમાં એઇમ્સ જેવી કોઈ હૉસ્પિટલ બની નથી અને કોરોનાની મહામારીમાં ઊભા થયેલાં પ્રશ્નો અને ચીનની ભારતની જમીન પર કબજો વગેરે મુદ્દે લોકો સરકાર પાસે જવાબ માગશે.”

line

ગુજરાતની પેટાચૂંટણી પર કેવી અસર?

રામજન્મભૂમિ કાર્યક્રમ વખતે કૉંગ્રેસ નેતા કમલનાથ મધ્યપ્રદેશમાં

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રામજન્મભૂમિ કાર્યક્રમ વખતે કૉંગ્રેસ નેતા કમલનાથ મધ્યપ્રદેશમાં

રામમંદિર આંદોલનની શરૂઆત સોમનાથથી ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરી હતી. આંદોલનને સફળ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના લોકોની ભૂમિકા પણ મહત્ત્વની હતી.

રામજન્મભૂમિ આંદોલનનો વિશેષ નાતો ગુજરાત સાથેનો હોય પરંતુ તેનો રાજકીય ફાયદો ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપને મળે તેમ રાજકીય વિશ્લેષકોને લાગી રહ્યું નથી.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય અને અજય નાયક માને છે કે, પેટાચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ, નેતાની છબિ વગેરે બાબતો મહત્ત્વની હોય છે માટે ભાજપને પેટાચૂંટણીમાં ફાયદો મળી શકે તેમ નથી.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ મુદ્દાનો ખુબ જ મોટાં પ્રમાણમાં ઉપયોગ કરશે તેમ કહેતા અજય નાયક કહે છે કે ગુજરાતથી જ અડવાણીની રથયાત્રા નીકળી હતી અને તેના કર્તાહર્તા નરેન્દ્ર મોદી હતા. વિશ્વ હિંદુ પરિષદ પણ ઘણી સક્રિય હતી અને ગુજરાતના લોકોએ પણ રામમંદિર આંદોલનને ઘણું સમર્થન આપ્યું હતું માટે ભાજપ આનો ફાયદો ઉઠાવવા ઘણો પ્રયત્ન કરશે અને ફાયદો મળશે પણ ખરો.

જગદીશ આચાર્ય કહે છે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તો હજુ વાર છે. ત્યાંસુધી અનેક નવા મુદ્દાઓ અને સમીકરણો ઊભા થશે. આજના દિવસે જેટલી તીવ્રતા છે તે આગામી દિવસોમાં જોવા નહીં મળે. પરંતુ નવું વાતાવરણ અને હાઇપ ચોક્કસ બનશે.”

line

દેશમાં નવા રાજકારણની શરૂઆત?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રામજન્મભૂમિ આંદોલન અને હવે મંદિર નિર્માણનું કામ શરૂ થવું તે એક અધ્યાયનો અંત આવી રહ્યો હોવાનું લાગે છે ત્યારે પ્રશ્ન થાય કે શું દેશના રાજકારણમાંથી મંદિરનો મુદ્દો ગાયબ થઈ જશે? પરંતુ રાજકીય વિશ્લેષકો આને નવા રાજકારણ તરીકે જોઈ રહ્યા છે.

અજય નાયક કહે છે કે દેશમાં હિંદુત્વનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ઉઠશે. તેઓ ભારતમાં શરૂ થનારા નવા રાજકારણની વાત કરે છે.

નવા રાજકારણ વિશે સમજાવતા તેઓ કહે છે, “દેશમાં હિંદુત્વના રાજકારણની હવે શરૂઆત થઈ હોય તેમ લાગે છે. કૉંગ્રેસ બિનસાંપ્રદાયિક પક્ષ તરીકે મનાતો હતો પરંતુ હવે તેનું પણ વલણ બદલાયું છે. રામમંદિર અંગે પ્રિયંકા ગાંધીનું નિવેદન અને કમલનાથ જેવા નેતાએ કરેલાં હનુમાન ચાલીસાના પાઠ કૉંગ્રેસના બદલાયેલા વલણ તરફ ઇશારો કરે છે. જેનાથી આ તમામ પાર્ટી હિંદુત્વના મુદ્દાને પોતાની સાથે લે એમ લાગે છે.”

રામદત્ત ત્રિપાઠી પણ કહે છે કે, આ મુદ્દો પૂર્ણ થયો નથી પરંતુ અનેક નવા રૂપે શરૂ થયો છે. તેઓ કહે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અનેક સંગઠનોએ કાશી અને મથુરામાં પણ આ જ પ્રકારે જ્યાં મંદિર મસ્જિદ સાથે સાથે છે તેમને હઠાવવા માટે થનગની રહ્યા છે.

તેઓ કહે છે, “એકની ઇચ્છા તમે પૂર્ણ કરી તો બીજાની પણ તમારે પૂર્ણ કરવી પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ વધશે. હવે એ જોવાનું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આની પર વધારે ફોક્સ કરે છે કે દબાણને ખાળે છે.”

રામદત્ત ત્રિપાઠી પણ કહે છે, “કૉંગ્રેસે તો પહેલાં પણ 42 એકર જમીન આપી હતી તે મંદિર બને તે માટે આપી હતી અને મસ્જિદ તૂટે નહીં તેવા પક્ષમાં હતી આમ બંને પક્ષો અંગે વિચારતી હતી.”

તેઓ વધુમાં કહે છે, “હવેથી કોઈપણ રાજકીય પક્ષ પોતાની મુસ્લિમોના પક્ષ તરીકેની ઓળખ ઊભી થાય તે પહેલાં રોકશે.”

વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા પણ કહે છે, “રામમંદિર બનવું એ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બને એ સૌથી સારી બાબત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો રામમંદિર સાથે જોડાયેલો છે અને તેનું અર્થઘટન બીજા મંદિર સંદર્ભે કરવું નહીં છત્તાં કાશી વિશ્વનાથ અને બીજા ધાર્મિક સ્થળની મસ્જિદનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.”

જગદીશ આચાર્ય કહે છે, “કૉંગ્રેસ પોતાની પર લાગેલો હિંદુ વિરોધી અને મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ રાખવાના વલણના આરોપને ખાળવામાં નિષ્ફળ ગઈ છે. મુસ્લિમોએ પણ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો સાથ છોડી દીધો છે ત્યારે કૉંગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે હિંદુ વિરોધી છબિને દૂર કરવા સોફ્ટ હિંદુત્વના રાજકારણની શરૂઆત કરે તેમ લાગે છે”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને શું મળ્યું?

અયોધ્યા

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે વિઝન અને એજન્ડા હતો તે પૂર્ણ થયો છે. તેમની જીત છે. દેશમાં કૉંગ્રેસ, ગાંધીજી અને નેહરુનું એમ અનેક વિઝન અસ્તિવત્વમાં હતા. આરએસએસના એજન્ડામાં હિંદુ રાષ્ટ્રની વાત હતી. ”

“કલમ 370 હઠાવવી, રામ મંદિરનું નિર્માણ થવું અને નવા નાગરિક્તા કાયદાનું આવવું આ તમામ હિંદુ રાષ્ટ્રના મહત્ત્વના મુદ્દા હતા અને તે આ સરકારમાં પૂર્ણ થઈ રહ્યા છે.”

“મોદી અગાઉ અડવાણી અને વાજપેયી ભારતના બંધારણમાં માનતા હતા માટે છૂટથી આ કામ કરી શકતા ન હતા. જ્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર્તા રહી ચૂક્યા છે અને પોતે સંઘના એજન્ડાને પૂર્ણ કરી રહ્યા છે માટે સંઘને ખુશી છે.”

જતીન દેસાઈ કહે છે, “આરએસએસનું કામ પોલરાઇઝ(ધ્રુવીકરણ) કરવાનું છે. આજે પોલરાઇઝ કરવામાં તેમને મદદ મળી જ રહી છે. હિંદુઓએ મુસ્લિમોના ઘરે જવાનું બંધ કરી દીધું છે. મુસ્લિમોએ હિંદુઓના તહેવારોમાં જવાનું બંધ કરી દીધું છે. આ પોલરાઇઝેશનમાં તેમને સફળતા મળી છે.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો